મકાનને ઘર બનાવવાની બ્લુપ્રિન્ટ

અવારનવાર એક ચર્ચા ચાલતી જોવા મળે છે મકાન પોતાનું લેવું કે એટલા પૈસા રોકવાને બદલે જોઈએ ત્યાં ભાડેથી રહેવું. પોતાનું કે ભાડાનું, સવાલ એ છે કે શું મકાનને ઘર કહી શકાય? ધારો કે એક એવું ઘર હોય, જેમાં ભલે એ.સી. ન હોય, પણ એમાં રહેનારનાં અંતરમાં ટાઢક હોય, ભલે બધા સભ્યો પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ સૌનાં હૃદય અને મન એકબીજાં સાથે કનેક્ટેડ હોય. એક એવું ઘર, જ્યાં ભલે સ્થાન અને અન્નનો અભાવ હોય, છતાં સૌ સાથે ભોજન કરતા હોય અને આવતી મુશ્કેલીનો સૌ સાથે મળીને સામનો કરતા હોય.

જો કે આજના મૉડર્ન યુગનું માનચિત્ર કંઈ અલગ છે. આજે સૌ કોઈ સાયન્સ-ટેક્નોલૉજીના આધારે અર્થોપાર્જન કરવા સતત પ્રયત્નશીલ રહે છે. એ આશાએ કે એમાંથી જ સુખ-શાંતિ મળશે. પરિણામે જીવનનો સાચો આનંદ દુર્લભ બની જાય અને એકલપંડા, મનમાન્યા જીવનની શરૂઆત થાય છે. કારકિર્દીના શિખરે પહોંચવા, અંગત લક્ષ્યોને પાર પાડવા, ભૌતિક સુખ મેલવવા, પોતાની મહત્ત્વાકાંક્ષા અને અહંને પોષવા માણસ મહદ અંશે કુટુંબને ભૂલી રહ્યો છે. માણસ જ્યાંથી જીવનનું પ્રાથમિક શિક્ષણ મેળવે છે એવાં મા-બાપ અને પરિવારજનોથી દૂર જઈ રહ્યો છે. ભૌતિક પદાર્થ વસાવવાની લાયમાં ઘણી વાર પરિવારની આહુતિ આપતાં પણ અચકાતો નથી. આજે માણસ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે ઘરના ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં. આજે માણસ જીવનમાં પ્રાધાન્ય આપે છે પૈસા, પદાર્થ અને પ્રસિદ્ધિને. સામે ભોગ લેવાય છે પરિવારનો. આને લીધે પરિવાર તૂટે છે, સંબંધો વણસે છે, માણસ નિરાશામાં ડૂબકીઓ ખાય છે, ઘણી વાર જીવનનો અંત પણ આણે છે.

માણસ સુખ-શાંતિને પ્રાપ્ત કરવા જતાં કેવળ શૂન્યતાને પામે છે, પરંતુ જેમ અનંત અંધકારને દૂર કરવા માટે એક દીવડો પૂરતો છે તેમ આવા અંધકારભર્યા જીવનમાં પણ પ્રકાશનું એક કિરણ પૂરતું છે. ચાર દીવાલ, બે-ચાર બારી, એક-બે દરવાજા, ઊંચી છત અને ગ્રેનાઈટ-મારબલથી ચકચકિત રસોડાનો સરવાળો એ ઘર નથી, માત્ર મકાન છે. જ્યાં આવીને હૈયાના ઊંડાણમાંથી હાશ નીકળે, દીવાલોની વચ્ચે હોવા છતાં જ્યાં મુક્તિની અનુભૂતિ થાય છે, જે છતની આત્મીયતા આપણી અસહ્ય જિંદગીને સહ્ય બનાવે, જે ઓરડાના એક એક ઘનફૂટમાં રહેલી હવાનાં ચોસલાં આપણાં આંસુ અને આપણી ખુશીઓને ઓળખે, એ જગ્યાને ઘર કહેવાય છે.

મકાનને ઘર બનાવવાની ઔષધિ પ્રમુખ સ્વામી મહારાજે બતાવી છે. હજારો ગામડાં-શહેરોમાં, ઘરોમાં, એ અસંખ્ય વ્યક્તિઓને મળ્યા, એમનાં પ્રશ્નો, દુ:ખો જોયાં ને સાંભળ્યાં. આનું તારણ કાઢતાં એમણે કહ્યું કે બધા જ પ્રશ્નો સ્વભાવના છે. સ્વભાવના કારણે જ અશાંતિ અને ઉપાધિ થાય છે. જેમ આગનું નિવારણ પાણી ને રોગનું નિવારણ વૈદ્ય એમ સ્વભાવના પ્રશ્નો ટાળવા માટે સમજણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સમજણ મેળવવા માટે સત્ શાસ્ત્રોનું વાંચન અને શ્રવણ જ ઉત્તમ માર્ગ છે. ઘરમાં દરેક સભ્ય નિયમિત થોડો સમય કાઢી આ સત્ શાસ્ત્રોનું કે પ્રેરણાદાયી જીવનચરિત્રોનું સમૂહ વાંચન-શ્રવણ કરે તો પ્રશ્નોના સમાધાન આપોઆપ થઈ જતાં હોય છે.

આજે તો પરિવારમાં મોટા ભાગના લોકો પોતપોતાના મોબાઈલમાં ખૂંપેલા જોવા મળે છે. આને બદલે દરરોજ નિશ્ચિત સમયે ઘરના સભ્યો સાથે બેસે, અધ્યાત્મગોષ્ઠિ થાય તો ઘણો લાભ થાય. આવા પારિવારિક મિલનને પ્રમુખસ્વામી મહારાજ ઘરસભા કહે છે. ઘરસભા એ ઘરની શોભા છે.

કબીરે કહ્યું છે કે “જા ઘર હરિકથા નહીં, સંત નહીં મિજબાના… તા ઘર જમડે દિરા દિના, સાંજ પડે શમશાના”.

હજારો લોકોનો અનુભવ છે કે ઘરસભા રૂપી ઔષધિનાં પાનથી જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે, વિષમ પરિસ્થિતિમાં સ્થિર રહેવાય છે, બાળકો સંસ્કારી અને ચારિત્ર્યવાન બને છે, પરિવારજનો વચ્ચે આપસમાં સંપ, સ્નેહ અને સુમેળભર્યા વ્યવહારનો સેતુ રચાય છે.

હવે નિર્ણય આપણા હાથમાં છે કે આપણે મકાનને કેવું ઘર બનાવવું છે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)