વાણીના ચાર પ્રકારો હોય છે– પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈકરી. મનુષ્યો જે બોલે છે તે માત્ર ચોથા પ્રકારનું હોય છે. આપણે વૈકરી પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ વાણીનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે. મધ્યમાં વૈકરી કરતાં સૂક્ષ્મ હોય છે. તમે બોલો તે પહેલા વિચારના સ્તરે જ વાત સમજાઈ જાય. જ્યારે તમે વાત વિચારના સ્તરે હોય ત્યારે જ જો જાણી લો છો તો તે મધ્યમા છે. પશ્યન્તિ જ્ઞાનાત્મક છે. તેમાં શબ્દો બોલવાની જરૂર હોતી નથી. પરા એ વ્યક્ત નહીં થયેલું, સ્પષ્ટ નહીં થયેલું જ્ઞાન છે.
આખું વિશ્વ ગોળાકાર છે. તેનો ક્યારેય જન્મ થયો નહોતો કે તે ક્યારેય નષ્ટ થવાનું નથી. આમ, તે અનાદિ, અનંત છે. તો બ્રહ્માજીનું, એટલે કે સર્જકનું, શું કામ હોય છે? કહેવાય છે કે દરેક યુગમાં અનેક બ્રહ્મા, વિષ્ણુ અને શિવ હોય છે.
કાળખંડ અને અવકાશમાં આવું બન્યા કરે છે. આ સર્જનનો સ્રોત શું છે? જ્ઞાન આકાશથી અને પંચમહાભૂતથી પણ પર છે. વેદો કે જેમને સમજી શકાય છે તે વૈકરી નથી. વેદોનું જ્ઞાન આકાશથી પર છે. દૈવી પ્રેરણાઓ એ ક્ષેત્રમાં સ્થાપિત છે જે સર્વત્ર પ્રસરેલું છે.
આકાશ એટલે શું? આકાશને વ્યોમ કે વ્યાપ્તિ તરીકે વર્ણવવામાં આવે છે એટલે કે જે સર્વવ્યાપ્ત છે-સર્વત્ર ફેલાયેલું છે, પ્રસરેલું છે. આકાશની પેલે પાર જે છે તે શું છે? આકાશની પેલે પાર જે છે તેનો વિચાર કરવો અકલ્પનીય છે. દરેક વસ્તુ આકાશમાં સમાયેલી છે,બાકીના ચારેય મહાભૂત આકાશમાં આવેલા છે. પૃથ્વી સૌથી સ્થૂળ છે, તે પછી જળ, અગ્નિ, વાયુ અને આકાશ. વાયુ સૂક્ષ્મ છે, અગ્નિ કરતાં વધારે સૂક્ષ્મ. આકાશ સૌથી વધારે સૂક્ષ્મ છે.
આકાશથી પણ પેલે પાર હોય એવું શું છે? એ છે મન, બુધ્ધિ,અહંકાર અને મહત તત્વ. એટલે કે તત્વજ્ઞાન-વિશ્વના મૂળભૂત ખ્યાલને સમજવો. જ્યાં સુધી તમે વિશ્વ વિશેના એ તત્વજ્ઞાનને નથી સમજતા ત્યાં સુધી પોતાને, આત્માને નહીં જાણી શકો. આકાશની પેલે પાર જે ક્ષેત્ર છે તે અનુભવથી જ જાણી શકાય છે. જ્ઞાનનું સમસ્ત ક્ષેત્ર આકાશ પછી શરું થાય છે.
પ્રાચીન દ્રષ્ટાઓએ પદાર્થ અને તેના ગુણધર્મો વચ્ચેના સંબંધ વિશે વાત કરી છે. એક ચર્ચા ખૂબ રસપ્રદ છે- શું આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકીએ? એ આખી ફિલસૂફી ખૂબ રસપ્રદ છે અને એનું એ તાત્પર્ય નીકળ્યું કે આપણે પદાર્થમાંથી તેના ગુણધર્મને અલગ પાડી શકતા નથી. શું મોરસમાંથી આપણે ગળપણ અલગ કરી શકીએ? જો એમ કરીએ તો પણ શું મોરસ એમ જ રહેશે? શું અગ્નિમાંથી ઉષ્ણતા અને પ્રકાશ અલગ કરી શકીએ? જો કરી શકીએ તો તે પછી અગ્નિ અગ્નિ જ રહેશે? એવું શું છે જે પદાર્થને ગુણધર્મ પ્રદાન કરે છે? પહેલું શું આવે, ગુણધર્મ કે પદાર્થ?આવા ઘણા પ્રશ્નો છે. તમે ઊંડે ઉતરતા જાવ તો પરમે વ્યોમન પહોંચો છો. બધા દેવી અને દેવતા ત્યાં એ અવકાશમાં વસે છે. પરમે વ્યોમનને, વિશ્વના મૂળભૂત ખ્યાલને જાણ્યા વગર વૈદિક શ્લોકો અને મંત્રો ઉચ્ચારવા નિરર્થક છે. સ્વરૂપ તે અવકાશનો ગુણધર્મ છે.
સ્વરૂપ એટલે તે ચેતના. સ્વરૂપમાંથી સ્પૂટ એટલે કે વિસ્ફોટ જન્મે છે જેમાંથી સર્જનની, સ્વરિતની ઉત્પતિ થાય છે અને તે નામ અને સ્વરૂપ સાથે એટલે કે સાકાર તરીકે ઉદ્દભવે છે. સર્જનમાં આવેલા લાખો જીવો સ્વરૂપમાંથી ઉદ્ભવ્યા હતા. અવકાશ સિવાયના ચાર મહાભૂત સમયાંતરે ઉધમાત-ખળભળાટ કરતા હોય છે. જો તમે સહાય માટે તેમના પર અવલંબન રાખો છો તો તે તમને હચમચાવીને અવકાશમાં પાછા લઈ જશે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)