થોડા જ દિવસ પહેલાં, (મંગળવાર, 21 ફેબ્રુઆરીએ) એક સમાચાર વાંચ્યા ને કંપારી છૂટી ગઈ. કર્ણાટકના હસન જિલ્લામાં 20 વર્ષના એક યુવાને લેટેસ્ટ આઈફોન ઑનલાઈન ઑર્ડર કર્યો. પેમેન્ટમાં વિકલ્પ રાખ્યોઃ કૅશ ઑન ડિલિવરી અર્થાત્ માણસ ફોન ડિલિવર કરવા આવે ત્યારે એને રોકડા ચૂકવી દેવાના. ડિલિવરી આવી, યુવાને ફોન લઈ લીધો અને રોકડાને બદલે ફોન લઈને આવનારને મોત આપ્યું. કારણ મોંઘોદાટ આઈફોન ઑર્ડર તો કરી દીધો, પણ કૅશ ઑન ડિલિવરી માટે પૈસા જ નહોતા.
આપણે ત્યાં સ્માર્ટફોનનું ગાંડપણ છે એવું કદાચ દુનિયામાં ક્યાંય નહીં હોય. એમાંય કોરોનાકાળમાં જ્યારે માવતરોએ કમ્પલસરી દીકરા-દીકરીને ફોન અપાવવા પડ્યા, જેમાંથી એક નવી જ સમસ્યા ઊભી થઈ. પોતાના બાળકુસુમને સ્માર્ટ ફોન-ઈન્ટરનેટના વાવાઝોડામાં ફંગોળાતાં જોઈ રહેલા માવતર નિસાસો નાખતાં કે ‘કોરોનાએ તો દાટ વાળ્યો. છોકરાં ભણવા કરતાં બગડે છે વધારે.’
એ સમયે એટલે કે બેએક વર્ષ પહેલાં કોરોનાને પગલે થયેલા લૉકડાઉન દરમિયાન બી.એ.પી.એસ. સંસ્થાના એક હજારથી વધુ સંતો-કાર્યકરો અધ્યાત્મ, નૈતિકતા તેમ જ કોરોના વેક્સિનની જાગૃતિ માટે ગુજરાતભરમાં લાખો ઘરોની પર્સનલી વિઝિટ કરી રહ્યા હતા ત્યારે તેમના અનુભવોના આધારે નિષ્ણાતોએ તારણ કાઢ્યું કે કોરોના મહામારીએ જેટલી જાનહાનિ કરી છે તેનાથી વધુ ચારિત્ર્યહાનિ કરી છે. કોરોનામાં માણસનાં મૃત્યુ માટે તો ઘણા જાગ્રત છે, પણ સંસ્કારોનાં મૃત્યુ માટે કેટલા?
કલાકોના કલાકો સુધી નેટ-સર્ફિંગની કુટેવ માટે નિષ્ણાતો કહે છે: અશ્ર્લીલ અને અસામાજિક પદ્ધતિ શીખવતી વેબસાઈટ્સ જોવાથી બાળકો અને યુવાનોનાં ચારિત્ર્ય અને મનોબળ પર ઘાતક અસર પડી રહી છે. વળી આ રીતે લાંબો સમય મોબાઈલ, ટેબ્લેટ સામે બેસી રહેવાના કારણે અભ્યાસ અને આરોગ્ય બંનેને જોખમમાં આવી જાય છે.
આનો એકમાત્ર ઉપાય છેઃ મા-બાપની જાગૃતિ. અંગ્રેજ તત્ત્વચિંતક અને નૉબેલ પ્રાઈઝ વિજેતા બર્ટ્રાન્ડ રસેલે ‘એજ્યુકેશન ઍન્ડ ધ સોશિયલ ઑર્ડર’ વિષયક પુસ્તકમાં લખ્યું છે કે, ‘સ્કૂલ કરતાં ઘરમાં આપવામાં આવેલું શિક્ષણ વધારે ઉપયોગી છે. અત્યારે બાળકો અને યુવાનોના માનસિક વિકાસમાં ઘરનાએ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.’ ટૂંકમાં મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ સંતાનના જીવનઘડતરનો પાયો છે.
અંગ્રેજ કવિ સૅમ્યુઅલ ટેલર કોરિજને તેમના એક મિત્રે કહ્યું, ‘મને એ સમજાતું નથી કે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાની હિમાયત શા માટે થઈ રહી છે!’
‘કેમ, તેમાં વાંધો લેવા જેવું શું લાગે છે?’ કવિએ પૂછ્યું.
મિત્ર કહે, ‘બાળકોની બુદ્ધિ અપરિપક્વ હોય છે. તે પરિપક્વ ન થાય ત્યાં સુધી તેના પર આવા વિચારો લાદવા જોઈએ નહીં. મોટાં થાય ત્યારે શું ગ્રહણ કરવું અને શું નહીં તે પોતાની મેળે જ નક્કી કરી લેશે. વળી, બાળકોની સ્વતંત્રતા પર તરાપ મારી તેને ધાર્મિક શિક્ષણ આપવું એને હું જોહુકમી જ માનું છું.’
આ સાંભળી કવિએ કંઈ જવાબ ન આપ્યો. એમણે મિત્રને કહ્યું, ‘ચાલો, મારા બગીચામાં એક લટાર મારીએ.’ બગીચામાં આડેધડ ઊગેલું મોટું ખડ, ઝાડીઝાંખરાં, નકામા છોડ, વગેરે જોઈને મિત્રએ કહ્યું, ‘આને તમે બગીચો કહો છો? આને તો જંગલ કહેવાય જંગલ… બધું કેવું આડેધડ ઊગી નીકળ્યું છે.’
કવિ કોલરિજ કહે, ‘બગીચામાં કોઈ છોડ, ઘાસ કે વેલીની સ્વતંત્રતા ઉપર હું ખોટું આક્રમણ કદી કરતો નથી, એમને જેમ ઊગવું હોય તેમ ઊગે. એમની મરજી મુજબ ઊગવા અને જ્ઞલવા દઉં છું.’ મિત્ર સમજી ગયો કે કોલરિજે પોતાને પોતાની સમજણ વિશે ઉત્તર આપી દીધો છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતાં કે જો તમે તમારાં બાળકોને (બાળપણથી જ) સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’
યાદ રહે, મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ જીવનઘડતરનો પાયો છે. જો સંસ્કારનું સિંચન સારું થશે તો પાયો મજબૂત બનશે. સંસ્કાર-હનનથી માનવ નહીં, માનવજાતને નુકસાન થઈ શકે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
