લંડન યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં પોતાના વિદ્યાર્થીઓને વિદાય આપતી વખતે પ્રખ્યાત સાહિત્યકાર રુડ્યાર્ડ કિપ્લિંગે
વિદ્યાર્થીઓને એક શાશ્વત સત્ય સમજાવતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ ભૌતિક સફળતાના શિખરે બેઠી હોય, કરોડો રૂપિયા કમાતી હોય અને દુનિયાભરની પ્રસિદ્ધિ તેના પગમાં આળોટતી હોય, ત્યારે પણ અચાનક એવી ક્ષણ આવે છે, જ્યારે એ પોતાની જાતને સાવ વામણી અને ખાલીખમ અનુભવે છે. એમના કહેવા મુજબ, “તમને ભલે ગમે તેવી ઊંચી નોકરી, મોટો પગાર અને બેફામ કીર્તિ મળી જાય, પણ યાદ રાખજો, એક દિવસ તમારો ભેટો એવા માણસ સાથે થશે, જેની પાસે આમાંનું કંઈ જ નહીં હોય, છતાં તેની ઉપસ્થિતિ માત્રથી તમને તમારી જાત નાની લાગશે. અને આનું કારણ માત્ર ને માત્ર એનું ‘ચારિત્ર્ય’ હશે.”
આજે આ જગત આપણને રોજ એ જ શીખવે છે કે બસ, તમે કોઈક રીતે સફળ બની જાઓ. આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં માનવમૂલ્યો કરતાં બાહ્ય ચમક-દમકનું વજન વધી ગયું છે. જો મારી પાસે બધા કરતાં સારી નોકરી હોય તો જ હું સારો દેખાઈશ, જો મારી પાસે બેફામ કીર્તિ હશે તો જ હું સારો લાગીશ અને જો બેંકની પાસબુકમાં મોટી રકમ હશે તો જ સમાજમાં વટ પડશે!
બસ, આ પદ, પ્રતિષ્ઠા અને પૈસાની દોડમાં આપણે માણસ બનવાનું ભૂલી ગયા છીએ. પરંતુ જો આપણે સાચા અર્થમાં કોઈ સક્ષમ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો આ માનસિકતાને જડમૂળથી બદલવી જ પડશે.

આ માનસિકતા બદલવી એટલે શું? એ જ કે આપણે ઊજળા થવાનું છે, પણ સાબુ કે શેમ્પૂથી નહીં, પરંતુ ચારિત્ર્યથી. આપણે સારા દેખાવાનું છે, પણ ધનથી નહીં, પરંતુ ચારિત્ર્યથી, કારણ કે ચારિત્ર્ય એ આપણા અને રાષ્ટ્રના જીવનનો આધારસ્તંભ છે.
ચારિત્ર્ય એ આંતરિક વ્યક્તિત્વનો પાયો છે. ચારિત્ર્યમાં ધર્મ, નિયમ, વિવેક, સદાચાર, મદદ વગેરે અનેક ગુણોનો સમાવેશ થાય છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, “ચારિત્ર્ય આપણો પાયો છે. ઈમારત ગમે તેટલી ઊંચી બાંધો, પરંતુ એનો પાયો કાચો હશે તો એ જરૂર એક દિવસ પડશે જ. ચારિત્ર્યને ભૂલીને આપણે ગમે તેટલા કોસ્મેટિકનો ઉપયોગ કરી શરીરને શણગારીશું, પરંતુ તે બધું જ ગુમાવ્યા બરોબર છે.”
હા, સારા દેખાવા માટે કોસ્મેટિક પ્રસાધનોથી ચાલી શકે, પરંતુ સારા બનવા માટે દૃઢ ચારિત્ર્યનું બળ જોઈએ અને આ બળ મેળવવા સંપૂર્ણ સમર્પણ, ધીરજ અને જાત સાથેની નિખાલસતા જોઈએ. પરંતુ આટલું ધૈર્ય ધારણ કરવું આપણા માટે કઠિન બનતું જાય છે. તેથી જ તો દુનિયાને બતાવવા માટે આપણે જે નથી તે બનવાનો પ્રયત્ન કરીએ છીએ.
એક વાર એક મોટી કંપનીના પ્રોડક્શન મેનેજરને પ્રમોશનની બહુ તાલાવેલી લાગી. મેનેજર મૂળ તો ગામડામાંથી આવેલા. સાત પેઢીમાં એ જ ભણીગણીને એમબીએ થયેલા. લાખો મધ્યમવર્ગીય ભારતીયોની જેમ એ પણ ગામડાની માટીમાંથી નીકળી શહેરની ઊંચી ઈમારતોને આંબવાનાં સપનાં સેવતા હતા.
બીજી બાજુ એમના બોસ પરદેશમાં ઊછરેલા. એ ભારતની જૂનવાણી રીતભાતથી ખૂબ ચીડાતા. કંપનીમાં જે કર્મચારી વેસ્ટર્ન કલ્ચરની પ્રશંસા કરે અને આપણા દેશની સંસ્કૃતિને નિંદે, તે બોસના પ્રિયપાત્ર બની જતા. પ્રમોશન અને પ્રતિષ્ઠા પણ આવા ખુશામતખોરને મળતાં. કંપનીના ફાઇનાન્સ મેનેજરે આ જ માર્ગનો સહારો લઈને નવી સ્કોડા કાર મેળવેલી.
હવે પેલા પ્રોડક્શન મેનેજરે પણ આ રસ્તો અપનાવ્યો. જોકે, તેમનો ગામડાનો ઉછેર તેમની ઉછીની આધુનિક ભાષા અને ભૂષામાંથી અવારનવાર ડોકિયું કરી બેસતો. છતાં તેમણે બોસને ઇમ્પ્રેસ કરવાની એકેય તક જવા દીધી નહીં.

એક વાર તો એમણે બોસને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. બોસને રાજી કરવા ઘરમાં બધું જ આધુનિક ઢબે બદલવાનો પ્રયત્ન કરેલો. જમવાના ટેબલ ઉપર ખૂબ ચીઝનો ઉપયોગ થયો. બોસ પશ્ચિમી સંસ્કૃતિની પ્રશંસા સાંભળીને બધું ન્યોછાવર કરવા તત્પર હતા. જમ્યા પછી બહાર નીકળતી વખતે બોસે ત્યાં જૂનવાણી વેશમાં બેઠેલાં એક ડોશીમા વિશે પૂછ્યું. મેનેજરે કહ્યું, “આ? આ તો અમારી નોકરાણી છે.”
હકીકતમાં એ નોકરાણી નહીં, પણ એની પોતાની જન્મદાત્રી હતી. પ્રમોશન અને બોસની નજરમાં મૉડર્ન દેખાવા એ વ્યક્તિએ પોતાની સગી માતાને નોકરાણી બનાવી દીધી હતી.
આજે આપણી આસપાસ આવી વ્યક્તિઓની કમી નથી. પદ, પ્રતિષ્ઠા અને દેખાડાની અંધ દોડમાં માણસ માનવીમાંથી ગ્રેડ કે પોઝિશન બનીને રહી ગયો છે. આ વાત માત્ર એક કલ્પનાની નથી, પણ આપણી આસપાસ રોજબરોજ બનતી ઘટનાઓની છે. બાહ્ય સફળતાના ચમકારા પાછળ દોડતી વખતે જો આપણે આપણા સંસ્કારો અને સંબંધોનું જ બલિદાન આપી દઈએ, તો એવી સફળતાનો અર્થ જ શું?
યાદ રાખો, નોકરી કે પદ, પગાર કે પ્રતિષ્ઠા નહીં હોય તો ચાલશે, પણ ચારિત્ર્ય સારું નહીં હોય તો આખી દુનિયા જીતીને પણ અંદરથી સાવ ખાલી જ રહી જઈશું.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




