વૃદ્ધ લોકો બાળકોથી જરાય અલગ નથી! જીવનમાં તેમને કેટલીક આદતો પડી ગઈ હોય છે, ત્યારે આપણે તેઓને જેવાં છે એવા જ સ્વીકારી લેવા પડે. આપણે વૃદ્ધ લોકોને રાતોરાત અથવા થોડાં સમયમાં બદલી શકતા નથી. આપણે આર્ટ ઓફ લિવિંગના પ્રથમ સિદ્ધાંતને અપનાવવો જોઈશે અને તેઓને જેવા છે તેવા સ્વિકારી લેવા પડશે.
તેઓ જે કહે છે તેમાં થોડુક શાણપણ છે. તેઓ જે કંઇ કહે છે એ એમના વર્ષોના અનુભવ પરથી કહે છે.
જો આપણે તેમને જેવાં છે તેવાં જ સ્વિકારી શકીએ તો એક ચમત્કાર થાય. જો આપણે એમને થોડી મોકળાશ અને પ્રેમ આપીએ અને થોડી કરુણા રાખીએ, તો તેઓ ધીમે ધીમે બદલાવા લાગે છે. પરંતુ આપણે પણ ખૂબ ધીરજ રાખવી જોઈશે.
જો ક્યારેક તેઓ નારાજ કે દુઃખી હોય, તો તેને આપણે બહુ ગંભીરતાથી ન લેવું જોઈએ, નહિ તો આપણો તેમની સાથેનો વાતચીતનો તંતુ જ તૂટી જશે. તેઓ આપણી વાત સમજે કે સ્વીકારે એવો આગ્રહ ન રાખવો. કેટલીકવાર, તેઓ ફક્ત આપણી આગળ પોતાનું હૈયું જ હળવું કરવા માંગતા હોય છે. ક્યારેક તેઓ કંઈ બબડાટ કરતા હોય તો શક્ય છે કે એમાં કોઈ તથ્ય ન હોય અથવા તેઓ ખરેખર દિલથી એમ ન કહેવા માગતા હોય! કેટલાક વડીલો જે ખૂબ જ વૃદ્ધ અથવા બીમાર છે તેઓ ફક્ત આપણી સાથે વાતચીત કરવા માંગે છે, પરંતુ તેઓ શું વાત કરે? શેના અંગે વાત કરે?
અતિઆનંદની અવસ્થા હોય, સુખ હોય કે દુઃખ હોય, મનુષ્ય માત્રની ભીતર એક એવો ભાગ છે જે સદાય આ બધાંથી અલિપ્ત છે.
જ્યારે આપણે આપણા કોઈ અંગત મિત્ર કે સ્વજનને મળીએ છીએ ત્યારે હંમેશા તેની પાસે સ્મિત અને આનંદ સાથે નથી જતા. આપણે આપણી સમસ્યાઓ અને ફરિયાદો સાથે પણ જઈએ છીએ. ખરું ને? ધારો કે આપણે કોઈ મોટી પાર્ટીમાં ગયા છીએ, તો આપણે આપણા અંગત મિત્રને શોધીને શું વાત કરીશું? કે “પાર્ટી સારી છે, પરંતુ આ વસ્તુ વધુ સારી રીતે થઈ શકે અથવા આના કરતા આમ કર્યું હોત તો સારું થાત!” આપણે આપણા અંગત મિત્રોને મળીને આવી ફરિયાદ કરીશું, પરંતુ આપણે જેણે પાર્ટી રાખી છે તે યજમાનને આવી ફરિયાદ નહીં જ કરીએ ને? આ વૃદ્ધ લોકોનું પણ એવું જ છે!
એક સરસ વાર્તા છે. એક માણસ ખૂબ ધન કમાયો અને પછી તેની બધી મિલકત તેણે તેના પુત્રને આપી દીધી. પુત્રને જ્યારે બધું જ મળી ગયું, ત્યારે તેણે પોતાના માતાપિતા માટે વિશાળ ઘરની પાછળ એક નાનું આઉટહાઉસ બનાવ્યું અને તેમને કહ્યું, “હવે તમારે ત્યાં રહેવું પડશે.” તેથી વૃદ્ધ દંપતી ત્યાં જ રહેવા લાગ્યું અને પુત્ર પોતાના પરિવાર સાથે મોટા બંગલામાં રહેવા લાગ્યો. એક દિવસ રમતા રમતા પૌત્ર તેના દાદાના ઘરે આવ્યો, જ્યાં બધું જ રાચરચીલું અને ઘરવખરી ખૂબ જૂનાં અને બિસ્માર હાલતમાં હતા. અને ખૂબ જ નબળી, દયનીય સ્થિતિમાં આ માતાપિતા ત્યાં રહેતા હતાં. જૂના વાસણો, જૂની ખુરશીઓ, તદ્દન નક્કામો થઈ ગયેલો સામાન. ગમે ત્યારે તૂટી શકે તેવી વસ્તુઓ એ ઘરમાં રાખવામાં આવી હતી. તેથી પૌત્રએ આવીને તેના દાદાને કહ્યું, “દાદા, તમારી થાળી અને ખુરશીને ખૂબ કાળજીથી વાપરજો. તોડશો નહીં!” દાદાએ કારણ પૂછ્યું, ત્યારે બાળકે કહ્યું, “કારણ કે ભવિષ્યમાં, મારા પિતાને પણ આ બધી વસ્તુઓને વાપરવાની જરૂર પડશે.” બાળકના પિતાએ આ સાંભળ્યું અને તેઓ ચોંકી ગયા. પેલા નાના છોકરાએ કહ્યું, “દાદા, આને તોડશો નહીં કારણ કે કાલે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું મારા પિતાને પણ અહીં જ મોકલવાનો છું. એટલે આ બઘું સાચવી ને રાખવુ સારું!”
આપણને આ હકીકતનો ખ્યાલ નથી કે આપણે પણ એક દિવસ વૃદ્ધ થવાના છીએ, તેમના જેવા જ થવાના છીએ. જો આપણને એમ લાગે કે ઘરના વૃદ્ધ લોકો આખો દિવસ ફરિયાદ કરી રહ્યા છે, અને આપણને તે ગમતું નથી, તો આપણે પણ આજથી જ તે રીતે વર્તવાનું બંધ કરવું જોઇએ. આખો દિવસ ખોડખાંપણ કાઢવાની અને ફરિયાદો કરવાની ટેવ છોડી દેવી જોઇએ. અને જો ઘરના વડીલો ખૂબ ઉદાર, પ્રેમાળ, શાંત, કરુણામય હોય, તો આપણે પણ આજથી જ તેવા બનવાનો પ્રયાસ પ્રારંભ કરીએ.
અને એક વાત કહી દઉં કે, જો તમે આ આધ્યાત્મના માર્ગ પર છો, જ્ઞાનમાં છો, અને જો તમે નિયમિત રીતે પ્રાણાયામ અને ધ્યાન કરતા રહેશો, તો તમારી ઉંમર જાણે વધવાને બદલે ઘટશે! સતત કંઇક નવું શીખવાનો તમારો એ ઉત્સાહ હંમેશા જળવાઈ રહેશે અને તમારી સતર્કતા, જાગૃતિ અને એકાગ્રતા – બધું જ વધશે. તમે ઉંમર વધવાની સાથે લાગણીશૂન્ય અને નબળી બુદ્ધિવાળા નહીં બનો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)