…અને મારું રૂપ ફાગણી કેસુડા માફક નિખરી ગયું!

આલાપ,

મને વારંવાર વિચાર આવે કે આ સમય અને શ્વાસ વણથંભ્યા ચાલ્યા કરે છે. કેમ એને ક્યારેય થાક નહીં લાગતો હોય? શું એને કદી નહીં થતું હોય કે ઘડીવાર વિસામો કરી લઉં? અને ધારો કે, સમય અને શ્વાસ વિસામો કરવા બેસે તો??

દિવસ દરમ્યાન, આપણી જાણ બહાર સતત ચાલતા રહેતા આ સમય અને શ્વાસ વિશે આપણે ભાગ્યે જ સભાનપણે વિચારતા હોઈએ છીએ. બન્નેમાંથી કશુંક પણ અટકી જાય તો શું થાય? આમ તો આ કલ્પના પણ કરવી અઘરી છે, આમ છતાં સમયના અટકી જવાથી શું થાય એ હું અનુભવી રહી છું. મનને એમ થાય છે કે ચાલ, આજે તને મારા વર્ષોથી અટકી ગયેલા સમયની દાસ્તાન કહું.

આમ તો રંગોની ઓળખ બાળપણમાં જ થઈ જતી હોય છે, પરંતુ રંગો સાથે સાચો નાતો તો ત્યારે જ બંધાય છે જ્યારે જિંદગીમાં રંગો પૂરનાર કોઈ રંગરેજ આવે! અને જ્યારે એ રંગરેજ હોળીના રંગો વડે તમારા તન-મન પર રંગોળી પૂરે ત્યારે તો આખું ય આકાશ તમારી મુઠ્ઠીમાં હોય એવુ લાગે. મનમાં ધારેલો ચિત્રકાર હોળીના રંગો લઈને લાગણીની પીંછી વડે જિંદગીના કેનવાસ પર જ્યારે પ્રેમનું ચિત્ર દોરે છે ત્યારે આયખું જીવંત થાય છે.

આપણા સંબંધ પછીની એ પહેલી ફાગણી પૂનમ હતી. મારા જીવનમાં તારો પગરવ થયો અને મારું રૂપ ફાગણી કેસુડા માફક નિખરી ગયું. ચાર દિવસ પહેલાંથી આપણે હોળીનો તહેવાર સાથે ઉજવવાનું આયોજન કરતા હતા. મિત્રો સાથે બહાર નીકળીને એકમેકના રંગે રંગાઈ જવાનો તો એ સમય હતો નહીં. છતાં એવું શું થઈ શકે કે આપણે આપણા પ્રેમનો રંગ એકમેક પર લગાડીને આજીવન એ રંગને સાચવી રાખવાનું પ્રણ લઈએ એવું કાંઇક હતું આપણા મનમાં. આ સમયને યાદગાર બનાવવા અને એકબીજાના પ્રેમના રંગમાં રંગાવા આપણે અંતે એવું નક્કી કર્યું કે ગામની બહાર આવેલા મહાદેવના મંદિરમાં દર્શને જવું અને ત્યાં ઈશ્વરની સાક્ષીએ એકમેકને આજીવન ખુશીઓના રંગોથી રંગાયેલા રાખવાના કોલ આપવા.

માણસ જ્યારે પોતાના માટે કશુંક વિચારે છે ત્યારે ઈશ્વર પણ એના માટે વિચારે છે. આપણે આયોજનને આખરી ઓપ આપી રહ્યા હતા ત્યારે કદાચ ઈશ્વર કશુંક અલગ જ ગોઠવી રહ્યો હતો આપણાં માટે. જે રીતે રંગોત્સવ પહેલાં હોળીનો અગ્નિ પ્રગટે છે, બરાબર એમ જ આપણે બન્ને પ્રેમના ગુલાલથી રંગાઈએ એ પહેલાં આગલી રાત્રે પરિસ્થિતિએ વળાંક લીધો અને નાના અમથા અહમની હોળી પ્રગટી અને આપણાં સઘળાં અરમાનો એમાં ભડભડ બળી ગયા. એ રાત્રે આપણે મળ્યા, જરા અમથો અહમનો ટકરાવ થયો, વાતે વિકરાળ રૂપ ધારણ કર્યું અને ધૂળેટીનું પર્વ આપણા સંબંધને મેશથી રંગી ગયું.

આલાપ,

ધારો કે આપણે એ દિવસે નક્કી કર્યા મુજબ ઈશ્વરની સાક્ષીએ એકમેકમાં રંગાઈ ગયા હોત તો? આજે જિંદગી શું હોત?

તો મને લાગે છે કે તો આજે આપણે એ રંગોની ધૂંધળી પડી ગયેલી છાપને ફરી નવા રંગોથી સજાવી હોત. ક્યારેક એકા’દ રંગ વધી જાત તો આપણે સમજણના રંગો ઉમેરીને ચિત્ર નિખારી લેત. ઉંમર વધતાં પરિપક્વતા ય આવી હોત અને એ એકાદ અહમને જો આટલો ન પંપાળ્યો હોત તો આજે હું તને કહેતી હોત.., ‘આલાપ, હવે તો વાળમાં સફેદી આવી અને ચહેરા પર કરચલી – હવે તો રંગોથી રમવાનું છોડીને ભૂતકાળની યાદોની પ્રજ્વલિત આગની પ્રદક્ષિણા કરી સંબંધને દીપાવવાની ઉંમર થઈ છે.’

પણ…

હા, એ સમય પછીનો કોઈ ફાગણ મારા જીવનમાં ફોરમ નથી લાવ્યો. આટલા વર્ષોમાં ક્યારેય મારી જિંદગીમાં કેસુડો નથી ખીલ્યો. આંખો કોઈ રંગને ઓળખતી નથી. જિંદગીનું કેનવાસ ચિરાઈ ગયું છે, લાગણીની પીંછી બટકાઈ ગઈ છે, પ્રેમનું ચિત્ર અધૂરું રહી ગયું છે અને આયખું તો જાણે જીવતી લાશ!

આલાપ, કેસુડો, હોળી અને રંગો હવે વેરી બની ગયા છે. બધું જ જોવાય છે ઉપરછલ્લું. કશું જ મનને કે હૃદયને સ્પર્શતું નથી. કવિ. ડૉ. મનોજ જોશી ‘મન’નો આ એક શે’ર સાર્થક લાગે છેઃ

આંખે છવાયો કાયમી ‘આવ્યા નહીં’નો થાક!

પગને સતાવે છે હવે ‘ચાલ્યા નહીં’નો થાક!

-સારંગી.

(નીતા સોજીત્રા)