કાર્યની સફળતા માટે ભયના બદલે પ્રેરણા અને આત્મવિશ્વાસ જરૂરી

ભારત પાસે ગૌરવ લેવા જેવું ઘણું જ છે. તો આપણે તેને શા માટે ગંભીરતા થી લેતાં નથી? જયારે તમે ભીતર કેન્દ્રિત છો અને વાતાવરણની સુંદરતાનો અનુભવ કરો છો ત્યારે તમારી કાર્યપદ્ધતિમાં આપોઆપ સુધારો થાય છે. પ્રત્યેક કાર્ય સ્થળ ઉપર મેનેજરે સતત સરળ અને અનૌપચારિક વાતાવરણ ઊભું કરવા માટેના રસ્તાઓ અને ઉપાયો અંગે વિચારવું જોઈએ. જયારે તમે તમારી ઓફીસમાં જાવ છો, તમને હંમેશા સન્માન મળે છે, પરંતુ તમે એ અભિવાદન હ્રદયપૂર્વકનું છે કે નહીં તે જુઓ છો?

મોટાભાગના અભિવાદનો જેની આપણે આપ-લે -“તમારો આભાર,” તમે કેવાં માયાળુ છો,” તમારો દિવસ શુભ હો,’ આમ કહી ને કરીએ છીએ, આ બધાજ અભિવાદનો ઉપરછલ્લા હોય તેવું લાગે છે, ખરું? આ સઘળી શુભેચ્છાઓ, તમે જયારે પ્લેઈન માંથી બહાર આવો છો ત્યારે એક એર-હૉસ્ટેસ-દ્વારા કહેવામાં આવતા-‘તમારો દિવસ શુભ હો,” ના અભિવાદન જેવી યંત્રવત અને સામાન્ય રીતે, અર્થહીન હોય છે. કાર્ય સ્થળ ઉપર આખું વાતાવરણ જ આવી ઉપરછલ્લી અને કોઈ વાર તો દંભી શુભેચ્છાઓ થી જ ભરપુર હોય છે. આવાં વાતાવરણને તમે ઉત્પાદક કઈ રીતે કહી શકો?

એક સમયે વર્લ્ડ બેંકના પ્રમુખે મને પુછ્યું–“તમારી સફળતાનું રહસ્ય શું છે?” તમે આટલા ઓછા પૈસા થી પણ આટલાં સેવા કાર્યો કઈ રીતે કરો છો? ”મે કહ્યું કે પૈસા સિવાય બીજું કંઈક છે જે વધુ અગત્યનું છે. ફક્ત એક જ વર્ષના સમયગાળામાં 3000 સ્વયંસેવકોએ ભારતના 25000 ગામડાંઓને દત્તક લીધાં; અન્ય વસ્તુઓ સાથે સાથે તેઓ પીવા યોગ્ય પાણીની વ્યવસ્થા કરી અને રસ્તાઓ બનાવ્યા. અને આ બધુ જ બહુ ઓછા ખર્ચમાં થયું. જોકે આ માનવું ઘણું જ અઘરું છે, પરંતુ તે માત્ર કાર્યકરોની પ્રતિબધ્ધતા, સમર્પણ અને પ્રેરણાને કારણે જ શક્ય બન્યું છે. જો કોઈ ભીતરથી જ પ્રેરણા ન અનુભવે તો તંદુરસ્ત કાર્યપ્રણાલી ઊભી કરવી શક્ય નથી. સામાન્ય રીતે લક્ષ્યની પ્રાપ્તિ અંતિમ કટોકટીની સમય મર્યાદા અથવા ભયની મનોદશા હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. જો ભયની મનોદશા ઉત્પન્ન કરવામાં આવે તો કાર્ય નિશ્ચિત સમય મર્યાદામાં થઈ જય છે પરંતુ તે યોગ્ય રીત નથી. આ માટે પ્રેરણામય વાતાવરણ હોવું અગત્યનું છે.

વ્યક્તિનું મન કહે છે,-“માત્ર હું જ કામ કરું છું, હું જ બધી જવાબદારી લઉં છું.” પરંતુ કંઈક એવું બીજું તત્ત્વ છે, કે જે કામ કરે છે, અને તે કામ પૂર્ણ પણ કરે છે. તમે બધાજ અવરોધોને પાર કરીને ઈચ્છિત કામ કરો છો, કદાચ અશક્યને પણ શક્ય કરો છો; પરંતુ એ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે તમારા વિશ્વાસમાં અડગ છો. વાસ્તવમાં તમારો આત્મવિશ્વાસ કોઈ પણ કઠિન જણાતું કાર્ય સંપન્ન કરે છે. પરંતુ આપણા દેશમાં લાંબા સમય થી આની જ ખોટ જણાય છે; ગુરુ ગોવિંદસિંહજીએ ફરી આપણામાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું અને આપણને યોદ્ધાની જેમ કામ કરવા પ્રેરણા આપી, પરંતુ આ માટે, વર્તમાન સમયમાં કમ્ફર્ટઝોનની બહાર જઈને કાર્ય કરતાં શીખવું પડશે.

આપણા દેશની કેટલીક અનન્ય ઔદ્યોગિક વિશેષતાઓ છે, પરંતુ આ ક્ષેત્રોમાં પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય થઈ રહ્યું નથી.

પ્રથમ છે પર્યટન, આપણે ત્યાં વિશ્વના સૌથી સુંદર પર્યટન સ્થળો છે, તેમ છતાં લોકો ભારત આવવાને બદલે થાઈલેન્ડ જવાનું પસંદ કરે છે. તમને ખબર છે કેમ? કારણ કે લોકોના મનમાં એક ભય છે,-“ઓહ, ભારત તો સાપો અને મૃત શરીરોથી ભરેલો દેશ છે, ત્યાં બધે જ હિંસા હોય છે,” તેનું કારણ એ છે કે –આપણે હમદર્દી મેળવવા આપણી નકારાત્મક બાજુઓને આગળ કરીએ છીએ. મને ખબર નથી કે આપણે હમદર્દી મેળવીએ છીએ કે નહી, પરંતુ આપણે ચોક્કસ પણે આપણી ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને મૃત:પ્રાય કરી નાંખી છે. ન્યૂયોર્ક કે બેન્ગકોંકમાં પણ હિંસા થાય જ છે પરંતુ આપણે પ્રોજેક્ટ જ એ રીતે કર્યું છે કે જેના કારણે આપણી ટુરીઝમ ઇન્ડસ્ટ્રી લગભગ મરી પરવારી છે.

એ જ રીતે આર્યુર્વેદ, આપણી પાસે દુનિયાની સર્વ શ્રેષ્ઠ તબીબી સિસ્ટમ છે, વનસ્પતિઓ અને પ્રાણીઓની સૌથી વધારે વિવિધતા આપણે ત્યાં ઉપલબ્ધ છે. પરંતુ આપણે આ ઉદ્યોગની પણ અવગણના કરી છે.

યોગ અને ધ્યાન, સંગીત અને નૃત્ય કલા, આહાર અને વ્યંજન, કાપડ અને ઝવેરાત આ સઘળા ક્ષેત્રોમાં ભારત ખૂબ નિપુણ છે, પરંતુ આ ક્ષેત્રોમાં પણ વિકાસ માટે પૂરતું ધ્યાન અપાયું નથી.

સમાજ નિર્માણ માટે એક એક વ્યક્તિનો વિકાસ થવો ખૂબ આવશ્યક છે. કોઈ પણ કાર્ય ભયને બદલે પ્રેરણા અને આત્મવિશ્વાસની મનોસ્થિતિમાં જ્યારે થાય છે ત્યારે તેની સફળતા માટે પ્રકૃતિ પણ પોતાના આશિષની વર્ષા કરે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)