પરમ શક્તિ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા રાખો

સિકંદર જયારે વિશ્વ ઉપર વિજય મેળવવા દેશ દેશ ફરીને આક્રમણ કરતો હતો, યુદ્ધ કરતો હતો તે સમયની વાત છે. દક્ષિણ ભારતનાં એક ગામમાંથી તે પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ભોજનની પ્રબળ ઈચ્છા થઇ. ગામનાં લોકોમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ. થોડી જ વારમાં સિકંદર માટે ભોજનનો થાળ હાજર થઇ ગયો. પણ તેના આશ્ચર્ય વચ્ચે થાળમાં બધી જ વાનગીઓ સોનાની હતી.

સિકંદરે કહ્યું : અરે, આ ભોજન હું કઈ રીતે ખાઈ શકું? તો ગ્રામજનો એ કહ્યું કે આપ તો મહાન સિકંદર છો. આપને અમે ખાતા હોઈએ તેવું સાદું અન્ન કઈ રીતે ધરી શકાય? સિકંદરે કહ્યું કે ભોજન તો તે પણ સામાન્ય લોકો કરે છે તેમ ઘઉં, ચોખા, શાકભાજી અને અન્ય અનાજથી બનેલું જ કરે છે.

ત્યારે ગ્રામજનોએ કહ્યું : ઓહો! તો પછી દુનિયા સર કરવા આપ શા માટે નીકળ્યા છો? આપ રહો છો તે જગ્યાએ શું અનાજ નથી ઉગતું? આપ શા માટે દેશ દેશમાં પરિભ્રમણ કરીને યુદ્ધ કરો છો અને હત્યા કરો છો? આપ પણ અનાજનો જ ભોજનમાં ઉપયોગ કરો છો તે વાત અમે માની શકતા નથી.

કહેવાય છે કે આ ઘટના પછી થોડા સમય બાદ સિકંદરે જાહેર કર્યું કે મારા મૃત્યુ વખતે મારી મુઠ્ઠીઓ ખાસ ખુલ્લી રાખવામાં આવે, જેથી સૌ જાણે કે જગત સર કરનાર સિકંદર પણ પોતાની સાથે કઈં જ લઇ જઈ શકતો નથી.

તો, કામનાઓ અને તેની પૂર્તિ માટે દોડધામ, સતત નફા-ખોટનો હિસાબ આ બધામાં મનને વ્યસ્ત રાખીને તમે દુ:ખ અને અશાંતિને જ નિમંત્રણ આપો છો. મને શું મળશે, મને શું મળશે એવી સતત ગણતરી કરવાની મનને ટેવ પડી જાય છે. લોકો મારા માટે શું વિચારે છે, પેલી વ્યક્તિએ મારું અપમાન કર્યું, મારી પીઠ પાછળ નિંદા કરી આ બધા વિચારોમાં કેટલો બધો સમય વેડફાઈ જાય છે? ઈચ્છા, ઈચ્છા અને ઈચ્છાઓ તેમ જ તેની પ્રાપ્તિ પછી શું? ભૌતિક સુવિધાઓનો ભોગ કરવાની તમારી ક્ષમતા કેટલી? સુખ મેળવવાની તૃષ્ણાને છોડી દો. તૃષ્ણાઓ ઉઠે છે, તમે બેચેન થઇ જાઓ છો, દુ:ખી થઇ જાઓ છો અને તમે તમારી જાતને તુચ્છ માનવા લાગો છો, જે તમે સહી શકતા નથી એટલે ગુસ્સો કરો છો અને ફરીથી તે બાબતે પશ્ચાતાપ કરો છો. આ દુષ્ચક્રમાંથી નીકળવું જાણે અસંભવ લાગે છે. આ બધાંને લીધે તમે જીવનમાં પ્રેમનો અનુભવ ચૂકી જાઓ છો. જયારે હૃદય પ્રેમપૂર્ણ નથી હોતું ત્યારે મન નિરાશાથી ઘેરાઈ જાય છે.

મન વિશ્રામ પામી શકતું નથી, સ્થિર થઇ શકતું નથી. જીવન તો સુખપૂર્ણ અને દુઃખપૂર્ણ અનુભવોનું મિશ્રણ છે. સુખ અને દુ:ખ પરસ્પર વિરોધાભાસી લાગે છે, પરંતુ વાસ્તવમાં બંને એકબીજાનાં પૂરક છે. એક સિવાય બીજું સંભવ નથી. સૈદ્ધાંતિક રીતે, જીવનમાં માત્ર એક જ પ્રકારના, કહો કે, માત્ર સુખપૂર્ણ જ અનુભવો જ મળે તે શક્ય નથી. જ્યાંથી સુખ મળે છે, ત્યાંથી જ દુ:ખ પણ મળે છે. ઈચ્છાઓ આવે છે અને જાય છે. નફો થાય છે, નુકશાન થાય છે! જીવનના આ ક્રમને સમજો અને નિરાશ થઈને બેસી ન જાઓ. અનંત ધૈર્ય રાખો. જયારે જયારે તમે દુ:ખ, નિરાશા અને ઉદાસીનો અનુભવ કરો છો ત્યારે તમે અનુભવો છો કે તમારું અસ્તિત્વ સીમિત છે અને આ જ ક્ષણે તમે તમારી મર્યાદા પ્રત્યે સજાગ બની જાઓ છો અને ત્યારે જ તમે જીવનને વધુ સારું બનાવવા વિશે વિચારો છો.

સત્ય અર્થાત એકનિષ્ઠા, પ્રતિબદ્ધતા, શૌચ – આંતરિક અને બાહ્ય શુદ્ધતા તથા કરુણા જેવા સિદ્ધાંતોના પાલનથી જીવનમાં આમૂલ સકારાત્મક પરિવર્તન આવે છે. આ સઘળું તમારી અંદર છે જ. તમે જ સ્વયં સત્ય છો, નિતાન્ત શુદ્ધ છો- ભૂતકાળ ગમે તેવો રહ્યો હોય પણ વર્તમાન ક્ષણમાં તમે શુદ્ધ જ છો, અને અતીવ કરુણામય છો. આમ માનીને જ ચાલો. જો તમે ગુસ્સો કરી બેસો છો તો તે માત્ર સ્ટ્રેસને કારણે, ક્રોધ તમારો સ્વભાવ કદાપી હોઈ શકે નહીં. રોજ થોડી વાર ધ્યાન કરો અને જુઓ કે વાસ્તવમાં તમે શાંત અને પ્રેમમય છો. જીવનમાં ધ્યેય રાખો પરંતુ અંદરથી શાંત રહો, મનને પ્રસન્ન રાખો અને સત્ય, શુદ્ધતા તથા કરુણા વડે જીવનને સભર રાખો. વિશ્વનું સંચાલન કરનાર પરમ શક્તિ પ્રજ્ઞાવાન છે. તે પરમ શક્તિ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા રાખો.

સતત બદલતી રહેતી લાગણીઓ અને ચિંતા, દુ:ખનાં આ બે કારણ છે. પરંતુ લાગણીઓ હૃદયનો વિષય છે જયારે ચિંતા મનનો વિષય છે. જયારે લાગણીના પ્રબળ પ્રવાહમાં તમે વહો છો ત્યારે મન ચિંતા કરી શકતું નથી. તો તીવ્ર લાગણીઓ દ્વારા ચિંતાથી તો મુક્તિ મળે છે, પરંતુ લાગણીઓના ઉતાર-ચડાવ અને તેને કારણે ઉત્પન્ન થતું દુ:ખ માત્ર અને માત્ર પરમ શક્તિ સાથેનાં અતૂટ સંબંધથી જ દૂર થાય છે. ઈશ્વરને બધું જ કહો. તેનાથી કઈં જ છૂપું ન રાખો. તમારાં દુ:ખની તેને ભાગીદારી સોંપી દો. કહો કે, મારું દુ:ખ એ તારું દુ:ખ છે. ભજનનો અર્થ જ થાય છે વહેંચવું, તો ઈશ્વર સાથે સુખ દુ:ખ, સર્વ ભાવનાઓ શૅર કરો.

નારદ ભક્તિ સૂત્ર અનુસાર : सर्वथा सर्वभावेन निश्चिन्तैर्भगवानेव भजनीय:। પ્રત્યેક ભાવથી સદા સર્વદા નિશ્ચિંન્તતાપૂર્વક ઈશ્વરનું ભજન કરો. સમસ્યા છે તો ઈશ્વર પાસે ખરા હૃદયથી મદદ માંગો, પ્રાર્થના કરો. મૌન એ ઈશ્વર સાથેના સંવાદની પરિભાષા છે. પ્રાર્થના દ્વારા તમે ઈશ્વરને કહો છો અને ધ્યાન દ્વારા તમે ઈશ્વરને સાંભળો છો.

હૃદયમાં જયારે પ્રેમનો આવિર્ભાવ થાય છે ત્યારે જીવન આનંદથી છલકી ઉઠે છે. ઈશ્વર તમને ખૂબ પ્રેમ કરે છે. તેની સાથે આ ક્ષણે જ સંબંધનો અનુભવ કરો. એ માટે કઈં જ પ્રયત્નો કરવાની જરૂર નથી. આંખ બંધ કરો અને તેની સાથે પ્રેમથી જોડાઈ જાઓ. જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તમારાં માતા-પિતા અને પૂર્વજોનું સર્જન કર્યું છે, તે પરમ શક્તિમાન ઈશ્વર તમને ખૂબ ચાહે છે, બસ, આટલું જાણી લો અને જુઓ કે સિદ્ધિ, સમૃદ્ધિ, ભક્તિ, મુક્તિ અને શાંતિ સઘળું તમારી પ્રત્યે આકર્ષાશે, સામે ચાલીને તમારી પાસે આવશે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)