ગયા વર્ષે અમેરિકાના જાણીતા ટીવી ઍક્ટર મેથ્યુ પેરીનું અકસ્માત્ મૃત્યુ થયું. મોત કુદરતી નહોતું એટલે સ્વાભાવિક રીતે જ ઓટોપ્સી થઈ. રિપોર્ટમાં આવ્યું કે કેટામાઈન નામની દવાની આડઅસરના લીધે મેથ્યુનું મૃત્યુ થયું. કેટામાઈનનો ઉપયોગ ડિપ્રેસનનો ઉપચાર કરવા અલ્ટરનેટિવ થેરાપી તરીકે કરવામાં આવે છે. તે પછી જાતજાતની તપાસ થઈ અમુકની ધરપકડ પણ થઈ. મુદ્દો એ કે અપાર લોકપ્રિયતા, સંપત્તિ હોવા છતાં 54 વર્ષી મેથ્યુ ઉદાસ હતા. ગયા જ મહિને 16 ઓક્ટોબરે જાણીતા સિંગર-સોંગરાઈટર લિઆમનું બ્યુએનો એરિસની એક હોટેલના ત્રીજા માળેથી નીચે પટકાઈને મોત થયું. 31 વર્ષી લિઆમ પાયને પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ડ્રગ્સ સાથે ઝઝૂમતા રહ્યા.
થોડા પાછળ જઈએ તો દોમદોમ સાહ્યબીમાં આળોટતા એલ્વિસ પ્રેસ્લીથી લઈને વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર મોહમ્મદ અલી, અને માઈકલ જૅક્સન જેવા પણ જાતજાતના વિવાદમાં સપડાયેલા અને એમનાં અપમૃત્યુ થયેલાં.
સવાલ એ કે એક ઊંચાઈએ પહોંચ્યા પછી પણ શા માટે માણસનું ચારિત્ર્ય આટલું ઝડપથી ઓગળી જાય છે? આનો જવાબ છે, એમને ચારિત્ર્યની મહત્તા સમજાઈ નહીં. તમે સોનું-ચાંદી-ઝવેરાત ખરીદવા જાઓ તો એની શુદ્ધતાની ખાતરી કરો છો. બરાબર છે, કરવી જોઈએ, પણ તમે ક્યારેય એ વિચારો છો કે ચારિત્ર્ય વિશે ચકાસણી કરવી હોય તો એના માપદંડ કયા?
ફ્રાન્સમાં રાજાશાહીના વિરોધીઓએ તત્કાલીન રાજ લુઈને જેલમાં પૂરી દીધો અને એના વારસદાર, લુઈના પુત્રને નૈતિક રીતે પાયમાલ કરવાની યોજના બનાવી. પ્લાન મુજબ કુંવરને એવા લોકોની વચ્ચે રાખવામાં આવ્યો, જે નૈતિકતાની દૃષ્ટિએ અધમ અને ચારિત્ર્યની દૃષ્ટિએ ભ્રષ્ટ હતા. રાજકુમાર એની શ્રદ્ધામાંથી ડગી જાય એવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા. છ મહિના એને આવા વાતાવરણમાં રાખવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિનું પતન થઈ જાય એવા સંજોગમાં પાટવી કુંવરના સ્વભાવમાં જરીકેય ફેર ન પડ્યો.
કંટાળીને વિરોધીઓએ પ્રિન્સને પૂછ્યું: “તેં કેમ કશું સ્વીકાર્યું નહીં?”
છોકરાએ જવાબ આપતાં કહ્યું: “આઈ વૉઝ બોર્ન ટુ બી અ કિંગ” અર્થાત્ “મારો જનમ જ રાજા બનવા માટે થયો છે એટલે મારે એ રીતે સજ્જ થવું જ પડે.”
આને કહેવાય ચારિત્ર્ય. આવું દઢ ચારિત્ર્ય એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં સારા સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવતું, એમને શિક્ષણમાં શીલ, સદાચાર અને ચારિત્ર્યના પાઠ શીખવવામાં આવતા હતા. આજના ભૌતિક યુગમાં લોકો ધન અને સમૃદ્ધિને વધુ મહત્ત્વ આપીને તે પ્રમાણે જીવનની દિશા નક્કી કરે છે એ લોકોને યાદ કરાવવાનું કે જીવનમાં સૌથી વધારે મહત્વનું છે ચારિત્ર્ય.
કેવળ માન માટે, જાહેરમાં ચારિત્ર્ય બતાવવું એ ચારિત્ર્યની પરખ નથી. ખરેખર તો કોઈ આપણને જોતું ન હોય ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પરથી આપણા ચારિત્ર્યનું માપ નીકળે છે.
વર્ષો પહેલાં અમેરિકાનું ન્યૂ યૉર્ક શહે૨ એક રાતે અચાનક ગાઢ અંધકારમાં ડૂબી ગયું, વીજપ્રવાહ ખોરવાઈ ગયો હતો. સવારે ખબર પડી કે શહેરના મોટા ભાગના શો-રૂમ લૂંટાયા છે. સુખી ઘરના લોકો પણ અંધકારમાં લૂંટફાટમાં સામેલ થયા હતા. આમ અંધારામાં માણસની અસલિયત પ્રકાશમાં આવી ગઈ.
આપણી ભાષામાં એક ફર્સ્ટ ક્લાસ કહેવત છેઃ કૂવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત પ્રમાણે ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય બે આની વર્તે. પ્રમુખસ્વામી મહારાજ પાસે ગંગા જેવું પાવિત્ર્ય અને હિમાલય જેવા ઉચ્ચ ચારિત્ર્યની શક્તિ હતી. અને એમની મૂડી હતીઃ બે જોડી કપડાં અને એક માળા છતાં તેમના ચારિત્ર્યથી નતમસ્તક બનેલા બ્રિટન, કેનેડા, કેન્યા જેવા દેશોની પાર્લમેન્ટે તેમનાં અભૂતપૂર્વ સમ્માન કર્યાં હતાં.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)