Home Blog Page 888

ડાર્ક કૉમેડી થ્રિલર ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતક’નું મુંબઈમાં પ્રીમિયર

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ વિષય અને પ્રયોગ સાથે નવી ફિલ્મ આવી છે. ફિલ્મનું નામ છે ‘શુભચિંતક’. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના બૅનર સોલ સૂત્ર હેઠળ પ્રોડ્યુસ થયેલી મલ્ટી સ્ટારર થ્રિલર ફિલ્મ શુભચિંતકનું ગત રોજ મુંબઈ ખાતે પ્રીમિયર યોજાયું હતું. પ્રીમિયર મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ અને કલાકારોએ હાજરી આપી ફિલ્મને વધાવી હતી.

મરાઠી અભિનેતા સ્વપ્નિલ જોશીએ આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ છે. ડાર્ક કૉમેડી થ્રિલર ફિલ્મ શુભચિંતકની કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, ઈશા કંસારા, વિરાફ પટેલ, તુષારિકા રાજ્યગુરુ દીપ વૈદ્ય અને મેહુલ બુચ જેવા જાણીતા કલાકારો છે. ફિલ્મનું નિર્દેશન નિસર્ગ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ધવલ ઠક્કર ફિલ્મમાં કૉ-પ્રોડ્યુસર તરીકે જોડાયા છે. શુભચિંતક આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.

ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક અને તેમના પરિવાર સાથે માનસી ગોહિલ અને સ્વપ્નિલ જોશી

 

(તમામ તસવીરો: દીપક ધૂરી)

પાકિસ્તાન પોલિસીને લઈને કોલંબિયાને ઘેર્યું શશિ થરૂરે

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરૂર હાલ કોલંબિયાની રાજધાની બોગોટામાં છે. તેઓ આતંકવાદના વિરોધમાં ભારતના સફળ ‘ઓપરેશન સિંદૂર’ની માહિતી આપવા માટે બનાવેલા એક સર્વપક્ષી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. તેમણે બોગોટામાં પાકિસ્તાનના આતંકના ચહેરાને ઉજાગર કરતાં કહ્યું હતું કે અમને બરાબર ખબર છે કે પાકિસ્તાનમાં 81 ટકા ડિફેન્સ સાધનો ચીનથી આવે છે. ડિફેન્સ એક ખૂબ જ ઉદાર શબ્દ છે, પરંતુ  આ પાકિસ્તાનના સંરક્ષણ અને સૈન્ય ઉપકરણ નથી. તેમાંથી મોટા ભાગનો ઉપયોગ તે સંરક્ષણ માટે નહીં, પણ હુમલા માટે કરે છે.

પાકિસ્તાનમાં ચીનનો સૌથી મોટો પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ ઇનિશિયેટિવ છે, જે ચીનને દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બંદર સાથે જોડે છે. અહીંથી માલસામાનને ખૂબ જ ઝડપથી અને સસ્તી રીતે ચીન સુધી પહોંચાડવામાં આવી શકે છે, જેની અમને જાણકારી છે. અમારી લડાઈ હંમેશાંથી ફક્ત આતંક વધારનારાઓ સામે છે.

તેમણે કહ્યું હતું કે અમે કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ. મને લાગે છે કે કદાચ સ્થિતિને સંપૂર્ણ રીતે સમજવામાં નથી આવી, જ્યારે કોલંબિયાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર ભારતના હુમલામાં મોતને ભેટેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. અમે અહીં ફક્ત પરિસ્થિતિને સમજાવવા માટે આવ્યા છીએ, જે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત એવો દેશ છે જે હકીકતમાં વિશ્વમાં રચનાત્મક પ્રગતિની શક્તિ રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે દુનિયાભરની સરકાર આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણાં પૂરા પાડનારી અને તેમને સંરક્ષણ આપનારી સરકારને આ બંધ કરવા જણાવશે.

નક્કર પુરાવા છેઃ થરૂર

પહલગામ હુમલા વિશે વાત કરતા થરૂરે કહ્યું કે, ‘હું પહેલા જ કહી ચુક્યો છું કે, અમારી પાસે નક્કર પુરાવા છે. જ્યારે પહલગામમાં આતંકી હુમલો થયો, તો તેની જવાબદારી  ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના એક આતંકી સંગઠને લીધી હતી. આ સંગઠન પાકિસ્તાનના મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાનું જ એક એકમ છે. અમે કોલંબિયામાં અમારા મિત્રોને કહીશું કે, આતંકવાદીઓને મોકલનાર અને તેમના વિરોધ કરનાર વચ્ચે સમાનતા ન હોય શકે. આ પ્રકારનો હુમલો કરનાર અને અને તેનાથી પોતાની સુરક્ષા કરનારને એક ત્રાજવે તોલી ન શકાય. અમે ફક્ત આત્મરક્ષાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના પર કોઈ ગેરસમજ છે તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ.

ઓપરેશન સિંદૂરથી ‘સબૂત ગેંગ’ ખુશ નથીઃ ભાજપ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી પહેલા જ દિવસે રાહુલ ગાંધી, જયરામ રમેશ જેવા કોંગ્રેસના નેતાઓએ ભારતની સેના અને ભારતના શૌર્ય પર પ્રશ્ન ઉઠાવ્યા છે, એમ ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સબૂત ગેંગ’ ભારતની કાર્યવાહીથી ખુશ નથી. તેમણે કહ્યું હતું કે જયરામ રમેશ ગાંધી પરિવારના જમણા હાથ છે. તેમણે આતંકવાદીઓની સરખામણી સાંસદો સાથે કરી છે. સાંસદ લોકો ફરવા ગયા નહોતા, તેઓ ભારતના પક્ષને વિશ્વ મંચ પર રજૂ કરવા ગયા હતા. તેમાં તમારા પણ સાંસદો સામેલ છે, જેમણે સારી રીતે ભારતનો મત દર્શાવ્યો છે.

 તેમણે વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી, જયરામ રમેશ, રેવંત રેડ્ડી પૂછે છે કે કેટલાં રાફેલ વિમાનો પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે.  આજે ‘પાકિસ્તાનના બબ્બર છે, એ ભારતના ગબ્બર’ છે. તેમણે આગળ કહ્યું હતું કે ભારતની જય અને વીરતા કારણે ગબ્બરની હાર નિશ્ચિત છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એ નહિ પૂછ્યું કે કેટલાં પાકિસ્તાની એરબેઝ નષ્ટ કરાયાં, કેટલાં આતંકવાદી માર્યા ગયા, પણ તેમણે માત્ર એ પૂછ્યું કે કેટલાં ભારતીય વિમાનો તોડી પડાયાં. આજે કોંગ્રેસમાં બે જૂથ છે – એક જે પાકિસ્તાનને સમર્થન આપે છે અને બીજું જે દેશ માટે અવાજ ઉઠાવવા માગે છે, પણ અમુક નેતાને કારણે એ શક્ય નથી.

દેશમાં એવો પણ સમય હતો જ્યારે આતંકવાદીઓને PMOમાં બોલાવવામાં આવતા. આપણે એ દિવસ પણ યાદ કરવા જોઈએ જ્યારે સોનિયા ગાંધી આતંકવાદીઓની લાશ જોઈને રડી હતી.
તેમણે કહ્યું હતું કે ભારતીય સેના એ આતંકવાદીઓના નવ અડ્ડાઓનો નાશ કર્યો છે. તેની સેટેલાઈટ તસવીરો પણ બતાવવામાં આવી. DGMOએ તમામ તથ્યો રજૂ કર્યાં જ છે. છતાં કોંગ્રેસ સવાલો પૂછે છે.

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાનો ભય, 425 સક્રિય કેસ, 7 દર્દીઓના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યુ છે. ગુરુવારે રાજ્યમાં કોરોનાના 76 નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 જાન્યુઆરીથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 597 પર પહોંચી ગઈ છે. હાલમાં 425 સક્રિય દર્દીઓ છે જ્યારે 165 દર્દીઓ સ્વસ્થ થયા છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી સાત દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જેમાંથી છ દર્દીઓને અન્ય રોગો હતા. હાલમાં, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ માટે ILI (ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો) અને SARI (ગંભીર તીવ્ર શ્વસન ચેપ) સર્વેક્ષણો ચાલી રહ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાવાયરસ પરીક્ષણ અને સારવારની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે અને લોકોએ ગભરાવું જોઈએ નહીં.

 

 

નવા કેસોની વાત કરીએ તો મુંબઈમાં 27, પુણેમાં 21, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં 12, કલ્યાણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઠ, નવી મુંબઈમાં ચાર, કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક, અહિલ્યાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અને રાયગઢ જિલ્લામાં બે કેસ મળી આવ્યા હતા. વિભાગે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025 થી મુંબઈમાં કુલ 379 દર્દીઓ નોંધાયા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એક-એક કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયો હતો, માર્ચમાં કોઈ કેસ નોંધાયો ન હતો, એપ્રિલમાં ચાર કેસ મળી આવ્યા હતા અને મે મહિનામાં 373 કેસ નોંધાયા હતા.

જાન્યુઆરીથી રાજ્યમાં 9,592 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે દર્દીઓ સ્વસ્થ થયા છે તે બધા હળવા ચેપથી પીડાતા હતા. મૃતકો નેફ્રોટિક સિન્ડ્રોમ જેવા રોગોથી પીડાતા હતા જેમ કે હાઈપોકેલેસેમિક હુમલા, કિડની રોગ, મગજનો સ્ટ્રોક (સેરેબ્રોવેસ્ક્યુલર રોગ), ડાયાબિટીક કીટોએસિડોસિસ, ઇન્ટર્સ્ટિશલ ફેફસાના રોગ અને ડાયાબિટીસ. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અન્ય રાજ્યો અને કેટલાક અન્ય દેશોમાં પણ કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યામાં છૂટાછવાયા વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયે આ સૂચનાઓ આપી છે

આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલોમાં ICU બેડ, ઓક્સિજન સપ્લાય અને અન્ય જરૂરી સંસાધનો તૈયાર રાખવા સૂચનાઓ આપી છે. તે જ સમયે, આરોગ્ય મંત્રાલયે લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને વારંવાર હાથ ધોવાની સલાહ આપી છે. નિષ્ણાતો કહે છે કે જે લોકોએ લાંબા સમયથી બૂસ્ટર ડોઝ લીધો નથી તેઓએ રસી લેવાનું વિચારવું જોઈએ.

મખાના: આજની પેઢી માટે સુપર-હેલ્ધી ફૂડ

જ્યારથી લોકો હેલ્થ પ્રત્યે જાગ્રત થવા લાગ્યા છે ત્યારથી તંદુરસ્તી માટે અસરકારક, પણ હજી સુધી બહુ જાણીતી ન બની હોય એવી કેટલીક ખાદ્ય સામગ્રીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ક્યારેક એવું પણ બને છે કે કોઈ હેલ્ધી ફૂડનું મહત્ત્વ ન જાણતાં છતાં પણ અન્ય વ્યક્તિથી પ્રેરાઈને પણ આપણે અમુક પ્રકારનાં ખાદ્યોથી આકર્ષાઈએ છીએ. જો કે કોઈ પણ પ્રકારના આહારનો સ્વીકાર કરતાં પહેલાં આપણને એની ચોક્કસ માહિતી હોય એ જરૂરી છે, જેથી આપણા માટે આપણે એની સ્વીકાર્યતા કે અસ્વીકાર્યતા માટેનો નિર્ણય લઈ શકીએ.

મખાના એ આ પ્રકારનું જ એક ખાદ્ય છે, જે હવે ખૂબ લોકપ્રિય પણ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે એ હેલ્ધી હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ બની શકે છે. બાળકોથી લઈને દરેક ઉંમરની વ્યક્તિ એને પસંદ કરે છે. હવે તો મખાના ઘણી ફ્લેવર્સમાં પૉપકૉર્નની જેમ જ માર્કેટમાં ઉપલબ્ધ છે. કેટલાક લોકો એના હેલ્થ બેનિફિટ્સ વિશે જાણતા થયા છે તો હજી ઘણા એનાથી અજાણ પણ છે. તો મખાના એ શું છે? એ શેમાંથી બને છે? તેમ જ એમાં કયા પ્રકારનાં ન્યુટ્રિયન્ટ્સ રહેલાં છે એ વિશે જાણીએ.

મખાના એ એક પ્રકારના કમળ (વૉટર લિલી)માંથી ઉત્પ્ન્ન થતાં બીજ છે. આ બીજને પાણીમાંથી ચાળીને બહાર કાઢી એને સૂકવવામાં આવે છે. આ સુકાયેલાં સીડ્સને ત્યાર બાદ શેકવામાં આવે છે. પૉપકૉર્નની જેમ એ ફૂલીને મોટાં થાય છે અને એ રીતે આપણા અત્યારના વન ઑફ ધ ફેવરિટ સ્નૅક્સ  મખાના તૈયાર થાય છે. આ સીડ્સ મુખ્યત્વે વરસાદની સીઝનમાં એટલે કે ઓગસ્ટથી ઑક્ટોબરમાં તૈયાર થાય છે. આ પ્રકારનાં કમળ તળાવની અંદરના ભાગમાં ઊગે છે. આપણે ત્યાં એ ફૂલ મોટા ભાગે બિહાર અને દેશના પૂર્વીય તથા દક્ષિણ તરફના ભાગોમાં ઊગે છે. એના બીજને ફોક્સ નટ્સ  તરીકે પણ ઓળખવામાં આવે છે.

મખાનાના પોષણકીય ફાયદા જોઈએ તો એ પ્રોટીનનો ખૂબ સારો સ્રોત છે. આ ઉપરાંત, એમાં ફાઈબર્સ અને કૅલ્શિયમ-મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ સારા પ્રમાણમાં રહેલાં છે. મખાનાનો સમાવેશ ઓછી કૅલરી ધરાવતા તેમ જ ઓછી ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવતા નાસ્તામાં થતો હોવાથી વજન ઘટાડવા માટે તેમ જ બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખવા માટે પણ સ્નૅક્સમાં એનું સેવન કરવામાં આવે છે. મખાનાની અંદર ફ્લેવેનોઈડ્સ નામનું ઍન્ટિઑક્સિડન્ટ છે, જે શરીરમાં રહેલી પેશીઓને નુકસાન થતું અટકાવવાનું કાર્ય કરે છે. એમાં સોડિયમનું પ્રમાણ ઓછું છે તો પોટેશિયમ સારી માત્રામાં છે આથી બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિ માટે પણ મખાના એ આદર્શ નાસ્તો સાબિત થઈ શકે. ગ્લુટેન-ફ્રી હોવાથી એની એલર્જી હોય એ લોકો પણ મખાનાનું સેવન કરી શકે છે.

આ ઉપરાંત, મખાનાનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો એ વધતી ઉંમરની અસરને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર મખાનાનો ઉપયોગ કેટલીક બીમારીના ઉપચારમાં પણ થાય છે. આયુર્વેદ અનુસાર મખાનાનું સેવન કરવાથી પુરુષોની સ્પર્મ ક્વૉલિટીમાં સુધારો થાય છે. એ ખાવાથી ડાયેરિયા પણ કન્ટ્રોલ થાય છે. કૅલ્શિયમનું સારું પ્રમાણ હોવાને કારણે મખાના હાડકાંની તંદુરસ્તી માટે પણ ફાયદેમંદ છે.

આટલા ગુણ હોવા છતાં પણ કમનસીબે બધા લોકો એ ખરીદી શકે એમ નથી. એનું મુખ્ય કારણ છે સૂકા મેવા જેવો એનો ભાવ! મૂળ તો ઓછું ઉત્પાદન તેમ જ એને ઉગાડવામાં અને ત્યાર બાદ એની સૂકવવાની તથા તૈયાર કરવાની પ્રોસેસમાં લાગતો ખર્ચ એના વધુ ભાવનું કારણ છે. આ ઉપરાંત, ઉત્પાદનની સામે હવે એની ડિમાન્ડ વધી રહી છે અને પરિણામે એના ભાવ પણ વધી રહ્યા છે. ઘણા પ્રાંતોમાં મખાના ઉપવાસમાં લેવાતા હોય છે. એમાંથી વિવિધ પ્રકારની મીઠાઈ અને નમકીન બને છે. ઉત્તર પૂર્વીય ભાગોમાં મખાનાનું ચલણ વધારે છે. હવે ગુજરાત-મહારાષ્ટ્ર અને દેશના બીજા વિસ્તારોમાં મખાનાનો ઉપયોગ એક આદર્શ તેમ જ હેલ્ધી નાસ્તા તરીકે થાય છે.

અલબત્ત, એ પણ યાદ રાખવા જેવું છે કે મખાનાનું સેવન કેટલીક બીમારીમાં હાનિકારક પણ છે. એનું સેવન કબજિયાત તથા પેટ ફૂલવા જેવી તકલીફ ઊભી કરી શકે છે. મખાના મૂળ તો કમળનાં બીજ છે, જેમાં કેટલીક ભારે ધાતુ (એલિમેન્ટ્સ) હોય છે. આ સ્થિતિમાં મખાના નુકસાન કરી શકે છે. એમાં ફાઈબર તેમ જ પ્રોટીનની માત્રા વધુ હોવાને કારણે પચવામાં સમય વધારે લાગે છે આથી જેની પાચનશક્તિ નબળી હોય એમના માટે પણ મખાના હિતાવહ નથી.

ઉપરાંત, કિડની સ્ટોનની સમસ્યા ધરાવતા લોકોએ પણ મખાના ન લેવા, કારણ કે એમાં કૅલ્શિયમ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધતાં સ્ટોનની સાઈઝ વધી શકે છે. મખાનામાં સ્ટાર્ચ પણ સારા પ્રમાણમાં હોય છે એટલે જેમને એલર્જીની સમસ્યા હોય એમને વધુપડતા મખાના એલર્જિક રિઍક્શન કરાવી શકે છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

વાસ્તુ: નૈરુત્ય અને ઇશાનને જોડતો અક્ષ નકારાત્મક હોય તો…

જો તમે એકલા જતા હો અને કોઈ પ્રહાર કરે તો તમે શું કરશો? જો તમારો જવાબ પોલીસની મદદ લેશો એ હોય તો વિચારવા જેવું છે. સહુથી પહેલા તો પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરવો પડે. કોઈ પણ એપ ગમે તેટલી પાવરફુલ હોય પણ વ્યક્તિને તમારા સુધી પહોંચવામાં સમય તો લાગે જ. આજના જમાનામાં સુરક્ષા ખુબ જ જરૂરી છે. પણ શું આપણે એ વિષયને એટલો મન પર લઈએ છીએ? કોઈ મવાલી ઘરના દરવાજા સુધી પહોંચી જાય અને સોસાયટીના ગાર્ડને પગાર આપવા માટે તમે મેઈન્ટેનન્સ આપો છો તો એની જવાબદારી સોસાયટીની જ કહેવાય. પછી બિચારી એજન્સી પાસે માણસો નથી એવું કહીને બેસી જઈએ તો પછી જે કાઈ થાય એ જવાબદારી વ્યક્તિગત જ ગણાય. બેજવાબદાર એજન્સીને રાખવા બદલ સોસાયટીને જ જવાબદાર ગણી શકાય. જો પોઈન્ટ ખાલી જ રહેતા હોય તો પછી પગાર આપીને મુર્ખ તો ન જ બનાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ જો કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: જો યુદ્ધ થાય અને કોઈ આંતર વિદ્રોહ થયો તો એના માટે સેનાને તો ન જ બોલાવી શકાય. પણ શું આપણે એ પરિસ્થિતિને સીરીયસલી લઈએ છીએ ખરા? આતંકવાદીને દેશમાં ન આવવા દેવા એ માત્ર સરકારની જ જવાબદારી છે? અમારી સોસાયટીમાં એક ભાઈ એની કંપનીના ડીલીવરી બોયને સાથે રાખીને ભાડે રહે છે. વીસેક માણસો જેના વિષે કોઈને કશી જ ખબર નથી એ ટાણે બે ટાણે આવે છે. એમનું કોઈ આધાર કાર્ડ કે માહિતી સોસાયટીની ઓફિસમાં નથી. એ લોકો બેગમાં કોઈ વસ્તુની ડીલીવરી કરવા જાય છે. વળી એ લોકો કોઈ વિદેશી ભાષા પણ બોલે છે. આ અંગે સોસાયટીમાં જાણ  કર્યા બાદ એમણે અમારા બિલ્ડીંગમાં ગાર્ડ મુકવાનું જ બંધ કરી દીધું છે. વળી કોઈ પણ અજાણ્યા માણસો અમારા દરવાજા સુધી આવીને ખાલી ખાલી હેરાન કરે છે. સોસાયટી મેનેજર કહે છે કે ન ફાવે તો ઘર વેંચી દો. અને ચેરમેન તો પેલા ભાઈ વિષે વાત કરતાની સાથે જ મારી નાખવાની ધમકીઓ આપે છે. તો શું એ પણ આ ષડ્યંત્રનો ભાગ હશે? વળી મોટા ભાગે સિક્યોરીટી ગાર્ડ ઓછા જ હોય છે. પણ સોસાયટી પગાર પૂરો આપે છે. બધા ચેરમેનના ત્રાસથી ડરે છે. થોડા દિવસ પહેલા કોઈ ચોરની પાછળ પોલીસ પડી હતી ત્યારે અમારી સોસાયટીમાં સંતાઈ ગયા હતા. અને ચાર કલાકની શોધાશોધ પછી મળ્યા હતા.

સોસાયટીના અમુક કેમેરા પણ હલકી બ્રાન્ડના હોવાથી બંધ હોય છે. આવા સંજોગોમાં કેવી રીતે રહેવાય? જો અન્ય લોકોને કહીએ તો એ લોકો કહે છે કે જો કોઈ હુમલો થશે તો એ તો સરકારનું ખરાબ દેખાશે. પોતાના જીવની જાણે કોઈને પડી જ નથી. અને માની લઈએ કે સરકાર જવાબદારી લઇ પણ લે પણ જો માણસ મરી જાય તો એનો જીવ પાછો આવશે ખરો? આતો ચોર સંતાવા આવ્યા હતા. કાલે કોઈ આતંકવાદી પણ આવી જાય તો કોને ખબર પડવાની છે? કાયમ કોઈ ખરાબ ઘટના થાય પછી જ જાગવાનું? અને ચેરમેન એમના મિત્રો અને પરિવાર સાથે આખો વખત સોસાયટીનું મફતનું એસી વાપરવા ત્યાં પડ્યા પાથર્યા રહે છે. એટલે કોઈ વાત કરવી હોય તો એમના ઘરના સભ્યો સોસાયટીના  સોફા પર સુતા હોય. કોઈક જમતું હોય અને એંઠા વાસણ પડ્યા હોય. વળી ઉભા રહીને પણ વાત કરતા હોઈએ ત્યારે કોઈક લેડીઝને પાછુ એની ટીવી સીરીયલમાં ભંગ પડે. એટલે એ વચ્ચે ઝગડવા લાગે. સોસાયટી ઓફિસની જગ્યાએ સરકારી આવાસમાં હોઈએ એવી લાગણી થઇ જાય. પણ તોએ હિંમત રાખીને વાત પૂરી કરીએ તો ચેરમેનની જગ્યાએ એમના મમ્મી ધમકાવવા માંડે. આટલા સારા પ્રધાન મંત્રી છે તોએ તમને સિક્યોરીટી જોઈએ છે? એમ કહીને પછી સરકાર પર બધું ઢોળી દે. શું સરકારને આવા બધા કામ કરવાના છે? માણસને પોતાને ભ્રષ્ટાચાર કરવો છે. અને જવાબદારી આપણા વડીલ પર નાખી દેવાની? એના કરતા સારી સિક્યોરીટી એજન્સી શોધી લે તો?

શું આવી કમિટી અને આવા લેભાગુ લોકો વાસ્તુ દોષના લીધે આવતા હશે?

જવાબ: 1) આપણી સરકારે આપણને એટલી બધી સુરક્ષિત માનસિકતા આપી દીધી છે કે આપણે આપણી દરેક બાબતની જવાબદારી એમની જ છે એવી માનસિકતામાં આવી ગયા છીએ.

2) કોઈને જવાબદારી લેવી નથી એટલે જ નવરા લોકો હોય એ જ કમિટીમાં આવે છે. અને જેમની પાસે કોઈ કામ નથી એ તો જ્યાં જગ્યા મળે ત્યાં પડ્યા પાથર્યા રહેવાના છે. વળી જેમની પાસે કામ નથી એમના માટે તો સોસાયટી જ એમની આજીવિકાનું સાધન બની શકે. શું તમે સોસાયટીની ચૂંટણીમાં ઉભા રહેશો? તમારે જ તમારી જવાબદારી લેવી પડશે. પોતાના ઘરની અલગથી સિક્યોરીટી સીસ્ટમ નાખો.

3) તમારી વાત પરથી સમજાય છે કે કોઈને પોતાની સુરક્ષામાં રસ નથી. પ્રધાનમંત્રી દરેક સોસાયટીમાં દરેકની સુરક્ષા માટે વિચારે તો દેશમાં અગત્યના પ્રશ્નો માટે સમય જ ન રહે. આત્મ સુરક્ષા માટે સ્પ્રે સાથે રાખો. કોઈ અચાનક સામે આવી જાય તો જેટલી તાકાત હોય એનાથી મદદ માટે બુમો પાડો. જો કોઈ મદદ માટે ન આવે તો સ્પ્રે છાંટી એ જગ્યાએથી દુર ભાગી અને પોલીસની મદદ માંગો.

4) જે લોકો પોતાની સુરક્ષાનો વિચાર નથી કરતા એમના ભરોશે ન રહેવાય. કોઈ સારી સિક્યોરીટી વાળી જગ્યાએ ઘર પણ લઇ શકો.

5) આ માત્ર તમારી સોસાયટીનો પ્રશ્ન નથી. આજકાલ કોઈને પોતાના માટે સમય નથી. એટલે જે ચાલે છે એવું ચાલવા દે છે. એટલે કોઈના ભરોસે રહેવા કરતા માત્ર તમારી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરો. જો કમિટી વાળા ફરિયાદ કર્યા બાદ તમને ધમકાવતા હોય તો તમારે સમજીને નવી જગ્યાએ જતા રહેવું જોઈએ. ત્યાં બીજું શું શું ચાલતું હશે એ તમને ખબર નથી.

6) માત્ર વાસ્તુના લીધે આવું ન થાય. પણ હા, નૈરુત્ય અને ઇશાનને જોડતો અક્ષ નકારાત્મક હોય અને અગ્નિમાં કોઈ કમિટી મેમ્બર રહેતા હોય તો આવું થઇ શકે. દર બેસતા મહીને કીડીયારું પૂરો. ઘરમાં સુખડનો ધૂપ ફેરવો.

સુચન: સોસાયટીના બરાબર નૈરુત્યમાં જો નકારાત્મક વ્યક્તિ રહેતી હોય તો એની અસર અન્ય લોકો પર આવી શકે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

મુક્તસર સાહિબની ફટાકડા ફેક્ટરીમાં ધડાકોઃ પાંચનાં મોત, 34 ઘાયલ

ચંડીગઢઃ પંજાબના મુકતસર સાહિબ વિસ્તારમાં આવેલા એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો છે. આ ધડાકામાં પાંચ લોકોનાં મોત થયાં છે અને 34 લોકો ઘાયલ થયા છે. આ ધડાકાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના તમામ ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ લોકોને વધુ સારી સારવાર માટે ભઠિંડાના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર હાલ ઘટનાનાં કારણોની તપાસ કરી રહ્યા છે.વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામનાં ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગઈ કાલે રાત્રે આશરે જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્રાથિમક માહિતી મુજબ આ વિસ્ફોટમાં 34 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને પાંચથી વધુનાં મોત થયાં છે. ઈજાગ્રસ્તોને ભઠિંડા એઇમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટને કારણે બે માળની ફેક્ટરીની ઈમારત પળવારમાં ધ્વસ્ત થઈ ગઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારથી જવાબદાર કોન્ટ્રેક્ટર ફરાર થઈ ગયો છે.

જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીના પેકિંગ યુનિટમાં કામ કરનારા પરપ્રાંતીય શ્રમિકોના જણાવ્યા અનુસાર અહીં બે શિફ્ટમાં કામ થાય છે અને લગભગ 40 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી અમુક તો પરિવાર સાથે જ અહીં રહે છે. મોટા ભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશમાં અને બિહારના હતા. આ ધડાકા બાદ ઘટનાસ્થળે કૉર્સેર કંપનીના બોક્સમાં તૈયાર ફટાકડા પડ્યા હતા. આ દરમિયાન ઘટનાસ્થળથી હરિયાણાની નંબર પ્લેટવાળો છોટા હાથી (વાહન) પણ મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં SSP અખિલ ચૌધરી, એસપી મનમિત સિંહ, લમ્બીના ડીએસપી જસપાલ સિંહ અને કિલ્લિયાંવાલી પોલીસ સ્ટેશનના પ્રભાર કર્મજિત કૌર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. હાઇડ્રો મશીનથી હાલ કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ ફેક્ટરી સિંઘે વાલા-ફુતુહી વાલાના તરસેમ સિંહ નામના વ્યક્તિની છે, જે એક માન્ય ફેક્ટરી છે. કાટમાળની નીચેથી ત્રણ મૃતદેહ મળ્યા છે. હાલ, યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચાલી રહ્યું છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૩૦ મે ૨૦૨૫

Chitralekha Gujarati – 09 June, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.