આ નેત્રહીન ખેલાડી લાંબા કૂદકામાં સતત 7 વર્ષ નેશનલ ચેમ્પિયન…
અમદાવાદમાં જ્યારે હું ગુજરાત કોલેજ ખાતે લાંબા કૂદકાની પ્રેક્ટિસ કરવા માટે જતો ત્યારે બીજા પણ સામાન્ય લોકો પોલીસ ભર્તીની કે ફોરેસ્ટ ખાતાની પરીક્ષા માટે જરૂરી પ્રેક્ટિલ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આવતા હતા. ત્યાં કેટલાક યુવાનોએ મને કહ્યું હતું કે આજે અમે લોકો આંખોથી જોઈ શકીએ છીએ તો પણ અમને ગ્રાઉન્ડ ક્લિયર કરવું અઘરૂં લાગે છે. પરંતુ તમારા માટે તો આ રમત જેવું લાગે છે. તમે ખરેખર અમને ખૂબ જ પ્રેરણા આપો છો. ત્યારબાદ હું તેમને પ્રેક્ટિસ કરવાતો હતો. જેમાંથી ત્રણેક યુવાનોનું ફોરેસ્ટ ખાતામાં સિલેક્શન થઈ પણ ગયું છે. જેની ખુશી મને મારી સફળતા કરતા પણ વધારે લાગે છે….
આ શબ્દો છે ગુજરાતના દૃષ્ટિહીન લોંગ જમ્પર જગદીશ પરમારના, જે હમણાં જ નડિયાદમાં યોજાએલ 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ પીપલમાં ભાગ લઈ રહ્યા હતા.
જીવનની ખુમારી વિશે જો વાત કરીએ તો જગદીશભાઈનું કહેવું છે, મારી આંખોમાં કોઈ પ્રકાશ નથી. નાનપણથી જ મારી આંખોમાં રોશની નથી. પરંતુ હું મારી જાતને કોઈનાથી ઓછી આંક્તો નથી. હું નથી ઇચ્છતો કે કોઈ મારા પર દયા બતાવે. એક ખેલાડી તરીકે મને સામાન્ય ખેલાડીઓની જેમ જ લાગે છે. ફરક માત્ર એટલો જ છે કે અમારી રમતોને પેરા ગેમ્સ કહેવામાં આવે છે.
જગદીશ પરમારનો ટૂંકો પરિચય મેળવીએ તો, તેઓ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના રહેવાસી છે. એક ખેડૂત પરિવારમાંથી આવે છે. અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે રહીને જ તેમણે ધોરણ 1થી 12નો અભ્યાસ કર્યો. ત્યારબાદ શહેરની સીટી કોલેજમાંથી હિન્દી વિષય સાથે તેમણે સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી છે. અંધજન મંડળ દ્વારા તેમના દરેક વિદ્યાર્થીમાં રહેલ ટેલેન્ટને ઓળખી તેને બહાર લાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. દૃષ્ટિહીન બાળકો માટે રમત-ગમત ઉત્સવ, સંગીતના કાર્યક્રમો, ગાયનના કાર્યક્રમો એ સિવાય પણ વિવિધ પ્રકારના આર્ટના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જગદીશભાઈએ પણ અંધજન મંડળમાં હતા, ત્યારથી જ વિવિધ પ્રકારની સ્પોર્ટ્સને લગતી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ખેલ મહાકુંભમાં પણ ભાગ લીધો હતો. જગદીશભાઈની મહેનત જોઈને બ્લાઈન્ડ પીપલ તરફથી તેમને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. શરૂઆત બ્લાઈન્ડ ક્રિકેટથી કરી હતી. પરંતુ કોચના કહેવાથી જગદીશભાઈએ એથ્લેટિક્સમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.
જગદીશ પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “જન્મથી જ મારી દૃષ્ટિ નથી. માતા અને પિતા સિવાય પરિવારમાં એક નાનો ભાઈ અને એક બહેન છે. પરિવારમાં આર્થિક સંકળામળ ખરી. પરંતુ દૃઢ નિશ્ચયી જગદીશ ક્યારેય પોતાની વિકલાંગતાને કે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિને સપનાની આડે આવવા દીધી ન હતી.”
જગદીશ પરમારે તેમના ગુરુની સલાહ વિશે કહ્યું. “મનસુખ સર ગુજરાતના ખેડામાં પેરા એથ્લેટ્સને તાલીમ આપે છે. એક દિવસ હું પણ ત્યાં ગયો અને દોડવાનો અને લાંબો કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જ સર મને ક્રિકેટ છોડીને એથ્લેટિક્સ અજમાવવાનું કહ્યું. પહેલાં હું ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડ લગાવતો હતો. પરંતુ પાછળથી મેં દોડવાનું છોડી દીધું અને માત્ર લોંગ જમ્પ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.”
25 વર્ષીય પરમારે જણાવ્યું હતું કે, “દૃષ્ટિ ક્યારેય મારા માર્ગમાં આવી ન હતી. મેં રમત-ગમતને જ મારો એકમાત્ર સહારો બનાવ્યો છે.” જગદીશ પરમારે લાંબી કૂદમાં સાત વખત નેશનલ ચેમ્પિયન બનવાના પ્રયાસોમાં મક્કમ રહ્યા છે. તેમણે 2016થી 2023 સુધી આ ખિતાબ પોતાના નામે કર્યો છે. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તેમણે પ્રથમ જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023માં T 11 કેટેગરીમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યા હતા. ખેડા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટસ હોસ્ટેલમાં કોચ મનસુખ તેવટિયાની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરતા પરમારે 2018 અને 2022માં દિલ્હીમાં દૃષ્ટિહીન લોકો માટે સ્પેશિયલ નેશનલમાં પણ ગોલ્ડ જીત્યો છે.
જગદીશભાઈ પરમારે પરિવારના સપોર્ટ વિશે વાત કરતા જણાવ્યું, “જ્યારે મને જીવનમાં મોટી ઈન્જર્રી આવી ત્યારે માતા-પિતાનો ખૂબ સપોર્ટ હતો. તેઓ મને કહે કે એક ખેલાડી રમે અથવા પ્રેક્ટિસ કરે ત્યારે ઈન્જરી તો આવ્યા જ કરે. એમાં હતાશ નહીં થવાનું, પ્રેક્ટિસ નહીં છોડવાની. આ વર્ષે રમતમાં ભાગ ન લઈ શકે તો દિલ નાનું નહીં કરવાનું. આવતા વર્ષે ફરી સ્પર્ધામાં ભાગ લેવાનો. આવી વાતો પરિવાર તરફથી કહેવામાં આવે ત્યારે પ્રોત્સાહન મળે છે.
રમતની સાથે-સાથે જગદીશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારીઓ કરી રહ્યા છે. તેમનું સપનું છે કે તેઓ ઈન્કમટેક્ષ વિભાગમાં કામ કરે. તેમના સપનાઓને પૂરા કરવા માટે જગદીશભાઈ રાત-દિવસ તનતોડ મહેન્ત કરી રહ્યા છીએ. જેમાં ગુરૂજનો અને મિત્રોનો પણ સહારો તેમને મળી રહ્યાો છે.