ધારો કે આપણે એકબીજાને પામી શક્યા હોત તો…

આલાપ,

જીવનમાં કેટલીક ક્ષણો એવી તો ખુશ્બુદાર હોય છે કે એ મનમાં રહે તો મનને, તનને અને સમગ્ર જીવનને મહેકતું રાખે. આપણાં જીવનમાં પણ આવી ધન્ય ક્ષણો આવી છે એ વાતનો અહેસાસ મને સતત થયા કરે છે.

આજની જ વાત લે ને!! સવાર સવારમાં આંખો ખુલતાંની સાથે જ મારી નજર બગીચામાં પથરાયેલી પારિજાતની પથારી પર પડી. ખૂબ જ સુંદર કેસરી ડિઝાઇનવાળી ચાદર જાણે કે આખાય બગીચાને ઓઢાડી હોય એવું નયનરમ્ય દ્રશ્ય હતું એ, પણ આલાપ, મારી આંખ સામે તો હાથમાં પારિજાતનો નાનો રોપ લઈને ઉભેલો એક યુવાન તરવરી રહ્યો હતો.

એ વાતને આમ તો 30 વર્ષના વહાણાં વાઈ ચૂક્યા છે, પણ જાણે કે ગઈકાલે જ બન્યું હોય એમ આખો બનાવ નજર સમક્ષ છે. એ સવારે તું ખિલખિલાતા ચહેરે મારી સામે આવીને ઉભો રહ્યો. હાથમાં સુંદર મજાનો પારિજાતનો રોપ લઈને. હું તો ખુશીની મારી ઉછળી પડેલી, પણ તેં વાત કરતા કહેલું, ‘સારું, ગઈકાલે સામેના ઘરના આંગણમાંથી તને પારિજાત વીણતી જોઈ હું થોડો ઉદાસ થઈ ગયેલો. યાદ છે? તેં મને એ વિશે પૂછ્યું હતું ત્યારે મેં થોડા દુઃખી સ્વરે કહેલું, ‘મારી સારંગી કોઈના ફળીયામાં આમ ફૂલો વીણે એ મને ન ગમે, સારું!’ અને એટલે જ હું તારા માટે આ પારિજાતનો રોપ લાવ્યો છું.’

પછી તો આપણે બન્નેએ સાથે મળીને એ રોપ વાવેલો અને આપણે કેટલી આતુરતાપૂર્વક એમાં ફૂલો આવવાની રાહ જોતા? પારિજાતના વૃક્ષ પર ફૂલો આવે પછી એની સફેદ ચાદર સાથે બેસીને જોવાના, એ પુષ્પોની ખુશ્બુથી મહેકતું વાતાવરણ સાથે મળીને મહેસુસ કરવાના સપનાંઓ પણ આપણે જોયેલા જ ને?

કેટલાંક સપનાંઓ અધૂરા રહે એની પણ મજા હોય છે એ વાત મને હંમેશા સાચી લાગે છે. આપણું સપનું પણ અધૂરું રહ્યું. આપણે બન્ને એકમેકની સંગાથે રહીને એ પારિજાતને વધતું, પુષ્પોથી ભરેલું જોવાનું શક્ય ન બનાવી શક્યા. સમયની ગતિને ક્યાં કોઈ માપી શક્યું છે?

જોને, આજે વર્ષો પછી પણ પારિજાતની માફક આપણે બન્ને એકબીજાના મનમાં મહેકી રહ્યા છીએ. જીવનની આ સાર્થકતા નથી? મને વારંવાર એ વિચાર આવે છે કે ધારો કે આપણે એકબીજાને પામી શક્યા હોત તો આ ચાહત આમ જ ટકી હોત ખરી? આમ જ દરેક સવાર ચાહતની ચાસણીમાં ઝબોળાતી હોત ખરી? આપણે એકમેકને ન પામી શક્યા માટે દુનિયાની નજરે આપણો પ્રેમ નિષ્ફળ હોઈ શકે, પરંતુ આલાપ, પામવા કરતાં વધુ મહત્વ છે આજીવન ચાહતા રહેવાનું. કદાચ એકમેકને પામ્યા પછી વાસ્તવિકતાના ભાર નીચે આપણી આ ચાહત દબાઈ પણ ગઈ હોત, એવું પણ બનતે ને?

પારિજાતના પુષ્પો જેવી આપણાં સહજીવનની તાજગી અને મહેક આજીવન આપણને આમ જ મહેકાવતી રહે એ વધુ જરૂરી છે, છતાં મનની સ્થિતિને કવિ બાબુલાલ ચાવડાના આ શબ્દોમાં વર્ણવું તો…

ભૂતકાળ ભીંત ફાડી ઉભો છે આંખ સામે,
કંઈ દ્રશ્ય તરવર્યાનો સોપો પડી ગયો છે.

– સારંગી.

(નીતા સોજીત્રા)