ગૃહિણીનાં પગારપાણી…

અવારનવાર મારું પ્રવચન રાખનારા આયોજકો મને વિષય આપતા હોય છે. એક વાર વિષય હતોઃ પરિવારમાં સંવાદિતા જાળવવાના ઉપાય. ક્યારેક કોઈ કહે કે, સ્વામી, “મહિને પંચોતેર-લાખ પાડું છું, મારા પગાર પર જ ઘર ચાલે છે. નોકરીનું મારે કેટલું ટેન્શન હોય. આ પત્નીને સારું, આખો દિવસ ઘરમાં જ હોય, કોઈ ટેન્શન નહીં.”

આ વખતે હું એમને કહું છું એક રીતે તમે સાચા છો, પણ ભાઈ, એ પણ જાણી લેજો કે તમારાં ધર્મપત્ની વરસેદહાડે દોઢ-બે કરોડ રૂપિયાનું કામ કરે છે. મારી વાત સાભળીને ચોંકી જનારને જવાબ આપવાને બદલે જવાબને પ્રવચનમાં આવરી લેતો હોઉં છું.

અમેરિકાના બોસ્ટન શહેરમાં એક કંપની છે, જેનું કામ છે પગાર વિશે જાતજાતનાં સર્વેક્ષણ કરવાનું. કઈ ડિગ્રી કેટલું ભણતર, અનુભવી કે ફ્રેશર, જેવા માપદંડના આધારે કેટલો પગાર મળવો જોઈએ એ નક્કી કરે. આટલું વાર્ષિક પેકેજ મળવું જોઈએ. આ માટે કંપની અવારનવાર વિવિધ શહેરમાં, વિવિધ ક્ષેત્રનાં પગારધોરણ વિશે સર્વે કરાવે છે, જેનાં પરિણામ નોકરી વાંચ્છુકને તેમ જ નોકરી આપનાર કંપનીને, બન્નેને મદદરૂપ થાય છે.

હમણાં થોડા સમય પહેલાં આ કંપનીએ એક સર્વે કર્યો કે, એક સ્ત્રી, જે આખો દિવસ માત્ર ઘરનાં કામ જ કરે છે, ફુલટાઈમ હોમમેકર એટલે કે ગૃહિણી છે એને પગાર આપવાનું નક્કી થાય તો કેટલો, અથવા વાર્ષિક કેટલા પગારનું પૅકેજ બને?

પહેલાં તો એ એનાલિસીસ થયું કે એક સ્ત્રી, ધારો કે, હોમમેકર નથી તો કયાં કયાં કામ કરે છેઃ ડોક્ટર, નર્સ, ટીચર, એકાઉન્ટન્ટ, ક્લાર્ક કે પછી નેશનલ-મલ્ટિનેશનલ કંપનીની સીઈઓ, વગેરે. આ બધી ફુલટાઈમ જોબ કરનારી મહિલા દરરોજ કેવાં કામ કરે છે, કેટલી ઊર્જા ખર્ચે છે, કેવા કેવા લોકો સાથે એમનો પનારો પડે છે એની યાદી બનાવવામાં આવી.

આ ખરેખર સમજવા જેવી વાત છેઃ તમે જ્યાં નોકરી કરો છો અથવા તમારો નાનો-મોટો વેપાર છે તો એમાં તમારે દરરોજ અમુક જ લોકો સાથે પનારો પાડવાનો હોય છે. બીજી તરફ ગૃહિણીએ રોજિંદા જીવનમાં કેવાં કેવાં કાર્ય કરવાનાં હોય છે તથા જાતજાતના લોકો સાથે પનારો પાડવાનો હોય છેઃ સવારના પહોરમાં સ્કૂલે જતાં બાળકો, પતિ માટે ચા-નાસ્તો ત્યાર બાદ લંચ બોક્સ તૈયાર કરવાથી લઈને, રસોઈપાણી અને અન્ય કામ.

-અને કેવા કેવા લોકો સાથે રોજ એનો ભેટો થાય છે? શાકબકાલું કે અન્ય ચીજવસ્તુ વેચનારા, પતિ-સંતાનો, સંયુક્ત કુટુંબ હોય તો સાસુ-સસરા, અવારનવાર વૃદ્ધ માતા-પિતાની દેખભાળ, ઘરકામ કરનારી બાઈ, જો ઘરમાં કાર હોય તો ડ્રાઈવર, કોઈ સભ્યએ ઓનલાઈન મગાવેલી ચીજ ડિલિવર કનાર, ઈસ્ત્રી કરવાવાળો, કપડાંની સંખ્યા ડાયરીમાં નોંધવાની, કૂરિયરકંપનીનો માણસ, બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ, ઘરમાં કંઈ બગડ્યું તો એ રિપેર કરવા આવનાર… યાદી ઘણી લાંબી છે. ટૂંકમાં એનું વરાઈટી ઑફ વર્ક છે અને ક્લાસ વનથી ક્લાસ ફોર સુધીની રેન્જના વરાઈટી ઑફ પીપલ છે. તમારે નોકરી કે બિઝનેસમાં આટલી બધી વરાઈટી નથી.

પરિણામ આવતાં સર્વે અથવા એનાલિસીસ કરનારા આશ્ચર્ય પામી ગયાઃ આટલાં કામ તો ફુલટાઈમ સીઈઓ પણ નથી કરતા. એમણે ત્રિરાશિ માંડીને પગાર નક્કી કર્યોઃ 1,78,201 ડોલર. આશરે દોઢેક કરોડ રૂપિયા વરસના. કોવિડકાળમાં આ આંકડો વધીને બે કરોડ પર પહોંચ્યો, કારણ બાળકો, પતિ, વગેરે ચોવીસ કલાક ઘરમાં હતાં એટલે કામનો બોજ, કામના કલાક વધ્યા.

હવે પછી આરામખુરશીમાં ઝૂલતાં ઝૂલતાં ઓર્ડર છોડો ત્યારે આ હકીકત ધ્યાન રાખજો, એમને આદર આપજો. આટલી વાત સમજાઈ જશે તો ઘરમાં સંસ્કાર અને ખાસ તો સંવાદિતા જળવાઈ રહેશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)