દિવ્ય પ્રેમના લક્ષણો શું છે?

દિવ્ય પ્રેમની સાહજિક અભિવ્યક્તિ કઈ રીતે થતી હોય છે? દિવ્ય પ્રેમ તો એક જ છે પરંતુ તે ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત થયા કરે છે.

પ્રથમ અભિવ્યક્તિ છે, પ્રશંસા! એક પૂર્ણ અને તીવ્ર પ્રેમથી ભરેલું હૃદય જ પ્રશંસા કરવા સમર્થ છે. તમે જોયું છે, જયારે તમે શેની પણ પ્રત્યે સખત આકર્ષણ ધરાવો છો, ત્યારે તમે તેના વિશે જ સતત વાત કરો છો. કોઈ વ્યક્તિ જયારે પ્રેમમાં પડે છે ત્યારે માત્ર અને માત્ર પોતાના પ્રિયપાત્ર વિશે જ વાતો કરે છે. આ પ્રથમ અભિવ્યક્તિ છે. જયારે તમે દિવ્ય પ્રેમમાં પાગલ છો ત્યારે તમે પ્રિયતમની પ્રશંસા કર્યા કરો છો, તેમના સદ્દગુણો વિશે વાત કર્યા કરો છો, પ્રેમની આ પ્રથમ સંજ્ઞા છે. ગમે તેટલી પ્રશંસા કરો તો પણ તમને લાગે છે કે ઓછી જ છે. તેમના વિશે વાત કરતા તમે ક્યારેય થાકતા નથી. હળવો સામાન્ય ભાવ ક્યારેય બેહદ પ્રશંસા કરી શકતો નથી. એટલે જ હું કહું છું કે પ્રશંસા કરો, વધુ ને વધુ, વધુ ને વધુ પ્રશંસા કરો. દિવ્ય પ્રેમની આ અભિવ્યક્તિ છે. નિત્ય, નિરંતર પ્રશંસા કરતા પણ થાક લાગતો નથી, લાગે છે કે વધુ ને વધુ, વધુ ને વધુ તેના ગુણની વાતો કરીએ!

દિવ્ય પ્રેમની અભિવ્યક્તિનો બીજો પ્રકાર છે, રૂપ! ઈશ્વરનું કોઈ સ્વરૂપ નથી, છતાં પણ ઈશ્વરના રૂપ પ્રતિ અત્યંત આકર્ષણ છે. આ પણ દિવ્ય પ્રેમની સંજ્ઞા છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. છતાં તેનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી. પરંતુ ઈશ્વરને રૂપ-આકાર ગમે છે, અને એટલે જ તેણે સૃષ્ટિમાં અનંત સ્વરૂપોનું સર્જન કર્યું છે. તમે ઈશ્વર નિરાકાર છે તે જાણો છો છતાં પણ ઈશ્વરનું સ્વરૂપ તમને ગમે છે, તે તમારી અંદર પ્રેમ જગાડે છે.

ત્રીજી સંજ્ઞા છે: પૂજા! અર્થાત ભક્તિ, પોતાની જાતને અર્પણ કરી દેવી તે દિવ્ય પ્રેમની ત્રીજી સંજ્ઞા છે. જેને પણ તમે પ્રેમ કરો છો, તેના પર અધિકાર કરવાની ઈચ્છા ધરાવો છો, અને આ પ્રક્રિયામાં સુંદરતા ખોવાઈ જાય છે. પ્રેમની સુંદરતા કુરૂપ બની જાય છે. અભિવ્યક્તિ વિકૃત બની જાય છે. ભક્તિ આનાથી વિપરીત છે. જેની પણ તમે પ્રશંસા કરો છો, ચાહો છો, તેના સૌંદર્ય ને જાણો છો ત્યારે તમે તેની ભક્તિ કરો. અધિકાર જતાવવાની ચેષ્ટાથી વિપરીત ચેષ્ટા એ ભક્તિ છે. પ્રકૃતિ તમારી ભક્તિ કરે છે. ઈશ્વર સ્વયં જુદાં જુદાં સ્વરૂપ – ફળ, ફૂલ, અન્ન, જળ- લઈને તમારી પૂજા કરે છે. એટલે જ ઈશ્વરની પૂજામાં આપણે ફળ,ફૂલ, અન્ન, જળનો ઉપયોગ કરીને ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. અર્પણ કરવું, પૂજા કરવી તે પણ ઈશ્વરીય પ્રેમની અભિવ્યક્તિ છે.

ત્યાર પછી છે, સ્મૃતિ! પ્રિયજન ને યાદ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જેવાં તમે સવારે ઉઠો છો, સૌથી પ્રથમ ઈશ્વર-પ્રિયતમની યાદ આવે છે. તેમના જ વિચાર નિરંતર આવે છે. તેમની સ્મૃતિના પ્રવાહમાં તમે મૌન અને શાંત થઇ જાઓ છો, ધ્યાનની અવસ્થામાં સરકી જાઓ છો. સ્મૃતિ અને ઈશ્વર પ્રતિ ધ્યાન એ દિવ્ય પ્રેમની ચોથી અભિવ્યક્તિ છે.

પાંચમી અભિવ્યક્તિ છે, નમ્રતા અને સેવા! તમને એવો વિચાર પણ આવતો નથી કે ઓહ, હું સેવા કરું છું! સેવા વગર તમે રહી શકતાં નથી. સેવાથી તમને દૂર કરવાનો પ્રયત્ન કોઈ કરે તો પણ તે પ્રયાસ સફળ થતો નથી. સેવા એ દિવ્ય પ્રેમની અભિવ્યક્તિ છે. સૌથી વધુ અધિકાર ક્યારે મળે છે? જયારે તમે સેવક બનો છો. માલિક જયારે બહાર હોય છે ત્યારે સેવકનો સંપૂર્ણ અધિકાર ત્યાં હોય છે. તે માલિકની જેમ વર્તી શકે છે, કારણ માલિક એ તેના પર વિશ્વાસ મૂક્યો છે. સેવક ભાવ એટલે જગત નિયંતા એ મૂકેલા વિશ્વાસનું સાદર અનુમોદન! સન્યાસીઓ, ગુરુ, પયગંબરો શા માટે અધિકારયુક્ત વાણી બોલે છે? કારણ ઈશ્વર પ્રત્યેનો તેમનો પ્રેમ અત્યંત ગહન છે. આ એક વિચિત્ર ગણિત છે. જો તમે સેવક બનવા તૈયાર નથી તો તમે માલિક કદાપિ બની શકશો નહિ. જો તમે શિષ્ય નહિ બની શકો તો તમે ગુરુ કદાપિ નહિ બની શકો. તો સેવા એ પ્રેમની અન્ય અભિવ્યક્તિ છે.

ઈશ્વરને મિત્ર બનાવો. મૈત્રી એ પ્રેમનું અન્ય લક્ષણ છે. તમારા ઉપરી પ્રત્યે તમને આદર હોય છે, પણ કદાચિત પ્રેમ નથી હોતો. તમે હૃદય ખોલીને તેમની સાથે વાત નથી કરી શકતા. ગુરુ/ઈશ્વર તમારી સમીપ આવે છે અને તમારા ખભા પર હાથ મૂકીને કહે છે”કહી દે જે કહેવું હોય તે, શું સમસ્યા છે?” આ મૈત્રી છે, પ્રેમની અભિવ્યક્તિ છઠ્ઠો પ્રકાર. અતિ ગંભીર રહીને જ્ઞાનનું આદાન-પ્રદાન થઇ શકતું નથી. રમતિયાળપણું એ મૈત્રી-ભાવ સભર પ્રેમની સંજ્ઞા છે.

દિવ્ય પ્રેમની અનુભૂતિ જીવનસાથીના સ્વરૂપમાં કરવી તે સાતમો પ્રકાર છે. ઈશ્વર સાથેનો સંબંધ એ એક જ સંબંધ છે જ્યાં તમે પૂર્ણ રૂપે નિર્ભર થઇ શકો છો. તો તમે ઈશ્વરને તમારા જીવનસાથી માનીને પ્રેમ કરો કે તમારા જીવનસાથીના સ્વરૂપમાં ઈશ્વરને જુઓ બંને એક જ છે. ઈશ્વરની સાથે લગ્ન સંબંધથી જોડાશો તો જીવનમાં ક્યારેય એકલતાનો અનુભવ નહીં થાય, અને અન્યને પણ પ્રેમ કરવા તમે સક્ષમ બનશો.

આઠમી અભિવ્યક્તિ છે, માતૃભાવ! ઈશ્વરને પોતાના શિશુ સ્વરૂપમાં જોવા અને પ્રેમ કરવો તે પણ દિવ્ય પ્રેમનું લક્ષણ છે. આ આપણો સહજ સ્વભાવ છે. આપણા બાળકની જેમ સંભાળ લઈએ તેજ મમત્વ ઈશ્વર પ્રત્યે જાગે છે, જયારે આપણે ઈશ્વરીય પ્રેમની વિરાટતાને પિછાણીએ છીએ, અને ત્યારે આપણે તેમનામાં ઓગળવા લાગીએ છીએ, તેમની સંભાળ લઈએ છીએ. આ પ્રેમ ભવ્યાતિભવ્ય છે.

 

જ્ઞાન એ નવમી અભિવ્યક્તિ છે. જયારે જ્ઞાનનો ઉદય થાય છે, ત્યારે તમે કહો છો, ઈશ્વરના પથ ઉપર હું એક પુષ્પ બનું તો પણ એ ધન્યભાગ્ય છે. જ્ઞાન થકી જયારે તમે તમારા જીવનને ઈશ્વરને સમર્પિત કરો છો, ત્યારે સઘળી ચિંતાઓ નિર્મૂળ થઇ જાય છે. તમે દરેક પરિસ્થિતિને સસ્મિત આવકારો છો.

વિરહ એ અંતિમ અભિવ્યક્તિ છે. કેટલી તીવ્રતાથી તમે ઈશ્વરના પ્રેમમાં છો તે વિરહ-ભાવ દ્વારા વ્યક્ત થાય છે. તીવ્ર ઝંખના એ દિવ્ય પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. વિરહ ભાવ તીવ્ર થતો જાય છે અને અંતે તે પરમ આનંદમાં પરિણમે છે. તમે ઈશ્વર સાથે એકત્વ અનુભવો છો. પ્રેમની આ પરાકાષ્ઠા છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)