ઘટનાઓને ભૂતકાળ તરીકે રહેવા દો: શ્રી શ્રી રવિશંકરજી

ઘટનાઓ કેવી રીતે ઘટે છે એનું વિજ્ઞાન એક મોટું રહસ્ય છે. માત્ર એ જ વ્યક્તિ જે કર્મ પ્રત્યે 100 ટકા સમર્પિત છે તે ઘટનાને જાણી શકે છે. આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સમગ્ર ભૂતકાળને ઘટના તરીકે જુઓ અને વર્તમાનને કર્મ તરીકે. જો તમે ભૂતકાળને કર્મ તરીકે જોશો તો અહંકાર અને પસ્તાવો તેની સાથે સંકળાય છે. જો તમે વર્તમાનને ઘટના તરીકે જુઓ છો તો આળસ અને અસાવધપણું આવે છે. ઘટનાઓને ભૂતકાળ તરીકે રહેવા દો અને કર્મને વર્તમાન તરીકે ગણો. ભવિષ્ય આ બન્નેનું સંયોજન છે.

જ્ઞાની માણસો એક સાથે ઘટનામાં કર્મ જુએ છે અને કર્મમાં ઘટના. જે વ્યક્તિ પુષ્કળ કામ કરે છે તે ક્યારેય એવું નહીં કહે કે તેણે ઘણું કર્યું. જો કોઈ એમ કહે કે તેણે ઘણું કામ કર્યું છે તો એનો એ અર્થ થાય કે તે હજી વધારે કરી શકે છે. તેણે પૂરતું કર્યું નથી. “કર્તાભાવ” તમને જેટલા થકવે છે તેટલું કર્મ નથી થકવતું.

દરેક કાર્ય ચેતના થકી થાય છે. આ દુનિયા ચેતનાને લીધે ચાલે છે. ચેતના આ ત્રણ શક્તિઓને વ્યક્ત કરે છે-જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. જ્ઞાન,કાર્ય અને ઈચ્છા. આ શક્તિઓ એકબીજા સાથે તાલમેલમાં હોય તો જીવન ખૂબ સરળ રહે છે. જો એમ નથી તો જીવન વિષમ બને છે.

જે વસ્તુ જ્ઞાનને અનુરૂપ નથી, તેની ઈચ્છા રાખવી એ સાવ મુર્ખામી છે- જેમ કે ચંદ્ર પર પોતાનું ઘર હોવાની ઈચ્છા રાખવી. જ્ઞાનનો અભાવ હોય છે ત્યારે તમે ઈચ્છામાં સપડાઈ જાવ છો. ક્યારેક તમને થોડું જ્ઞાન હોય છે, પણ તમે એ અનુસાર કરતા નથી. ત્યારે પણ તમે દુખી થાવ છો.

ઘણીવાર તમે એવું કહો છો કે તમે અમુક કામ કરશો અથવા તમે અમુક કામ કરવા ઈચ્છો છો,પરંતુ તમે ક્યારેય તે કરતા નથી. તમે જાણો છો કે અમુક કામ પતાવાનું ઘણું સારું છે,છતાં તમે તેને ટાળ્યા કરો છો. તમને તે કામ કરવાની ઈચ્છા છે અને તમે જાણો પણ છો કે એ તમારે માટે લાભકારક છે,છતાં તમે તે કરતા નથી. આ ક્રિયા શક્તિનો અભાવ દર્શાવે છે. ઈચ્છા શક્તિ એ ઈચ્છા દર્શાવે છે,જ્ઞાન શક્તિ એ જ્ઞાનની તાકાત છે અને ક્રિયા શક્તિ એ કાર્ય કરવાની તાકાત છે.

કેટલાક લોકોમાં ક્રિયા શક્તિ પુષ્કળ હોય છે,પણ જ્ઞાન શક્તિનો અભાવ હોય છે.તેમનામાં કામ કરવાની તાકાત હોય છે, પરંતુ શું કરવું એનું જ્ઞાન નથી હોતું.આવું હોય ત્યારે લોકોને અજંપો થાય છે-ક્રિયા શક્તિ તેમને જંપવા દેતી નથી.અને બીજી બાજુએ કેટલાક લોકો એવા હોય છે જે એટલા ક્રિયાશીલ નથી-તેમનામાં ક્રિયા શક્તિનો અભાવ હોય છે.આવા લોકો શાંત બેસી રહેશે પણ તેમના મન ચાલ્યા કરશે.વળી, કેટલાક લોકોમાં ઈચ્છા શક્તિનો અભાવ હોય છે.તેમને પ્રબળ ઈચ્છા થતી નથી.તેઓ થોડા સમય માટે કંઈક કરે છે અને બે મીનીટ પછી બીજું જ કંઈ કરે છે.તેઓમાં કાર્ય પૂર્ણ કરવાની ઈચ્છા હોતી નથી અને તેમનું મન બદલાયા કરે છે.પ્રમાદ એ ઈચ્છા શક્તિના અભાવનું પરિણામ છે.કેટલાક લોકોમાં જ્ઞાન ઘણું હોય છે,પરંતુ તેને અન્યોને આપવાની ઈચ્છા હોતી નથી. તેઓમાં જ્ઞાન શક્તિ ઘણી છે, પણ ઈચ્છા શક્તિ નથી. આ ત્રણે શક્તિઓ સંપૂર્ણ સમતોલનમાં હોય એ જવલ્લે જોવા મળે છે.

ઈચ્છા, આત્મા વિશે જાગૃતિ અને કાર્ય,આ તમામ એ જ ઊર્જાના પરિણામ છે,જે તમે છો. એક સમયે આ ત્રણમાંથી એક પ્રભાવી હોય છે. જ્યારે ઈચ્છા પ્રભાવી હોય છે ત્યારે આત્મા વિશે જાગૃતિ ઓછામાં ઓછી હોય છે. દુનિયાભરના ફિલસુફોએ હંમેશા સ્વૈચ્છિક પરિત્યાગ અને ઈચ્છાઓ છોડવા પર ભાર મુક્યો છે. તમે સભાનતાની અવસ્થામાં હોવ છો ત્યારે ખુશી ઉત્પન્ન થાય છે અને જ્યારે ઈચ્છા પ્રભાવી બને છે ત્યારે માનસિક તણાવ અને દુ:ખ કબજો લઈ લે છે.

જ્યારે કાર્યો પ્રભાવી હોય છે ત્યારે અજંપો પેદા થાય છે. તમારા કાર્યો અને ઈચ્છાઓ ઈશ્વર સાથે અનુરુપ અથવા સમાજના કલ્યાણ અર્થે હોય છે ત્યારે ચેતના આપોઆપ ઉન્નત થાય છે અને આત્મા વિશેના જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. મન બે પ્રકારના છે: બૃહદ (મોટું) અને લઘુ (નાનું). ક્યારેક બૃહદ મન લઘુ મનની ઉપર હાવી થઈ જાય છે અને ક્યારેક એનાથી વિપરીત હોય છે. લઘુ મનનો પ્રભાવ વધી જાય છે ત્યારે દુ:ખ અનુભવાય છે અને જ્યારે બૃહદ મનનો પ્રભાવ વધી જાય છે ત્યારે આનંદ અવતરે છે. નાનું મન આનંદ આપવાનું વચન આપે છે,પણ પાળતું નથી. મોટું મન શરુઆતમાં પ્રતિકાર જન્માવી શકે છે પણ તમને આનંદમાં તરબોળ કરી દે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)