ઈશ્વરની અનોખી ભેટઃ અનુકંપા

ગયા અઠવાડિયે જાણીતા રીસર્ચ ગ્રુપ ‘હુરુન ઈન્ડિયા’એ પોતાનું વાર્ષિક ‘એડલગિવ હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ 2023’ બહાર પાડ્યું, જેમાં દેશના દિગ્ગજ 119 દાનવીરોનાં નામ છે. આ ધનાઢ્યોએ આખા વરસ દરમિયાન 8,445 કરોડ રૂપિયાનું દાન કર્યું. ઉલ્લેખનીય વાત એ છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 59% વધુ દાન કરવામાં આવ્યું. આ યાદીમાં સૌથી મોટા દાનવીર શિવ નાદર છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં વસતા અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) ક્ષેત્રની પ્રખ્યાત કંપની ‘એચ.સી.એલ ટેક્નોલોજીસ’ના સ્થાપક શિવ નાદર દરરોજ આશરે સાડાપાંચ કરોડ રૂપિયાનું દાન કરે છે.

ભગવાને મનુષ્યને આપેલી એક અદભુત ને અનોખી ભેટ છે સંવેદના. માણસને અનુભવાતી બીજી અનેક લાગણીઓનું એ જન્મસ્થાન છે. માનવીનો પરિચય પણ તેની સંવેદનાઓને આધારે જ થતો હોય છે.

આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. કલામ સાહેબ કહેતા, ‘આઈ ઍમ નૉટ અ હૅન્ડસમ ગાય, બટ આઈ કૅન ગિવ માય ‘હૅન્ડ’ ટુ ‘સમ’ વન હુ નીડ્સ હેલ્પ.

સંત અથવા સંતત્વનો પરિયચ પણ આ જ રીતે આપી શકાય. અન્યનાં હિતનું સાતત્ય એ હકીકત જ સંતત્વનો પરિચય છે, પરોપકાર એ સંત-હૃદયનો સહજ ધબકાર છે, અને તેમાંય કોઈ પણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વ’ની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે.

રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છેઃ ‘અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.’

ભારતીય સંતપરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે.

ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા, ત્યારે એક વાર તેમણે કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. અને એમનું હૃદય ભાવાર્દ થઈ ગયું. તેમણે સંત-મહાત્માઓના વરિષ્ઠ સાધુને કહ્યું, ‘મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.’

એ વરિષ્ઠ સંતે પૂછ્યું કે, ‘બેટા! આ પૈસા ક્યાંથી લાવ્યો?’

નાનકે કહ્યું, ‘પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.’

ત્યારે તે સાધુએ કહ્યું, ‘તો પછી વેપાર માટે જ વાપરને, અમને કેમ આપે છે ?’

ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે, ‘હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા એના કરતાં વધુ સારો વેપાર ક્યો?’

આપણી મહાન સંતપરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જૂનહીં, પરંતુ મૂક-અબોલ પશુ- પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્- સમસ્ત પૃથ્વી એક પરિવારની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે.

૧૯૮૭નું એ વર્ષ. ગુજરાત તે વખતે કારમા દુષ્કાળની ભીસમાં આવી ગયેલું, મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કૅટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી સહાય કરવી શરૂ કરી હતી. ‘પશુ કલ્યાણ કેન્દ્ર’ના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કૅમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું, સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈ પણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી, જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે.

આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્ય છે. તેઓની જીવનશૈલી છે. આવો, એમનાં પગલે લોકહિતની ભાવના-સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)