એકસરખા પ્રવાહમાં વહી જતી જિંદગીથી ક્યારેક કંટાળો પણ ચડે…

આલાપ,

એકસરખા પ્રવાહમાં વહી જતી જિંદગીથી ક્યારેક કંટાળો ચડે એવું બને પણસાચું કહું તો આપણે એકસરખી જિંદગી જીવવા જ ટેવાયેલા હોઈએ છીએ. જરા સરખો બદલાવ આપણે પચાવી નથી શકતા હોતા. બદલાવ ચાહે સુખનો પણ કેમ હોય પણ એમાં ગોઠવાયા પછી પણ જૂનો સમય બહુ યાદ આવતો હોય છે.

જો આજે આપણે છુટા પડ્યે વર્ષો વીતી ગયા અને આ વર્ષોમાં કેટકેટલા બદલાવ આવ્યા. કેટલાક સારા તો કેટલાક… હું તને શું કહુંકેટલાક બદલાવો નો તું પણ સાક્ષી છે. હાજીવનની કેટલીય યાદગાર સવાર આપણે સાથે માણી છે. ધૂમ્મસ અને ઝાકળબિંદુથી નીતરતી સવારપારિજાત અને મોગરાથી મહેંકતી સવારસૂર્યના પહેલા કિરણો પૃથ્વી પર પડે અને જે રંગોનું સામ્રાજ્ય છવાય એવી સોનાવર્ણી સવાર અને રિમઝીમ વરસી રહેલા વાદળના ધરતી માટેના પ્રેમબિંદુને ઝીલતી સવાર.

આજે ખુલ્લું આકાશ અને સોનાવર્ણી સવાર જોઈને યાદોના પંખીઓ કલરવ કરી રહ્યા. ફળિયામાં વટથી ઉભેલા કેક્ટ્સ મને પૂછી રહ્યા, “તું પણ એને જ યાદ કરે છે ને જેણે તને મારા પર પણ વિચારવાનું કારણ આપેલું?” ને હું એક ગમગીન સ્મિત સાથે કેક્ટ્સ પર હાથ ફેરવું છે . એક કાંટો ખૂંચે છે અને લોહીનો ટશિયો ફૂટે છે. એ રક્તબુંદ જાણેકે કહી રહ્યુ હતું, “સારુંતારો આલાપ જતો રહ્યો ગુલાબ,મોગરો અને પરિજાતની સુવાસ લઈને અને તને આપી ગયો કેક્ટ્સનો વૈભવ.” ને મને યાદ આવી આપણી એ મુલાકાતની વાતો.

તું સામેના બગીચાના સુંદર કેક્ટ્સ જોઈને ખુશ થઈ ગયેલો. તેં મને પૂછેલું ,” સારુંકેક્ટ્સ કેટલા સુંદર દેખાય છે,કેમભલે ગુલાબમોગરો કે પારિજાત ખુશ્બુ આપે પરંતુ એનું આયુષ્ય બહુ ટૂંકું હોય જ્યારે કેક્ટ્સ કેટલું આકર્ષક છે. મનમોહક અને વળી એનું આયુષ્ય પણ કેટલું લાંબુ. સારુંઆપણાં ઘરના બગીચામાં આપણે કેક્ટ્સ જ રાખીશું હો ને” આજે એ વિચારે હસી પડાય છે કે કાયમ કેક્ટ્સની તરફદારી કરનાર તેં ગુલાબમોગરો અને પારિજાત માફક આપણાં સંબંધને તાજગીખુશ્બુ અને ખૂબસૂરતીતો આપી પણ એના જેટલુંજ આયુષ્ય આપીને જતો રહ્યો.

ધારોકે… તેં આપણાં સંબંધોને પણ કેક્ટ્સ સમાન ખૂબસૂરતી અને આયુષ્ય આપવાનો નિર્ણય લીધો હોત તોઆ વિચાર મને ધ્રુજાવી જાય છે. ત્યારે તારી વાતનો વિરોધ નહિ કરી શકનાર હું આજે તું સામે હોત તો તને કહેત, ” આલાપકેક્ટ્સ ગમેં તેટલું ખુબસુરત અને દીર્ઘાયુ હોય પરંતુ એ સુવાસ નથી આપતુંએ મૃદુતા નથી આપતુંએ ભમરા કે પતંગિયાનું ‘ઘર‘ નથી બની શકતું.” …તારી ઇચ્છા અને તારા સપનાને માન આપીને મેં મારા બાગને કેક્ટ્સથી સજાવ્યો છે. ખૂબ સરસ દેખાય છે એ બાગ પણ એને દૂરથી જોવાય છેએની નજીક જઈએ તો એ ખોતરે છે જુના જખ્મો અને ઉતરડે છે યાદોનાં એક એક પડળને.

આજે મને સમજાય છે કે આપણો નિર્ણય યોગ્ય જ હતો. તારો કેક્ટ્સપ્રેમ આપણો જિંદગીનો બગીચો અન્યને આકર્ષકતો લગાડી શકતે પરંતુ આપણે હંમેશ એકમેકથી દુરજ રહી જાત. ખૂંચવાના ડરથી. લોહીલુહાણ થઈ જવાના ભયમાં આપણે એકબીજા સાથે જીવતા હોત અને તો પછી આ ગુલાબમોગરા અને પરિજાત સમી યાદોને પણ કેક્ટ્સના કાંટાઓએ ખતમ કરી નાખી હોત.

આજે કેક્ટ્સ જેવી જિંદગી જીવાઈ રહી છે. ખૂબ સુંદર,આકર્ષક છતાં ખુશ્બુ વિનાની પરંતુ એમાં વૈભવ છે આપણાં ફુલોના બગીચા જેવા સંબંધની ખુશ્બુનો. ને હું કેક્ટ્સનો આભાર માનું છું.

સારંગી.

(નીતા સોજીત્રા)