લગભગ તમામ રાષ્ટ્રીય વર્તમાનપત્રોનાં પહેલા પાને એ સમાચાર ચમક્યા. લખનૌમાં 16 વર્ષના ટીનએજરે પોતાની માતાની હત્યા કરી. કારણ? એ એને મોબાઈલ ફોન પર ખતરનાક કહેવાય એવી ગેમ રમવા દેતી નહોતી. વધારે આઘાતજનક હકીકત તો એ છે કે ધરપકડ બાદ ટીનએજરે એનો મનોપચાર કરતા કાઉન્સેલરને કહ્યું કે ‘મારા કૃત્ય બદલ પસ્તાવો નથી.’
અલબત્ત, મોબાઈલ ગેમિંગ કે સોશિયલ મિડિયાનું એડિક્શન હદ વટાવી ગયાના આ કોઈ પહેલા સમાચાર નથી, પણ એ માટે પુત્રએ માતાની હત્યા કરી નાખી એ કદાચ પહેલો બનાવ હશે. આવું વાંચીએ, જાણીએ ત્યારે કડવી તો કડવી, એ વાસ્તવિકતા સ્વીકારવી પડે કે ઓછા સમયમાં કાયમી લત લગાડી દેનાર સ્માર્ટ ફોન સ્માર્ટ તો કહેવાય.
લખનૌના ખળભળાવી દેતા સમાચારના સંદર્ભમાં અમિકાના પ્રસિદ્ધ પત્રકાર-લેખક નિક બિલ્ટનનો અનુભવ મમળાવવો બહુ રસપ્રદ રહેશે. દુનિયાના સૌથી સ્માર્ટ નહીં, પણ સ્માર્ટેસ્ટ ફોન, આઈપૅડ બનાવનાર અમેરિકાની ‘ઍપલ કંપની’ના સ્થાપક સ્ટિવ જૉબ્સનું 56 વર્ષની વયે અવસાન થયું એ પછી નિક બિલ્ટને ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં એક લેખ લખેલો, જેમાં એમણે સ્ટિવ જૉબ્સ સાથેની એક મુલાકાતનો ઉલ્લેખ કરેલો. નિક બિલ્ટન લખે છે કે “મેં સ્ટિવને પૂછ્યું કે તમારાં બાળકોને તમે બનાવેલા આઈફોન, આઈપૅડ બહુ ગમતાં હશે, નહીં?”
જવાબ આપતાં સ્ટિવ જૉબ્સે કહ્યું કે “મારી દીકરી અને દીકરો આમાંનું કંઈ જ વાપરતાં નથી. માતા-પિતા તરીકે અમે સંતાનોએ ટેક્નોલોજી કેટલી વાપરવી એ વિશે બહુ સભાન છીએ. આની અમે એક લિમિટ નક્કી કરી છે.”
એ પછી નિક બિલ્ટન જે લખે છે કે એ વિચારવા જેવું છે. નિક લખે છે કે “સ્ટિવ જૉબ્સના આ ઈન્ટરવ્યૂ બાદ હું કંઈકેટલા ટેક્નોલોજી કંપનીના વડાને મળ્યો. બધાનો આ જ સૂર હતોઃ “સંતાનો માટે અમે સ્ક્રીન-ટાઈમ વિશે કડક નિયમ રાખ્યા છે. અમારી સાથે કનેક્ટેડ રહેવા એમને સાદા ફોન આપીએ છીએ… આની સાથે, આપણા જેવા નૉર્મલ માવતરને સરખાવો. આપણે આપણાં બાળકોને દિવસ-રાત ટેબ્લેટ, સ્માર્ટ ફોનની ચકાચૌંધ રોશનીમાં નહાવા દઈએ છીએ.”
કોઈને કદાચ એવું લાગે કે મા-બાપ તરીકે આ બધા સીઈઓ કે કંપનીમાલિકો વધારે પડતા કડક, કે જક્કી છે, પણ આ ટેક્નોલોજી એક્સપર્ટ્સ જાણે છે કે ગેજેટ્સમાં કૂમળાં માનસને બગાડવાની અપાર શક્તિ છે, કેમ કે એ શક્તિ એમણે જ મૂકેલી છે.
બીજી બાજુ, આપણે તો એ ટેક્નોલોજી કંપનીઓના વડા કરતાં પણ સ્માર્ટ છીએઃ સંતાન જરા સમજદાર થયાં નથી કે એમના હાથમાં મોંઘા સ્માર્ટ ફોન મૂકી દઈએ છીએ. આજે કેટલુંબધું ન બનવાનું આ સ્માર્ટ ફોનને લીધે બને છે, ડિજિટલ એડિક્શન વધતું જ જાય છે વિનાશ વેરતું જાય છે.
હા, સ્માર્ટ ફોન આજે લક્ઝરી નહીં, પણ જરૂરિયાત બની ગયો છે. કબૂલ, પણ એના ઉપયોગ પર કન્ટ્રોલ રાખી શકાય કે નહીં? પૂજ્ય પ્રમુખસ્વામી કહેતા કે “વિવેકથી વાપરવામાં આવે તો નવી ટેક્નોલોજી આવકારદાયક છે. અતિરેક કોઈ પણ ચીજનો સારો નહીં.” બે જ વાક્યમાં સ્વામીજીએ જરાય ઉપદેશાત્મક ન લાગે એ રીતે ગહન વાત સમજાવી દીધીઃ મોબાઈલ, ટેબ્લેટ કે ઈન્ટરનેટ વાપરવાની ના નથી. આજના સમયની એ માગ છે, પણ એનો કેવો અને કેટલો ઉપયોગ કરવો એ સમજી જઈએ તો?
-અને આ હકીકત માત્ર સંતાનોએ જ નહીં, મા-બાપે પણ સમજવાની જરૂર છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)