માનવજાત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. માનસિક તણાવનું વધતું પ્રમાણ, પર્યાવરણને પહોંચી રહેલી હાનિ અને આબોહવામાં પરિવર્તન, દરેક ખૂણામાં જોખમો ડોકિયા કરી રહ્યા છે. મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય ત્યારે આપણે આપણી શ્રધ્ધાને બળવત્તર કરવી જોઈએ. શ્રધ્ધા વ્યક્તિને મુશ્કેલ સમયમાંથી બહાર ખેંચી લાવે છે. તે હિંમત અને ક્ષમતાને એક કરતાં વધારે રીતે અનાચ્છાદિત કરે છે.
મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જવા બીજી જે વસ્તુની તમારે જરૂર છે તે છે શાંત મન. જ્યારે મન શાંત હોય અને તમે સંતુલિત હોવ ત્યારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનું સરળ બની જાય છે. આ માટે તમારે તમારા મનને વર્તમાન ક્ષણમાં રહેવાની અને માનસિક તણાવને તિલાંજલી આપવાની થોડી તાલિમ આપવી જોઈએ. આવું તમે તમારા શ્વાસ પર ધ્યાન આપીને કરી શકો છો.
તમારી આંતરિક શાંતિ અને શ્રધ્ધા- આ બન્ને એક સાથે હોય તો તમારી પાસે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો ઉપાય હોય છે. શ્રદ્ધા હોવી એટલે સમજવું કે તમને ઈશ્વરનું રક્ષણ છે. જીવનમાં આગળ વધવા આટલી શ્રધ્ધા પૂરતી છે. પાકની લણણી કરીને ખેડૂત એક પહોળી ચાળણી પકડીને એક ઊંચી જગ્યાએ ઊભો રહે છે,બધા દાણા તેમાં નાંખે છે, અને ચાળણી હલાવે છે. ફોતરા હવામાં ઊડીને જતા રહે છે. જે દાણા હોય છે તે જમીન પર પડેલા રહે છે. જો તમારી શ્રધ્ધા બહુ ઝડપથી અને વારંવાર હલી જતી હોય તો તમે ફોતરા જેવા સાબિત થઈ રહ્યા છો.
જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે જો તમારી શ્રધ્ધા ઝડપથી હાલી જાય છે તો તમે તેનો મુસ્કુરાતા રહીને સામનો નહીં કરી શકો. જો તમારામાં શ્રધ્ધા નથી તો તમે ડરશો અને હતાશામાં સરી પડશો. તમારી પાસે ટકી રહેવા કંઈ પકડવાનું નહીં હોય. જો તમારામાં શ્રધ્ધા છે તો તમે ટકી જશો. જો તમને શ્રધ્ધા છે કે બધું બરોબર થઈ જશે તો બધું થાળે પણ પડી જાય છે.
એકવાર જો તમને સમજાઈ જાય કે તમને ઈશ્વરના આશીર્વાદ છે તો બધી અસલામતી જતી રહે છે. જીવનમાં 80 ટકા આનંદ છે અને 20 ટકા મુશ્કેલીઓ છે. આપણે પેલા 20 ટકાને પકડી રાખીએ છીએ અને તેને 200 ટકા બનાવી દઈએ છીએ! આવું સમજી વિચારીને નથી કરતા, આપણાથી એવું થઇ જાય છે. આ દુનિયામાં હંમેશા બધી વસ્તુ યથાર્થ જ રહે તેવું નથી બનતું. અરે, એકદમ ઉમદા ઈરાદાથી કરવામાં આવતું અને સૌથી શ્રેષ્ઠ હોય તેવા કાર્યમાં પણ ઉણપ રહી જાય છે. આવું થવું સ્વાભાવિક છે. પરંતુ જો તમે શ્રધ્ધાથી કટીબધ્ધ છો તો તમે આ દુનિયામાં વિકાસ સાધી શકશો અને તમારું સંતુલન જાળવી શકશો. જો તમારી શ્રધ્ધાના મૂળ ઊંડા છે તો બીજું બધું પોતાની મેળે ચાલ્યા કરે છે.
શ્રધ્ધા જે ભાગ ભજવે છે તે ભૌતિકતાવાદી દુનિયામાં એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે કારણ કે તે વ્યક્તિને આપઘાતી વૃત્તિથી બચાવે છે. તેને કોઈ બાબત પાછળનું કારણ જે દેખાય છે તેના કરતાં બીજી દ્રષ્ટિએ જોવામાં સહાય કરે છે. જ્યારે જીવન શ્રધ્ધા ઉપર આધારિત હોય છે ત્યારે વ્યક્તિ બદલાની ભાવના અને ધિક્કારમાં ફસાઈ જવાને બદલે સારી ફિલસૂફીને અનુસરે છે. જો બધું બરોબર થઈ જશે એવી શ્રદ્ધા હોય તો બધું થાળે પડી જાય છે.
જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રતિબધ્ધતા જરૂરી છે. જીવનની કોઈ પણ બાબત,નાની હોય કે મોટી, તે પ્રતિબધ્ધતા પર ચાલે છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે આપણી પાસે સંસાધનો આવે તે પછી કોઈ કાર્ય માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ. તમે જેટલો મોટો સંકલ્પ લેશો તો તેને સાકાર કરવા માટે તેટલા વધારે સંસાધનો તમને પ્રાપ્ત થશે. આ કુદરતનો એક નિયમ છે. જો તમે કંઈક સારું કરવાનો ઈરાદો રાખો છો તો તમને જરૂર હોય ત્યારે અને તેટલા પ્રમાણમાં જરૂરી સંસાધનો સહેલાઈથી મળી જ જાય છે.
મુશ્કેલ સમયને પાર કરવાનો અન્ય માર્ગ છે તમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરીને સમસ્ત માનવજાતનો સમાવેશ કરવાનો. જ્યારે દરેક વ્યક્તિ સમાજમાં પ્રદાન કરવાની વૃત્તિ ધરાવે છે ત્યારે એક દિવ્ય સમાજ બને છે. આપણે આપણી વ્યક્તિગત ચેતનાને જ્ઞાન થકી વિસ્તૃત થવા માટે ઘડવી જોઈએ જેથી “મારું શું થશે” ના બદલે “હું શું પ્રદાન કરી શકું છું”નું મહત્વ રહે છે.
જો તમે તમારા પરિવારની કાળજી લેવા સંકલ્પબદ્ધ છો તો તમારી પાસે તેના પ્રમાણમાં ક્ષમતા કે શક્તિ હશે. જો તમારો સંકલ્પ સમાજ માટે છે તો તમને તેને અનુરૂપ શક્તિ પ્રાપ્ત થશે. તમારી પાસે જે છે તેનો યોગ્ય ઉપયોગ કરશો તો જ તમને બીજું વધારે આપવામાં આવશે! કુદરતનો આ બીજો નિયમ છે. જો તમે તમારા નાના મનમાં જ અટવાઈ રહો છો તો શા માટે કુદરત તમને વધારે કંઈ આપે? દુનિયાની સેવા કરવાનો સંકલ્પ રાખશો તો તમે કોઈ પણ મુશ્કેલ સમયનો સામનો કરી શકશો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)