Home Blog Page 821

રાજનાથ સિંહે ચીનમાં SCO બેઠકમાં પાકિસ્તાનને લગાવી ફટકાર

કિંગદાઓઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ચીનના કિંગદાઓ શહેરમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંસ્થા (SCO)ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાષણમાં આ દેશોની કડક નિંદા કરી, જે પોતાના રાજકીય હથિયાર તરીકે સરહદી આતંકવાદનો ઉપયોગ કરે છે અને આતંકવાદીઓને આશરો આપે છે. તેમનું આ નિવેદન એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી આવ્યું છે.

સંરક્ષણ મંત્રીએ SCO  સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં SCO ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવાથી ઇનકાર કરી દીધો હતો.  આ દસ્તાવેજમાં આતંકવાદના મુદ્દાને નબળો પાડવાના પ્રયાસો થયા હતા.

સિંહે કહ્યું હતું કે કેટલાક દેશો સરહદી આતંકવાદને નીતિના સાધન તરીકે ઉપયોગ કરે છે અને આતંકીઓને આશરો આપે છે. આવા બેવડાં ધોરણો માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. SCOએ આવા દેશોની નિંદા કરવામાં સંકોચ કરવો નહીં જોઈએ.

તેમણે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની પણ વાત કરી જેમાં નેપાળના એક નાગરિક સહિત 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. રાજનાથસિંહે પાકિસ્તાન પર સીધો આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’એ લીધી હતી, જે યુનાઇટેડ નેશન્સ દ્વારા આતંકી જાહેર કરવામાં આવેલા લશ્કર-એ-તૈયબાનું અંગ છે.

તેમણે જણાવ્યું કે ભારતે “રક્ષણના અધિકાર”નો ઉપયોગ કરતાં “7 મેએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર” ચલાવ્યું હતું, જેના માધ્યમથી સરહદ પારના આતંકી માળખાને નાશ કરવામાં આવ્યા હતાં.

સિંહે કહ્યું, “પહેલગામ હુમલાનું પેટર્ન ભારતે અગાઉ ભોગવેલા અનેક આતંકી હુમલાઓથી મળે છે. આતંકવાદ સામે લડવા અને સરહદ પારથી થતા હુમલાઓ રોકવા માટે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને સફળતા મેળવી છે.

શાંઘાઈ સહકાર સંગઠનની સંરક્ષણ મંત્રીઓની બેઠક 25-26 જૂન દરમિયાન ચીનના કિંગદાઓમાં યોજાઈ રહી છે, જેમાં ભારત, ચીન, રશિયા અને મધ્ય એશિયાના ઘણા સભ્ય દેશો સામેલ છે. તેઓ ક્ષેત્રિય અને વૈશ્વિક શાંતિ-સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.

કબીરવાણી: ભક્તિની પાત્રતામાં ધનિક કે ગરીબના ભેદ…

 

ભક્તિ ગેંદ ચોગાન કી, ભાવે કોઈ લે જાય,

 કહૈ કબીર કુછ ભેદ નહિ, કહાં રંક કહાં રાય.

 

સમાજમાં પૈસાદાર, મોભાદાર, સત્તાધારી વ્યક્તિ મોજશોખમાં જીવન વ્યતિત કરવા પ્રેરાય છે. ગરીબ વ્યક્તિ કર્મનું ફળ માની યાતના સહન કરતાં કરતાં આવતા જન્મે સુખ મળશે તેવી આશામાં દિવસો વિતાવે છે.

કબીરજી કહે છે કે, ભક્તિ તો મોટા મેદાનમાં રાખેલા બોલ-દડા સમાન છે. જેને ઈચ્છા થાય તે લઈ જાય. ભક્તિની પાત્રતામાં ધનિક કે ગરીબના ભેદ છે જ નહીં.

ભારતીય ફિલસૂફીની અજોડ સિદ્ધિ એ છે કે તે તમામ શક્યતાઓને સ્વીકારે છે. આ અનંત વિકલ્પોમાં ઘણા ગૂંચવાય છે પણ ગૂંચવણ ઉકેલે તે ગુરુના ન્યાયે કબીર સાહેબ ભક્તિ કરવા પ્રેરે છે. કબીરજી ધર્મગુરુ કરતાં વિશેષ છે. તેમનું કાર્ય દુઃખી વ્યક્તિને અને હતપ્રભ સમાજને ચેતનવંતો બનાવવાનું છે.

આધુનિક યુગના અનેક સુધારાઓ કબીરજીની સાખીમાં તાણાવાણારૂપે વણાયેલા જોઈ શકાય છે. કમનસીબી એ વાતની છે કે, 450 વર્ષ કરતાં વધારે સમય બાદ પણ સમાજની રૂઢિઓ, બદીઓ, દંભ કે પાખંડ હટવાનું નામ નથી લેતાં – ક્યાંક ક્યાંક તો તે મજબૂત બનતા જણાય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

નદીમાં યાત્રીઓ ભરેલી બસ પડીઃ ત્રણનાં મોત, સાત ઘાયલ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં બદરીનાથ હાઇવે પર ઘોલતીર નજીક ગુરુવારે 18 લોકોને લઇ જતી એક યાત્રીઓની બસ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિનાં મોતની પુષ્ટિ થઈ છે અને સાત લોકો ઘાયલ થયા છે, જ્યારે સાત લોકો લાપતા છે.

SDRF, પોલીસ અને પ્રશાસનની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે, એમ અહેવાલ કહે છે. પોલીસ મુખ્યાલયના પ્રવક્તા અને IG નીલેશ આનંદ ભરણે જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અલકનંદા નદીમાં પડી ગઈ. હાલ મળેલી માહિતી પ્રમાણે બસમાં કુલ 18 મુસાફરો હતા.

આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ટીમ રવાના થઇ હતી. ગઈકાલે જ ઉત્તરાખંડના પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં અનેક જિલ્લામાં આભ ફાટ્યું હતું જેને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ હતી. 

આ  ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ દળ અને સ્થાનિક તંત્રની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને અમુક ઈજાગ્રસ્તોને બચાવી લીધા હતા. તેમને સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ ઘણા લોકો ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સુવિચાર – ૨૬ જૂન ૨૦૨૫

૨૬ જૂન ૨૦૨૫

પંચાંગ 26/06/2025

27,661 યુનિટ રક્ત એકત્ર થયું, ગત વર્ષનો 25,282 યુનિટનો રેકોર્ડબ્રેક

અમદાવાદ: અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા અદાણી ફાઉન્ડેશને ૨૪ જૂનના રોજ ૨૧ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦૬ શહેરોમાં રાષ્ટ્રવ્યાપી મેગા રક્તદાન ઝુંબેશનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના 63મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત યોજવામાં આવ્યો હતો. જેમાં ગત વર્ષના ૨૫,૨૮૨ યુનિટના રેકોર્ડને પાર કર્યો હતો. સૌ પ્રથમ વખત આ મેગા રક્તદાન અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયુ જેમાં કોલંબોના CWIT પોર્ટ અને દાર-એ-સલામ પોર્ટ, તાન્ઝાનિયા ખાતે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અદાણી હેલ્થકેર ટીમના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલી આ પહેલમાં અદાણી ગ્રુપના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યુ હતું. ૨૭,૬૬૧ યુનિટ (લગભગ ૧૧,૧૦૦ લિટર) રક્તદાન અભિયાન થકી ૮૩,૦૦૦થી વધુ દર્દીઓને લાભ મળશે. તેનાથી હોલ બ્લડ, પી.સી.વી., પ્લેટલેટ કોન્સન્ટ્રેટ્સ, પ્લાઝ્મા, એફ.એફ.પી., ક્રાયોપ્રિસિપીટેટ અને આલ્બ્યુમિન જેવા રક્ત ઘટકોથી જીવનરક્ષક સહાય મળશે.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે “હું અમારા અદાણી પરિવારનો આ સેવા કાર્યને મહત્વ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું, તમારી ઉદારતા અસંખ્ય લોકો માટે જીવનરક્ષક બનશે.”

રેડ ક્રોસ બ્લડ બેંક અને સરકારી હોસ્પિટલો સાથે ભાગીદારીમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અદાણી ગ્રુપના 3000થી વધુ ડોકટરો, પેરામેડિક્સ, ડેટા ઓપરેટરો અને વહીવટી કર્મચારીઓની ટીમે તેમાં ખભે-ખભો મીલાવીને સહયોગ કર્યો હતો.

2011થી ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે આ કવાયત વાર્ષિક પરંપરાનો ભાગ રહી છે. આ ઝુંબેશ ફાઉન્ડેશનના સમુદાય-આગેવાની હેઠળના કાર્ય અને પહેલ દ્વારા ગૌતમ અદાણીના “સેવા હી સાધના હૈ” (સેવા એ જ પૂજા છે) ના માર્ગદર્શક દર્શનનું સન્માન કરે છે. અદાણી ગ્રુપની બિન-લાભકારી શાખા સમુદાયોના સર્વસમાવેશક, સમાન અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

EDના ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠક બ્લોકિંગ મામલે દરોડા

બેંગલુરુઃ  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) બેંગલુરુની કેટલીક ખાનગી કોલેજોમાં આવેલા કથિત ‘એન્જિનિયરિંગ બેઠક બ્લોકિંગ કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ (PMLA)ની તપાસ હેઠળ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, આ માહિતી સત્તાવાર સૂત્રોએ આપી છે. BMS કોલેજ ઓફ એન્જિનિયરિંગ, આકાશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી અને ન્યુ હોરાઇઝન કોલેજ ઓફ એન્જિનિયરિંગ જેવી કોલેજોના કેમ્પસમાં, BMS ટ્રસ્ટીઓ અને તેમના મુખ્ય સાથીદારો ઉપરાંત કેટલાક શૈક્ષણિક સલાહકારો અને એજન્ટોને ત્યાં પણ શોધખોળ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંઘીય તપાસ એજન્સી બેંગલુરુ ઝોનલ એકમ મારફતે PMLA હેઠળ તપાસ ચલાવી રહી છે. ED અધિકારીઓએ બુધવારે એન્જિનિયરિંગ સીટ કૌભાંડ સંદર્ભે બેંગલુરુ સહિત કર્ણાટકના લગભગ 18 સ્થળોએ દરોડા અને તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ દરોડા બેંગલુરુના એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓની સીટો છેતરપિંડીથી રોકવામાં આવેલા ગેરકાયદે પૈસા તપાસનો ભાગ છે.

EDના સર્ચ ઓપરેશનમાં ખાસ કરીને BMS ઈજનેરિંગ કોલેજ, આકાશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈજનેરિંગ અને અન્ય સંબંધિત આરોપીઓ સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ દરોડાઓ 2024-25ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બેંગલુરુમાં બનેલા એન્જિનિયરિંગ સીટ કૌભાંડને લઇને કરવામાં આવ્યા છે, જેમાં 2000થી વધુ સીટો ગેરકાયદે રીતે બ્લોક કરવામાં આવી હતી.

એ પહેલાં, બેંગલુરુના મલ્લેશ્વરમ પોલીસ સ્ટેશને કર્ણાટક એક્ઝામિનેશન ઓથોરિટી (KEA)ના એક કોન્ટ્રેક્ટ કર્મચારી સહિત 12 લોકોને આ મામલે ધરપકડ કરી હતી. તે સમયે અનેક એન્જિનિયરિંગ કોલેજોને નોટિસો પણ આપવામાં આવી હતી.

રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ કરાશે

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની148 મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યપ્રધાનના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની તથા વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

મુખ્યપ્રધાન અમદાવાદ સહિત રાજ્યમાં 213 કરતાં વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, રથયાત્રાનો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યધાન અને ગૃહ રાજ્યધાન સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.


આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. A.I.ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહિ, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.


રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્‍ટેશનમાં પોલીસ કમિશનેએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત ૨૩,૮૮૪થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1000 જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.રથયાત્રાના રૂટ પર આવેલી 484 જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી. આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

આ પપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની ૧૭૭, મહોલ્લા સમિતિની 235 તેમજ મહિલા સમિતિની 57 બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે 21 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 10 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યપ્રધાન સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અદાણી ટોટલ ગેસ, જિયો-BP આઉટલેટ્સ પર એકબીજાનાં ઇંધણ પૂરાં પાડશે

અમદાવાદઃ અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) અને રિલાયન્સ BP મોબિલિટી લિ.ની ઓપરેટિંગ બ્રાન્ડ Jio-BPએ ભારતીય ગ્રાહકો માટે છૂટક ઓટો ફ્યુઅલના બહોળા અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવા માટેના કરાર કર્યાની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સમાં Jio-BPના ઊંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-BPના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સમાં ATGLના CNG વિતરણ એકમોને અદાણી ટોટલ ગેસના અધિકૃત ભૌગોલિક ક્ષેત્રોમાં એકીકૃત કરશે, જેનાથી વાહનધારક ગ્રાહકો માટે ઊંચી ગુણવત્તાવાળા ઇંધણનો પુરવઠો વધશે.

આ ફોટોમાં ડાબેથી જમણે પરાગ પરીખ- CFO, સુરેશ પી. મંગલાની- CEO (અદાણી ટોટલ ગેસ લિ.), પ્રણવ અદાણી, (અદાણી એન્ટરપ્રાઇઝીસ- ડિરેક્ટર), સાર્થક બેહુરિયા- ચેરમેન, વિનોદ તાહિલિયાની- CFO (JIO-BP) નજરે ચઢે છે.

અદાણી અને ટોટલ એનર્જીના સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગેસ લિ. દેશની અગ્રણી સિટી ગેસ વિતરણ  કંપની છે, જે આવાસો, ઉદ્યોગો, વાણિજ્યિક ગ્રાહકો અને વાહનચાલકોને કુદરતી ગેસનો પુરવઠો પૂરો પાડવાની સેવા આપે છે. અદાણી ટોટલ ગેસ પરિવહન ક્ષેત્ર માટે કમ્પ્રેસ્ડ બાયોગેસ, EV ચાર્જિંગ અને LNG પણ પૂરો પાડે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને BP વચ્ચેના સંયુક્ત સાહસ Jio-BP, ભારતમાં એક અગ્રણી મોબિલિટી સોલ્યુશન્સના પ્રદાતા છે, જે ઇંધણનું છૂટક વેચાણ તેમ જ ઓછી માત્રામાં કાર્બન ઓકતા વિકલ્પો  ઉપલબ્ધ કરાવવા સાથે આધુનિક સુવિધાયુકત સ્ટોર્સમાં મજબૂત હાજરી ધરાવે છે.

આ પ્રસંગે Jio-BPના ચેરમેન સાર્થક બેહુરિયાએ જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઇંધણની શ્રેષ્ઠ પસંદગી પૂરી પાડવા માટે એક સહિયારી દૂરંદેશી સાથે એક થયા છીએ. Jio-BP ગ્રાહકોને હંમેશાં એક અસાધારણ અનુભૂતિનો અહેસાસ કરાવવા માટે પ્રતિબદ્ધ રહી છે અને ભારતને પ્રદાન કરેલા મૂલ્યમાં વધુ ઉમેરો કરવા માટે પરસ્પરની શક્તિઓનો ઉપયોગ કરવાની આ સહયોગ અમને મોકળાશ આપે છે.

અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે અમારા આઉટલેટ્સમાં ઊંચી-ગુણવત્તાના ઇંધણની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવાનું આ અમારી સહિયારી દૂરદ્રષ્ટિ છે. આ ભાગીદારી અમને એકબીજાની માળખાગત સુવિધાઓનો ફાયદો લેવા સક્ષમ બનાવવા સાથે સામાન્ય ગ્રાહકોને આ બન્નેના અનુભવ અને ઓફરિંગમાં ઉમેરો કરશે. અદાણી ટોટલ ગેસ 650 CNG સ્ટેશનોના નેટવર્કનું સંચાલન કરે છે, જ્યારે Jio-bp 2000 આઉટલેટ્સનું નેટવર્ક ધરાવે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી બંને કંપનીઓની ટકાઉ વૃદ્ધિ અને નવીનતા તરફના પ્રયાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.