સમસ્યાનો સામનો કેવી રીતે કરીશું?

અમદાવાદ, મુંબઈ, વડોદરા કે દેશનું કોઈ પણ મહાનગર લો. પિક અવર્સમાં નોકરી-ધંધા પર સમયસર પહોંચવાની ઉતાવળ કરતાં સ્ત્રી-પુરુષો. એ સરકારી, બસ કે ટ્રેન જેવાં વાહનમાં બે પગ મૂકવાની જગ્યા મેળવવાનો સંઘર્ષ પૂરો થતાં પછી એક્ટિવિટી એટલે વધતી જતી મોંઘવારીથી લઈને અમેરિકા, ઈરાન, ઈઝરાયલ, રશિયા, યુક્રેન વિશે ચર્ચા.

જીવન સમસ્યાથી ભરેલું છે, પ્રશ્નો અપાર છે. જીવનજરૂરીયાતની ચીજવસ્તુના ભાવવધારાથી લઈને દેશ-દેશ વચ્ચે વધી રહેલા તણાવ, સંબંધોમાં તિરાડોથી લઈને સમાજમાં ઊભા સર્જાયેલા ઝંઝાવાત અને ઘૂંટણના દુખાવા કે કબજિયાતની સમસ્યાથી લઈને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ- પ્રશ્ન જ પ્રશ્ન છે. આવા સમયે જરૂર છે સ્થિરતાની, સમસ્યાના ભયંકર ઘોંઘાટની વચ્ચે આવશ્યકતા છે નીરવ શાંતિની, બૌદ્ધિક સ્થિરતાની.

સમાજિક સમસ્યાથી લઈને વ્યાવસાયિક પ્રશ્નો- જેના વિચારોમાં અસ્થિરતા હોય છે તેનું જીવન પણ અસ્થિર, હોય છે. બૌદ્ધિક અસ્થિરતા જીવનમાં વ્યગ્રતા, ઉગ્રતા અને ઉચાટ લાવે છે. આવા સમયે જરૂર છે ગીતોક્ત સ્થિરતાની, જેને શ્રીકૃષ્ણ ભગવાને સ્થિતપ્રજ્ઞતા કહી છે અને તેવી વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ કહી છે.

બહુધા જોવામાં આવે છે કે વ્યક્તિ શાસ્ત્રોક્ત વાતોને તત્ત્વજ્ઞાનની ચર્ચા સુધી જ સીમિત રાખે છે, પરંતુ આ કેવળ ચર્ચા કે વિચારોનું મનોમંથન નથી, અથવા માત્ર બૌદ્ધિક આનંદ પ્રાપ્ત કરવાનો વિષય નથી. ગીતોક્ત સ્થિતપ્રજ્ઞતા જીવન સાથે એકરસ કરવા માટેનું તત્ત્વશાન છે. જેની પ્રજ્ઞા વિપરીત પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહે તે સ્થિતપ્રજ્ઞ. માનસિક તણાવની પરિસ્થિતિમાં ઉદ્વેગ ન થાય, વિચારોમાં સ્વસ્થતા રહે તે જ સ્થિતપ્રજ્ઞતા છે.

શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં કેટલા પ્રશ્ન હતા. કાળકોટડીમાં જન્મ, જન્મના થોડા દિવસોમાં જ પૂતના મારવા માટે આવી. બાળપણ ખેલકૂદના બદલે અસુરોના સંહારમાં વીત્યું. સગા મામા કંસ તરફથી સતત તકલીફો આપવાના પ્રયત્નો, સ્યમંતક મણિ ચોરાયો તેમાં કુટુંબીજનો તરફથી જ પોતાના ઉપર ખોટો આરોપ મુકાયો… પોતાની આંખો સામે જ પોતાના સંબંધીજનો એકબીજા સાથે લડીને મરી ગયા, એક સામાન્ય પારધીના હાથે ભાલકા તીર્થમાં પગમાં બાણ વાગવાથી મૃત્યુ. જન્મથી લઈને મૃત્યુ સુધી શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્નો જ પ્રશ્નો આવ્યા. છતાં તેમણે ક્યારેય ફરિયાદ કરી નથી કે હતાશ થયા નથી. સદા તેઓએ મોરલી વગાડી મધુરું સ્મિત રેલાવ્યું છે, અખંડ આનંદમાં રહ્યા છે.

શરીરનાં દુઃખ ભલભલા માણસને પણ વિચલિત કરી દે છે. અરે, વ્યક્તિ બળવાન જ કેમ ન હોય, પરંતુ જ્યારે શરીરમાં રોગ આવે છે ત્યારે તે જ વ્યક્તિ લાચાર અને વિવશ થઈ જાય છે. સ્વામી રામતીર્થે કહ્યું છે, ‘તમારી શક્તિનું માપ કાઢવું હોય, તો તમે દિવસમાં કેટલી વાર ઉદ્વેગ અનુભવ્યો તેની તપાસ કરવી.’

એક યુવકને પગમાં કાંટો વાગ્યો. તે ડૉક્ટર પાસે જઈને કહે, સોય વાપરયા વગર કાંટો કાઢી આપો.

શું આ શક્ય છે? નાની નાની વાતોમાં આપણે વિચલિત થઈ જઈએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સર્વેક્ષણ મુજબ વર્તમાન સમયનો સૌથી મોટો રોગ હોય તો તે છે માનસિક તણાવ. દુનિયામાં આશરે 28 કરોડ લોકો માનસિક તણાવમાં જીવે છે. આ સમયે આવશ્યક છે અપાર શક્તિની. આ શક્તિ એટલે સ્થિતપ્રજ્ઞતા.

ભારતના નામાંકિત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલને ગીતોક્ત સ્થિતપ્રજ્ઞતાનાં મૂર્તિમાન દર્શન થયેલા વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજમાં. 2012માં તેમણે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પેસમેકર સર્જરી કરી હતી. તે સમયની તેઓની અનુભૂતિ વર્ણવતાં તેઓ કહે છે, “મેં ગીતામાં વાંચ્યું હતું કે દેહ અને આત્મા જુદા હોય છે, પરંતુ મને એક પ્રશ્ન કાયમ રહેતો કે શું આ શક્ય છે? પરંતુ સર્જરીના સમયે મને પ્રેક્ટિકલ અનુભવ થયો કે સર્જરીની પીડા સ્વામીજીના શરીરને સ્પર્શીને નીકળી જતી. તેમના આત્મા સુધી પહોંચતી નહોતી એટલે એમને કોઈ પીડાનો અનુભવ જ નહોતો થતો. આ અનુભવ મારા જીવનનો સૌથી દિવ્ય અનુભવ છે.’

-અને પેસમેકર સર્જરી સમયે પ્રમુખસ્વામી મહારાજની ઉંમર હતી ૯૧ વર્ષ. છતાં પીડાદાયક સર્જરીમાં પણ તેમને પીડાનો લેશમાત્ર અનુભવ નહોતો થતો અને એ સંપૂર્ણ સ્વસ્થ રહેતા. એ જ તેઓની સ્થિતપ્રજ્ઞતા છે.

તો 1996માં હ્યુસ્ટનમાં તેમની એન્જિયોગ્રાફી કરનાર ડૉ. વીરેન્દ્ર માથુરે કહ્યું કે, “સ્વામીજી અદભુત દર્દી છે! શું એમની ધીરજ છે! તેમના શરીર ઉપર શસ્ત્રક્રિયા થતી હોય પણ દુઃખનો એક શબ્દ કે પ્રતિભાવ નહીં! આવા વિરલ દર્દી મેં મારા જીવનમાં પ્રથમ વાર જોયા.’

આપણે પણ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓના ઝંઝાવાતમાં અડીખમ ઊભા રહી શકીએ તેવા અડગ મનના બનીએ, જીવનમાં ઉદભવતી પ્રતિકૂળતાઓનાં ઊછળતાં મોજાંમાં પ્રગાઢ સ્થિરતા કેળવી શકીએ તેવા સ્થિતપ્રજ્ઞ બનીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)