‘કમલમ’ માં મોદીની ગોઠડીના સંકેત

ચૂંટણીનો ખેલ જ અજબ છે, દોસ્ત! મતદારોને રીઝવવા સહેલા નથી. ચૂંટણી પ્રચાર એટલે જાહેરસભા કે જનસંપર્ક દ્વારા મતદારો પાસે જઇને ‘અમે આમ કર્યું’ કે ‘અમે આમ કરીશું’ એમ કહેવાનું હોય એટલું જ નહીં. જાતજાતના નુસખાઓ અજમાવવા પડે છે નેતાજીએ.

ગુજરાતમાં આજકાલ ચૂંટણીનો માહોલ છે એટલે આજે ચૂંટણી પ્રચારમાં જોવા મળેલી રસપ્રદ ઘટના વિશે વાત કરીએ.

સોશિયલ મિડીયાના કારણે આજકાલ ‘ઓપ્ટીક્સ’નું બહુ મહત્વ છે. રાજકીય અર્થમાં ‘ઓપ્ટીક્સ’ એટલે તસવીર કે એક્શન દ્વારા મતદારો સુધી પહોંચાડાતો ચોક્કસ સંદેશ. આપણે જાણીએ છીએ કે ચૂંટણી સમયે નેતાજીઓ મંદિર મંદિર માથા ટેકવે, સેલેબ્રિટીઝને મળે, ગરીબો સાથે આત્મીયતા દર્શાવતી તસવીરો પડાવે, રસ્તામાં ચાની લારી પર ઊભા રહીને ચા બનાવવા માંડે અને આ બધું સોશિયલ મિડીયા પર વહેતું કરે એની પાછળ એક ચોક્કસ સંદેશ હોય છે. યાદ કરો, 2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિરે દર્શન કરવા જતા, હાઇ-વે પરની રેસ્ટોરાંમાં જમવા બેસતા, આદિવાસીઓ સાથે નૃત્ય કરવા લાગતા એ બધું. અરવિંદ કેજરીવાલ પણ વારેતહેવારે ગુજરાતના મતદારોને પોતે ચુસ્ત હિન્દુ છે એવું યાદ કરાવવા મંદિરે દર્શન કરવા ગયા પછી તસવીરો શેર કરવાનું ચૂકતા નથી. દિલ્હીની ચૂંટણીમાં તો ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં જ હનુમાન ચાલીસા ગાતા હતા એ યાદ છે?

ફક્ત રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલ જ નહીં, કોઇપણ રાજકીય અગ્રણી એમાં અપવાદ નથી.

એમાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આ પ્રકારે મેસેજ આપવામાં માહેર છે. જૂઓ, હમણાં એ સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી રેલીઓ પતાવીને સાંજે અમદાવાદ આવ્યા ત્યારે એમનો મૂળ કાર્યક્રમ તો સીધા જ રાજભવન જવાનો હતો, પણ અચાનક જ કોબાસ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ પહોંચી ગયા. બધાને લાગ્યું કે પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ગંભીર મંત્રણા કરવાની હશે, પણ ના, એવું નહોતું. ધારણાથી વિપરીત અહીં નરેન્દ્રભાઇ કોઇ રાજકીય મિટીંગ કરવાના બદલે કમલમ બિલ્ડીંગના વચ્ચોવચ્ચ આવેલી ખુલ્લી જગ્યામાં બેઠા. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા હતા, પણ નરેન્દ્રભાઇએ તો બોલાવ્યા કાર્યાલયમાં કામ કરતા સ્ટાફને. પરેશ મામા તરીકે ઓળખાતા અને વર્ષોથી કાર્યાલયમાં ફરજ બજાવતા પરેશ પટેલ જેવા અમુક જૂના કર્મચારીઓ ય તો હતા તો અમુક નવા ય હતા. ‘તમને બધા મામા કહીને ક્યારથી બોલાવે છે?’ થી માંડીને ‘તમે ચા-નાસ્તા-જમવાની શું વ્યવસ્થા કરો છો?’, ‘પરિવારમાં કોણ છે, કોણ શું કરે છે?’ જેવી અલપઝલપ ગોઠડી માંડી. અત્યંત તેજ યાદશક્તિના કારણે નરેન્દ્રભાઇ જૂના સંબંધોને ક્ષણભરમાં યાદ કરીને વાગોળી શકે છે. કાર્યાલયના સ્ટાફ માટે તો આ વગર દિવાળીનું બોનસ હતું! ખુદ નરેન્દ્ર મોદી આ રીતે વીસ-પચીસ મિનીટ બેસે, ફોટા પડાવે અને પરિવારના વડીલની જેમ વાતો કરે તો સ્ટાફ ભાવવિભોર થયા વિના રહે?

એક સમયે અમદાવાદના ખાનપુરમાં ભાજપનું કાર્યાલય હતું, ભાજપ વિપક્ષમાં હતો અને એ પછી નવો નવો સત્તા પર આવ્યો ત્યારે પક્ષમાં આ પારિવારિક ભાવના જબરદસ્ત હતી. પરંતુ એ પછી છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં આવવા લાગ્યા અને સત્તાનો મદ ભાજપના નેતાઓથી માંડીને યુવાન કાર્યકરોમાં ય જાહેરમાં છલકાવા માંડ્યો એના કારણે આ ભાવના લગભગ ગાયબ થઇ ચૂકી હતી. ખાનપુર કાર્યાલય ભાજપ પરિવારનું ઘર હતું, જ્યારે કમલમ કાર્યાલય પક્ષની કોર્પોરેટ ઓફિસ બની ચૂક્યું છે.

નરેન્દ્રભાઇની આ મુલાકાત પાછળનો એક આશય કદાચ એ પણ હોઇ શકેઃ પક્ષ એ પરિવાર છે એ ભાવનાને ફરી જગાવવાનો. તો જ કાર્યકર્તા તન-મન-ધનથી ચૂંટણીના કામમાં દોડે ને?

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)