કર્મ કરતા હોવાના ભાવ વગર ક્રિયાશીલ રહેવું!

દરેક કર્મ પાછળ કોઈ ચોક્કસ પરિણામ મેળવવાનું પ્રેરકબળ હોય છે.જ્યારે તમે દરેક કાર્ય અંતિમ પરિણામ કે કોઈ ચોક્કસ લક્ષ્ય ધ્યાનમાં રાખીને કરો છો ત્યારે પરિણામની અપેક્ષા તમારી કાર્ય કરવાની પ્રક્રિયાને અસર કરે છે. બીજી રીતે કહીએ તો પરિણામ મેળવવાની રીત ઘણી વાર પરિણામ કરતાં વધારે મહત્વની બની જાય છે. પરંતુ જો તમે કોઈ કાર્ય ખુશીની અભિવ્યક્તિ તરીકે કરો છો અને પરિણામની પરવા નથી કરતા તો તમે તેને હાંસલ કરવાના માર્ગમાં ભટકી જતા નથી.


જ્યારે તમે કોઈ કાર્ય તેમાંથી આનંદ મેળવવા માટે કરો છો ત્યારે તે કાર્ય વામણું થઈ જાય છે. દા.ત.,તમારે આનંદનો પ્રસાર કરવો છે,પણ જો તમે સામેની વ્યક્તિ ખુશ થઈ કે નહીં તે જાણી લેવા ઉત્સુક બની જાવ છો ત્યારે તમે તેમની મુશ્કેલીઓના વર્તુળમાં ગુંચવાઈ જાવ છો અને એ પ્રક્રિયામાં તમારી ખુશી ખોઈ બેસો છો. અથવા ધારો કે તમે કોઈ યોજનાની જવાબદારી લેવા માંગો છો,પરંતુ જો તમે તેની શરૂઆત એ ચિંતા સાથે કરો કે સફળતા મળશે કે નહીં તો એ યોજનાને લઈને તમારો તમામ ઉત્સાહ જતો રહેશે.

કાર્યના પરિણામ બાબતની તમારી ચિંતા જ તમને પાછા પાડે છે અને હતોત્સાહ કરી દે છે. જો તમે તમારી ક્ષમતાથી વાકેફ છો તો તમે જે કરવા માંગો છો તે માટે પરિણામની ચિંતા કર્યા વિના ઝંપલાવો. જ્યારે તમને સંશય થાય છે ત્યારે તમારી કોઈ પણ પ્રવૃત્તિ સંશયમાં વધારો કરશે. જ્યારે તમારી પાસે વિકલ્પ હોય છે ત્યારે પારકે ભાણે લાડુ મોટો લાગે છે અને એનાથી તમે તમારી પાસે જે છે એનો આનંદ લઈ શકતા નથી. એનાથી તમે તમારી વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.આમ, જ્યારે તમને કોઈ વિકલ્પને લીધે મુંઝવણ થતી હોય ત્યારે બસ હળવા થાવ અને સમજો કે વિકલ્પોથી માનસિક ક્લેશ થાય છે અને ‘નિર્વિકલ્પતા’માં મુક્તિ છે.

તો, જ્યારે સંશય કે મુંઝવણ હોય ત્યારે કેવી રીતે કેન્દ્રિત રહેવું? નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે,”કર્મણ્યપિ સન્યસ્યતિ”.એટલે કે માત્ર કર્મ જ નહીં પણ કર્મના પરિણામથી પણ વિશ્રામ લો.જ્યારે તમે પરિણામની પરવા નથી કરતા અને માત્ર કર્મની પ્રક્રિયામાં જ લીન થઈ જાવ છો ત્યારે તમે કર્મના પરિણામથી અળગા થઈ શકો છો.તેનાથી મનમાં રહેલા સંશય અને ક્લેશની સામે ગહેરો વિશ્રામ મળે છે.જે વ્યક્તિને પરિણામની પરવા નથી તે કાર્યની પ્રક્રિયામાં જ રત રહે છે અને પોતાની ભીતરમાં વિશ્રામ કરે છે, વિકલ્પોથી ઉપર ઊઠે છે,માનસિક ક્લેશથી બચે છે.

આનો અર્થ એ નથી કે તમારે ક્રિયાશીલ રહેવાનું બંધ કરી દેવું જોઈએ. જેનામાં શાણપણ છે,જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને દિવ્ય પ્રેમનો અનુભવ કર્યો છે, તે તમામ ક્રિયાઓથી પર છે છતાં પોતાને કાર્યરત રાખે છે.તમે જેમાંથી પસાર થઈ ચુક્યા હોવ તેનાથી જ ઉપર ઊઠી શકો છો.તમારી પાસે જે છે તેને જ ત્યજી શકો છો.માટે, કાર્યના પરિણામને ત્યજવા માટે તમને પરિણામ મળવું જોઈએ અને પરિણામ મેળવવા તમારે કાર્ય કરવું પડે!આ એટલી સુંદર બાબત છે.

શ્રી કૃષ્ણએ અર્જુનને યુધ્ધ માટે પ્રેરિત કરવા કાર્યના પરિણામનો ઉપયોગ કર્યો. તેમણે અર્જુનને સમજાવ્યું કે જો તું યુધ્ધમાં મૃત્યુ પામે છે તો તું સ્વર્ગ પામીશ અને જો જીતીશ તો દુનિયા પર રાજ કરીશ.જીસસે પણ આમ કર્યું હતું.જ્યારે તમે આળસમાં ફસાયેલા હોવ છો ત્યારે તમને કંઈ પણ કરવા માટે પ્રેરણાની જરૂર પડે છે અને કાર્યનું અપેક્ષિત પરિણામ પ્રેરક બળ તરીકે કામ કરે છે.પણ એક વાર તમે કાર્ય કરવાનું શરૂ કરો એટલે પરિણામની અપેક્ષા ત્યજી દો.માત્ર હાથમાં લીધેલા કાર્ય પર ધ્યાન આપો.

આમ,ક્રિયા શીલ રહો.તમારું કાર્ય કર્યા કરો અને તેના પરિણામની અપેક્ષા ના રાખો.પરિણામ એ તમને કાર્ય કરવાનું શરૂ કરવા માટે પ્રેરણા તરીકે છે.શાણા માણસો આવું કરે છે!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)