અમદાવાદઃ વડા પ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આઠથી 10 જાન્યુઆરીએ રાજ્યની મુલાકાતે છે. તેમને હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન થશે. વાઇબ્રન્ટ સમિટની આ વખતની થિમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠકો કરશે, ત્યાર બાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે બેઠક કરશે. બપોરે ત્રણ વાગ્યે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે.
વડા પ્રધાન 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે બેઠક કરશે. વડા પ્રધાન ત્યાર બાદ ગિફ્ટ સિટીની યાત્રા કરશે, જ્યાં સાંજે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે.
આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. વધુમાં, ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેક્નોલોજીમાંથી બનાવેલ ઉત્પાદનો પ્રદર્શિત કરશે. ઈ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, MSME, બ્લુ ઈકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે.