આધ્યાત્મિક પથ ઉપર ચાલનાર વ્યક્તિ – આત્મજ્ઞાન- બુદ્ધત્વ – એનલાઈટનમેન્ટ વિશે જાણવા ઉત્સુક હોય છે. આત્મજ્ઞાન શું છે? આત્મજ્ઞાન, હું કહીશ કે એક રમૂજ સમાન છે. જાણે કે એક માછલી સમુદ્રમાં વિહાર કરે છે અને છતાં પણ શોધે છે કે, સમુદ્ર ક્યાં છે!
સમુદ્રમાં એક વાર માછલીઓનું અધિવેશન ભરાયું. ચર્ચાનો વિષય હતો કે સમુદ્ર કોણે જોયો છે! કોઈ માછલી કહી ન શકી કે તેણે સમુદ્ર જોયો છે. એક માછલી એ કહ્યું કે “કદાચ તો મારા મહાન પૂર્વજો એ સમુદ્ર જોયો છે.” બીજી માછલી એ કહ્યું: “હા, મેં પણ એવું સાંભળ્યું છે. “ત્રીજી એ કહ્યું : હા, હા, બિલકુલ સાચી વાત છે. તેના પૂર્વજો મહાન હતા અને એમણે સમુદ્ર જોયો છે તે વાત સાચી જ છે. “પછી તેઓએ તે પૂર્વજ માછલીનું મોટું મંદિર બનાવ્યું અને તેની મૂર્તિ સ્થાપી. કારણ આ એક જ મહાન પૂર્વજ છે જેમણે સમુદ્ર જોયો છે, જેમનો સંબંધ સમુદ્ર સાથે રહ્યો છે. અને આ આખી ચર્ચા સમુદ્રની અંદર જ થઈ રહી છે!
આત્મજ્ઞાન-એનલાઈટનમેન્ટ એ તો આપણાં અસ્તિત્વનું હાર્દ છે. કેન્દ્ર પર સ્થિર રહીને જીવન જીવવું તે બુદ્ધત્વ છે. આપણે પૃથ્વી પર નિર્દોષતા સાથે જન્મ લીધો છે. પણ બુદ્ધિમત્તાના વિકાસ સાથે આપણે આપણી નિર્દોષતા ખોઈ દીધી છે. આપણો જન્મ ગહન મૌન સાથે થાય છે પણ મોટાં થતાંની સાથે આપણે અગણિત શબ્દોથી ઘેરાઈ જઈએ છીએ. આપણે બાળપણમાં હ્રદયથી જીવતાં હોઈએ છીએ પરંતુ મોટા થવાની સાથે આપણે મસ્તિષ્કથી જીવવા લાગીએ છીએ.
તો, આ યાત્રાથી વિપરીત દિશાની યાત્રા એ આત્મજ્ઞાન છે. મસ્તિષ્ક થી પુન: હ્રદય તરફ જવું, શબ્દો થી મૌન તરફ જવું, બુદ્ધિમત્તા થી નિર્દોષતા તરફ જવું એ એનલાઈટનમેન્ટ છે. જ્ઞાનનો હેતુ છે, એક સુંદર “હું જાણતો નથી” ની અવસ્થા તરફ જવું! પોતાનાં અજ્ઞાન વિશે જાણવું એ જ્ઞાનનો હેતુ છે. પૂર્ણ જ્ઞાન તમને આશ્ચર્યચકિત કરી દેશે, વિસ્મયથી ભરી દેશે. તમે અસ્તિત્વ પ્રતિ સજગ બની જશો. રહસ્યોને જીવી જવાનાં હોય છે, સમજવાના હોતાં નથી પછી જીવનને પૂર્ણતાથી જીવી શકાય છે.
કોઈ પણ સંજોગોમાં સ્થિર અને અચલ રહેવું, તે બુદ્ધત્વ છે. તમારું હ્રદયભીનું સ્મિત કોઈ કદાપિ છીનવી ન શકે તે બુદ્ધત્વ છે. સીમાઓથી પરે જવું અને આખું વિશ્વ મારું પોતાનું છે, એ આત્મીયતાનો નિરંતર અનુભવ કરવો એ બુદ્ધત્વ છે. વાસ્તવમાં તો આત્મજ્ઞાનના અભાવની વ્યાખ્યા કરવી સરળ બને છે.
આત્મજ્ઞાનના અભાવનાં લક્ષણ કયાં છે?
પોતાની જાત ને સીમાઓમાં બાંધી દેવી, “હું આ જગ્યાનો રહેવાસી છું, મારી અમુક સંસ્કૃતિ છે, મારો ચોક્કસ ધર્મ છે. જેમ બાળકો કહેતાં હોય છે ને કે – મારા પિતા તો તારા પિતા કરતાં ખૂબ વધુ શક્તિશાળી છે, મારું રમકડું તમારા રમકડાં કરતાં ક્યાંય સારું છે! વયસ્કો આ જ માનસિકતામાં હોય છે. વયની સાથે રમકડાં બદલાઈ જાય છે.
“મારો દેશ તમારા દેશ કરતાં મહાન છે, મારો ધર્મ તમારા ધર્મ કરતાં મહાન છે. “ખ્રિસ્તી કહેશે, બાઇબલ સત્ય છે, હિન્દુ કહેશે વેદ સહુથી પ્રાચીન છે, વેદ સત્ય છે, મુસ્લિમ કહેશે, કુરાન એ પરમ સત્તાનો અંતિમ શબ્દ છે. કોઈ પણ સંસ્કૃતિ, ધર્મને આપણે સર્વશ્રેષ્ઠ એટલા માટે કહીએ છીએ કારણ કે આપણે પોતે તેની સાથે જોડાયેલાં છીએ, એટલા માટે નહીં કે તેની વાસ્તવમાં ગરિમા છે, પરંતુ આપણે તેની સાથે જોડાયેલાં છીએ એટલે તે મહાન છે તેમ આપણે ઠરાવીએ છીએ. યુગોથી જે કઈં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે તે સઘળાં માટે જો કોઈ ગર્વ અનુભવે છે તો તે પુખ્તતા છે, સ્થિરતા છે. હું ઈશ્વરને અત્યંત પ્રિય છું અને આ પ્રિય હોવું તે મારી સંપત્તિ છે. દિવ્યતા સમય અને સ્થળની આવશ્યકતા પ્રમાણે ભિન્ન ભિન્ન સ્વરૂપે જ્ઞાન વ્યક્ત કરતી રહે છે.
સમસ્ત બ્રહ્માંડને જાણનાર કહે છે, બધાં જ સુંદર પુષ્પો મારા બગીચાના છે. હું કૈંક છું થી હું કઈં જ નથી અને હું કઈં જ નથી થી હું જ સઘળું છું- આ મનુષ્યની વિકાસ યાત્રાનો ક્રમ છે. નાના બાળકોમાં આવી નિર્દોષતા અને આત્મીયતા હોય છે, તમે જોયું છે ને? મોટાં થવાની સાથે સાથે આપણે આ નિર્દોષતા ગુમાવી બેસીએ છીએ. એક મૂર્ખ વ્યક્તિની નિર્દોષતાની કોઈ કિંમત નથી અને એક લુચ્ચી વ્યક્તિની બુદ્ધિમતા કોઈ કામની નથી. આત્મજ્ઞાન એ નિર્દોષતા અને બુદ્ધિમત્તાનું દુર્લભ સંયોજન છે. શબ્દોથી વ્યક્ત કરવું છતાં ભીતર મૌન રહેવું તે આત્મજ્ઞાનનું લક્ષણ છે. આ અવસ્થામાં મન વર્તમાન ક્ષણમાં રહે છે. જે તમારા માટે આવશ્યક છે તે જ્ઞાન તમારી સામે સહજ જ પ્રકટ થતું રહે છે, તમે વિશ્રામ કરો છો અને પ્રકૃતિનું સંગીત તમારા દ્વારા ગુંજતું રહે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)