સત્સંગનો અર્થ થાય છે સત્યનો સંગ, સત્યના સંપર્કમાં રહેવું. જે ફક્ત તમે સમજી ના શકો એવા અમુક જટિલ ગીત ગાવા વિશે નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ તર્કને સમજવાનો છે. ત્રીજો ભાગ છે વિશ્રામ કરવો અને પોતાની સાથે ગહન ધ્યાનમાં જવું. તો સાચો સંગ કયો છે? જે તમને હળવાશનો અનુભવ કરાવે છે, જે તમને અનુભવ કરાવે છે કે તમે વિચાર્યું તેના કરતા સમસ્યા ઘણી નાની છે. તે સત્સંગ નથી જે તમને સમસ્યાનો અતિશયોક્તિપૂર્ણ દૃષ્ટિકોણ આપે છે. આ તે સંગ છે જ્યાં તમે લોકો તમારા વિશે શું વિચારે છે તે ભાવ છોડી શકો છો અને પ્રામાણિક બની શકો છો. સામાન્ય રીતે, જેઓ ઉજવણીમાં હોય છે તેઓ કેન્દ્રિત હોતા નથી, જ્યારે મૌનનો અનુભવ કરતા લોકો સામાન્ય રીતે ઉજવણી કરતા નથી. જો કે, સત્સંગ એ છે જ્યારે આપણે મૌન અને ઉજવણી બંનેને મહત્ત્વ આપીએ છીએ. સંગીતનો હેતુ તમારી અંદર ગહન મૌન ઉત્પ્ન્ન કરવાનો છે અને મૌનનો હેતુ જીવનમાં ગતિશીલતા લાવવાનો છે.
સંગીત ‘લય યોગ’ છે. લય એટલે વિલીનીકરણ. આ સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ છે (ભગવાન સાથે એકતા). ધ્વનિ એ ઊર્જાનું એક સ્વરૂપ છે. તમારું આખું શરીર અણુઓથી બનેલું છે. જ્યારે તમે ભજન ગાઓ છો, ત્યારે ધ્વનિ ઉર્જાનું સ્પંદન તમારા શરીરના દરેક કણમાં ફેલાય છે. જેમ માઇક્રોફોન ધ્વનિને શોષી લે છે અને તેને વીજળીમાં રૂપાંતરિત કરે છે, તેમ શરીર સ્પંદનોને શોષી લે છે અને તેને ચેતનામાં પરિવર્તિત કરે છે. જો તમે બેસીને વાતચીત અથવા ઉત્તેજક સંગીત સાંભળો છો, તો તે તમારા શરીર દ્વારા શોષાય છે અને સારી લાગણી નથી સર્જાતી. જ્યારે તમે જ્ઞાન સાંભળો છો, અથવા તમારા પૂરા હૃદયથી જપ કરો છો, ત્યારે તે તમારી ચેતનાને ઊંચાઈ પર લઈ જાય છે.
જ્યારે તમે સત્સંગમાં બેસો છો, ત્યારે તમારું આખું શરીર ઊર્જાથી તરબોળ થઈ જાય છે અને પરિવર્તન થાય છે. આ સત્ય સાથે જીવવાથી તમારી અંદર ઊર્જા પ્રજ્વલિત થાય છે અને ચેતના જાગૃત થાય છે કારણ કે ધ્વનિ ઊર્જા મનમાં ખૂબ જ સરળતાથી પ્રવેશ કરે છે. શરીર પાંચ તત્વોનું બનેલું છે – પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ. આકાશની પ્રકૃતિ ધ્વનિ છે. અને ધ્વનિ એક થાય છે. અવાજ તમારા શરીરના સમગ્ર આકાશતત્વમાં પડઘો પાડે છે. આ રીતે મન અને ચેતના બને છે. આપણું મન અને ચેતના ખૂબ જ જૂની અને પ્રાચીન છે; હજારો વર્ષ જુના. જ્યારે તમે ચેતનાના વિવિધ સ્તરોમાં જાઓ છો, ત્યાં વિવિધ ભાષાઓ હોય છે.
આપણી ચેતનાનું સૌથી પ્રાચીન સ્તર વિશ્વની સૌથી પ્રાચીન ભાષા – સંસ્કૃતને સમજી શકે છે. જ્યારે આપણે બેસીએ છીએ, વિચારીએ છીએ અથવા વાત કરીએ છીએ, ત્યારે દરેક મન અલગ રીતે વિચારે છે, કોઈ એકસરખું વિચારતું નથી. આપણે સંસ્કૃત સ્તોત્રો ગાઈએ છીએ, ત્યારે આપણું મન જે ખૂબ પ્રાચીન છે, તે બધા જૂના સ્તોત્રોના પ્રભાવને ઓળખે છે. આપણી ચેતના ક્યાંક ઊંડે સુધી એક થઈ જાય છે અને વહેંચાઈ છે. અને ભજન અથવા મંત્રો મનમાં ઊંડી છાપ છોડી દે છે જ્યાં તેઓ લાંબા સમય સુધી રહે છે. તે બ્રશ જેવા છે. દરેક વાળને એકસાથે જોડીને મનની બધી ગાંઠો સાફ કરી શકાય છે.
આ જ કારણ છે કે જો આપણે કેટલાક શબ્દોના અર્થ જાણતા ન હોય તો પણ આપણે તેનો જપ કરીએ છીએ કારણ કે તેનો જાપ કરવાથી સકારાત્મક અસર થાય છે. આ અર્થ મહત્વપૂર્ણ નથી. એકલો અવાજ પૂરતો છે. તેથી જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે આપણે કેટલું ગાઈએ છીએ, ક્યાં ગાઈએ છીએ તે જોવાની જરૂર નથી. બસ તમારી આંખો બંધ કરો અને સંગીત, અવાજ સાથે એક થઈ જાઓ. તમે ભજન દ્વારા તે અવકાશમાં ભળી જાઓ.
આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે ભજન માત્ર ગાવાનું છે. એવું નથી. ભજન એટલે વહેંચવું. ભગવાન પ્રેમ છે અને જ્યારે તમે તે પ્રેમમાં ખીલો છો, ત્યારે તમે પ્રેમ વહેંચો છો. ભગવાન દયાળુ છે, અને જ્યારે તમે દયાળુ હો, ત્યારે તમે વખાણ કરો છો. જ્યારે મન સો ભાગમાં વહેંચાઈ જાય છે ત્યારે તે દુ:ખનું કારણ બને છે. એ જ મન, જ્યારે એક થાય છે, ત્યારે એક એકમ બની જાય છે, પછી આનંદ થાય છે. જ્યારે તમે સત્સંગમાં બેસો છો, જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમે તમારી જાતને આંતરિક સંગીત, આનંદના સ્ત્રોતની નજીક લાવો છો. અને એકવાર ચેતના એકીકૃત અને એક થઈ જાય – તે ચેતનાની સ્થિતિને આનંદ કહેવાય છે. પ્રકૃતિ લય સાથે ચાલે છે! આપણું શરીર લય સાથે ચાલે છે! જ્યારે જ્ઞાન, ધ્યાન અને સંગીત સુમેળમાં ચાલે છે, ત્યારે જીવન ખૂબ સુમેળભર્યું બને છે. અને જ્યારે આપણી લય પ્રકૃતિ સાથે સુમેળમાં હોય છે, ત્યારે જીવન એક ખૂબ જ સુંદર અનુભવ છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)