Home Blog Page 928

અમેરિકા-ચીન ટ્રેડ વોર: 90 દિવસ માટે ટેરિફમાં ઘટાડાની સહમતિ

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના સમાધાન માટે બે દિવસની ગહન ચર્ચા બાદ બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. બંનેએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે, જે 90 દિવસના પ્રારંભિક સમયગાળા માટે લાગુ રહેશે. આ નિર્ણય વૈશ્વિક અર્થતંત્ર પર ટેરિફ યુદ્ધની નકારાત્મક અસરોને ઘટાડવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ગણાય છે. ચીને અમેરિકન ઉત્પાદનો પર લાગુ 125 ટકા ટેરિફ ઘટાડીને 10 ટકા કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, અમેરિકાએ ચીની ઉત્પાદનો પર 145 ટકા ટેરિફને ઘટાડીને 30 ટકા કરવા સંમતિ દર્શાવી છે. આ ઘટાડો દ્વિપક્ષીય વેપારને પુનઃસ્થાપિત કરવા અને બંને દેશોના આર્થિક હિતોને સંતુલિત કરવાના હેતુથી કરવામાં આવ્યો છે. આ સમજૂતી 90 દિવસ સુધી અમલમાં રહેશે, જે દરમિયાન બંને દેશો વધુ ચર્ચાઓ દ્વારા લાંબા ગાળાના ઉકેલો શોધશે.

ચીનના વાઇસ પ્રીમિયર હી લિફેંગ અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, “આ નિર્ણય બંને દેશોની આર્થિક અને વેપારી સંબંધોને મજબૂત કરવાની દિશામાં પ્રથમ પગલું છે. અમે નિયમિત ચર્ચાઓ દ્વારા વેપાર મુદ્દાઓનું સમાધાન કરવા પ્રતિબદ્ધ છીએ.” બંને દેશો ચીન અને અમેરિકામાં વૈકલ્પિક રીતે મંત્રણાઓ યોજશે, જેમાં આર્થિક અને વેપારી નીતિઓ સંબંધિત ભલામણોને ધ્યાનમાં લેવામાં આવશે. આ માટે ખાસ “વર્કિંગ ટીમ્સ”ની રચના કરવામાં આવશે, જે નિયમિત અને અનિયમિત સંપર્કમાં રહેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સહિત અન્ય દેશો પર વેપારમાં અનૈતિક પ્રથાઓ અને ટેક્નોલોજી ટ્રાન્સફરના આરોપો લગાવીને રેસિપ્રોકલ ટેરિફ લાદવાની શરૂઆત કરી હતી. ટ્રમ્પનું માનવું હતું કે આ દેશો અમેરિકા સાથે વેપારમાં અન્યાય કરી રહ્યા છે, જેના કારણે અમેરિકાનું વેપાર ખાધ 1.2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું છે. એપ્રિલ 2025માં ટ્રમ્પે ચીની ઉત્પાદનો પર 145 ટકા સુધી ટેરિફ વધાર્યા, જેના જવાબમાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 125 ટકા ટેરિફ લાદ્યા. આ ટેરિફ યુદ્ધથી વૈશ્વિક સપ્લાય ચેઇન, બજારો અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી, જેનાથી રિસેસનનો ખતરો વધ્યો.

અમેરિકા અને ચીન વચ્ચેના આ ટેરિફ યુદ્ધથી વૈશ્વિક અર્થતંત્ર પર નોંધપાત્ર દબાણ આવ્યું હતું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના વડાએ ચેતવણી આપી હતી કે આ યુદ્ધથી બંને દેશો વચ્ચેનો વેપાર 80 ટકા સુધી ઘટી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડશે. જોકે, તાજેતરની સહમતિથી બજારોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે, જેમાં એશિયન અને અમેરિકન શેરબજારોમાં ઉછાળો નોંધાયો છે. આ ઘટાડો ખાસ કરીને અમેરિકન ગ્રાહકો માટે રાહત લાવશે, જેઓ ઉચ્ચ ટેરિફને કારણે મોંઘવારીનો સામનો કરી રહ્યા હતા.

આ 90 દિવસનો સમયગાળો બંને દેશો માટે એકબીજાની વેપાર નીતિઓને સમજવા અને સ્થાયી સમાધાન શોધવા માટે નિર્ણાયક રહેશે. ચીનની વેપાર નીતિઓ, ખાસ કરીને નોન-ટેરિફ અવરોધો અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર અમેરિકાની ચિંતાઓ, ચર્ચાના મુખ્ય મુદ્દા રહેશે. આ સમજૂતીને વધુ દેશો સાથેના વેપાર સંબંધોને સુધારવાની ટ્રમ્પની વ્યૂહરચનાના ભાગ રૂપે પણ જોવામાં આવી રહી છે, જેમાં યુકે સાથેનો તાજેતરનો કરાર એક ઉદાહરણ છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટેરિફમાં આ ઘટાડો હોવા છતાં, બંને દેશો વચ્ચેના મૂળભૂત મુદ્દાઓનું સમાધાન એક જટિલ પ્રક્રિયા રહેશે.

પહેલગામ સુધી પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતોઃ DGMO

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા બાદ ભારતીય સેના દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. DGMO (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે અમારી લડાઈ આતંકવાદી માળખા અને આતંકવાદીઓ વિરુદ્ધ હતી.

એર માર્શલ એકે ભારતી, DG એર ઓપરેશને એક સવાલના જવાબમાં રામ ચરિત માનસની પંક્તિઓ દોહરાવતાં કહ્યું હતું કે विनय ना मानत जलध जड़ गए तीन दिन बीति। बोले राम सकोप तब भय बिनु होय ना प्रीति’.”

તેમણે કહ્યું હતું કે છેલ્લાં થોડાં વર્ષોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું સ્વરૂપ બદલાયું છે. નિર્દોષ નાગરિકો પર હુમલાઓ થઈ રહ્યા હતા. સેનાની સંયુક્ત પત્રકાર પરિષદ ‘અબ રણ હોગા’ ગીતથી શરૂ થઈ હતી. સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારાં જૂનાં હથિયારોએ પણ યુદ્ધમાં શાનદાર કામગીરી કરી અને પાકિસ્તાન સામેની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતૂ. ‘આકાશ’ સિસ્ટમ દ્વારા પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. એર માર્શલ એ.કે. ભારતી એ જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનની PL-15 મિસાઈલ અને ચીની ડ્રોનને સફળતાપૂર્વક નિશાન બનાવ્યાં હતાં. લેસર ગન વડે પાકિસ્તાની ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું હતું  કે અમે પુનરાવર્તન કર્યું કે અમારી લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સામે છે, પાકિસ્તાની સેના સામે નહીં પણ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે પાકિસ્તાની સેના એ હસ્તક્ષેપ કરવાનો અને આતંકવાદીઓનો પક્ષ લેવાનો રસ્તો પસંદ કર્યો, જેને કારણે અમારે તેમને જવાબ આપવો પડ્યો.

પાકિસ્તાની સેના એ આતંકવાદીઓની લડાઈને પોતાની બનાવી

એર માર્શલ ભારતીએ કહ્યું હતું કે ગઈ કાલે અમે ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી હતી, જેમાં પાકિસ્તાન અને POK (પાક ઓક્યુપાઈડ કાશ્મીર)માં હાજર આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે હતી. એટલે સાત મેએ અમે માત્ર આતંકવાદી ઠેકાણાંઓ પર જ હુમલો કર્યો હતો. પણ દુઃખની વાત એ છે કે પાકિસ્તાની સેના એ આતંકવાદીઓનો સાથ આપવો યોગ્ય સમજો અને તેમની લડાઈને પોતાની લડાઈ બનાવી લીધી હતી.

DGMO રાજીવ ઘઇએ કહ્યું હતું  કે અમે ઓપરેશન સિંદૂરની એર ડિફેન્સ કાર્યવાહીનો અર્થ સમજી લેવો જરૂરી છે. હવે અમારા સૈનિકો સાથે-સાથે નિર્દોષ નાગરિકો પર પણ હુમલા થવા લાગ્યા હતા. પહેલગામ સુધી પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. આતંકવાદીઓ પર અમારા સચોટ હુમલા LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા વગર કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની ધરા ફરી ધ્રુજી, 4.6ની તીવ્રતાનો ભૂકંપ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના સૈન્ય સંઘર્ષ બાદ યુદ્ધવિરામની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં કુદરતી આફતોનો પ્રકોપ યથાવત છે. એક અઠવાડિયામાં ત્રીજી વાર ભૂકંપના આંચકાએ બલૂચિસ્તાન પ્રાંતમાં લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે, જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. 12 મે, 2025ના રોજ બલૂચિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડાઈએ હતું. આ ભૂકંપનું એપિસેન્ટર ઉથલ શહેરથી લગભગ 65 કિલોમીટર દૂર આવેલું હતું. કરાચી અને આસપાસના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા, પરંતુ તાત્કાલિક નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ નથી.

આ અઠવાડિયામાં આ પહેલો ભૂકંપ નથી. અગાઉ 5 મે, 2025ના રોજ બલૂચિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર પણ 10 કિલોમીટર ઊંડાઈએ હતું. તેના એપિસેન્ટરના ચોક્કસ સ્થાનની વિગતો સ્પષ્ટ નથી, પરંતુ તેની અસર આસપાસના વિસ્તારોમાં અનુભવાઈ. આ ઉપરાંત, 10 મે, 2025ના રોજ સવારે 5.7ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ નોંધાયો, જેનાથી બલૂચિસ્તાન અને આજુબાજુના પ્રદેશોમાં ભયનું વાતાવરણ ફેલાયું. પાકિસ્તાન ભૂસ્તરશાસ્ત્રીય રીતે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સના સંગમ પર આવેલું છે, જેના કારણે બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા, અને ગિલગિટ-બાલ્ટિસ્તાન જેવા પ્રદેશોમાં વારંવાર ભૂકંપ આવે છે. નિષ્ણાતો પ્રમાણે, આ વિસ્તારોમાં ટેક્ટોનિક પ્લેટ્સની સતત હિલચાલને કારણે ભૂકંપનું જોખમ ઊંચું રહે છે. આ ભૂકંપોને કોઈ રાજકીય કે સૈન્ય ઘટનાઓ સાથે જોડવાના X પરના કેટલાક દાવા અફવાઓ છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

પાકિસ્તાન એક તરફ સૈન્ય તણાવનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ ભૂકંપ જેવી કુદરતી આફતો સ્થિરતા માટે પડકાર બની રહી છે. ભારતે એરપોર્ટ્સ અને એરસ્પેસ ખોલીને પરિસ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો શરૂ કર્યા છે, જે રાજકીય અને સુરક્ષા સ્થિતિને સ્થિર કરવાનો સંકેત આપે છે.

‘ગરીબો માટે સિનેમા હવે રહ્યું નથી…’, જાવેદ અખ્તરે મલ્ટિપ્લેક્સની મોંઘવારી પર વાત કરી

મલ્ટિપ્લેક્સના આગમન પછી મૂવી ટિકિટના ભાવમાં ભારે વધારો થયો. આવી સ્થિતિમાં ફિલ્મ લેખક અને ગીતકાર જાવેદ અખ્તર માને છે કે મોંઘવારીને કારણે મધ્યમ વર્ગ હવે ફિલ્મ જોવા જતા પહેલા વિચાર કરવા મજબૂર છે. તાજેતરમાં જાવેદ અખ્તરે દાવો કર્યો હતો કે મલ્ટિપ્લેક્સ થિયેટરો ફક્ત વિશેષાધિકૃત વર્ગ માટે છે અને ગરીબો માટે સિનેમાનો અંત આવી રહ્યો છે.

કપિલ સિબ્બલની યુટ્યુબ ચેનલ દિલ સે કપિલ સિબ્બલ પર બોલતા, જાવેદ અખ્તરે ફિલ્મ ટિકિટના ઊંચા ભાવ વિશે વાત કરી. સામાન્ય લોકો જે વિચારે છે તે આજે બોલીવુડમાં કેમ પ્રતિબિંબિત થતું નથી? આ પ્રશ્ન પર પીઢ લેખકે કહ્યું,’કારણ કે ટિકિટ 700 અને 800 રૂપિયામાં છે. એક સમય હતો અને આજે પણ અમીરો માટે હોસ્પિટલો છે અને ગરીબો માટે હોસ્પિટલો છે. અમીરો માટે હોટલો છે અને ગરીબો માટે હોટલો છે.’

જાવેદ અખ્તરે આગળ કહ્યું,’સમય અને મલ્ટિપ્લેક્સનું શું થયું છે? અમીરો માટે સિનેમા છે અને ગરીબો માટે સિનેમા છે. ગરીબો માટે સિનેમા હવે રહ્યું નથી, ભારતમાં કેટલા થિયેટરો છે? લગભગ 14,000 થીએટર છે. જેમાંથી 803 દક્ષિણ રાજ્યોમાં છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હવે કેટલા બાકી છે? જો તમે આઠ કાઢી નાખો, તો છ બાકી રહેશે. છમાંથી સૌથી મોટી સંખ્યા પશ્ચિમ કિનારે આવેલા મહારાષ્ટ્ર, ગુજરાતની છે. તે પછી જે બાકી રહે છે તેઓ હિન્દી પટ્ટામાં આવે છે.

‘મલ્ટીપ્લેક્સમાં સમોસા પણ 200 રૂપિયામાં વેચાય છે’

લેખક કહે છે,’સમજો કે દર 11.25 લાખ થી 12 લાખ લોકો માટે એક થિયેટર છે. દર 11 લાખ 12 લાખ લોકો માટે એક સિનેમા ઘર છે. અમેરિકાની જેમ નહીં જ્યાં 1 લાખ થિયેટરો છે. જ્યાં વસ્તી 35-36 કરોડ છે. ચીનની જેમ નહીં જ્યાં 500 થી વધુ થિયેટરો છે. આપણા હિન્દી પટ્ટામાં 14-5000 થીએટર છે. તો ફિલ્મ માટે તે તેનું આઉટલેટ નથી. બીજી બાજુ, મલ્ટિપ્લેક્સ આવી ગયા છે, મલ્ટિપ્લેક્સમાં સમોસા પણ 200 રૂપિયામાં વેચાય છે. ટિકિટની કિંમત 500 થી 700 રૂપિયાની વચ્ચે છે.’

પછી જાવેદ અખ્તર કહે છે,’એનો અર્થ એ કે જો ચાર લોકોનો એક ન્યુક્લિયર પરિવાર જાય તો પણ ખર્ચ રૂ.3500. તેથી તે તો પ્રિવિલજ ક્લાસ જ જુએ છે. જ્યારે પ્રિવિલજ કલ્સા જોઈ રહ્યો હોય, ત્યારે ગરીબોની સમસ્યાઓની ચર્ચા શા માટે કરવી? તેમને ગરીબી સાથે શું લેવાદેવા છે? શું જોડાણ છે? ભાઈ, તમે તો 5 સ્ટાર હોટેલ છો. તમને વાંધો નહોતો. તે એક ફાઇવ સ્ટાર હોસ્પિટલ છે. તમને વાંધો નહોતો. તો હવે 5 સ્ટાર સિનેમામાં શું સમસ્યા છે?

‘જેહાદ જ છે અમારી નીતિ, અમારા જનરલ પણ જિહાદી છેઃ પાકિસ્તાની આર્મી

ઇસ્લામાબાદ: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે પાકિસ્તાની સેના તરફથી એક એવું નિવેદન સામે આવ્યું છે જે ઘણું ચોંકાવનારું  છે. પાક સેના એ ખુલ્લેઆમ સ્વીકારી લીધું છે કે તેમનો મુખ્ય સિદ્ધાંત જેહાદ છે. પાકિસ્તાની સેનાએ ફરીથી પોતાનો જૂનો સિદ્ધાંત દોહાવરાતાં જણાવ્યું હતું કે જેહાદ જ અમારી નીતિ છે અને અમારા જનરલ પણ જેહાદી છે.

પાકિસ્તાની સેનાએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાની સેનાનું સત્તાવાર સૂત્ર છે – ईमान, तक़वा, जिहाद फ़ि-सबीलिल्लाह (ઈશ્વરને નામે શ્રદ્ધા, ધર્મનિષ્ઠા અને સંઘર્ષ) છે. જનરલ જિયા ઉલ હકના રાષ્ટ્રપતિ પદના સમય દરમિયાન આ સૂત્રને બદલીને ‘ઇત્તેહાદ, યકીન, તનઝીમ’ (એકતા, વિશ્વાસ, અનુશાસન) કરવામાં આવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટેન્શનને દૂર કરવા માટે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી બંને દેશોના સરહદ વિસ્તારોમાં શાંતિ છે અને ગઈ રાતે પણ કોઈ હુમલો થયો નહોતો. આજે બપોરે 12 વાગ્યે બંને દેશોના DGMO (ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચે વાતચીત થવાની હતી, પણ અમુક કારણસર તે વાતચીત ટળી ગઈ છે. હવે આ DGMO લેવલની વાતચીત આજે સાંજે થશે.

કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં. આ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું અને પાકિસ્તાનની અંદર આવેલા આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યાં હતાં. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સામાં આવી ગયું અને સરહદી વિસ્તારમાં ગોળીબાર શરૂ કરી દીધો.

જોકે ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાઓનો સફળતાપૂર્વક જવાબ આપ્યો અને તેના 11 એરબેસ નષ્ટ કરી દીધાં હતાં. પાકિસ્તાનને થયેલા ભારે નુકસાનથી તે બેચેન થઇ ગયું. ત્યાર બાદ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરી હતી અને હાલ સરહદ પર શાંતિ છે.

ભારત-પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી પૂર્ણ, ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ

પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કરીને તેને નષ્ટ કર્યા હતા. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદનો બહાવલપુર ખાતેનો આધાર અને લશ્કર-એ-તૈબાનો મુરિદકે ખાતેનો ગઢ ધ્વસ્ત કરવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મે સુધી લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ચાર દિવસનો તીવ્ર સૈન્ય સંઘર્ષ થયો, જેમાં પાકિસ્તાને હવાઈ અને આર્ટિલરી હુમલાઓનો પ્રયાસ કર્યો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સહમતિ થઈ, પરંતુ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારતે કડક ચેતવણી જારી કરી હતી.

આ સૈન્ય તણાવને કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ્સ, જેમાં ગુજરાતના 7 એરપોર્ટ્સનો સમાવેશ થાય છે, તેને 10 મે થી 15 મે, 2025 સુધી નાગરિક ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના જણાવ્યા મુજબ, 12 મે, 2025થી આ તમામ એરપોર્ટ્સ તાત્કાલિક અસરથી નાગરિક ઉડ્ડયન માટે ફરી ખોલવામાં આવ્યા છે. મોહાલીના શહીદ ભગત સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ઉડાનો શરૂ થઈ ગઈ છે. આ સાથે, પેસેન્જર વિમાનો માટે એરસ્પેસ પરના તમામ નિયંત્રણો હટાવી લેવાયા છે, જેનાથી ઉડ્ડયન સેવાઓ સામાન્ય થઈ રહી છે.

આ એરપોર્ટ્સ શરૂઆતમાં શનિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય હતો, પરંતુ બાદમાં આ નિયંત્રણો 15 મે, 2025ના સવારે 5:29 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા હતા. હવે, તમામ ચેતવણીઓ પાછી ખેંચી લેવાતાં, નાગરિક ઉડ્ડયન સેવાઓ પુનઃસ્થાપિત થઈ છે. ફરી શરૂ થયેલા એરપોર્ટ્સમાં આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઇસ, ઉત્તરલાઇ અને લુધિયાણાનો સમાવેશ થાય છે.

પ્રતિક બબ્બરે પરિવારને લગ્નમાં આમંત્રણ ન આપવાનું કારણ જણાવ્યું

પ્રતીક બબ્બર, એક્ટર રાજ બબ્બર અને દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલનો પુત્ર છે. રાજ બબ્બરે સ્મિતા સાથે બીજા લગ્ન કર્યા હતા પરંતુ તેમના મૃત્યુ પછી તેઓ તેમની પહેલી પત્ની પાસે પાછા ફર્યા હતા. પ્રતીકના તેના પિતાના પરિવાર અને સાવકા ભાઈ-બહેનો સાથે સારા સંબંધો હતા. પરંતુ તાજેતરમાં જ્યારે પ્રતીકે બીજા લગ્ન કર્યા (14 ફેબ્રુઆરી 2025), ત્યારે તેણે તેના પિતા અને પરિવારને આમંત્રણ આપ્યું ન હતું. આ પછી તેમના સંબંધોમાં અણબનાવ વધી ગયો. તાજેતરમાં, પ્રતીક બબ્બરે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.

લગ્નમાં આમંત્રણ ન આપવાનું કારણ શેર કર્યું

ટાઇમ્સ નાઉ સાથેની તાજેતરની વાતચીતમાં પ્રતીક બબ્બરે (પ્રતિક સ્મિતા બબ્બર) કહ્યું,’મારા પિતાની પત્ની (પહેલી પત્ની) અને મારી માતા વચ્ચે ભૂતકાળમાં કેટલીક સમસ્યાઓ હતી, જો તમે 38-40 વર્ષ પહેલાના અખબારો ખોલો છો, તો તમને તે સમયે કહેવામાં આવતી ઘણી વાતો ખબર પડશે. જો મેં તેમને મારી માતા (સ્મિતા પાટિલ) ના ઘરે આમંત્રણ આપ્યું હોત, તો તે અનૈતિક હોત.’

મેં વિચાર્યું કે હું મારા પરિવાર માટે કંઈક અલગ કરીશ

પ્રતિક ઇન્ટરવ્યુમાં આગળ કહે છે કે તેણે વિચાર્યું હતું કે લગ્ન પછી તે તેના પિતાના પરિવાર માટે અલગથી કંઈક કરશે પરંતુ એવું બન્યું નહીં. તમને જણાવી દઈએ કે જ્યારે પ્રતીકે રાજ બબ્બરના પરિવારને તેના લગ્નમાં આમંત્રણ ન આપ્યું, ત્યારે સાવકા ભાઈ અને બહેને ઘણું કહ્યું. આમ છતાં, પ્રતીક કહે છે, ‘હું આજે પણ બદલાયો નથી, હું પહેલા જેવો જ છું.’

આ વર્ષે તે આ ફિલ્મોમાં જોવા મળ્યો હતો
પ્રતીક બબ્બરના કરિયરની વાત કરીએ તો, આ વર્ષે તે સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ‘હિટ 3’માં જોવા મળ્યો હતો. તે ઘણી વેબ સિરીઝનો પણ ભાગ રહ્યો છે, જેમાં ‘ચક્રવ્યૂહ’માં તેમના કામની ખૂબ પ્રશંસા થઈ હતી.

 ટ્રક-ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માતઃ 13નાં મોત, 12 ઘાયલ

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત થયો છે. રાયપુર-બલૌદાબજાર હાઇવે પર ખરોરોની પાસે ટ્રક અને ટ્રેલરની વચ્ચે ભીષણ ટક્કર થઈ છે,  જેમાં 13 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માત અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની સૂચના મળતાં રાયપુરના કલેક્ટર ગૌરવ સિંહ અને SP લાલ ઉમેદ સિંહ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની સારવારની નિગરાની કરી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.  

આ અકસ્માત નાના ટ્રક અને ટ્રેલર વચ્ચે થયો હતો . આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ અકસ્માત રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ પાસે થયો હતો. આ લોકો ચોથિયા છટ્ટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.

રાયપુર-બાલોદાબજાર રોડ નજીક અકસ્માત

આ દુર્ઘટના અંગે વિગતવાર માહિતી આપતા રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે ચોથિયા છટ્ટી ગામના કેટલાક લોકો છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાના બનારસી ગયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાયપુર-બાલોદાબજાર રોડ નજીક અકસ્માત થયો. આ અકસ્માતમાં કુલ 13 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ બધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ પૂર્વે છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક દંપતીનું મોત થયું હતું. તેમનો બે મહિનાનો પુત્ર પણ તેમની સાથે હતો. જેનું પણ આ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે કાર ચલાવનાર ડ્રાઇવરને ઇજા થઈ હતી. આ અકસ્માત સુરગુજા જિલ્લાના સીતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિસુનપુર ગામ પાસે થયો હતો.

સાબરમતી નદી ખાલી થશે, જાણો કારણો

અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા ખાતે બેરેજ બનાવવામાં આવ્યો છે. બેરેજના દરવાજાના રીપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરાશે. આ કામગીરી 12 મે થી 5 જૂન સુધી ચાલશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વે કરવાના થતાં મરામતના કામના ભાગરૂપે દરવાજાનું સમારકામ કરાશે. આ કામગીરી 12 મે થી 5 જૂન દરમિયાન થશે. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાવવાની હોવાથી નદીને સંપૂર્ણ ખાલી કરવાની જરૂર છે. જેની કામગીરીનો 10 મેથી પ્રારંભ થઇ ગયો છે.

આ સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરાશે. નદીના પટને સાફ કરવાની આ કામગીરી જનભાગીદારીથી કરાશે. આ કામગીરીને પગલે સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે.

ઉલ્લેખનીય છે કે, દેશની 13 સૌથી પ્રદૂષિત નદીમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે. જાણકારોના મતે સાબરમતી નદી બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડના લેવલના ગ્રેડમાં બીજા નંબરે છે. એટલે કે તે અતિ ભયજનક છે અને તેનું પાણી પીવાલાયક નથી રહ્યું. લોકો જળ પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં બીમાર થઇ રહ્યા છે. વર્ષ 2019માં સાબરમતી નદીની સફાઇ કરવામાં આવી ત્યારે તેમાંથી પાંચ દિવસમાં 500 ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. અમદાવાદમાં નદી પ્રવેશે છે એ પહેલાં તેનાં પર 6 જેટલા નાના-મોટા ડેમ આવેલા છે. સાબરમતી નદી સફાઈ અભિયાન દરમિયાન એક પણ નેતા કે સરકારી અધિકારી નદીમાં ઠલવાતાં આ પ્રદૂષિત કેમિકલ કચરાને રોકવા કડક હાથે કામ લેવાશે એ અંગે બે શબ્દો પણ બોલતા નથી એ પણ હકીકત છે.

કિંગ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને કરી અલવિદા

નવી દિલ્હીઃ અનુભવી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. કોહલીએ 14 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી છે. કોહલી પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ વિદાય લેતાં સંન્યાસ લીધો હતો. કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા થોડા દિવસો અગાઉ  ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ BCCIને તેના આ નિર્ણય વિશે જણાવી દીધું હતું. BCCI તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું. જોકે વિરાટે BCCIની વાત માની નહોતી. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં 2011માં ડેબ્યુ કર્યું હતું. તેણે ટેસ્ટમાં 9000થી વધુ રન બનાવ્યા હતા અને 30 સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું કે 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેરીને પ્રવેશ લીધો હતો. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવા પ્રવાસ પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જેનું હું મારા બાકીના જીવનમાં અનુસરણ કરીશ.

વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઈ રહ્યો હોવાની શનિવારે જાહેરાત કરી હતી. વિરાટની આ જાહેરાત બાદથી BCCI સતત તેને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે મનાવી રહ્યું હતું. હાલમાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જેથી BCCIને આગામી ટેસ્ટ ટુર્નામેન્ટ (ઈંગ્લેન્ડ પ્રવાસ) માટે મજબૂત ખેલાડીની શોધ રહેશે.