માનવીય મૂલ્યો એ શું છે? કરુણા, મિત્રતા, સહકાર, મનની શાંતિ, આનંદ અને જીવનભર અકબંધ રહેતું હાસ્ય. સમાજમાં ઘણી વાર ઓળખને લઇને સંકટ ઊભું થતું હોય છે. આગવી ઓળખ થાય તેવા ગ્રુપ બનાવવામાં આવે છે. કયાંય ને ક્યાંય, તેઓ સમગ્ર માનવ જાત સાથેના એકત્વની ભાવનાઓ ગુમાવી બેસે છે. દાખલા તરીકે,-“હું બૌદ્ધ છું,” “હું મુસ્લિમ છું,” “હું ખ્રિસ્તી છું” વગેરે વગેરે.
પોતાની આ સીમિત ઓળખ રાખવા માટે માનવ જાત પોતાની ખુદની જીવંત ઓળખ ભૂલી જવા તૈયાર થઇ જાય છે. આજકાલ આવું જ સંસ્કૃતિ, જાતી, ધર્મ અને રાષ્ટ્રીયતાના સંદર્ભમાં પણ બની રહ્યું છે. જો પ્રથમ અને પ્રથમ માનવ હોવા પાર ભાર મુકવામાં આવે તો સમાજમાં ખૂબ શાંતિ પ્રવર્તશે. લોકો વચ્ચે વધારે સમજણ કેળવાશે. આના માટે, આપણે લોકોને પોતે પહેલાં માનવસંતાન છે, તેમ વિચારતા કરવામાં મદદ કરવી જોઈશે.
આજે લોકો ઓળખની શોધમાં છે તેથી તેઓ ઘણીવાર ધાર્મિક ઓળખને પ્રાધાન્ય આપે છે. આને કારણે તેઓ ઝનૂન ધર્માંન્ધતા અને કટ્ટરતા વાદનો શિકાર બને છે. જયારે યોગ્ય આધ્યાત્મિક શિક્ષણનો અભાવ હોય અથવા વિશ્વ બંધુત્વની ભાવનાના જ્ઞાનનો અભાવ હોય, ત્યારે લોકો એવી રાહ પકડે છે, જે માનવ જાતના હિત માટે લાભદાયકના હોય. તેથી જ મૈત્રી ભાવને શૈક્ષણિક સ્તર થી જ કેળવવાની જરૂર છે. કારણ કે મિત્રતા એ આપણો જન્મજાત ગુણ / પ્રકૃતિ છે. આપણે કોઈની સાથે પણ અને બધાની સાથે પણ મૈત્રીપૂર્ણ રહેવું જોઈએ.
આપણા મનમાં ઊભા કરેલાં વાડાઓ, દીવાલો, સીમાઓથી આપણે મુક્ત થવું જોઈએ. આપણે ભીતરના ઊંડાણમાંથી જ સુરક્ષાની, કરુણાની લાગણી ઉત્પન કરવી જોઈએ. લોકોના હૃદયમાં ગુસ્સો, હિંસા અને તિરસ્કારની લાગણીઓ કેમ જોવા મળે છે? આજ સમસ્યાનો આજે આપણે સામનો કરી રહ્યા છીએ. આપણે આનો જવાબ તત્વજ્ઞાનથી જાણીએ છીએ. પરંતુ વ્યવહારુ ઉપાયો શું છે અને તે કઈ રીતે અમલ કરી શકાય? અહીં જ આપણા જીવનની એક મૂળભૂત વાત ભાગ ભજવે છે અને તે છે આપણો શ્વાસ.
શ્વાસની શક્તિ/પ્રભાવ
શ્વાસ એ શરીર, મન અને લાગણીઓ વચ્ચેનો સેતુ છે. જયારે આપણે વ્યાકુળ હોઈએ છીએ, ત્યારે આપણા શ્વાસની લય ભિન્ન હોય છે. અને ખુશ હોઈએ ત્યારે પણ શ્વાસની ગતિ અલગ જ હોય છે. તેથી જો તમે શ્વાસ પાર ધ્યાન આપો તો તમે તમારું મન શાંત કરી શકશો.
ઘરમાં કે શાળામાં કોઈ પણ જગ્યાએ આપણને આપણી લાગણીઓ સાથે કઈ રીતે કામ લેવું તે શીખવવામાં આવતું નથી. જયારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે લોકો આપણને સલાહ આપે છે, ”ગુસ્સો ના કરો,તે સારું નથી”. પરંતુ કોઈ એ પણ આપણને કદી એમ શીખવ્યું નથી કે ગુસ્સાને આપણી સિસ્ટમમાંથી દુર કેમ રાખવો. શ્વાસ એ ગુસ્સાને દૂર કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.
શ્વાસ એ ઊર્જાનો અગત્યનો સ્ત્રોત છે, જેની આપણે સંપૂર્ણપણે અવગણના કરી છે. આપણે આ દુનિયામાં આવીને પહેલું કામ ઊંડા શ્વાસ લેવાનું કર્યું હતું અને આ દુનિયા પરનું છેલ્લું કામ પણ આપણે આપણો અંતિમ શ્વાસ છોડવાનું જ કરવાના છીએ. તે જ અંતિમ કાર્ય હશે. આખું જીવન આપણે શ્વાસ લઈએ છીએ, તેમ છતાં આપણે શ્વાસ પ્રત્યે ધ્યાન આપ્યું જ નથી.
આપણા શ્વાસ પ્રત્યે દિવસમાં માત્ર દસ થી પંદર મીનીટ અથવા અઠવાડિયામાં એક વાર પણ અડધા કલાક માટે ધ્યાન આપશું તો પણ શરીરનો જેરી કચરો અને તણાવ દૂર થશે. ઘણા જ ડોકટરો અને વૈજ્ઞાનિકો એ આ વિષય પર વ્યાપક સંશોધન કરેલ છે. એ ખૂબજ નોંધપાત્ર છે કે,-આ શ્વાસ જેવી એક સરળ/સાદી બાબત પણ વ્યક્તિના સ્વભાવ અને ક્રિયા-પ્રતિક્રિયામાં જબરદસ્ત પરિવર્તન લાવી શકે છે.
માનવીય મૂલ્યોનો આજ પાયો છે. ઘણા જ પ્રશ્નો લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે ઉકેલી શકતા હોય છે. આપણે આ મૂલ્યોને સમાજમાં લાવવાની જરૂર છે.
તમે મૈત્રીપૂર્ણ રીતે રહેવાના સ્વભાવ સાથે જ જન્મ્યા છો. તમે કોઈપણ બાળકનો ચહેરો જૂઓ, પછી તે બાળક આફ્રિકા, મોંગોલિયા અથવા ભારતનું હોય- તેનાં મુખ પર કેટલો પ્રકાશ, કેટલો પ્રેમ અને તે બાળક કેટલું આકર્ષક હોય છે! દરેક લોકો દુનિયાના કોઈ પણ કોઈ પણ બાળક તરફ આકર્ષાય છે કારણ કે બાળકમાં કેટલી બધી નિર્દોષતા છે. તે તમારી સાથે જન્મ જાત જ છે. તમારામાં એ છે જ, ફક્ત બાહ્ય પરિસ્થિતિએ તેને થોડી નિયંત્રિત કરી છે. આપણે એકવાર આ સમજી લઈએ કે-“આ માત્ર મારા મનની મૂળભૂત સ્થિતિ છે, તો તમે મુક્ત થઇ જશો.”
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)