તમારો સમય કોણ ચોરી જાય છે?

થોડાં વર્ષ પહેલાં અમેરિકાની જગવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીએ એક સર્વે કરાવ્યો. 110 દેશોમાં આઠ વર્ષ ચાલેલા આ સર્વેમાં સમાજના વિવિધ વર્ગના એક લાખ જેટલા પરિવારની મુલાકાત લેવામાં આવી. બધાને એક જ સવાલ પૂછવામાં આવ્યોઃ

“આ પૃથ્વી પર તમારા માટે પરમ આનંદ કયો?” અથવા “પરમ આનંદની તમારી વ્યાખ્યા શું?”

67 ટકાથી વધુ લોકોના જવાબનો સાર હતોઃ “સ્પેન્ડિંગ ક્વૉલિટી ઍન્ડ ક્વૉન્ટિટી ટાઈમ વિથ નીઅર ઍન્ડ ડિયરવન્સ” અર્થાત્ “જેમને ચાહીએ છીએ, જેમનો આદર કરીએ છીએ એવા પરિવારજનો સાથે બને એટલે વધુ સમય વિતાવવો… અને એ લોકો પણ અમારી સાથે નિર્મળ આનંદ વહેંચતાં, શક્ય એટલો વધુ સમય વિતાવે.”

એક વાત તમે નોંધી જ હશેઃ આ ભાગદૌડ ભરેલી જિંદગીમાંથી સમય કાઢી તમે નિરાંતની પળ માણતાં માણતાં વીતેલા સમયનું સ્મરણ કરતા હો ત્યારે પરમ સંતોષ આપતી સ્મૃતિ હશેઃ તમારા પરમ સુખ તમે એમને, એમણે તમને આપેલાં સુખ-સંતોષ.

-અને સમય આપવો એટલે માત્ર મિનિટ કે કલાક નહીં, પણ પરિવારજનોને આનંદ મળે, એમની સાથે આત્મીયતા વધે એવો સમય.

આ આનંદ મેળવવા જરૂરી છે આપણા વ્યક્તિત્વમાં, આપણા સ્વભાવમાં નાના-મોટા સુધારા. જો જરૂરી હોય તો કૌટુંબિક મૂલ્યો, પરિવારની એકતા પર હંમેશાં ભાર મૂકતાં પૂજ્ય પ્રમુખસ્વામી કહેતા કે, પરિવારને સુખી રાખવા તમારે સુધરી જવું, જરૂર પડ્યે સુધારો કરી લેવો. સમય આપણને સુધારે એ પહેલાં સુધરી જવું. અટંટાઈ, કુસ્વભાવ, દુર્ગુણ આપણે નહીં મૂકીએ તો કુદરત પાસે, ભગવાન પાસે એ મુકાવવાની અનેક રીત છે.

એક સમય હતો, જ્યારે આપણાં ઘરોમાં ટેલિવિઝન નહોતાં, મોબાઈલ નહોતા, મનોરંજનનો આવો દૂષિત દરિયો વહેતો નહોતો… એ સમયે સંયુક્ત કુટુંબોમાં સમી સાંજે જમીને સૌ ભેગા મળી ગપ્પાં-ગોષ્ઠિ કરતા, પેઢી-દર-પેઢીમાં સંસ્કાર ઊતરતા. આજે તો બહુધા ન્યુક્લિયર ફૅમિલી જોવા મળે છે, જેમાં પિતા નોકરી-ધંધામાં રચ્યાપચ્યા રહેતા હોય, માતા પણ મોટે ભાગે નોકરીવ્યવસાયમાં કે સામાજિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતી હોય, જ્યારે સંતાન માવતરના સમયની સતત ઝંખના કરતાં હોય છે. અલબત્ત, સ્ત્રી-પુરુષ ખભેખભા મિલાવી કામકાજ કરે એમાં કંઈ ખોટું નથી. બલકે મહાનગરોમાં તો પતિ-પત્ની બન્ને કમાય એ હવે જરૂરિયાત બની ગઈ છે, પણ માતા-પિતાનો સમય, એમની હૂંફ ઝંખતાં સંતાનોનું શું? આ પ્રશ્ન પર પણ પતિ-પત્નીએ સાથે મળીને વિચાર કરવા જેવો ખરો કે નહીં?

આજે શહેરોમાં વાયર્ડ ફૅમિલી જોવા મળે છે. વાયર્ડ ફૅમિલી એટલે એક કુટુંબ એક છત હેઠળ, ચાર દીવાલો વચ્ચે રહેતું હોય, પણ એકબીજા સાથે કનેક્ટેડ નથી, પરંતુ બધાં વાયર સાથે કનેક્ટેડ છે. ડાઈનિંગ ટેબલ પર બેઠાં હોય કે લિવિંગ રૂમમાં બેઠાં હોય, સૌના હાથમાં મોબાઈલ હોય, સૌ પોતાના મોબાઈલમાં માથું ઘાલીને બેઠાં હોય. આ દશ્ય હવે સામાન્ય થઈ પડ્યું છે. લોકો બે ફૂટ દૂર બેઠેલી લોહીની સગાઈ કરતાં બસ્સો-ચારસો-ચાર હજાર ફૂટ બેઠેલા ઓળખીતા-અણઓળખીતા, ઈન્ટરનેટના સંબંધીને વધુ મહત્વ આપતા થઈ ગયા છે. પરિવાર સાથે બેઠા હોઈએ ત્યારે પણ મોબાઈલ ચાલુ કરી દે છે. કહેવાનો અર્થ એ કે પરિવારને આપવાનો છે એ સમય આ ગેજેટસ ચોરી જાય છે.

તમારી સાથે પણ જો પરિવારના ભોગે સમયની આવી ચોરી થતી હોય તો વિચારવા જેવું ખરું. કેમ કે સમય પૈસાથી ખરીદી શકાતો નથી. જીવનની સમી સાંજે ક્યાંક એવો વસવસો ન રહી જાય કે પત્ની-બાળક-માતાપિતાને આપવો જોઈતો સમય મેં ભળતી પ્રવૃત્તિ પાછળ ખર્ચી નાખ્યો. વિચારો અને અત્યારથી અમલમાં મૂકો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]