વિશ્વમાં આપણું અવતરણ થાય છે માતા થકી, આપણને પ્રથમ જન્મ માતા આપે છે, પરંતુ ગુરુ આપણને બીજો જન્મ આપે છે, અને ગુરુ દ્વારા મળેલા આ નવાં જન્મમાં આપણે જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરીએ છીએ. વધુ ગહનતાથી વિચારીએ તો, જ્ઞાન આપે એ આચાર્ય પણ ગુરુ તમને સજગ કરે છે, જીવંત કરે છે. આચાર્ય માહિતી આપે છે પરંતુ ગુરુ પ્રજ્ઞાને જાગૃત કરે છે. અને આ સઘળાં થી ઉપર, અધ્યાત્મના પથ પર તમને ગતિશીલ બનાવે છે તે સદગુરુ છે.
ગુરુ એ તત્વ છે. તમારી અંદરના સદગુણો એ ગુરુ તત્વ થી બનેલા છે. તે દેહ અથવા આકાર પૂરતા સીમિત નથી. તમે ના કહો કે બળવો પણ કરો કદાચ, છતાં પણ તમારાં જીવનમાં ગુરુનો પ્રવેશ થયા વગર રહેતો નથી. ગુરુ તત્વ અતિશય પ્રાણ સભર છે. દરેક મનુષ્ય આ તત્વથી પુરસ્કૃત છે. માત્ર આ તત્વને ઊજાગર કરવાની જરૂર છે. જયારે આ તત્વનું પ્રકટીકરણ થાય છે ત્યારે જીવનમાંથી સઘળાં દુખોનો નાશ થાય છે, આપણી ચેતના જ્ઞાન વડે પ્રકાશિત થઇ ઉઠે છે. જાગીને જુઓ, આપણું જીવન પ્રતિ ક્ષણ બદલાઈ રહ્યું છે, અને જે કંઈ મુલ્યવાન પ્રાપ્ત થયું છે તે સર્વ માટે ગુરુ પ્રતિ કૃતજ્ઞ બની જાઓ! અને તમારી પાસે એકઠો થયેલો બધો જ કચરો ગુરુને આપી દઈને મુક્ત બની જાઓ!
ગુરુ તો બારી છે. ગુરુ તમારાં જીવનમાં વધુ ને વધુ આનંદ, વધુ ને વધુ સતર્કતા અને વધુ ને વધુ સજગતા લાવે છે. ગુરુ તમારા પર શાસન કરતાં નથી. તેઓ તમારાં પર નિયમો લાદતા નથી. પરંતુ ગુરુ તમારા સ્વ સાથે તમારો પરિચય કરાવે છે. ગુરુ તમને વર્તમાન ક્ષણમાં જીવતાં શીખવાડે છે. તમારી હીન ભાવના, આવેગ, દુઃખ અને પીડાને નિર્મૂળ કરે છે. ગુરુનો સાચો અર્થ જ આ છે.
ગુરુ-પૂજા યુગોથી ચાલી આવતી પરંપરા છે. કોઈ કોઈની પ્રશંસા શા માટે કરે? તમે રોક સ્ટાર, ફિલ્મ સ્ટાર કે સ્પોર્ટ્સ સ્ટારની પ્રશંસા કરો છો ને? તો પ્રશંસા કરવી એ મનુષ્યની પ્રકૃતિ છે. પૂર્વના દેશોમાં લોકો તેમના ગુરુ માટે ગૌરવ અને સન્માનની ભાવના અનુભવતાં હોય છે. જેમકે દશેરાના દિવસે વાહનોની પણ પૂજા કરવામાં આવે છે, કારણ પ્રત્યેક કણમાં ઈશ્વર છે. તો જયારે જયારે પણ તમે પૂજા કરો છો, પ્રશંસા કરો છો તે ઈશ્વર સુધી જ પહોંચે છે અને તમારી ચેતના વિકાસ પામે છે. તો ગુરુની આરાધના એ ઈશ્વરની આરાધના છે.
એટલે જ આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ. આ દિવસે શિષ્યો ભક્તિમય બને છે, પૂર્ણપણે કૃતજ્ઞ બને છે. ગુરુ તરફથી મળેલા અતિ મૂલ્યવાન જ્ઞાન માટે ભાવપૂર્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે ગુરુ પૂર્ણિમા! પ્રાપ્ત કરેલાં જ્ઞાન ને તમે કેટલા અંશે જીવનમાં ઉતારી રહ્યાં છો તે અનુભૂતિ કરવાનો દિવસ છે. ક્યાં ક્યાં સુધારાને અવકાશ છે તે તમે જુઓ છો અને તમારામાં નમ્રતાનો ઉદય થાય છે. કૃતજ્ઞતા અને નમ્રતા દ્વારા તમારા અંત:કરણમાં અનન્ય પ્રાર્થના ઉદભવે છે.
ગુરુ પૂર્ણિમાને દિવસે સર્વ ગુરુઓને યાદ કરો. તમારું જીવન જયારે પૂર્ણ બને છે ત્યારે કૃતજ્ઞતાનો જન્મ થાય છે. અને તે જ સમયે તમે ગુરુ સાથે તમારી યાત્રાનો પ્રારંભ કરો છો, ગુરુની આરાધના કરો છો અને સૃષ્ટિમાં સઘળું તમને પ્રશંસા પાત્ર લાગે છે. આ દિવસે ભક્ત એક મહાસાગર સમો હોય છે જેનો પ્રવાહ સ્વયં પ્રતિ, અંદરની તરફ હોય છે. ગુરુ પૂર્ણિમા ભક્તિ અને કૃતજ્ઞતાપૂર્વક જીવનને ઉત્સવની જેમ માણવાનો દિવસ છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)