આપણે શું સાંભળતાં હોઈએ છીએ? જો આપણાં જીવનમાં આપણાં સંતાનો કેન્દ્ર સ્થાનમાં હોય તો આપણે આપણાં સંતાનો વિશે વાત કરવા ઇચ્છીએ છીએ, જો આપણાં જીવનનું ધ્યેય પ્રેમ છે તો આપણે પ્રેમ વિશે જાણવા ચાહીએ છીએ. આપણને જે જોઈતું હોય, જેનું આપણાં જીવનમાં મહત્વ હોય તેના વિશે આપણે વાત કરવા, જાણવા ઇચ્છતાં હોઈએ છીએ.
કઈં ને કઈં ચાહવામાં આપણે સતત વ્યસ્ત રહીએ છીએ. એક ઈચ્છા પુરી થાય છે અને તરત જ બીજી ઈચ્છા આવીને ઉભી રહે છે. ઈચ્છાઓની જાણે લાઈન લાગી હોય, તેમ એક ઈચ્છા પૂર્ણ થાય કે તરત જ બીજી ઈચ્છા ચોક્કસ પ્રવેશે છે. એરપોર્ટ પાર જેમ એક પછી એક પ્લેઇન ટેઈક ઓફ થાય છે, તેમ એક પછી એક ઈચ્છાઓ ઉદ્ભવતી રહે છે.
આ વખતે જો આપણે આપણાં મનનું અવલોકન કરીએ ત્યારે આ પ્રશ્ન ઉઠે છે, મારાં જીવનનો ઉદેશ્ય શું છે? આ પૃથ્વી પર મારા આવવાનું શું પ્રયોજન છે? આ પ્રશ્ન માત્ર મનુષ્ય જન્મમાં જ ઉદ્ભવી શકે છે.
આપણે સામાન્યતઃ બીજાંને પૂછતાં હોઈએ છીએ, તમે શું કરો છો? એને બદલે આપણે સ્વયં ને પૂછવું જોઈએ, હું શું કરી રહ્યો છું? મારાં જીવનનો હેતુ શું છે? આ એક પ્રશ્ન માત્ર આપણી અંદર માનવીય મૂલ્યો ઉજાગર કરવા સક્ષમ છે. પરંતુ આ પ્રશ્નનો ઉત્તર, ઉતાવળમાં શોધશો નહિ. આ પ્રશ્નની સાથે નિરંતર રહો. પોતાનાં કેન્દ્રમાં આવવા માટે, પોતાનાં ભીતરી તત્વોનો અનુભવ કરવા માટે આ પ્રશ્ન એક સાધન છે. માત્ર પુસ્તકો વાંચવાથી કે અન્ય કોઈ પ્રવૃત્તિથી આ પ્રશ્નનો ઉત્તર મળશે નહિ. પુસ્તકો કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને સહાયરૂપ થશે, પરંતુ સાચો ઉત્તર તમને નહિ આપી શકે. મારાં જીવનનો શું ઉદ્દેશ્ય છે? આ પ્રશ્ન સાથે નિરંતર રહેવાથી તમે જાતનો ગહનતમ અનુભવ કરી શકશો. ગહેરાઈના આ સ્તરથી તમે જયારે જીવન જીવવાનું શરુ કરશો, પરિસ્થિતિ, વ્યક્તિ કે સંજોગોથી તમે સ્ટ્રેસ અનુભવવાનું બંધ કરશો, અને ઘટનાઓ તથા પરિસ્થિતિઓથી વિચલિત થવાને બદલે ઘટનાઓ અને પરિસ્થિતિઓ પર તમારું વર્ચસ્વ હશે ત્યારે એ ક્ષણ, એ બુદ્ધત્વની ક્ષણ હશે.
જયારે તમે તમારાં હૃદયનાં ઊંડાણથી હસો છો ત્યારે તમે બુદ્ધ છો. આપણાં ચહેરા પર સ્મિત તો હોય છે, પરંતુ ભીતરના હાસ્યના, આનંદના નિરંતર સ્ત્રોત નો અનુભવ આપણે કરી શકતાં નથી. અંદરના સતત વહેતા આનંદ અને હાસ્યનાં ઝરણાનો જયારે અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે સહજ અને નિર્દોષ હોઈએ છીએ અને એ જ તો બુદ્ધત્વ છે. બુદ્ધત્વ એ કોઈ સિદ્ધિ નથી, એ તમારો સ્વભાવ છે. અજ્ઞાનથી મુક્ત થવું એ એક સિદ્ધિ છે.
અને એટલે જ મનુષ્ય એ ઈશ્વરથી ભિન્ન નથી. મનુષ્ય બહારનું સ્વરૂપ છે, ત્વચા છે અને ઈશ્વર ભીતરી તત્વ છે. અને સ્ટ્રેસ એ આ સ્વરૂપ પર, ત્વચા પર લગાડેલ પ્લાસ્ટિક કવર છે. એક સફરજન પર લગાવેલ પ્લાસ્ટિક કવર એ સ્ટ્રેસ અને ઈગો છે, સફરજનની છાલ એ મનુષ્ય છે અને અંદરનો ગર્ભ એ ઈશ્વર છે. મનુષ્યત્વ એ પશુત્વ અને ઈશ્વરત્વ ની વચ્ચેની કડી છે. આપણે ગમે તેટલું કરીએ તો પણ સંપૂર્ણતઃ પશુ જેવું વર્તન કરી શકતાં નથી. મનુષ્યનું અસ્તિત્વ એક પુલ જેવું છે. જેની એક બાજુ ઈશ્વરીય ગુણ છે, જયારે બીજી બાજુ પશુત્વ છે. અને એટલે જ અન્ય યોનિ કરતાં મનુષ્યનું જીવન સંઘર્ષથી ભરપૂર હોય છે. પશુઓ નિર્દોષ છે, તેમને કોઈ જ સમસ્યા નથી તે જ રીતે ઈશ્વર પણ નિર્દોષ છે, ઈશ્વરને પણ કોઈ જ સમસ્યા નથી. પરંતુ વચ્ચે મનુષ્ય છે તેને જ સઘળી સમસ્યા છે. આ જ મનુષ્ય મનનો સ્વભાવ છે.
શું કરે છે મન? તમારા દસ સકારાત્મક ગુણ છે અને એક નકારાત્મક ગુણ છે, તો મન એ એક નકારાત્મક ગુણને પકડે છે. તમને દસ પ્રશંસા મળે છે અને એક ટીકા મળે છે તો મન એક ટીકાને પકડીને દુ:ખી થાય છે. ખરું કે નહિ? મન બીજું શું કરે છે? ભૂતકાળમાં જાય છે, ભવિષ્યમાં જાય છે. ભૂતકાળને યાદ કરીને ગુસ્સાની, પસ્તાવાની લાગણી અનુભવે છે અને ભવિષ્ય અંગે વિચારીને ચિંતા કરે છે. ખરું ને? મોટેભાગે બની ચુકેલી ઘટનાઓ પ્રત્યે જ આપણે ગુસ્સો કરતાં હોઈએ છીએ. કાચની બરણી તમારા હાથમાંથી પડીને ફૂટી જાય છે તો તમે ગુસ્સો કરો છો, કે આમ કેમ થયું, આમ કેમ થયું? પણ એ થઇ ચૂક્યું છે. બની ગયેલી ઘટનાને લઈને ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. ગુસ્સો નિરર્થક છે કારણ તે હંમેશા ભૂતકાળમાં જે ઘટિત થઇ ચૂક્યું છે તે પરત્વે જ હોય છે. જયારે ચિંતા હંમેશા ભવિષ્ય માટે હોય છે. કાલ શું થશે, કાલ શું થશે? પણ જુઓ ને, અત્યાર સુધી તમે કેટલી ચિંતા કરી? તેમાંથી કેટલી ચિંતાઓ સાચી પડી? જીવન તો ચાલ્યા જ કરે છે. ભવિષ્યની ચિંતાઓ પણ નિરર્થક છે. તો ગુસ્સો અને ચિંતા બંને છૂટશે, મન વર્તમાનમાં આવશે અને આનંદથી ભરાઈ જશે, પ્રેમમય બની જશે.
અને પ્રેમ કોઈ ક્રિયા નથી. આપણને લાગે છે કે પ્રેમ કોઈ પ્રક્રિયા છે, પ્રેમ કરવામાં આવે છે. પણ ના, આપણે પ્રેમ તત્વથી જ બન્યાં છીએ. બુદ્ધત્વની જેમ જ પ્રેમ પણ આપણો સ્વભાવ છે. આપણે કહીએ છીએ, “હું તને પ્રેમ કરું છું” તો અહીં “હું” પણ પ્રેમ છે, “તું-તને” પણ પ્રેમ છે અને “પ્રેમ” પણ પ્રેમ છે. સઘળું જગત પ્રેમમય જ છે. તો ભૂતકાળ અને ભવિષ્યને બદલે મન જયારે વર્તમાનમાં રહે છે ત્યારે તે પ્રેમસભર છે. તમે ગુસ્સો નથી કરતાં, તમે ચિંતા નથી કરતાં ત્યારે તમે પ્રેમમય હો છો. નાના શિશુ ને જુઓ છો ને, તેઓ કેટલાં આનંદિત હોય છે! શિશુ જેવાં બનવું એટલે વર્તમાન ક્ષણમાં રહેવું! બાળકો રડતાં રડતાં જ હસી પડે છે, કારણ તેઓ પૂર્ણતઃ વર્તમાનમાં જીવે છે. જેમ જેમ બુદ્ધિ વિકસે છે તેમ આપણે આપણી નિર્દોષતા ખોતાં જઈએ છીએ. બુદ્ધત્વ એટલે પ્રજ્ઞાના પ્રકાશમાં નિર્દોષતાની અવસ્થામાં રહેવું! એક મૂર્ખ વ્યક્તિની નિર્દોષતા નિરર્થક છે અને બુદ્ધિમાન વ્યક્તિની ચાલાકી પણ નિરર્થક છે. બુદ્ધિમાન હોવાની સાથે નિર્દોષ રહેવું એ ખુબ કિંમતી છે. જીવનનો અમૂલ્ય ઉપહાર છે.
તો પ્રસન્ન રહો, તમારી આસપાસ પ્રસન્નતા ફેલાવો. નિર્ણય કરો કે કઈં પણ થઇ જાય, હું મારુ સ્મિત જાળવી રાખીશ. તમારાં અસ્તિત્વની લય ને જાળવી રાખો. પ્રેમ એ તમારાં અસ્તિત્વની લય છે. પ્રેમ, કરુણા, નિર્દોષતા અને વિશ્વાસની લય પર જીવન નર્તન કરતુ રહે તો તમારાં જીવનનો હેતુ તમને સમજાવા લાગશે. સ્મિત કરો, વર્તમાન ક્ષણમાં રહો અને આ પ્રશ્ન પૂછતાં રહો, મારાં જીવનનું પ્રયોજન શું છે? અને જે ઉત્તર મળશે તે બુદ્ધત્વ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)