આલાપ,
તને ખબર છે? જેમ પ્રકૃતિમાં મોસમ હોય છે એમ જ મનની પણ મોસમ હોય છે.વાતાવરણમાં ઉકળાટ અને બફારા પછી જેમ વરસાદનું આગમન થાય એમ જ મનમાં પણ પ્રિયજનનાં વિરહની અગ્નિના બફારા પછી ક્યારેક મિલનની તો ક્યારેક મીઠા સ્મરણોની હેલી થાય અને મન એ મીઠી યાદોથી તરબતર થઈ જાય.
આજે સવારથી જ વાતાવરણમાં ઉકળાટ હતો અને મનમાં પણ. આમતો આ ચોમાસું ધરતી,ચાતક અને સમગ્ર જીવોને તૃપ્ત કરનારું છે પરંતુ એ યુગોથી પ્રેમીજનોના મિલનની પ્યાસ વધારનારું પણ ખરું. મનમાં પણ તારી યાદોની ઉથલપાથલનો ઉકળાટ હતો ને એવામાં મોસમના પહેલા અમીછાંટણા થઇ રહ્યા છે. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ અનરાધાર વરસી રહ્યો છે ને સાથે જ મનમાં એ વર્ષો પહેલાના વરસાદની યાદો મહેકી ગઈ.
વરસતા વરસાદમાં શાંત સડક પર ચાલતા ચાલતા તેં તારા ભીંજાયેલા વાળને ઝટકો આપી એમાંથી નીતરતું પાણી મારા ચહેરા પર ઉડાડેલું. હું તારા મસ્તીભર્યા મિજાજને માણી રહેલી ને મેં તને કહેલું, “આલાપ, હું તો વરસાદથી આખી ભીંજાયેલી છું તો આ અમીછાંટણા શીદ ને?” ને તેં ફરીવાર વાળ ઝટકોરતા કહેલું, “સારું, આ વરસાદની બુંદો તો તારા ચહેરા પર પડશે અને નિતરીને જમીન પર પડી જશે પણ આ મારા વાળમાંથી તારા ચહેરા પર ઉડેલી બુંદો તારી આંખો વાટે સીધી ઉતરશે તારા દિલમાં અને તને વર્ષો સુધી તરોતાજા રાખશે.”
કાશ…!! સમય ત્યાં જ થંભી ગયો હોત…
પણ એવું થતું નથી. સતત દોડતું રહેવું એ સમયની નિયતિ છે. આજે આ વરસાદમાં ભીંજાવાનું મન નથી થતું કેમ કે હું જાણું છું કે એ મને તૃપ્ત કરશે કે ઠંડક આપશે એ કરતાં વધુ એ મારી તરસ વધારશે અને મને દાહ આપશે. મન પછીતો અનેક અટકળો કરે, ધારણાં કરે ને વિચારે…
…તો આ વરસતા વરસાદને આમ દૂર ઊભીને જોવાની-તારી યાદોમાં ખોવાની અને ઠંડકમાં પણ દાહની અનુભૂતિ- આ બધું કેમ શક્ય બનત? પણ હા, આજે પણ જો સાથે હોત તો આ વરસાદમાં આપણે નીકળી પડ્યા હોત ભીંજાવા માટે અને ખુલ્લી સડક પર ચાલતાં ચાલતાં તું મને તારા ભીંજાયેલા વાળમાંથી નીતરતો વરસાદ એમ જ ઉડાડતો હોત અને એ બુંદો મારા હૃદયને સતત ભીંજવ્યા કરત.
આલાપ, ક્યારેક વિચાર આવે કે આ મનની મોસમ જેવી મારા મનમાં છે એવી જ તારા મનમાં પણ હશે?
-સારંગી
(નીતા સોજીત્રા)