વાયદાના સોદાને આપો વિદાય…

ભારતીય ઈતિહાસમાં કદાચ 2023નો ઑગસ્ટ મહિનો સુવર્ણ અક્ષરે લખાશે. વિશ્વ સ્તરે ભારતને ગૌરવ અપાવે એવી કેટકેટલી ઘટના ઘટીઃ ચંદ્રયાન 3ની સફળતા, મધ્યમવર્ગ કુટુંબમાંથી આવતા ચેન્નઈના માત્ર 18 વર્ષના પ્રજ્ઞાનંદનું વર્લ્ડ ચેસ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચવું અને રવિવારે (27 ઑગસ્ટે) હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં જેવેલીન થ્રો અર્થાત્ ભાલાફેંકમાં આપણા નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ અંકે કરવો… અને આ જ વર્ષના આરંભમાં જેમનો જન્મશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ધામૂમથી સંપન્ન થયો એ પૂજ્ય પ્રમુખસ્વામીએ, 7 ચોપડી ભણેલા, ગામડાના એક ખેડૂતપુત્ર પ્રમુખસ્વામીએ પોતાના જીવનકાળમાં, 1000 વર્ષની વિશ્વની સૌથી પ્રતિભાશાળી 20 વ્યક્તિની યાદીમાં સ્થાન મેળવવાથી માંડીને યુનોના મહાસદનમાંથી વિશ્વને શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપવા જેવાં અનેક આશ્ચર્યોની હારમાળા રચી…

આ તમામ જવલંત સફળતા પાછળનાં અનેક કારણોમાંનું એક છે એમના જીવનકોશમાં ‘ચાલે’ અને ‘કાલે’ જેવા ઘાતક શબ્દોને સ્થાન જ ન હોવું. `આજનું કામ આજે કરીએ’ એ એમનો મંત્ર. કેમ કે લીધેલું કામ પછી કરવાનો વિચાર આવે અથવા થોડા સમય માટે મુલતવી રાખીએ તે પણ આળસ જ છે.

પ્રમુખસ્વામી હોય કે પ્રજ્ઞાનંદ, ઈસરોના બાહોશ વિજ્ઞાનીઓ હોય કે પછી નીરજ ચોપડા, આ તમામ લોકોએ એક સપનું જોયું, એક સંકલ્પ કર્યો અને એ સાકાર કરવા મંડી પડ્યા. વિજ્ઞાની હોય, રમતવીર હોય કે પછી આઈએએસ કે એના જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા- મહાન પુરુષોની આ જ ખાસિયત છે. સરેરાશ માણસો દિવસો અને કલાકોના પરિમાણમાં જીવતા હોય છે, જ્યારે દિગ્ગજ વ્યક્તિઓ મિનિટો અને સેકન્ડ્સના પરિમાણમાં જીવે છે. એટલે જ ‘કાલે’, ‘ચાલે’ કે ‘પછી કરીશું’ જેવા શબ્દો તેમને અભડાવી શકતા નથી.

ભગવાનની કૃપાથી માનવમાત્રને સમયાંતરે શુભ પ્રેરણાઓની અંતઃસ્ફુરણા થતી રહે છે, પણ મનુષ્યમાં રહેલી `કાર્યને ઠેલવાની વૃત્તિ, જેને અંગ્રેજી પ્રોક્રેસ્ટિનેશન કહે છે એ ટાળંટાળ ગમે તેવા શુભ સંકલ્પોના પાળિયા બનાવી દે છે. શુભ વિચારો પર કોઈનો ઈજારો નથી, એ તો ભગવાનની દેણ છે. વિશ્વમાં દરરોજ અબજો માણસોને રચનાત્મક અને ક્રાંતિકારી વિચારોની પ્રેરણાથી થતી હશે. પરંતુ ‘કાલે’, ‘હમણાં નહીં’, ‘પછી કરીશું’  જેવા ઘાતક શબ્દો, શબ્દપ્રયોગો (શસ્ત્રો) એ ભવ્યાતિભવ્ય સપનાંની હત્યા કરી નાખે છે. અને પછી એ અસાધારણ વિચારોને મનમાં ને મનમાં સંઘરીને લોકો સાધારણ વ્યક્તિ તરીકે આ પૃથ્વી પરથી વિદાય થઈ જાય છે.

પ્રસિદ્ધ ચિંતક ગેટેએ કહ્યું છેઃ ‘જે તમે કરી શકો છો, અથવા જે કરવા માટે તમે સપનાં સેવી રહ્યા છો તેને સાકાર કરવાની શરૂઆત કરી દો. હમણાં જ. સાહસમાં એક શક્તિ છે, જાદુ છે, પ્રતિભા છે… મગજને એક ધક્કો મળશે પછી કાર્ય એની જાતે સંપન્ન થવા માંડશે.’  બસ, જરૂર છે ચિરકારીપણાની વૃત્તિને ચિરવિદાય આપવાની અને શરૂઆત કરવાના ‘સાહસ’ની.

એક વાત ખાસ યાદ રાખજો કે આવતી કાલ ઉપર તો આપણો કોઈ અધિકાર નથી, કોઈ કન્ટ્રોલ નથી, પણ આપણા હાથમાં વર્તમાન તો છેને. ‘આવતી કાલ’ ના વાયદા છોડી ‘આજ’ અને અત્યારે’માં જીવનને ભરીએ. કોઈ પણ કામને ઠેલ્યા વગર સત્વર કરવાની વૃત્તિ રાખીએ અને એક સત્ય સતત નજર સમક્ષ રાખીએઃ ‘ઈટ્સ નાઉ ઓર નેવરઃ અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં.’

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)