આંતરિક શાંતિ માટેના સાત રસ્તાઓ

સ્વયં માટે, પરિવાર માટે અને સમગ્ર વિશ્વ માટે, ચિરસ્થાયી શાંતિની પ્રાપ્તિ માટે અપેક્ષા તો રાખીએ છીએ, પરંતુ તેને ક્યાં અને કઈ રીતે શોધવી તે આપણે જાણતાં નથી. તો શું શાંતિની પ્રાપ્તિ માટે વ્યક્તિએ પોતાનું સામાન્ય, સામાજિક જીવન છોડીને હિમાલય જવું પડે? ના, બિલકુલ નહિ. સંઘર્ષ અને હિંસાનો અભાવ માત્ર એને શાંતિ કદાપી કહી શકાય નહિ. શાંતિ આપણી ભીતરનું તત્વ છે. શાંતિ એ આપણો સ્વભાવ છે. જરૂર છે તો માત્ર આપણો અભિગમ બદલવાની, જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં થોડો બદલાવ લાવવાની! વર્તમાન અશાંત તથા અસ્થિર જીવન શૈલીમાં પ્રગાઢ શાંતિ મેળવવી શક્ય છે. કઈ રીતે? આ રહ્યા સાત સરળ ઉપાયો!
જીવન પરત્વે વિશાળ અભિગમ કેળવો!
જયારે આપ જીવનને એક વિસ્તૃત દ્રષ્ટિકોણથી નિહાળો છો ત્યારે આંતરિક શક્તિ, સ્વસ્થતા તથા સ્થિરતા નો આપનામાં સહજ આવિર્ભાવ થાય છે. જીવન પ્રત્યે થોડી વધુ સમજ કેળવવાથી આપમેળે અસ્તિત્વનાં વિવિધ સ્તરો વચ્ચેનું આદાન-પ્રદાન સ્પષ્ટ જોઈ શકાય છે. મનને અસરકર્તા પરિબળો કયાં, મનને નિયંત્રણમાં કઈ રીતે લાવી શકાય તથા આત્મનને કઈ રીતે ખીલવી શકાય તે સઘળું એક વિશાળ અભિગમ થકી જાણી શકાય છે. કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટના પરત્વે આપનો અભિગમ શાંતિ અને સૌહાર્દપૂર્ણ બને છે. માત્ર એક વખત જાગીને સૃષ્ટિને અલગ દ્રષ્ટિથી જોવાની જરૂર છે. તેની સુંદરતા, વિવિધતા અને તેનાં તોફાની મિજાજમાં પણ એક લય છે, ઉદ્દેશ્ય છે. અકળતા અને અનિશ્ચિતતા એ બ્રહ્માંડ સાથે જોડાયેલા જ છે. જો આપણે અનિશ્ચિતતાને માટે કોઈ અવકાશ રાખતાં નથી તો આપણી આંતરિક શાંતિમાં વિક્ષેપ પડે જ છે.
જીવનને જાણવાની પ્રક્રિયા એ જ આધ્યાત્મિકતા છે. એક આધ્યાત્મિક અભિગમ વ્યક્તિમાં, આશા, ઉત્સાહ અને દ્રઢતાનો સંચાર કરે છે, અને જેના વડે જ એક બહેતર વિશ્વનાં નિર્માણનું કાર્ય શક્ય બને છે.

પડકારોનો સ્વીકાર કરો 
જીવનમાં આવતી વિરોધાભાસી પરિસ્થિતિઓને આલિંગન કરો અને ઘટનાઓના ઝંઝાવાત દરમ્યાન દ્રઢ અને સ્થિર રહો! આ સમજ આપણામાં અમુક અંશે તો છે જ, પરંતુ તેના વિકાસ માટે આપણે સજ્ગતાપૂર્વક પ્રયત્નો કર્યા નથી. આપણે ખરેખર તો વિપરીત પરિસ્થિતિઓ અને પડકારોનો, સસ્મિત સામનો કરવા માટેની, આંતરિક શક્તિની પ્રાપ્તિની ઈચ્છા રાખવી જોઈએ. પડકારો વગરનું જીવન કંટાળાજનક બની રહે છે તથા વ્યક્તિમાં નીરસતા અને નિર્બળતા પ્રેરે છે. જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિઓ આપણને આપણી આંતરિક શક્તિનો પરિચય કરાવે છે તથા આપણને વિકસિત કરે છે.

મનને મહત્વ આપો
મનને કેળવવું તે આંતરિક શાંતિ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જયારે મન સ્થિર અને શાંત હોય છે ત્યારે આપણી ભાવનાઓ સકારાત્મક અને હળવાશભરી હોય છે. અને આપણી વર્તણુંક પણ શાંતિસંગત હોય છે. ધ્યાન, યોગ અને શ્વાસોચ્છવાસને લગતી પ્રક્રિયાઓ મનને શાંત અને સ્થિર કરવા માટેની ચાવી છે. પ્રતિદિન ૧૫-૨૦ મિનીટનું ધ્યાન કરો.

સ્ટ્રેસને નિયંત્રિત કરો
અનેક અનિશ્ચિતતાઓને કારણે સ્ટ્રેસનું પ્રમાણ વધતું જાય છે અને તે શાંતિ-પ્રાપ્તિના માર્ગમાં મોટો અવરોધ છે. આપણા વિચારો, ભાવનાઓ અને વર્તણુંક ઉપર સ્ટ્રેસ નકારાત્મક અસર કરે છે. એક તણાવ-મુક્ત મન શાંત, ખુલ્લું અને સંવેદનશીલ હોય છે. સ્ટ્રેસ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે: વધુ પડતો કાર્યબોજ, અપૂરતો સમય અને પર્યાપ્ત ઉર્જાનો અભાવ! આપણા કામના બોજને ઘટાડવો તો લગભગ અશક્ય જ છે, સમયને વધારવો તો બિલકુલ અશક્ય છે. પરંતુ આપણી પ્રાણ ઉર્જાને નિશ્ચિતપણે વધારી શકાય છે. યોગ, ધ્યાન અને યોગ્ય ખોરાક વડે આપણી ઉર્જામાં પુષ્કળ પ્રમાણમાં વધારો કરી શકાય છે. ધ્યાન વડે જે પ્રાણ શક્તિ આપણે મેળવી શકીએ છીએ, તે ઊંઘ વડે મળતી ઉર્જા કરતાં ઘણી વધારે છે. જો પ્રતિદિન ધ્યાન કરીએ અને આપણા ખોરાક, નિદ્રા અને શ્વાસ પરત્વે યોગ્ય ધ્યાન આપીએ તો આપણી અંદર ઉર્જાના સાગરનો સંચાર થાય છે તથા સ્ટ્રેસથી સંપૂર્ણ મુક્તિ મળે છે.

વિશ્વને ઉપયોગી બનો
આંતરિક શાંતિનો અનુભવ કરવો હોય તો આપણી આસપાસના લોકોને ઉપયોગી બનવું એ એક અનિવાર્ય જરૂરિયાત છે. માત્ર નિસ્વાર્થ સેવા વડે જ સંતોષ મેળવી શકાય છે. જયારે આપણે અન્યની ભલાઈ માટે કંઈ કરીએ છીએ ત્યારે જીવનમાં આપણા મૂળભૂત સ્વભાવ સમાન પ્રેમ અને શાંતિનો અવિર્ભાવ થાય છે. સમાજનાં કલ્યાણ માટે, અન્યની મદદ માટે તથા જેઓ દુખી છે તેમનાં જીવનમાં શાંતિ લાવવા માટે સંકલ્પ લઈએ!

મનુષ્ય હોવું એ પહેલી સ્વ-ઓળખ છે
સમાજમાં ઉદ્ભવતાં ઘર્ષણ પાછળનું મુખ્ય કારણ છે પોતાપણાની ભાવનાનો અભાવ! સૌ પ્રથમ આપણી ઓળખ મનુષ્ય તરીકેની છે. લિંગ,જાતિ, રાષ્ટ્રીયતા, અને ધર્મ વગેરે ઓળખતો ત્યાર પછીની છે. જયારે આપણે આપણી મનુષ્ય તરીકેની ઓળખને ભૂલીને અન્ય ઓળખને અપનાવીએ છીએ ત્યારે જ સર્વ દુઃખોની શરૂઆત થાય છે. જયારે મન વિશ્રાંત અને શાંત હોય છે, ત્યારે વિશ્વનાં બધાં લોકો પ્રત્યે પોતાપણાની ભાવના સહજ જ જાગે છે. અન્ય લોકોનો વિશ્વાસ કરી શકીએ છીએ અને સહાયરૂપ બની શકીએ છીએ. વિશ્વમાં સકારાત્મકતા પણ વિપુલ પ્રમાણમાં છે જ અને આ સત્યમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે આંતરિક શક્તિ અને શાંતિ મેળવીએ છીએ. આપણી દ્રષ્ટિ જો વિશાળ છે તો આપણે વિવિધતાનો ઉત્સવ મનાવીએ છીએ, અને એકતામાં આનંદનો અનુભવ કરીએ છીએ.
હૃદય કમલને ખીલવો
ટેકનોલોજી એ જીવનમાં ઉત્પાદકતા વધારી છે પરંતુ ભાવનાત્મક સ્તરે કૈંક ન્યૂનતા વર્તાય છે. જીવન મસ્તિષ્ક અને હૃદયનું સંયોજન છે. શાંતિને સાચા અર્થમાં પામવી હોય તો હૃદયનો હૃદય સાથે સંવાદ થાય તે બહુ જરૂરી છે. શાંતિનો અર્થ નિષ્ક્રિયતા નથી. સામાન્યત: સમાધાનકારી વલણને આંતરિક શાંતિનું સૂચક માનવામાં આવે છે. જે ભૂલભરેલું છે. ગતિશીલતા અને શાંતિ એ પરસ્પર વિરોધાભાસી નથી. એ જ રીતે ચંચળતા એ ઉત્સાહની સંજ્ઞા નથી. કાર્યમાં ગતિશીલતા અને નિષ્પંદ, શાંત મનનાં અનુપમ સંયોજન વડે જ એક સુંદર જીવનની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક વ્યક્તિ જયારે અંદરથી શાંત હોય છે, ત્યારે જ વિશ્વશાંતિ સંભવ બને છે.

 

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]