જીવનમાં વિશાળતા અને અનંતતાનો અનુભવ ક્યારે શક્ય બને છે? માત્ર ને માત્ર પ્રેમ દ્વારા! પ્રેમ વિશે તમે વિચાર કરી શકતા નથી. પ્રેમ વિશે વિચારવાનું શરૂ કર્યું કે તરત જ ત્યાં પ્રેમ સમાપ્ત થઇ જાય છે. અને જ્યાં વિચારો બંધ થાય છે ત્યાં પ્રેમનો પ્રારંભ થાય છે. પ્રેમીઓની વાતો ઘણીવાર તથ્યહીન લાગતી હોય છે. તેઓ એક ની એક વાત હજારો વાર કરે છે, તેઓ વિચાર કરી કરીને બોલતા નથી. તેઓ તેમનાં તર્કબદ્ધ મનની પરે જતા રહ્યા હોય છે.

જયારે તમે કોઈના પણ પ્રેમમાં પડો છો ત્યારે વાસ્તવમાં તમે તમારી જાતના પ્રેમમાં જ પડો છો. આ સત્યની અનુભૂતિ થતી નથી, કારણ નામ અને રૂપમાં, બહારના જગતમાં, મન સતત ફસાયેલું રહે છે. પરંતુ પ્રેમનું કોઈ સ્વરૂપ નથી. હા, નામ અને રૂપ, તમારી અંદર પ્રેમ પ્રેરી શકે છે, પરંતુ ત્યાર પછી પ્રેમ, નામ અને રૂપની સીમાને પાર કરી જાય છે. પોતાના મૂળ સ્વભાવમાં પ્રકટ થતો રહે છે, આ પ્રેમ શુદ્ધ ઉર્જા છે.
પ્રેમ અને સમર્પણ બંને સમાનાર્થી છે. જેમને તમે પ્રેમ કરો છો, તેમને તમે સમર્પણ કરો જ છો. પ્રેમમાં સમર્પણ એ કોઈ કૃત્ય નથી, તમારાં અસ્તિત્વની એ સ્થિતિ છે. તમારાં મનમાં જયારે કોઈ સંશય નથી, વ્યગ્રતા નથી ત્યારે તમે સ્વયં સમર્પણ બની જાઓ છો. સમર્પણ શબ્દ ને આપણે ઘણી વખત ખોટા અર્થમાં સમજીએ છીએ. સેના જયારે હારી જાય ત્યારે સમર્પણ કરે છે, તો હાર સાથે આપણે સમર્પણને સાંકળીએ છીએ. પણ ના, એવું નથી. વીર, જ્ઞાની અને પ્રજ્ઞાવાન વ્યક્તિ જ સમર્પણ કરી શકે છે.

અહીં બધું જ એક સર્વોપરી સત્તાને જ અધીન છે તે સમજ એટલે સમર્પણ. લઘુ મન જયારે સમજવા લાગે છે કે પોતાનાં નિયંત્રણમાં કંઈ જ નથી, બ્રહ્માંડ સ્વયં સંચાલિત છે, તમારું અસ્તિત્વ પૃથ્વી પર હશે કે નહિ હોય, જે ઘટનાઓ ઘટવાની છે, તે ઘટશે જ. તમારું જીવન પણ ઘટિત થઇ રહ્યું છે, તમે સ્વયં ચેતના ના મહાસાગરમાં એક ઘટના છો. તમારું હૃદય આપમેળે ધબકી રહ્યું છે, તમારા શ્વાસનું આવાગમન આપમેળે થઇ રહ્યું છે. તમે નિદ્રાધીન થાઓ છો, તમને સારું લાગે છે, ખરાબ લાગે છે આ બધું આપમેળે ઘટિત થઇ રહ્યું છે. આ સમજની સાથે તમે ઊંડો વિશ્રામ અનુભવો છો, તમારાં કેન્દ્રમાં સ્થિર થાઓ છો, શ્રદ્ધા પ્રકટે છે અને આ સ્થિતિ, એટલે જ સમર્પણ!
તો, જીવનમાં પ્રેમનાં માધ્યમથી જ વિશાળતાનો અનુભવ કરી શકાય છે. જ્યાં મોહ અને કામવાસના નથી. નિકટ આવવું, પરસ્પર ભળી જવું અને અંતે ઓગળી જવું એટલે પ્રેમ! પરંતુ પ્રેમનો અનુભવ કરવા માટે કામવાસના નો જ આધાર લેવામાં આવતો હોય છે. કામવાસના – સેક્સ દ્વારા પ્રગતિ સંભવ નથી. તે, તમને જડ બનાવે છે અને પ્રેમનો અનુભવ કરવાનું તમે ચૂકી જાઓ છો. અને કામવાસના સાથે તમે જેટલા લડો છો, તેટલી તે વધુ ને વધુ જીતતી જાય છે. જેમ તમે કોઈથી નારાજ છો તો તે વ્યક્તિ તમારાં મન પર વધુ છવાયેલી રહે છે! બધી જ ઈચ્છાઓ જયારે ઉઠે ત્યારે તેનો આદર કરો, સત્કાર કરો અને ઈશ્વરને સમર્પણ કરી દો. તમારી અંદર ઉઠતી ઈચ્છા એ શક્તિ છે. જ્ઞાન પણ એક શક્તિ છે અને કાર્ય કરવાની ક્ષમતા એ પણ શક્તિ છે. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ ત્રણેય શક્તિ તમારી ભીતર છે. જયારે તમે તમારી અંદર ઉઠતી ઈચ્છાઓ પ્રતિ સજગ બનો છો, તેનો આદર કરો છો અને તેને ઈશ્વરને સમર્પિત કરો છો ત્યારે તમે સહજ જ આ ઇચ્છાઓથી મુક્ત થઇ જાઓ છો.

પરમાનંદની અવસ્થામાં પ્રવેશ કરવો એ કઠિન છે. અને એ અવસ્થામાં પહોંચ્યા પછી તેમાંથી બહાર નીકળવું તે વધુ કઠિન છે. પરમાનંદની સ્થિતિમાં જવામાં ઘણા અવરોધો આવ્યા કરે છે. કેટલીય વસ્તુઓ, તમને થાય છે કે તમે લગભગ પ્રાપ્ત કરી લીધી છે, તમારા હાથમાં જ છે અને અચાનક તે તમારા હાથ માંથી સરકી જાય છે. તમને તરસ લાગી છે, ખોબામાં પાણી ભરો છો, પરંતુ તે તમારી આંગળીઓ વચ્ચેથી જાણે સરકી જાય છે, તમારી તરસ છિપાતી નથી. જીવન આવું વિચિત્ર છે. આ સંજોગોમાં પરમાનંદની અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થાય? તો હંમેશા આત્મજ્ઞાન ને, આત્મખોજ ને, અંતર્યાત્રા ને પ્રાથમિકતા આપો. કારણ, બહારનું બધું જ તમારાં મનને આનંદની સ્થિતિ માંથી નીચે લાવવા સતત પ્રયાસો કરશે.
ક્યારેય એવું ન માનો કે તમને કોઈ પ્રેમ કરતું નથી. પૃથ્વી તમને પ્રેમ કરે છે એટલે જ તે તમને પકડી રાખે છે. ગુરુત્વાકર્ષણ એ પૃથ્વીના તમારી પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે. વાયુ તમને પ્રેમ કરે છે. એટલે તો એ તમારી નાસિકામાં પ્રવેશ કરે છે, અને તમને જીવન આપે છે. તમે ઊંઘમાં હો છો ત્યારે પણ પ્રાણવાયુ તમારાં ફેફસાંમાં આવન-જાવન કરે છે. ઈશ્વર તમને ખુબ ઊંડો પ્રેમ કરે છે. એક વખત આ સત્ય તમે સમજી જશો પછી તમે વિશ્રામ કરી શકશો. આ ગહન વિશ્રામની સ્થિતિમાં સઘળી પ્રતિભાઓ ખીલી ઉઠશે, પ્રજ્ઞા શક્તિનો વિકાસ થશે, સુંદરતા પ્રકટ થશે, શાંતિ આવશે, પ્રેમ પ્રગટી ઉઠશે. બીજું શું? અને પછી જીવન વૈભવપૂર્ણ બનશે. વૈભવશાળી કોને કહેવાય? શું જે જ્યાં ચાહે ત્યાં જઈ શકે, જયારે જે ચાહે તે હાજર થાય તે ઐશ્વર્યની સંજ્ઞા છે? એક ઉદ્યોગપતિનું જ ઉદાહરણ લો. તેની પાસે અબજો રૂપિયા છે, તે ચાહે ત્યાં ફરી શકે છે, પરંતુ તેની પાસે સમય જ નથી. ધારો કે તે પ્રવાસ ઉપર જાય પણ છે તો પણ તેનો સેલફોન સતત રણક્યા કરે છે. ભોજન પણ તે શાંતિ થી કરી શકતો નથી. શું આને તમે ઐશ્વર્ય કહી શકશો?

જાગો અને જુઓ! તમારા ચહેરા પર સ્મિત છે? તો તમે શ્રીમંત છો. પુષ્કળ પૈસા છે પરંતુ જેના ચહેરા પર સ્મિત નથી, પ્રસન્નતા નથી તે શ્રીમંત નથી. તમારા મન માંથી, ચેતના માંથી, નિર્ધનતાના વિચારોને નિર્મૂળ કરી દો. પ્રસન્નતા એ ઐશ્વર્યની સંજ્ઞા છે. સ્વભાવની મુક્તતા એ ઐશ્વર્યની ઉપસ્થિતિ સૂચવે છે. બીજા સાથે સુખ વહેંચવાનો અભિગમ એ ઐશ્વર્ય છે. નિર્ભિકતા, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા એ ઐશ્વર્ય છે. મને જેની પણ આવશ્યકતા પડશે તે મને મળશે જ, આ દ્રઢ વિશ્વાસ એ સંપત્તિ છે.
તમે લોકોને જેટલા વધુ ઉપયોગી બનશો, તેટલી વધુ માત્રામાં તમને પણ મદદ મળતી રહેશે. મધર ટેરેસા લાંબો સમય બીમાર રહ્યાં હતાં. તેમની સુશ્રુષા માટે કેટલાં બધાં લોકો હાજર હતાં! શ્રી વિનોબા ભાવે બીમાર હતા ત્યારે તેમની સેવા કરવા લોકો પ્રતીક્ષા કરતા હતાં. જયારે તમે તમારું જીવન બીજાની ભલાઈ માટે સમર્પી દો છો, ત્યારે તમને અનાયાસે સઘળું પ્રાપ્ત થાય છે. જીવનમાં ચમત્કાર પ્રકટ થવા દો. તમારી ભક્તિ તમારાં જીવનમાં અનેક ચમત્કારો સર્જે છે. તૃપ્ત રહો, સંતોષી બનો. સમગ્ર વિશ્વ તમારું કુટુંબ છે. વસુધૈવ કુટુંમ્બક્મની ભાવના થી જીવો અને જુઓ કે પીડા, વેદના તમારાથી માઈલો દૂર ભાગી જશે!
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
