પ્રકૃતિ પ્રત્યે સન્માનથી વર્તવું એ તેના રક્ષણનો એક માત્ર માર્ગ

પૌરાણિક શાસ્ત્રો અનુસાર આપણને પાંચ આવરણ છે: ભૌતિક વાતાવરણ, ભૌતિક શરીર, મન, આંતરજ્ઞાનનું આવરણ કે સૂક્ષ્મ વાતાવરણ અને આત્મા. ભારતીય પ્રણાલી પ્રકૃતિને પવિત્ર માને છે. આપણા ઋષિઓ પર્વતો, નદીઓ, સૂર્ય, ચંદ્ર તથા વૃક્ષોને પવિત્ર માનતા હતા. આપણે જેને પવિત્ર માનતા હોઈએ તેને સન્માન આપતા હોઈએ છીએ. વાતાવરણીય ચેતના આપણા જીવન જીવવાની રીતમાં વણાઈ ગઈ છે અને આપણો એક સ્વભાવ પણ બની ગઈ છે. પરંતુ જ્યારે આપણે આપણા એ સ્વભાવથી વિમુખ થવા માંડીએ છીએ ત્યારે વાતાવરણને પ્રદૂષિત કરવા લાગીએ છીએ. કમનસીબે આપણે આપણી નદીઓ અને પર્વતોને પવિત્ર વિધિઓના નામે પ્રદૂષિત કરીએ છીએ. આપણે એવી પણ ગેરમાન્યતા રાખીએ છીએ કે ટેકનોલોજી અને વિકાસની આડપેદાશ તરીકે વાતાવરણનું નુકસાન અનિવાર્ય છે. પરંતુ આ બન્ને પારસ્પરિક વિકલ્પો ના હોવા જોઈએ.

ટેકનોલોજીનો ઉદ્દેશ પ્રકૃતિનો વિવેકયુકત ઉપયોગ કરવાનો, માનવજાતને બોધયુક્ત માહિતી અને અનુકૂલન આપવાનો છે. જ્યારે આધ્યાત્મિક અને માનવીય મુલ્યોને અવગણવામાં આવે છે ત્યારે ટેકનોલોજીથી અનુકૂલનને બદલે પ્રદૂષણ અને વિનાશ મળે છે. આધ્યાત્મિકતા ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસની સાથે સાથે વાતાવરણમાં સંવાદિતા જાળવવામાં ભાગ ભજવે છે.આ સદી માટે આ એક પડકારરૂપ બાબત છે.

આપણે પ્રકૃતિમાંથી વાતાવરણના સંરક્ષણ માટેના પાઠ ભણી શકીએ છીએ. પ્રકૃતિ કચરા-પૂંજાને પચાવી દે છે અને દરેક વખતે કંઈક સુંદર બનાવે છે. કુદરતમાં બધી પરાકાષ્ઠાના ગુણધર્મો જોવા મળે છે, છતાં સંતુલન જળવાઈ રહે છે. વિજ્ઞાન કે ટેકનોલોજી નુકસાનકર્તા નથી; પરંતુ જે નકામા પદાર્થો અને કચરો ઉત્પન્ન થાય છે તે ઝેરી હોય છે. એ પદાર્થો ઓછા ઉત્પન્ન થાય અને તેમનો કોઈ રીતે ઉપયોગ થાય તે જરૂરી છે.

અલબત, માણસનો લોભ એ સૌથી મોટો પ્રદુષણકર્તા છે. તે વાતાવરણના સંરક્ષણમાં નડે છે કારણ કે તે વાતાવરણને અનુકૂળ હોય તેવી ઉત્પાદન પ્રક્રિયાઓ કરતાં ત્વરિત લાભ અને ત્વરિત પરિણામને વધારે પ્રાથમિકતા આપે છે. લોભ સૂક્ષ્મ વાતાવરણ અને માનવ મનને નકારાત્મક લાગણીઓ તથા પ્રભાવથી પ્રદૂષિત કરે છે. પ્રદૂષણ ભૌતિક અને સૂક્ષ્મ બન્ને વાતાવરણમાં પ્રસરે છે. ગુસ્સે થયેલી વ્યક્તિમાંથી ગુસ્સાની ભાવના પ્રસરે છે જે તેની આસપાસના લોકોમાં ફેલાય છે. આ પ્રક્રિયા આગળ વધતી જતી હોય છે. બધા યુધ્ધોના મૂળમાં એકત્રિત થયેલી નકારાત્મક લાગણીઓ હોય છે.

ઘણીવાર આપણે સભાન નથી હોતા કે જે વસ્તુ વાતાવરણ માટે પ્રતિકૂળ છે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ પ્રતિકૂળ છે.
પ્રકૃતિ પ્રત્યે જે પારંપરિક સન્માન હતું તેને પુનર્જીવિત કરીને આપણે આપણી આસપાસના વાતાવરણમાં કંઈક અંશે શુધ્ધિ પુનઃસ્થાપિત કરી શકીએ છીએ. આપણે પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરી શકીએ છીએ-તેને લીધે આપણે પ્રકૃતિ સાથે જે કંઈ કરી રહ્યા છીએ તે વિશે સંવેદનશીલ બની શકીએ છીએ. પછી તમે પર્યાવરણ પ્રત્યે સભાન બન્યા વગર ના રહી શકો.

પ્રાચીન અને અર્વાચીન બન્ને પધ્ધતિઓ અપનાવવી જોઈએ. વૈદિક ખેતી ગાયના મૂત્ર, છાણ અને લીમડાના પાનથી કરવામાં આવતી હતી. પાકના ઉત્પાદન માટે હવે આ શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતમાં તાજેતરના પ્રયોગોએ દર્શાવ્યું છે કે ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વગર કરવામાં આવતી નૈસર્ગિક ખેતીથી પાકનું ઉત્પાદન ત્રણ ગણું વધે છે. કોઈ બાબત નવી છે માત્ર એટલા માટે જરૂરી નથી કે તે સારી જ હોય અને કોઈ બાબત જૂની છે માત્ર એ કારણે તેને ત્યજી ના દેવી જોઈએ. પ્રાચીન અને અર્વાચીનનું વિવેકભર્યું સંયોજન આપણને આપણું જીવન વાતાવરણ સાથે સંતુલિત કરવામાં સહાય કરી શકે છે અને આ રીતે આપણે આપણી પૃથ્વીનું વધારે નુકસાન થતું રોકી શકીએ છીએ. આવું ત્યારે જ શક્ય બને જ્યારે માણસનો લોભ, સ્વાર્થી વૃત્તિઓ અને શોષણવૃત્તિના કરતાં તેનો અંતરાત્મા વધારે પ્રભાવી બને. આપણે આપણી જાતને પૂછવું જોઈએ:આપણે પૃથ્વીનું કેટલું શોષણ કરવા માંગીએ છીએ?કે પછી આપણે તેનું કેટલુ સંરક્ષણ કરવા ઈચ્છીએ છીએ?

આધ્યાત્મિકતા લોભને નિયંત્રિત રાખે છે. તે સમસ્ત પૃથ્વી માટે સભાનતામાં વૃધ્ધિ કરે છે અને કાળજી કરવાની ભાવના તથા પ્રતિબધ્ધતા આપે છે. આધ્યાત્મિકતા આપણી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે. તે નૈસર્ગિક સૌંદર્ય પ્રત્યે આપણી આંખો ખોલે છે અને આપણને પ્રકૃતિ તથા જીવનનું સન્માન કરવા પ્રેરિત કરે છે-અને આપણા જીવનમાં વધુ આનંદ તથા ઉજવણી લાવવામાં મદદ કરે છે. વાતાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અને સંવેદનશીલતા જરૂરી છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)