ગણેશજીની પ્રદક્ષિણા ને જીવનનો કઠિન પ્રવાસ

આપણા હિંદુ પંચાંગ મુજબ ભાદ્રપદ સુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ. થોડા જ દિવસોમાં દેશભરમાં ગણેશ ચતુર્થી ઉત્સવ ધામધૂમથી ઊજવાશે. ગણેશજીને તમામ પ્રકારનાં વિઘ્નો અને અવરોધો દૂર કરનાર દેવ માનવામાં આવે છે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરતાં પહેલાં તેમનું પૂજન કરવામાં આવે છે, પરંતુ રિદ્ધિ-સિદ્ધિના આ દેવતાના પોતાના જીવનમાં પણ વિઘ્નો આવ્યાં હતાં.

પૌરાણિક કથા અનુસાર, એક વાર દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીએ કાર્તિકેય અને ગણેશજીની પરીક્ષા લેતાં સમસ્ત બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું કહ્યું. કાર્તિકેય તો પોતાના મોર પર બેસીને બ્રહ્માંડ ભ્રમણ કરવા નીકળી પડ્યા, પરંતુ કદમાં વિશાળ એવા ગણેશજી માટે મૂષક પર સવાર થઈ સમગ્ર બ્રહ્માંડનો આ સીધો અને ભવ્ય માર્ગ કાપવો અત્યંત દુર્ગમ અને અશક્ય લાગતો હતો.

તે વેળા ગણેશજીએ પોતાની નિષ્ફળતા કે મર્યાદા માનવાને બદલે આવી પડેલા પડકારને નવો જ વળાંક આપ્યો. એમણે હિંમત હારવાને બદલે પોતાની બુદ્ધિ અને શ્રદ્ધાનો સહારો લઈને માતા-પિતા (શિવ-પાર્વતી)ને જ સમસ્ત બ્રહ્માંડ માનીને તેમની પ્રદક્ષિણા કરી લીધી!

જીવનના રસ્તા જ્યારે અડચણોથી ભરેલા હોય અને સીધી સડક પર ચાલવું અશક્ય લાગે ત્યારે ગણેશજીની જેમ પોતાની બુદ્ધિથી નવો માર્ગ કંડારવો એ જ સાચું ડહાપણ છે, કેમ કે જીવન એ કંઈ સીધી સડકની સફર નથી, પણ ઊબડખાબડ રસ્તા અને દુર્ગમ પહાડો વચ્ચેથી પસાર થતો એક કઠિન, પણ રોમાંચક પ્રવાસ છે.

ઘણી વાર આપણને લાગે કે એકાદ મુશ્કેલી કે નિષ્ફળતા એ રસ્તાનો અંત છે, પણ વાસ્તવમાં એ માત્ર એક વળાંક હોય છે. સફળતાનો સ્વાદ એને જ મળે છે, જે પડકારોની સામે પીછેહઠ કરવાને બદલે પથ્થર સાથે ટકરાઈને પોતાનો માર્ગ કંડારવાની હિંમત રાખે છે.

જ્યારે સંકલ્પ અડગ હોય અને મનમાં કંઈ કરી છૂટવાની તમન્ના હોય, ત્યારે કુદરત પણ રસ્તો કરી જ આપે છે. જીવનના સંઘર્ષોથી ગભરાવાને બદલે તેને ખમી લેવાની વૃત્તિ જ માનવીને વિજેતા બનાવે છે. કહે છે ને કે, “કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.”

નાનકડી કીડી અનાજનો દાણો લઈને દીવાલ ચઢે છે ત્યારે અનેક વખત પડે છે, છતાં હાર માન્યા વગર ફરી દાણો પકડીને દીવાલ પર ચઢે છે. પોતાના કદ કરતાં મોટા અનાજના દાણાને પકડીને લઈ જવામાં કીડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે, છતાં અનાજના દાણાને એ છોડતી નથી.

માણસને તો ભગવાને બુદ્ધિ અને બળ બંને આપ્યાં છે. શા માટે આપણે નિષ્ફળતા મળવાથી હતાશ થઈએ છીએ? જો નાનકડી કીડી ઝઝૂમવાનો જુસ્સો ધરાવતી હોય, તો આપણે શા માટે હિંમત હારી નિષ્ક્રિયતાની ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ?

અમેરિકન લેખક-પ્રકાશક-ફિલસૂફ એલ્બર્ટ હ્યુબાર્ડ કહેતા કે, “ઈટ ઈઝ ફ્રૉમ ધ ફૅઈલ્યૉર ધૅટ વન ગેટ્સ ધ વે… ઍન્ડ વે ટુ સક્સિડ” અર્થાત્ નિષ્ફળતા જ સફળતાનું સરનામું ચીંધે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી એમ બે વાર બ્રિટનના વડા પ્રધાન રહેનારા રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલનું જીવન પણ નિષ્ફળતાથી ભરેલું હતું. શૈશવકાળમાં ગણિતમાં સૂઝ ન હોવાના કારણે એમની સ્કૂલના પ્રિન્સિપાલ અવારનવાર એમને ટોકતા, ક્યારેક એકાદ ધોલ પણ લગાવતા. એમણે સ્કૂલો બદલી, પણ બધે આ જ સ્થિતિ. એકમાં તો એ પ્રવેશ પરીક્ષામાં જ નાપાસ થયા. તે પછી મિલિટરી કૉલેજની પ્રવેશ પરીક્ષામાં પણ નિષ્ફળતા મળી. વારંવાર નિષ્ફળ થવા છતાં તેમણે પ્રયત્ન ન ત્યજ્યો અને એક સમયે એ બ્રિટનના વડા પ્રધાન બન્યા.

સીધા-સરળ રસ્તા પર ચાલવું, એમાં શું ખરી મજા? ખરી મજા ડુંગરા ખૂંદવાની છે. કહે છે ને કે, ત્રણ સ્ટમ્પ્સને બચાવી, ફિલ્ડરો વચ્ચેથી બૉલ કાઢી ચોગ્ગા-છગ્ગા મારવા એ ખરી ક્રિકેટ.

તો આવો, શ્રી ગણેશજી અને મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈ વિઘ્નોથી હાર્યા વિના, જીવનમાંથી નિષ્ફળતાને ખંખેરી સફળતાના સરનામે ડગ માંડીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)