Home Blog Page 906

કાન્સમાં જાન્હવીને જોઈ ચાહકોને શ્રીદેવીની યાદ આવી ગઈ

78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સેલિબ્રિટીઓનું આગમન ચાલુ છે. હવે અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ કાન્સમાં પોતાની ભવ્ય એન્ટ્રી પાડી છે. જાહ્નવી તેની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે કાન્સ પહોંચી છે. આ દરમિયાન જાહ્નવીની સાથે હોમબાઉન્ડની આખી કાસ્ટ પણ જોવા મળી હતી. કાન્સમાં જાહ્નવીના ડેબ્યૂના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક તરફ જાહ્નવીનો આ લુક જોઈને ચાહકોને તેની માતા અને પીઢ અભિનેત્રી શ્રીદેવીની યાદ આવી ગઈ, તો બીજી તરફ, લોકો જાહ્નવીના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

કાન્સમાં પોતાના ડેબ્યૂ વિશે વાત કરતાં જાહ્નવી કહે છે કે પહેલી વસ્તુઓ હંમેશા ખાસ હોય છે. આવી સ્થિતિમાં આ ડેબ્યૂ જાહ્નવી માટે પણ ખૂબ જ ખાસ રહ્યું છે. જાહ્નવીએ પ્રખ્યાત ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા બનાવેલા કસ્ટમ આઉટફિટમાં કાન્સના રેડ કાર્પેટ પર વોક કર્યું.આ સુંદર ગુલાબી ડ્રેસમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ બનારસમાં ખાસ વણાયેલા ટીશ્યુમાંથી બનાવેલ લાંબો પ્લીટેડ સ્કર્ટ અને કોર્સેટ પહેર્યો હતો.

અભિનેત્રી જાન્હવી કપૂરનું આઉટફિટ રિયા કપૂરે સ્ટાઇલ કર્યુ હતું.તેણીએ ડ્રેસને તેના સ્લીક બન સાથે દુપટ્ટા જેવા ડ્રેપથી જોડ્યો હતો.આઉટફિટના સરફેસને હાથથી તૈયાર કરવામાં આવેલી પદ્ધતિથી બનાવવામાં આવ્યો હતો. જેને આ ડ્રેસની સુંદરતામાં વધારો કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

લોકોએ શ્રીદેવીને યાદ કરી
જાહ્નવીનો લુક જોઈને ઘણા ચાહકો અને નેટીઝન્સને તેની માતા અને અભિનેત્રી શ્રીદેવીની યાદ આવી ગઈ. ઘણા ચાહકોએ કહ્યું કે જાહ્નવી બિલકુલ તેની માતા શ્રીદેવી જેવી દેખાય છે. જાહ્નવીએ લેયર્ડ પર્લ નેકલેસ અને મેચિંગ ડાયમંડ સ્ટડ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.આ કસ્ટમાઇઝ્ડ આઉટફિટ સાથે, તરુણ તાહિલિયાનીએ આધુનિકતા અને પરંપરા બંનેને એકસાથે બતાવવાનો પ્રયાસ કર્યો.

જાહ્નવી નીરજ ઘેયવાન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે કાન્સ પહોંચી હતી. દરમિયાન, હોમબાઉન્ડના બાકીના કલાકારો ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ કાન્સમાં જોવા મળ્યા હતા. ઉપરાંત, ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલ્યા હતા. જેમની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સ્કૂલ બસમાં આત્મઘાતી હુમલોઃ ચાર બાળકોનાં મોત, 38 ઘાયલ

 નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સ્કૂલ બસને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં ચાર બાળકોનાં મોત થયાં છે. અધિકારીઓએ માહિતી આપી છે કે આ ઘટનામાં 38 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાનના ખુઝદારમાં સ્કૂલ બસને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો.

‘ડોન’ અખબારના જણાવ્યાનુસાર ખુઝદારના ઉપાયુક્ત યાસિર ઇકબાલ દશ્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિસ્ફોટ ખુઝદાર જિલ્લાના ઝીરો પોઈન્ટ નજીક થયો હતો, જ્યારે બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. દશ્તીએ જણાવ્યું કે વિસ્ફોટમાં ચાર બાળકોનાં મોત થયાં છે અને 38 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવીએ આ ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે નિર્દોષ બાળકોને નિશાન બનાવનારા દરિંદાઓ સાથે કોઈ પણ પ્રકારની રાહત ન આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોને શોધવા માટે તપાસ ચાલી રહી છે. ડેપ્યુટી કમિશનર ખુઝદારે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો. તેમણે પુષ્ટિ કરી છે કે વિસ્ફોટમાં ચાર બાળકોનાં મોત થયાં છે અને 38 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે કોમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH) ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.

 

તામિલનાડુએ કેન્દ્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ તામિલનાડુ સરકારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પર શિક્ષણ ભંડોળમાં રૂ. 2291 કરોડથી વધુ રકમ ગેરકાયદે રીતે અટકાવવાનોનો આરોપ મૂક્યો છે. રાજ્યનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને પીએમ શ્રી શાળાઓ જેવી યોજનાઓ અમલમાં લાવવા માટે રાજ્ય પર આર્થિક દબાણ મૂકવામાં આવી રહ્યું છે.

તામિલનાડુ સરકારે રાજ્ય માટે ફાળવાયેલી શિક્ષણ રકમ રોકી રાખવા બદલ ભારતીય બંધારણની કલમ 131 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કલમ 131 હેઠળ રાજ્ય સરકારને કાનૂની અથવા બંધારણીય હકો સાથે સંબંધિત વિવાદોમાં કેન્દ્ર સરકારને કાનૂની પડકાર આપવા મંજૂરી આપવામાં આવે છે.

રાજ્ય સરકારે સમગ્ર શિક્ષા યોજના હેઠળ રૂ. 2291.30 કરોડ રકમ તાત્કાલિક જાહેર કરવાની માગ કરી છે, જે ખાસ કરીને પછાત વર્ગનાં બાળકોની શાળાની શિક્ષણ માટે ફાળવવામાં આવી છે.

આમાં રૂ. 2151.59 કરોડનો સમાવેશ થાય છે, જે નાણાકીય વર્ષ 2024-25 માટે મંજૂર રકમમાં કેન્દ્રનો 60 ટકા હિસ્સો છે અને 1 મે, 2025 સુધી ચુકવણી ન થતાં છ ટકા વાર્ષિક વ્યાજ પણ ઉમેરાયું છે. આ શિક્ષણ યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે, જેનો હેતુ સર્વસમાવેશક અને સમાન ગુણવત્તાવાળી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

રાજ્ય સરકારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે પ્રોજેક્ટ મંજૂરી બોર્ડ (Project Approval Board) દ્વારા 16 ફેબ્રુઆરી, 2024એ રાજ્યના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી અને યોજનાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન માન્ય થયું હતું. છતાં પણ 21 મે, 2025 સુધી કેન્દ્રએ એક પણ રૂપિયો જાહેર કર્યો નથી.

તામિલનાડુએ આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર રાજ્ય પર NEP 2020 અને પીએમ શ્રી શાળા યોજના (PM SHRI Schools Scheme) સ્વીકારવા માટે દબાણ બનાવવા માટે ગેરકાયદે રીતે નાણાંનો ઉપયોગ કરી રહી છે. આ યોજના મોડેલ શાળાઓ મારફતે NEP અમલ બતાવવા માટે રચવામાં આવી છે.

વેડમી પુરી અને બટેટાનું શાક

દિલ્હી, મથુરા તેમજ વૃંદાવનની પ્રખ્યાત સ્ટ્રીટ ડિશ છે વેડમી પુરી સાથે બટેટાનું રસાદાર શાક! જેનો સ્વાદ એકદમ ચટપટો સ્વાદસભર છે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1½ કપ
  • રવો ½ કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • મોણ માટે ઘી 2 ટે.સ્પૂન
  • તેલ તળવા માટે

પુરીના પૂરણ માટેઃ

  • અળદની દાળ 50 ગ્રામ
  • આખા ધાણા 2 ટે.સ્પૂન
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કાળા મરી 6-7
  • સૂકું લાલ મરચું 1
  • લીલું મરચું 1
  • આદુ 1 ઈંચ
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન

આલુ સબ્જી માટેઃ

  • બાફેલા બટેટા 6
  • લવિંગ 3
  • કાળા મરી 4-5
  • મોટી એલચી 2
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • ટામેટાં 3
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 2
  • ચણાનો લોટ 1 ટે.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ ઘઉંના લોટમાં અજમો, કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું મેળવીને હાથેથી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઘીનું મોણ આપો. મોણ આપ્યા બાદ થોડો લોટ મુઠ્ઠીમાં લઈ વાળતા સહેજ ગોળા જેવો બંધાય એટલે તેમાં થોડું થોડું પાણી (લગભગ 2 ટે.સ્પૂન) ઉમેરીને પુરી જેવો લોટ પણ સહેજ નરમ બાંધો. તેમાં રહેલા રવાને કારણે પાણી શોષાઈને લોટ કઠણ થશે. બાંધેલો લોટ થોડીવાર માટે એકબાજુએ રાખી મૂકો.

અળદની દાળ ધોઈને પંખા નીચે એક કાપડ ઉપર પાથરીને કોરી કરી લો. તેને મિક્સીમાં પલ્સ મોડ ઉપર કરકરી પીસી લો. એ જ મિક્સીમાં આખા ધાણા, વરિયાળી, જીરૂ, કાળા મરી, સૂકું લાલ મરચું અધકચરા પીસી લો.

એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં આ દળેલો મસાલો 1 મિનિટ સાંતળીને તેમાં લીલું મરચું સમારીને, આદુ ખમણીને મેળવો. હીંગ તથા સ્વાદ પ્રમાણે મીઠું મેળવો. 1 મિનિટ સાંતળી લીધા બાદ તેમાં અળદની દળેલી દાળ મેળવો. 1 મિનિટ બાદ તેમાં અડધો કપ પાણી મેળવીને ગેસની ધીમી આંચે દાળ ચઢવા દો. તેમાંનું પાણી સૂકાવા આવે એટલે ગેસ બંધ કરીને દાળને ઢાંકીને રાખી મૂકો.

આલુ સબ્જીઃ લવિંગ, કાળા મરી, વરિયાળી, મોટી એલચીના દાણાને અધકચરા વાટી લો.

ટામેટાંની પ્યુરી કરી લો. અથવા ખમણી લો. આદુ-મરચાંને ઝીણાં ટુકડામાં સમારી લો.

એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દો અને તેલમાં જીરૂનો વઘાર કરી, ઉપર વાટેલો મસાલાનો અધકચરો ભૂકો ઉમેરો. સમારેલાં આદુ-મરચાં ઉમેરો. 2 મિનિટ બાદ તેમાં હળદર, મરચાં પાઉડર, ધાણાજીરૂનો વઘાર કરી ટામેટાંની પ્યુરી મેળવીને સાંતળો. તેલ છૂટું પડે એટલે ગેસ થોડીવાર માટે બંધ કરી દો.

એક વઘારીયામાં ઘી ગરમ કરીને ગેસની ધીમી આંચે ઘીમાં ચણાનો લોટ થોડો ગુલાબી રંગનો સાંતળીને ટામેટાંની ગ્રેવીમાં મેળવી દો અને 1 ગ્લાસ જેટલું પાણી મેળવીને ગેસ ફરીથી ચાલુ કરીને ગ્રેવી ઉકળવા દો. ગ્રેવી ઉકળવા આવે એટલે તેમાં બાફેલા બટેટાને હાથેથી તોડીને બટેટાનો થોડો ભૂકો તેમજ થોડા મોટા ટુકડા કરી ગ્રેવીમાં મેળવો. હવે તેમાં આમચૂર પાઉડર તથા ગરમ મસાલો મેળવીને ગેસની આંચ તેજ કરીને શાક ઉકળવા દો. 5-7 મિનિટ બાદ કોથમીર ભભરાવીને કઢાઈ ઢાંકીને ગેસ બંધ કરી દો.

પુરી બનાવવા માટે લોટના લૂવા બનાવી લો. પુરણના પણ ગોળા વાળી લો. લોટનો લૂવો થોડો ચપટો કરી અથવા વણીને તેમાં પુરણનો ગોળો ભરીને લૂવો વાળીને બંધ કરી દો. આ પુરી વણવા માટે પાટલા ઉપર થોડું તેલ લગાડીને પુરી વણવી.

કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. કઢાઈમાં 1 થી 2 પુરી નાખીને ગેસની મધ્યમ આંચે જ પુરી તળવી.

તૈયાર પુરી ગરમાગરમ રસાવાળા બટેટાના શાક સાથે પીરસો.

૨૧ મે ૨૦૨૫

પંચાંગ 21/05/2025

આર્મી ચીફ અસીમ મુનિરને ફીલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે ભારે ટેન્શન પ્રવર્તતું હતું, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. જોકે તેમ છતાં પાકિસ્તાનની કેબિનેટે આજે (20 મે) મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે જનરલ અસીમ મુનિરને ફીલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.પાકિસ્તાની સશસ્ત્ર દળોમાં ફીલ્ડ માર્શલની પોસ્ટ સર્વોચ્ચ માનવામાં આવે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં જનરલ અસીમ મુનીર બીજા ફીલ્ડ માર્શલ બની ગયા છે. આ પહેલાં અયૂબ ખાનને 1959-1967 દરમિયાન ફીલ્ડ માર્શલનની પોસ્ટ આપવામાં આવી હતી.

. પાકિસ્તાન આર્મીના પ્રમુખ અસીમ મુનીર સામે રાજકીય દળોમાં પણ જબરદસ્ત ગુસ્સો જોવા મળે છે. તેમની પાર્ટીના ફવાદ ખાન,ઉમર અયૂબ ખાન, મહમૂદ ખાન અચકઇ મુનીરને ટાર્ગેટ કરતા રહે છે. થોડા દિવસે પહેલાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર મુનિર આઉટ નામનો ટ્રેંડ ચાલી રહયો હતો, જેના માટે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ (પાકિસ્તાન તહરિકે ઇન્સાફ)ને જવાબદાર ગણવામાં આવે છે. મુનીરને હટાવો,  ઇમરાન ખાનને મુકત કરો અને પાકિસ્તાન બચાવો વગેરે સૂત્રો પીટીઆઇના ઓફિશિયલ હેન્ડલ પર જોવા મળે છે.

અસીમ મુનીર કોણ છે?

અસીમ મુનિર 2022થી પાકિસ્તાનના આર્મી ચીફ છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ છે. આર્મી ચીફ બનતાં પહેલાં તેઓ GHQમાં ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે તહેનાત હતા. મુનિરે 1986માં લશ્કરી કારકિર્દી શરૂ કરી હતી અને હવે 2025માં ફીલ્ડ માર્શલ બન્યા છે. તેમને નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને સ્વોર્ડ ઓફ ઓનર (પાકિસ્તાન)થી પણ નવાજવામાં આવ્યા છે.

NSELના ટ્રેડર્સે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમને આપ્યું જોરદાર સમર્થન

મુંબઈઃ NSEL પેરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડના સહયોગથી 5682 ટ્રેડર્સ સાથેની આખરી અને સૌહાર્દપૂર્ણ વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઈ સમક્ષ રજૂ કરી હતી. આ વન ટાઇમ સેટલમેન્ટનો મૂળ પ્રસ્તાવ મોટી સંખ્યામાં ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા સંગઠન – NSEL ઇન્વેસ્ટર્સ ફોરમ (NIF) દ્વારા મૂકવામાં આવ્યો હતો.

આ સ્કીમ ઓફ સેટલમેન્ટ અનુસાર 5682 ટ્રેડર્સને 31 જુલાઈ 2024એની એમની લેણી રકમના પ્રમાણ અનુસાર કુલ 1950 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. એને પગલે 63 મૂન્સ ગ્રુપની વિરુદ્ધના તમામ કાનૂની કેસ બંધ કરવામાં આવશે અને ટ્રેડર્સના તમામ હક 63 મૂન્સના ફાળે જશે.

NCLTએ આ પ્રસ્તાવિત સ્કીમ ઓફ સેટલમેન્ટ પર ટ્રેડર્સનું ઈ-વોટિંગ કરાવવાનો 8 એપ્રિલ 2025એ આદેશ આપ્યો હતો. NCLTએ ઈ-વોટિંગ પર દેખરેખ રાખવા માટે અશ્વિની ગુપ્તા (કંપની સેક્રેટરી)ની સ્ક્રુટિનાઇઝર તરીકે અને મુકેશ મિત્તલ (નિવૃત્ત IRS અધિકારી)ની ચેરપર્સન તરીકે નિમણૂક કરી હતી. મતદાન 17મી એપ્રિલ 2025એ શરૂ થઈને 17 મે 2025એ પૂરું થયું હતું.

સ્ક્રુટિનાઇઝરે સુપરત કરેલા અને ચેરપર્સને 19 મે, 2025એ મંજૂર કરેલા ઈ-વોટિંગના પરિણામ વિશેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૂલ્યની દ્રષ્ટિએ 91.35 ટકા હિસ્સો ધરાવતા ટ્રેડર્સે અને સંખ્યાની દ્રષ્ટિએ 92.81 ટકા ટ્રેડર્સે સેટલમેન્ટના ઠરાવની તરફેણમાં મતદાન કરીને એના પર મંજૂરીની મહોર મારી હતી.

આ સેટલમેન્ટને પગલે એ તમામ ટ્રેડર્સને મોટી રાહત મળશે, જેમનાં નાણાં જુલાઈ 2013માં સર્જાયેલી NSEL પેમેન્ટ કટોકટીમાં ફસાઈ ગયાં હતાં. ટ્રેડર્સને ન્યાય મળવામાં વિલંબ થવાનું કારણ તત્કાલીન ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ રમેશ અભિષેક હતા. એમની પાસે ડિફોલ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાવવાની સત્તા હોવા છતાં એમણે એક પણ પગલું ભર્યું ન હતું.NSEL ઓગસ્ટ, 2013માં 63 મૂન્સના સહયોગથી 179 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી, જેની મદદથી 10 લાખ કરતાં ઓછી લેણી રકમ ધરાવતા 7053 નાના ટ્રેડર્સને લાભ મળ્યો હતો.63 મૂન્સ ફરી એક વાર ટ્રેડર્સના પડખે રહી છે. NSELના MD-CEO નીરજ શર્માએ રોકાણકારોને ન્યાય અપાવવા માટે NSEL ઇન્વેસ્ટર્સ ફોરમ (NIF) દ્વારા કરાયેલા કાર્યની પ્રશંસા કરી છે. રોકાણકારોના લાભાર્થે વન ટાઇમ સેટલમેન્ટ લાવવા વિશે NIF દ્વારા ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

વિશ્વ મધમાખી દિવસે જીવંત મધપૂડાનું લોકાર્પણ

વિશ્વ મધમાખી દિવસ, ૨૦મી મેના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ), ‘પ્રોજેક્ટ એડોપ્ટ અ ક્વીન’ (પીએક્યુ)ના સહયોગથી, એએમએ કેમ્પસમાં એક વિશેષ મધપૂડાનું જીવંત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એએમએ દ્રારા અમદાવાદની પ્રથમ પરાગનયન-મૈત્રીપૂર્ણ સંસ્થા તરીકે આ પહેલ કરવામાં આવી છે. આ કાર્ય નીરુભાઈ દેસાઈ, એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ અને પીએક્યુના મિશન સાથે સંક્ળાયેલી છે. જે કૃષિ સુધારણા, જૈવવિવિધતા પુનઃસ્થાપના અને દરેક માટે સ્વચ્છ ખોરાક સુલભ બનાવવાના કેન્દ્રમાં મધમાખીઓને સ્થાન આપે છે.

એએમએના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલાએ જીવંત મધપૂડા સ્થાપિત કરવાના મહત્વ પર સંબોધન કરતા કહ્યું કે, સહ-અસ્તિત્વના મધમાખી સંરક્ષક અને સંશોધક મીત જોશીએ ૮ જૂન, ૨૦૨૨ ના રોજ નીરુભાઈ દેસાઈ, એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ લોન્ચ કર્યું હતું. એએમએ ઉદ્યોગસાહસિકોના વિઝનને ટેકો આપવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે. આ મિશનના ભાગ રૂપે, આ ભાગીદારી ત્રણ વર્ષ પછી પણ ચાલુ છે, અને આ કાર્યક્રમ તેમના વિઝન અને સામાજિક પરિવર્તન દ્રારા જૈવવિવિધતા, ટકાઉપણું અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રયાસ છે.

મીત જોશી, પૂરવ શેલત અને ચંદ્રમૌલી પાઠકે ભારતના ઇકોલોજીકલ ભવિષ્યને આકાર આપવામાં ડંખરહિત મધમાખીઓ, ટેકનોલોજી અને સામુદાયિક કાર્યવાહી કેવી રીતે મદદરૂપ થાય છે, તેના પર પ્રકાશ પાડ્યો હતો.

કોણ છે બાંગ્લાદેશી અભિનેત્રી નુસરત ફારિયા? જેની હત્યાના કેસમાં કરાઈ ધરપકડ

પ્રખ્યાત બાંગ્લાદેશી અભિનેત્રી નુસરત ફારિયાની રવિવારે ઢાકાના શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અભિનેત્રી થાઈલેન્ડ જઈ રહી હતી. તે જ સમયે, તેને એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવી હતી અને ફ્લાઇટમાં ચઢતા અટકાવવામાં આવી હતી. 2024 માં બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન હત્યાના પ્રયાસના આરોપસર દાખલ કરાયેલા કેસમાં ધરપકડ વોરંટ જારી થયા બાદ 31 વર્ષીય અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી. નુસરત ફારિયા ઘણીવાર તેના લુક્સ અને પોસ્ટ્સને કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચામાં રહે છે.

કોણ છે નુસરત ફારિયા?

રસપ્રદ વાત એ છે કે, નુસરત 2023 માં આવેલી ફિલ્મ ‘મુજીબ: ધ મેકિંગ ઓફ અ નેશન’ માં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ભૂમિકા ભજવ્યા પછી ખ્યાતિમાં આવી હતી. આ ફિલ્મ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ ભારત અને બાંગ્લાદેશનું સંયુક્ત સાહસ હતું અને તેનું દિગ્દર્શન દિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલ દ્વારા કરવામાં આવ્યું હતું. નુસરતે 2015 ફિલ્મ ‘આશિકી’ થી અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેણીએ પ્રખ્યાત બંગાળી અભિનેતા અંકુશ હાજરા સાથે સ્ક્રીન શેર કરી હતી. તેણે ‘હીરો 420’, ‘બાદશાહ – ધ ડોન’, ‘પ્રેમી ઓ પ્રેમી’ વગેરે સહિત ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનયમાં પ્રવેશતા પહેલા, નુસરતે રેડિયો જોકી તરીકે કામ કર્યું હતું અને ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.

નુસરત ફારિયા હત્યા કેસ

નુસરત 2024 માં બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન ઢાકાના વાટારા વિસ્તારમાં એક વિદ્યાર્થીની હત્યાના પ્રયાસના કેસમાં નામ આપવામાં આવેલા 17 લોકોમાંની એક છે. આ વિરોધ પ્રદર્શનો ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળનો એક ભાગ હતા, જે એક શક્તિશાળી યુવા આગેવાની હેઠળનું પ્રદર્શન હતું જેના કારણે શેખ હસીનાને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. નુસરતની ટીમે હજુ સુધી તેની ધરપકડ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. ધરપકડ બાદ, તેમને પહેલા ઢાકાના વોટર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચ (DB) ઓફિસમાં લઈ જવામાં આવ્યા.