સુધારાની સરહદ હોય ખરી?

મુકેશ અંબાણી, ગૌતમ અદાણી કે તાતા-બિરલા કે મિત્તલ-ગોએન્કા…આ અને એમના જેવા અનેક માંધાતા ઉદ્યોગપતિ વચ્ચે એક સમાનતા શું છે?

એ જ કે એમણે અવારનવાર એક ટીકાનો ભોગ બનવું પડતું હોય છે. આ ટીકા એટલે…‘આને હજી કેટલું કમાવું છે? સંતોષ જેવો શબ્દ જ નથી એના જોડણીકોશમાં?’

અથવા, ‘આ ક્યારે રિટાયર થશે? 78ના થયા, પણ હજુ કામ કર્યા જ કરે છે.’

આવી ટીકા ટિપ્પણી કરનારા એ ભૂલી જાય છે કે દેશના આર્થિક સામાજિક વિકાસ, નોકરીની તકો, વગેરે માટે ઉદ્યોગપતિઓનું વધારે કમાવવું, વિસ્તરણ, વૈવિધ્યકરણ બહુ જ મહત્વનાં છે.

-પણ આપણો વિષય એ નથી. એક પ્રેરણાદાયી દષ્ટાંતકથાથી વિષય સમજીએઃ એક ગામમાં કુશળ શિલ્પકાર રહેતો. પથ્થરોમાંથી સુંદર મૂર્તિ ઘડવામાં એનો જોટો ન જડે. વખત જતાં શિલ્પકારનો પુત્ર પણ પિતાના પગલે શિલ્પી બન્યો. જો કે બનતું એવું કે એ કોઈ પણ મૂર્તિ બનાવે તો પિતા એમાં ખામી કાઢે. આના લીધે પુત્રને સતત અસંતોષ રહેતો. અંતે તેણે એક યુક્તિ કરી. એણે એક મૂર્તિ બનાવી અને એ લઈને પિતા પાસે ગયોઃ ‘પિતાજી, આજે સવારે મને જમીનમાંથી આ મૂર્તિ મળી. સુંદર છે નહીં?’

પિતાએ મૂર્તિનાં ખૂબ વખાણ કરતાં કહ્યું: ‘બેટા, તારે આવી મૂર્તિ બનાવતાં શીખવાનું છે.’

દીકરાએ કહ્યું, ‘આ મારી જ બનાવેલી મૂર્તિ છે.’

પિતાએ કહ્યું: ‘બેટા, તારી પ્રગતિ અટકી ગઈ, કારણ કે તું તારા કાર્યથી સંતુષ્ટ થઈ ગયો.’

ખરેખર પ્રગતિના પંથમાં જોઈ કોઈ સ્પીડબ્રેકર હોય તો એ છે સંતોષ. ગયા શનિવારે આપણી ટીમ ક્રિકેટટીમ રસાકસીથી વર્લ્ડ કપ જીતી લાવી. જો આ કપથી ટીમ સંતોષ માની લે તો? એક સમયે ભારત વતી રમતા ક્રિકેટર સચીન તેંડુલકરે કહેલું કે ‘જે દિવસે હું એમ માનીશ કે વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર હું જ છું તે દિવસે મારી કારકિર્દીનો અંત આવી જશે.’

સચીન માત્ર આવું બોલ્યા નથી, પણ એનો અમલ કર્યો છે. એ જ્યારે રમતા ત્યારે એક પત્રકારે સફ્ળતાનું રહસ્ય પૂછ્યું. ઉત્તરમાં એમણે કહેલું કે, ‘હું રોજ સવારે છ વાગ્યે પ્રૅક્ટિસ કરવા મેદાન પર પહોંચી જાઉં છું.’

પત્રકારે પ્રતિપ્રશ્ન કર્યોઃ ‘ધારો કે આગલા દિવસે તમે સૅન્ચુરી ફ્ટકારી હોય તો?’

સચીન કહેઃ ‘તો પણ સવારે ત્રણ કલાક પાંચસો બૉલ રમવાના એટલે રમવાના.’

વ્યક્તિગત અનુભવોની સાથે જ્યારે માનવજાતના ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આ જ હકીકત નજરે ચડે છે. એક સમયે જંગલમાં લાકડાં સળગાવીને રસોઈ તો બનતી જ હતી. ઘાસના ઝૂંપડામાં ઊંઘ તો આવતી જ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાડાંમાં પણ જઈ શકાતું હતું, પરંતુ મનુષ્ય ત્યાં અટક્યો નહીં. આથી જ આજે બહુમાળી ઈમારતો, જાતજાતની વાનગીઓ અને ટ્રેનથી લઈને પ્લેન સુધીની વ્યવસ્થા છે, ચૅટ જીપીટી છે. અને વિજ્ઞાન ભવિષ્યમાં હજુ ઊંચી ઉડાન ભરવાનું છે એ નિર્વિવાદ હકીકત છે.

અમેરિકામાં રૉલ્સરોયસ કંપની પોતાની પ્રથમ કાર રજૂ કરી રહી હતી ત્યારે એની જાહેરાતમાં લખવામાં આવ્યું કેઃ

‘આ ગાડી પ્રતિ કલાકના 60 માઈલની ગતિએ દોડતી હશે ત્યારે તેમાંથી એકમાત્ર અવાજ સંભળાતો હશે ગાડીમાં બેસનારની કાંડાઘડિયાળની ટિકટિકનો.’

જે જમાનામાં ગાડી સ્ટાર્ટ કરતાં એન્જિનના અવાજથી આખો વિસ્તાર ખળભળી ઊઠે તે જમાનામાં આ ગાડી આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. કાર ઉત્પાદકનું કહેવું હતું કે અમારી કાર જરાયે અવાજ નહીં કરે. પરંતુ કાર ઉત્પાદકોને, ઍડવર્ટાઈઝમાં ઘડિયાળનો અવાજ સંભળાતો હશે એ વાક્ય ગમ્યું નહીં. તેમણે નક્કી કર્યુ કે એન્જિન સ્ટાર્ટ કરતાં ઘડિયાળનો અવાજ પણ સંભળાવો ન જોઈએ. આવા દીર્ઘદ્રષ્ટા અસંતુષ્ટો થકી જ આજે એ કારની કીર્તિ દુનિયામાં પ્રસરી છે.

આવા દીર્ઘદ્રષ્ટાને જોઈને જ કદાચ કહેવત પડી હશેઃ સુધારાને કોઈ સરહદ નથી અને પ્રગતિને કોઈ પૂર્ણવિરામ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)