‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડ’ દ્વારા 28 સપ્ટેમ્બરના રવિવારે સંયુક્તપણે યોજીત વિશેષ વેબિનાર ‘રીફ્રેશ – રીસેટ – રીસ્ટાર્ટ’… તમારી મૂડી, તમારી સંવેદના અને તમારા જીવનનાં ધ્યેય’માં ઓનલાઈન દર્શકોએ આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી કિંમતી માર્ગદર્શન મેળવ્યું હતું. નિષ્ણાતો તરફથી જાણવા મળ્યું કે રોકાણકારોએ એમના નાણાકીય લક્ષ્યોને નિર્ધારિત કરવાના છે. તે પછી એમાં એમના સપનાં કયા છે અને જવાબદારી કઈ છે એ સમજવાનું રહે. સપનાં કરતાં જવાબદારીઓને નિભાવવાનું વધારે મહત્ત્વનું હોય છે. સપનામાં પણ અરજન્ટ કયા અને મહત્ત્વના કયા એ નક્કી કરવું જોઈએ. આ બધું સમજ્યા પછી નાણાંનું આયોજન કરવાની શરૂઆત કરવી જોઈએ. દોઢ કલાક જેટલી ચાલેલી વિસ્તૃત ચર્ચામાં નિષ્ણાતોએ ઈન્વેસ્ટરોને સલાહ આપી કે કોરોનાવાઈરસની મહાબીમારીના લોકડાઉન બાદ આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે અનલોક થવા માંડી છે ત્યારે પૈસાનું રોકાણ કરવામાં બધાએ સાવચેતી તો રાખવાની જ છે, લાગણીના પ્રવાહમાં વહી જવાનું નથી.
કોવિડ-19ની મહામારીને ભૂલીને હવે આગળ વધવાનો સમય છે, જિંદગીના લક્ષ અને આર્થિક બાબતોને નવેસરથી ગોઠવીને નવાં આયોજન કેવી રીતે કરવા એ વિશે આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના ઈનવેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રિબ્યૂશન ડેવલપમેન્ટ વિભાગના વડા કે.એસ. રાવ, જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા અને પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદીએ પોતાનાં વિચારો દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા.
રાવે કાર્યક્રમની શરૂઆતમાં એક રસપ્રદ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડી હતી.
વેબિનાર – પેનલચર્ચાની શરૂઆત કરતાં અમિત ત્રિવેદીએ કહ્યું હતું કે અગાઉ લોકોને કોરોના મહાબીમારીનો ડર વધારે હતો, ત્યારે કેસો ઓછા હતા. ધીરે ધીરે કેસોની સંખ્યા વધવા લાગી તે છતાં લોકોનો ડર ઘટી ગયો. એમાં અનલોક પ્રક્રિયા શરૂ થઈ અને તે પછી લોકો સાવચેતી ઓછી રાખતા થયા છે. આ માનવસહજ સ્વભાવ છે. માર્ચમાં એક પછડાટ આવી હતી, પણ બાદમાં બજારોમાં તેજીની રેલી આવી. પરંતુ લાંબા ગાળાના રિટર્ન મળવાને હજી વાર છે. લોકો એમની ધીરજ ખોઈ ન બેસે, લાગણીના પ્રવાહમાં વહી ન જવાય એટલા માટે જ આજે આપણે મહત્ત્વની ચર્ચા કરવાના છીએ.
મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે, નવા રોકાણકારોએ બજારમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરીને શરૂઆત કરવી જોઈએ? શું મ્યુચ્યુઅલ ફંડ આમ આદમી માટે છે? એવા કાર્યક્રમના સંચાલક અમિત ત્રિવેદીના સવાલના જવાબમાં કે.એસ. રાવે કહ્યું કે, આમ આદમી મ્યુચ્યુઅલ ફંડથી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત જરૂર કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ આમઆદમી માટે સરળ છે અને વાસ્તવમાં એમને માટે જ ક્રીએટ કરવામાં આવ્યા છે. આ યોજનાઓમાં તમે 500 રૂપિયા જેટલી નાની રકમ હોય તો પણ અને 5000 રૂપિયા જેવી મોટી રકમ હોય તો પણ મૂડીરોકાણ કરી શકો છો.
રાવે વધુમાં કહ્યું કે, બજારોની કામગીરીઓની એમની પોતાની રીતરસમ હોય છે. એમાં ફંડામેન્ટલ્સ બદલાતા નથી. મ્યુચ્યુઅલ ફંડની સાથે શરૂઆત કરવી જોઈએ. મૂડીરોકાણની શરૂઆત કરનારાઓ આરંભમાં લિક્વિડ ફંડમાં આવો, પછી ધીમે ધીમે ઈક્વિટી ફંડમાં જાવ.
લોકડાઉનના મહિનાઓમાં સૌથી વધારે – 17 લાખ જેટલા ડીમેટ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા એવા SEBIના ચેરમેનના વિધાનનો અમિત ત્રિવેદીએ ઉલ્લેખ કર્યો હતો અને આ નવા એકાઉન્ટધારકો વિશે SEBI ચેરમેને એમ કહ્યું હતું કે 17 લાખ અભિમન્યૂ મહાભારતના યુદ્ધમાં સામેલ થયા છે. આ ટિપ્પણી વિશે તેમજ નવા ઈન્વેસ્ટરોએ શું સાવચેતી રાખવી જોઈએ? એવા અમિત ત્રિવેદીના સવાલના જવાબમાં ગૌરવ મશરૂવાળાનું કહેવું હતું કે આટલા બધા નવા ડીમેટ એકાઉન્ટ ખોલાયા એ ભલે સારી વાત કહેવાય પરંતુ, એ પણ ભૂલવું ન જોઈએ કે તે એક ફ્રી ટાઈમ હતો અને એવા સમયમાં લોકો ખોટા નિર્ણય લઈ શકે છે. સ્ટેબલ લોકો પણ સટ્ટો કરી નાખતા હોય છે. તેથી જ ડીમેટ એકાઉન્ટ વધારે ખૂલ્યા હોય એવું બની શકે.
અમિત ત્રિવેદીએ સરસ વાત કહી કે, મ્યુચ્યુઅલ ફંડ એ માત્ર ઈન્વેસ્ટમેન્ટ નથી, પરંતુ તમને મૂડીરોકાણ કરવામાં મદદ કરનારું એક વેહિકલ છે.
મશરૂવાળાએ કહ્યું કે, રોકાણકારોએ એમની જરૂરિયાતો અને સપનાંઓને જાણવાની જરૂર હોય છે અને તે જાણ્યા પછી જ આગળ વધવું જોઈએ. તમારી જવાબદારી મહત્ત્વની છે.
કાર્યક્રમના આરંભમાં ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ ત્રણેય પેનલિસ્ટ તથા દર્શકોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને અંતે અમિત ત્રિવેદીએ ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ’નો આભાર માન્યો હતો.
સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ
https://www.facebook.com/chitralekha.in/videos/1886978364777143/