જીવન એક સુંદર રહસ્ય છે, તેને ભરપૂર જીવો

શબ્દો શા માટે પ્રયોજવામાં આવે છે? જો સૂક્ષ્મ દ્રષ્ટિ એ જોશો તો સમજાશે કે શબ્દોના પ્રયોજન પાછળનો હેતુ છે, મૌન અને માત્ર મૌન! તમારા શબ્દો અન્યના મનમાં વ્યગ્રતા ઉત્પન્ન કરે છે કે ગહન મૌન? જ્ઞાનનો શો હેતુ છે? જ્ઞાન મેળવવાનો હેતુ છે, એ જાણવું કે તમે જાણતા નથી. જો જ્ઞાન મેળવ્યા પછી તમને એવું લાગે કે તમે બધું જ જાણો છો, તો જ્ઞાન પ્રાપ્તિનો હેતુ સર્યો નથી. તમે જેટલું વધુ જાણવા લાગો છો, પોતાનાં અજ્ઞાન પ્રત્યે વધુ ને વધુ સજગ બનતાં જાઓ છો. (જ્ઞાનના પથ પર ચાલતાં) પહેલાં તમે માનતા હતા કે તમે થોડા અજ્ઞાની છો, હવે (જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં ) તમે જાણો છો કે તમે બહુ મોટા અજ્ઞાની છો.

જ્ઞાનનો હેતુ છે અસ્તિત્વ પ્રત્યેની સભાનતા. સૃષ્ટિ અનંત છે. સર્જન એક રહસ્ય છે. રહસ્યો જાણવા માટે નહિ પરંતુ જીવવા માટે હોય છે. પ્રેમ એક રહસ્ય છે. નિદ્રા એક રહસ્ય છે. તમારું મન પણ રહસ્ય છે અને તમે આસપાસ જે કઈં જુઓ છો તે સઘળું રહસ્યમય છે. તમારું જીવન એક રહસ્ય છે. રહસ્યને સમજવા જતાં ગૂંચવણ ઉભી થાય છે, પણ રહસ્યને જીવી જવું તે આત્મજ્ઞાન છે, બુદ્ધત્વની સંજ્ઞા છે.

તો એક “મને નથી ખબર!” અભિગમ અજ્ઞાનને લીધે ઉદ્ભવે છે. આ “મને નથી ખબર- આઈ ડોન્ટ નૉ” અસુંદર છે. “હું જાણતો નથી” અભિગમથી વ્યક્તિ જયારે જ્ઞાન પથ પર ચાલવા લાગે છે ત્યારે આ “હું જાણતો નથી” સુંદર બનવા લાગે છે. “ઓહ! હું જાણતો નથી!” એક વિસ્મયકારક ઘટના બની જાય છે. પ્રત્યેક પ્રશ્ન વિસ્મયમાં પરિવર્તિત થાય છે. પ્રશ્ન અને આશ્ચર્ય વચ્ચે શું ફેર છે? પ્રશ્ન દુઃખ અને વ્યગ્રતા સાથે સંકળાયેલા છે જયારે આશ્ચર્ય તો પ્રસન્નતાની અભિવ્યક્તિ છે.

જીવન શું છે? કેટલાં વર્ષ પૃથ્વી પર રહેવાની તમારી યોજના છે? સમયના પ્રકાશમાં જીવનને જુઓ. લાખો વર્ષો તમારા પહેલાં વીતી ગયાં છે અને લાખો વર્ષો વીતશે, તમારો જીવન કાળ આ સ્કેલ પર કેટલો છે? 60-70-100 વર્ષ? આટલો જીવન કાળ વાસ્તવમાં નગણ્ય છે. સમુદ્રનાં એક બુંદ જેટલો પણ નથી. અવકાશની સાપેક્ષે જુઓ, તો તમારું કોઈ અસ્તિત્વ જ નથી. આ સમજણથી અહંકાર ઓગળી જાય છે.

અહંકાર એટલે તમારાં વાસ્તવિક સ્વરૂપ વિશેનું અજ્ઞાન! તમારાં અસ્તિત્વ વિશેનું અજ્ઞાન! પોતાનાં સ્વરૂપને જાણવા માટે બીજું વધારે કઈં જ કરવાનું નથી. આંખો ખોલો અને જુઓ! “હું કોણ છું?” “આ પૃથ્વી પર શા માટે છું?” “આ પૃથ્વી પર કેટલા સમય માટે છું?” તમારા મનની અંદર સજગતા પ્રકટ થશે. પછી તમારું મન આવી ચિંતાઓ નહિ કરે કે” આ વ્યક્તિએ મને આવું કહ્યું, પેલી વ્યક્તિએ મારી સાથે સંબંધ તોડી નાખ્યો. ફલાણી વ્યક્તિ સાથે આવું બન્યું, હું આમ કહીશ, તેમ કહીશ” આ બધું બંધ થઇ જશે. સુંદર, વિસ્મયકારક “હું જાણતો નથી”, દ્વારા મનની સઘળી લઘુતા અલોપ થઇ જશે. અજ્ઞાન જરૂરી છે. અજ્ઞાન છે તો રમતમાં આનંદ છે.

રમત રમતી વખતે તમે પહેલેથી પરિણામ જાણતા નથી. જો તમે પહેલેથી પરિણામ જાણો છો તો તમે શત પ્રતિશત એકાગ્રતાથી રમત રમતાં નથી. જો તમે પહેલે થી જાણો છો કે તમે જીતી જવાના છો તો તમે તમારા સો ટકા તેમાં મુકશો નહિ, અને જો તમે જાણો છો કે તમે હારી જવાના છો તો પણ તમે પૂરા પ્રયત્નો કરશો નહિ, રમતમાં પછી કોઈ આકર્ષણ જ નહિ રહે. કોઈપણ રમત ત્યારે જ આકર્ષક, આનંદપૂર્ણ બને છે, જયારે તમે પરિણામ જાણતાં નથી.

પ્રકૃતિ ખૂબ પ્રેમલ અને કરુણામય છે. તેથી જ તે તમને તમારાં ભવિષ્ય વિશે કઈં જણાવતી નથી. કે તમને તમારો ભૂતકાળ યાદ કરાવતી નથી. પરંતુ તેમ છતાં આપણી પાસે જે કૈં લઘુ અંતરાલની સ્મૃતિ છે, તેના વડે આપણે દુઃખી થયા કરીએ છીએ. “હું નથી જાણતો” ના સંઘર્ષથી સભર મન જયારે જ્ઞાનની અવસ્થામાંથી પસાર થાય છે ત્યારે આ “હું નથી જાણતો” સ્થિતિ સુંદરતા અને વિસ્મયમાં પરિણામે છે. અહીં જ્ઞાનનો અંત આવે છે. તો આખી યાત્રા “હું નથી જાણતો” થી શરુ થઇ ને “હું નથી જાણતો” પર પૂરી થાય છે.

કહેવાય છે ને કે આત્મજ્ઞાન પહેલાં પણ તમે પાણી ભરતા હતાં અને લાકડાં કાપતાં હતાં, આત્મજ્ઞાન – એન્લાઈટનમેન્ટ મેળવ્યા પછી પણ તમે પાણી ભરો છો અને લાકડાં કાપો છો. બહારની સ્થિતિમાં કોઈ જ અંતર નથી. પરંતુ સંઘર્ષપૂર્ણ “હું જાણતો નથી”, હવે સુંદર “હું જાણતો નથી” માં પરિવર્તિત થઇ ચૂક્યું છે. વિજ્ઞાન કે કલાને લગતું, કે કોઈ પણ વિષય ને લગતું જ્ઞાન તમને આશ્ચર્યમાં મૂકી દે છે. તમે કોઈ કવિને પૂછશો કે “આ કવિતા તમે કઈ રીતે રચી?” તેઓ કહેશે કે “મને ખબર નથી!” તમે કોઈ વૈજ્ઞાનિકને પૂછશો કે “આ શોધ તમે કઈ રીતે કરી?” તેઓ એ જ કહેશે કે “મને ખબર નથી!” આ ચેતનાની નિર્દોષતા છે.

તમને ક્યારેક અનુભવ હશે કે મન જાણે સતત દોડે છે, ભ્રમિત થઇ જાય છે. આનું કારણ છે, સતત જાણવાની વૃત્તિ. તમારે સતત બધું જાણવું હોય છે અને આ વૃત્તિ તમને વિશ્રામ કરવા દેતી નથી. “મને ખબર નથી”, આ સ્થિતિમાં રહો અને જુઓ કે મન તરત જ શાંત થઇ જશે, કોલાહલ શમી જશે. જ્ઞાનનો ઉપયોગ ડિટર્જન્ટ જેવો છે. વસ્ત્રને સ્વચ્છ કરવા તમે સાબુ લગાવો છો, પરંતુ એ સાબુ પણ તમે ધોઈ નાખો છો ને! ઓહ આ બહુ મોંઘો સાબુ છે, એટલે તેનાથી હું સ્નાન કરીશ પણ તેને શરીર પર જ રહેવા દઈશ, ધોઇશ નહિ તેવું તો તમે નથી કહેતાં! તમારો સંઘર્ષ હંમેશા વધુ ને વધુ જાણવાનો હોય છે. અરે, તમે તમારી ભાવનાઓ, લાગણીઓને પણ “સમજવા” નો પ્રયત્ન કરો છો. અનુભવને સમજવાનો પ્રયત્ન કરો છો એટલે વધુ ગૂંચવાઈ જાઓ છો. આધુનિક મનોવિજ્ઞાન એ જ પ્રયત્ન કરે છે. તમે જે અનુભવો છો, તેવો અનુભવ શા માટે કરો છો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભાવ, વિચારોથી વધુ સૂક્ષ્મ છે.

“શા માટે? કેમ?” આવા પ્રશ્નો ત્યારે જ ઉદ્ભવે છે જયારે તમે અપ્રસન્ન છો. તમે કહો છો “પૃથ્વી પર આટલાં બધાં લોકો છે, પરંતુ આ ચોક્કસ સમસ્યાનો સામનો મારે જ કેમ કરવો પડે છે?” કોઈ ક્યારેય એમ પૂછતું નથી કે “હું કેમ સુખી છું?” અથવા તો “વિશ્વ શા માટે આટલું સુંદર અને આનંદમય છે?” તમે જાણવા ઈચ્છો છો “હું કેમ દુ:ખી છું?” “મને ગુસ્સો શા માટે આવે છે?” “આવું કેમ બનતું નથી?” અને તમે આ બધું જાણવાના જેટલા પ્રયાસ કરો છો, તમને ઓછી ને ઓછી સમજ પડતી જાય છે. રહસ્ય ઘેરું બનતું જાય છે અને તમને ભ્રમ થાય છે કે “હું જાણું છું” તમે પોતે જે જાણતાં નથી તે અન્યને સમજાવવાનો પ્રયત્ન કરો છો. સમજાવટ છોડો. તમે સમજાવો છો તેથી તમે પણ ગૂંચવાઓ છો અને બીજા પણ ગૂંચવાય છે. તમારાં મનમાં શું ઘટિત થઇ રહ્યું છે, તે તમે જાણતાં નથી. તમારું મન એક રોલર કોસ્ટર રાઈડ જેવું છે. ક્યારેક એક વિચાર આવે છે, ક્યારેક બીજો! તો બસ “મને ખબર નથી” આ એક સુંદર વિસ્મયપૂર્ણ અવસ્થામાં રહો. જીવન એક સુંદર રહસ્ય છે, તેને ભરપૂર જીવો. જીવનનાં રહસ્યને જીવી જવું તે જ આનંદ છે. રહસ્ય બની જવું તે દિવ્ય ઘટના છે. તમે સ્વયં અત્યંત રહસ્યમય છો, દિવ્ય છો!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)