નવી દિલ્હીઃ કેરળના મલ્લાપુરમમાં ભૂખી અને ગર્ભવતી હાથણીને અનાનસમાં ફટાકડાનો દારૂ ભરતીને કેટલાક લોકોએ આપ્યો એટલે તેનું મોત થયું. આ ઘટનાને કારણે આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને હાથણી સાથે કરવામાં આવેલા આ અમાનુષી વ્યવહારને હત્યા ગણીને ન્યાયની માંગ કરી છે.
રતન ટાટાએ ટ્વીટ કરીને લખ્યું કે, હું જાણીને દુઃખી અને સ્તબ્ધ છું કે, કેટલાક લોકોએ ફટાકડાનો દારૂ ભરેલું અનાનસ આપ્યું એટલે ગર્ભવતી હાથણીનું મોત થઈ ગયું. નિર્દોષ જનાવરો પ્રત્યે આ પ્રકારનું ગુનાહિત વલણ એ ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા છે.
કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, આપણે પશુ-ક્રૂરતા વિરુદ્ધ કડક કાયદાની જરુર છે. અનુષ્કાએ ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે.
ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ એક ટ્વીટમાં લખ્યું કે, એક ગર્ભવતી હાથણી જેણે કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યું નહોતું. એની સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે તે દાનવ સમાન છે અને આશા રાખું છું કે, એણે આનાથી વધારે ભોગવવું પડશે. આપણે વારંવાર પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
ભારતીય વિકેટકીપર રિષભ પંતે પોતાના ટ્વીટમાં લખ્યું કે, કેરળમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના સમાચાર મળતા જ મારું દિલ તૂટી ગયું. હું ક્રોધિત છું કે, આખરે કોઈ આટલું ક્રૂર કઈ રીતે હોઈ શકે છે. આશા રાખું છું કે, દોષિતોને કડક સજા કરવામાં આવશે.