શ્રીલંકામાં ગયા વર્ષે ઇસ્ટર દરમિયાન જુદા જુદા ચર્ચો પર ત્રાસવાદી હુમલો થયો હતો અને અઢીસોથી વધુ લોકો માર્યા ગયા હતા. તે પછી થયેલી ચૂંટણીમાં લંકામાં રાષ્ટ્રવાદનો માહોલ ઊભો થયો હતો અને મહિન્દા રાજપક્ષેને ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાવાની તક મળી ગઈ હતી. આ વખતનો રાષ્ટ્રવાદ થોડા અલગ અંદાજનો હતો, કેમ કે અગાઉ રાજપક્ષે અને તેમના ભાઈ ગોટાબાયા તમિળ વિભાજનવાદીઓ સામેની લડાઈને કારણે ઊભા થયેલા રાષ્ટ્રવાદને કારણે જીત્યા હતા. પરંતુ તમિળ સમસ્યાના અંત પછી વાસ્તવિકતાઓ સામે આવી ત્યારે રાજપક્સાને હાર પણ મળી હતી અને વિપક્ષમાં બેસવું પડ્યું હતું.
ત્રાસવાદી હુમલા પછી મુસ્લિમ વિરોધી માહોલ ઊભો થયો હતો અને તેનો લાભ મળ્યો. જોકે અહીં પણ મુસ્લિમ વસતિ છે તે મહદ અંશે તમિળ છે તેથી બે મુદ્દાઓ ભેગા થઈ ગયા હતા. બંને ભાઈઓ ફરીથી જીત્યા અને ગોટાબાયા પ્રમુખ બન્યા, જ્યારે મહિન્દા વડા પ્રધાન. ફરીથી જીત્યા પછી મહિન્દા રાજપક્ષે શુક્રવારથી ચાર દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને વિદેશ પ્રધાન જયશંકર સાથે વાટાઘાટો પછી વારાણસી, બોધગયા અને તીરુપતિ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાતે જવાના છે. જોકે દિલ્હીમાં ચૂંટણીનો માહોલ હોવાથી તેમની મુલાકાતની ખાસ નોંધ લેવાઈ નથી.
આમ છતાં આ મુલાકાત અગત્યની છે, કેમ કે ભારતના આ પડોશી દેશ સાથેના સંબંધો પણ ચિંતા કરાવે તેવા છે. નેપાળ તો ચીનની સરહદે છે એટલે ત્યાં પ્રભાવ પાથરવા કોશિશ કરે છે, પણ આખો મોટો આંટો મારીને ચીન દરિયા માર્ગે છેક લંકા સુધી પણ પહોંચ્યું છે. મહિન્દા રાજપક્ષેનું વલણ ચીન તરફ રહ્યું છે અને ચીનની મદદથી તેઓ મોટો મોટા પ્રોજેક્ટ્સ પોતાના દેશમાં કરી રહ્યા છે. કોલંબો સિટિ પોર્ટનો મામલો જૂનો છે, જેની નારાજગી ભારતમાં છે. પરંતુ બીજી વાર વડા પ્રધાન બન્યા પછી અને થોડા વખત બાદ ફરી ચૂંટણી આવવાની છે ત્યારે રાજપક્ષેને દક્ષિણ લંકામાં પોતાના મતવિસ્તારમાં અને પોતાના પક્ષનો ટેકેદાર વર્ગ છે ત્યાં મોટી યોજનાઓ માટે ચીનનો સહારો લેવો પડ્યો છે.
લંકામાં બૌદ્ધ રાષ્ટ્રવાદ પણ પ્રબળ બની રહ્યો છે. બોડુ બાલા સેના બૌદ્ધ ધર્મના માહાત્મ્ય માટે ચળવળ ચલાવે છે. સેનાના વડાએ એવું જાહેરમાં કહેલું કે બૌદ્ધ સાધુઓ સાત હજાર બૌદ્ધ મઠોનો ટેકો મેળવી અને દરેક મઠ દસ દસ હજાર મતો પણ અમુક જ પક્ષને અપાવી શકે તો સિંહાલા સરકાર આવી શકે છે. લગભગ એવું જ થયું હતું અને 49 સિંહાલી બૌદ્ધ નેતાઓ જીત્યા હતા. તેની સામે માત્ર બે તમિલ હિન્દુ જીત્યા અને એક પણ મુસ્લિમ ઉમેદવાર જીતી શક્યો નહોતો.
આ સંજોગોમાં ભારત સંબંધો સુધારવા સાથે તમિળ હિન્દુઓના પ્રશ્નોને પણ ઉઠાવશે તેમ માનવામાં આવે છે. એલટીટીઈને ખતમ કરી નખાયા પછી તમિળ હિન્દુઓની ઉપેક્ષા ના થાય તે પણ જરૂરી છે અને તો જ લંકા ફરીથી બેઠું થઈ શકશે એવો મુદ્દો ભારત ઉપસ્થિત કરી શકશે. લંકામાં 11 ટકા જેટલા તમિળ હિન્દુઓ છે અને તેમનું મતદાન રાજપક્ષે બંધુઓ વિરુદ્ધ રહ્યું હતું તે પરિણામોમાં સ્પષ્ટ દેખાયું હતું. એલટીટીઈ સામેની કાર્યવાહી વખતે મહિન્દા સંરક્ષણ પ્રધાન હતા. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આ મુદ્દાની અસર થઈ શકે છે. તે સિવાય પણ ભારત ચીનનો પ્રભાવ લંકામાં જેટલો ઓછો થાય તેટલો કરવા માગે છે.
વચ્ચે થોડો સમય વડા પ્રધાન તરીકે રાનીલ વિક્રમાસિંઘે આવ્યા હતા. તેમણે ચીન સાથેનો હંબનટોલા પોર્ટ પ્રોજેક્ટ અટકાવ્યો હતો. હંબનટોલામાં 15000 એકર જમીન ચીનને આપવામાં આવી છે, જેથી બારમાસી બંદર તૈયાર થઈ શકે. ભારતે ચિંતા વ્યક્ત કરી છે કે આ વેપારી બંદરનો ઉપયોગ ચીન દ્વારા લશ્કરી રીતે પણ થઈ શકે છે. આ પ્રોજેક્ટ રાજપક્સા ફરી શરૂ કરે તેવી પૂરી શક્યતા છે, પણ તે પહેલાં તેઓ ભારત સાથેના સંબંધોમાં પણ થોડો રાબેતો લાવવાની કોશિશ કરી રહ્યા છે. તે માટે જ તેમણે ચાર દિવસની મુલાકાત યોજી છે.
ચૂંટણીમાં પોતાની હાર માટે તેમણે ભારત અને તેના ગુપ્તચર તંત્રને દોષ આપ્યો તે પછી તેમને કદાચ ભૂલ સમજાઈ પણ હતી. તેથી વિપક્ષમાં હતા ત્યારે પણ તેઓ ત્રણ વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. એક વખતની મુલાકાતમાં તેઓ પોતાના ધારાસભ્ય પુત્ર નમલને પણ સાથે લઈને આવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભારતમાં પણ બીજી વાર સત્તામાં આવ્યા પછી મોદી સરકારે લંકા સાથેના સંબંધોને મહત્ત્વન આપવાનું નક્કી કરેલું હોય તેમ લાગે છે. વિદેશ પ્રધાન બનેલા જયશંકર નવેમ્બર 2019માં કોલંબો પહોંચ્યા હતા. ગોટાબાયા રાજપક્ષે પ્રમુખ બન્યા પછી તેમને ભારતની મુલાકાતે આવવા આમંત્રણ અપાયું હતું. તેઓ પ્રમુખ બન્યા પછી પ્રથમ મુલાકાત ચીનની ના કરે, પણ ભારત આવે તે માટે પ્રયાસો કર્યા હતા. તે રીતે નવેમ્બરના અંતમાં તેઓ ત્રણ દિવસ માટે ભારત આવ્યા પણ હતી. એ જ રીતે મહિન્દા રાજપક્ષેની પણ ચાર દિવસની મુલાકાત ગોઠવાઈ છે. બીજી વાર વડા પ્રધાન બન્યા પછી મોદીએ પણ પ્રથમ મુલાકાત લંકાની જ લીધી હતી.
આ વખતે મોદી કરતાં રાજપક્ષે માટે પણ મુલાકાત વધારે મહત્ત્વની છે. તેમણે પોતાના દેશમાં પોતાની કામગીરી દર્શાવવાની છે. ભારતે ત્રાસવાદી હુમલાની ચેતવણી આપી હતી, પણ સાવચેતી ના રખાઈ તે વાત લંકામાં બહુ ચર્ચાઇ હતી. તેના પરથી નાગરિકોને પણ એટલું સમજાયું કે ચીન તરફથી આર્થિક સહાય મળે તે ઠીક છે, પણ સલામતી ખાતર ભારત સાથે સંબંધો જરૂરી છે. આ પ્રજા મતનો પણ ખ્યાલ રાજપક્સા બંધુઓએ રાખવાનો છે.
શ્રીલંકામાં એપ્રિલ 2020માં ચૂંટણી યોજાવાની છે. ગયા વખતે બૌદ્ધ મઠો તરફથી સમર્થન મળ્યું હતું, તે પ્રકારનું સમર્થન આ વખતે મળશે કે કેમ તે જોવાનું રહે છે. બીજું પ્રમુખની સત્તા વધારે કે વડા પ્રધાનની સત્તા તે મામલો સ્થાનિક રાજકારણમાં મહત્ત્વનો બન્યો હતો, અને તેના કારણે વચ્ચે રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી. તે પછી શ્રીલંકાના બંધારણમાં 19મો સુધારો કરીને વડા પ્રધાનની સત્તા વધારવામાં આવી છે. આમ છતાં બંધારણમાં હજી પણ કેટલાક સુધારા કરવાની ગણતરી રાજપક્સા બંધુઓની છે. તે માટે આગામી ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતી મળે તે પણ જરૂરી છે.
બંને દેશના વડા પ્રધાનોની મુલાકાતમાં લંકન તમિળોની સમસ્યા અંગે ચર્ચા થશે ખરી, પરંતુ તેના કારણે બેમાંથી એકેય દેશમાં મોટી રાજકીય હલચલ થાય તેમ નથી. તેથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તે મુદ્દો ખટરાગનું કારણ બને તેવું લાગતું નથી. ચીનનો મુદ્દો જ બંને દેશો માટે અગત્યનો છે. ભારત એટલી કાળજી લેવાની કોશિશ કરશે કે ચીનનું મૂડીરોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ બારમાસી બંદરો વિકસાવવા જેવા પ્રોજેક્ટ માટે ચિંતા કરવી પડે. ભારતની સુરક્ષા અંગેની અને હિન્દ મહાસાગરમાં ચીનની હાજરી મજબૂત ના બને તે માટેની ભારતની ચિંતાને રાજપક્સા બંધુઓએ ધ્યાનમાં લેવી પડે. દિલ્હીની ચૂંટણીમાં બીજા મુદ્દાઓ ખાસ ચર્ચામાં નથી, ત્યારે શ્રીલંકાના વડા પ્રધાનની મુલાકાત ઓછી ચર્ચાસ્પદ રહેશે, પણ તે અગત્યની છે એટલું ખરું.