મુંબઈઃ ટાઈગર શ્રોફને એક્શન હિરો તરીકે ચમકાવતી અને હાલમાં જ રિલીઝ થયેલી ‘બાગી 3’ ફિલ્મના બોક્સ ઓફિસ પરના દેખાવથી એના દિગ્દર્શક એહમદ ખાન બહુ ખુશ છે.
ટાઈગર શ્રોફ, સાજિદ નડિયાદવાલા, એહમદ ખાન
ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘બાગી 3’ ફિલ્મે પહેલા જ સપ્તાહાંતે બોક્સ ઓફિસ પર રૂ. 53.83 કરોડની કમાણી કરી છે.
એક મુલાકાતમાં એહમદ ખાને કહ્યું કે લોકોને મારું દિગ્દર્શન ગમ્યું છે. ‘બાગી 2’ને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. એટલે મને હતું જ કે લોકો ‘બાગી 3’ને પણ જરૂર પસંદ કરશે.
ખાને વધુમાં કહ્યું કે, ફિલ્મમાં એક્શનનો આગ્રહ અને ટાઈગર શ્રોફના પાત્રની લોકપ્રિયતાને કારણે ‘બાગી’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ પણ સફળ થઈ છે. વળી, ફિલ્મનું એક્શન ફિલ્મની વાર્તા સાથે સરસ રીતે ભળી જાય છે. ટાઈગર શ્રોફનો ચાહકવર્ગ ખૂબ મોટો છે. તેથી આ ફિલ્મોની સફળતાનો શ્રેય ટાઈગરને જાય છે.
ટાઈગર શ્રોફ સાંકળતા એક્શન દ્રશ્યો તૈયાર કરવાના આવતા ત્યારે અમારી 80 ટકા ચિંતા દૂર થઈ જતી, કારણ કે એક્શન દ્રશ્યોને સફળ બનાવવા માટે ડબલ મહેનત કરતો હતો. આવા લોકો સાથે હોય તો કામ આસાન બની જાય.
શું તમે ‘બાગી 4’ પણ બનાવશો? એના જવાબમાં એહમદ ખાને કહ્યું કે આ ફિલ્મના માલિક સાજિદ નડિયાદવાલા છે. જો એ નક્કી કરશે તો અમે જરૂર ‘બાગી 4’ બનાવીશું. અમે આ ફ્રેન્ચાઈઝને ચોક્કસપણે જીવંત રાખીશું.
વડોદરા: ક્રિકેટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એના ક્રિકેટર ભાઈ કૃણાલ અને ફિયાન્સી નતાશા સ્ટેન્કોવિચની સાથે મળીને આજે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવ્યો છે.
હાર્દિકે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર તસવીરો પોસ્ટ કરી છે. ઘરમાં જ હોળી રમતી વખતે પાડેલી તસવીરમાં કૃણાલની પત્ની પંખૂડી પણ છે.
હાર્દિક ઈજાને કારણે ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે, પણ હવે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનાર આગામી વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી માટેની ટીમમાં એને સામેલ કરાયો છે તેથી ટૂંક સમયમાં જ એ ટીમ સાથે જોડાશે.
હાર્દિક પીઠની પીડા અને સર્જરીને કારણે ટીમથી દૂર રહ્યો છે. છેલ્લે એ 2019ના સપ્ટેંબરમાં આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો હતો.
દક્ષિણ આફ્રિકા અને ભારત 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝની પહેલી મેચ 12 માર્ચે રમાશે.
ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વન-ડે મેચ 12 માર્ચે ધરમશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં, બીજી મેચ 15 માર્ચે લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં અને ત્રીજી મેચ 18 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
ભોપાલ/નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં વગદાર અને વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
સિંધિયાએ એમના રાજીનામાનો પત્ર આજે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. એ પત્ર કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખ્યો છે.
આજે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકની અમુક જ મિનિટ બાદ સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. સિંધિયા આજે સવારે પહેલાં દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને ત્યાંથી બંને નેતા મોદીને મળવા ગયા હતા.
સિંધિયાએ 9 માર્ચની તારીખવાળા એમના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે આગળ વધવાનો સમય આવી ગયો છે.
સિંધિયાએ સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘તમે તો જાણો જ છો કે, છેલ્લા એક વર્ષથી હું અલગ થવાનું વિચારતો હતો. મારો હેતુ અને ઉદ્દેશ્ય એ જ સ્થિતિમાં જ રહેવાનો હતો, જ્યાં હું શરૂઆતથી જ હંમેશા રહ્યો છું, એટલે કે મારા રાજ્ય અને દેશની જનતાની સેવા કરવી. મને લાગે છે કે હવે આ પક્ષમાં રહીને હું આ કરી શકતો નથી. મારું માનવું છે કે માગે નવી શરૂઆત કરવા માટે આગળનું જોવાનો આ શ્રેષ્ઠ સમય છે.’
સિંધિયાના રાજીનામાને સમર્થન આપતા કોંગ્રેસનાં લોકસભામાંના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, ‘સિંધિયાજીએ કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સિનિયર હોદ્દા સંભાળ્યા હતા. એમનો ઘણો આદર કરાતો રહ્યો છે. મોદીજીએ કોઈક પ્રધાનપદની કરેલી ઓફરથી એ કદાચ લલચાઈ ગયા હોય એવું લાગે છે. અમે જાણીએ છીએ કે સિંધિયાનો પરિવાર દાયકાઓથી ભાજપ સાથે રહ્યો છે, પરંતુ સિંધિયાની વિદાય અમારા માટે મોટા ફટકાસમાન છે.’
સિંધિયાના રાજીનામાને પગલે મધ્ય પ્રદેશમાં નવેસરથી રાજકીય કટોકટી ઊભી થશે. સિંધિયાને ટેકો આપતા અમુક પ્રધાનો સહિત લગભગ 20 વિધાનસભ્યો સિંધિયાની સાથે કોંગ્રેસ છોડી ગયા છે. બેંગલુરુમાંથી એમણે પણ પોતાના રાજીનામા પક્ષને આપી દીધા છે. આને કારણે રાજ્યમાં કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારને માથે મુશ્કેલી ઊભી થઈ છે.
સિંધિયાએ રાજીનામું આપ્યાના સમાચાર બાદ કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે એક ટૂંકું નિવેદન બહાર પાડ્યું હતું અને એમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પ્રમુખે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તાત્કાલિક રીતે હાંકી કાઢ્યા છે.’
એ પછી ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘જે વ્યક્તિએ રાજીનામું આપી દીધું હોય એને તમે હાંકી કેવી રીતે શકો?’
કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ
દરમિયાન, મધ્ય પ્રદેશમાં, કોંગ્રેસના 6 પ્રધાન સહિત 19 વિધાનસભ્યોએ પણ સિંધિયાની સાથોસાથ એમના રાજીનામા બેંગલુરુથી કોંગ્રેસ પાર્ટીને સુપરત કરી દેતાં કમલનાથની આગેવાની હેઠળની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
આ 19 વિધાનસભ્યોએ એમનું રાજીનામુંપત્ર દર્શાવતી સમૂહ તસવીર પડાવી છે જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.
વુહાનઃ ઘાતક કોરોના વાયરસના કારણે એક તરફ ચીનમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે તો ચીનમાં 100 વર્ષના એક વૃદ્ધે આને મ્હાત આપી છે અને તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોનાથી સંક્રમિત 100 વર્ષના એક વ્યક્તિ સાજા થઈ ગયા છે. આ વ્યક્તિને શનિવારના રોજ વુહાનની એક હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ મળી આવ્યા હતા.
તેમને ફેબ્રુઆરીના રોજ હુબેઈની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લૂ જેવી શ્વાસની બિમારી સિવાય આ વડીલને અલ્ઝાઈમર, હાઈ બ્લડપ્રેશર અને હ્યદયની બીમારીઓ પણ છે. તેમને 13 દિવસની તપાસ અને ટ્રીટમેન્ટ બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે.
આ દરમિયાન તેમને એન્ટી-વાયરલ દવાઓ સિવાય તેમને પરંપરાગત સારવાર આપવામાં આવી. ચીનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા 80,000 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં આ વાયરસના કારણે આશરે 3000 થી વધારે લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.
ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.
આજે એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે.
ભારતમાં જે નવા પાંચ કોરોના કેસ માલૂમ પડ્યા છે એમાં 3 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે જે ગયા સપ્તાહાંતે એના માતાપિતા સાથે ઈટાલીથી સ્વદેશ પાછો ફર્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગઈ કાલે એવી ચેતવણી આપી હતી કે કોરોના વાઈરસ સમગ્ર વિશ્વને ભરડો લઈ લે એવી ઘણી જ ગંભીર સંભાવના છે, પરંતુ આ વાઈરસને કાબૂમાં પણ લઈ શકાય છે.
WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગેબ્રિસસે કહ્યું છે કે દુનિયાએ કોરોના વાઈરસ સામે લાચાર બનીને બેસી રહેવાનું નથી. એને કાબૂમાં લેવાનો છે. પરંતુ કોરોના આખા વિશ્વને ભરડો લે એવું દુનિયાના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર બની શકે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કહ્યું છે કે કોરોના વાઈરસને કારણે દુનિયાના અર્થતંત્રને 2 ટ્રિલિયન ડોલરની ખોટ જવાનો સંભવ છે. કેટલાક દેશો આર્થિક મંદીમાં સપડાઈ જાય એવી પણ સંભાવના છે.
નવી દિલ્હી: વોટ્સએપ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા નવા અપડેટ લઈને આવે છે. હજી ગયા સપ્તાહે જ કંપનીએ ડાર્ક મોડ ફીચર લોન્ચ કર્યું હતું. આ વર્ષે વોટ્સએપમાં અનેક શાનદાર ફીચર લઈને આવી રહ્યું છે. જેમાં મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ, પસંદ કરેલા મિત્રો માટે લાસ્ટ સીન ઓપ્શન, અને અનેક મજેદાર ફીચર સામેલ છે. આપણે અહીં જાણીએ આ અપકમિંગ ફીચર કે જેનાથી તમારું ચેટિંગ વધુ મનોરંજક બની રહેશે.
લાસ્ટ સીન ફોર સિલેક્ટેડ ફ્રેન્ડ્સ
મોટે ભાગે વોટ્સએપ યુઝર્સ તેમની ગોપનીયતા માટે લાસ્ટ સીન ઓપ્શનમાં ‘Nobody’ ( કોઈ નહીં)’ સિલેક્ટ કરીને રાખે છે. આ ઓપ્શનથી બીજાને ખબર નથી પડતી કે છેલ્લે તમે ક્યારે વોટ્સએપ પર એક્ટિવ હતા. જો કે, આ ઓપ્શનની એક મર્યાદા પણ છે જેમાં તમે પણ બીજાનું લાસ્ટ સીન નથી જોઈ શકતા. હવે ટૂંક સમયમાં તમે ‘પસંદ કરેલા મિત્રો માટે લાસ્ટ સીન’ ઓપ્શન મળી રહેશે જેમાં તમે પસંદ કરેલા મિત્રોને તમારું લાસ્ટ સીન દેખાડી શકશો અને તેમનું લાસ્ટ સીન પણ જોઈ શકશો. હાલમાં આ ફીચરનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે, એવી અપેક્ષા છે કે આગામી કેટલાક સપ્તાહમાં આ સુવિધા તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ
અત્યારે વોટ્સએપ યુઝર્સ એક સમયે એક ડિવાઇસ પર જ તેમનું એકાઉન્ટ એક્ટિવ રાખી શકે છે. કેટલાક યુઝર્સને આ કારણે અનેક વાર મુશ્કેલી થાય છે. હવે વોટ્સએપ ટૂંક સમયમાં મલ્ટીપલ ડિવાઇસ ફિચર્સ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી વપરાશકર્તાઓ તેમનું એક જ એકાઉન્ટ અલગ અલગ ડિવાઈસ પર ચલાવી શકશે. આ એ યુઝર્સ માટે માટે ખૂબ ઉપયોગી થશે જે એક કરતા વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જો કે, હજુ સુધી કંપનીએ આ ફીચરની લોન્ચિંગ ડેટ અંગે કોઈ જાણકારી આપી નથી.
ઓટોમેટિક ડિલીટ થઈ જશે મેસેજ
એપ પર મળતા આ ફીચરની મદદથી યુઝર્સ તરફથી મોકલેલા કે રિસીવ કરેલા મેસેજને એક સેટ કરવામાં આવેલી ટાઈમ લિમિટ પછી ગાયબ કરી દેશે. વોટ્સએપ અપડેટ્સને મોનિટર કરનારી વેબસાઈટ WABetaInfo અનુસાર હજુ આ ફિચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ડિસઅપિયરિંગ મેસેજ ફીચર્સને વોટ્સએપના બીટા વર્જન 2.19.275માં જોવા મળ્યું છે. વોટ્સએપનું આ ફિચર સૌ પ્રથમ ગ્રુપ ચેટ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે. આ ફિચરનો ગ્રુપ એડમિન ઉપયોગ કરી શકશે અને નક્કી કરી શકશે કે કોઈ મેસેજ કેટલા સમય બાદ ડિલીટ થઈ જશે.
વોટ્સએપ સિક્યોર ચેટ બેકઅપ
વોટ્સએપ અત્યારે ચેટને બેકએપ કરીને તેમની સિક્યોરિટી વધારવાનાર ફીચર પર કામ કરી રહ્યું છે. અત્યારે વોટ્સએપ ચેટ હિસ્ટ્રી iCloud અથવા તો ગૂગલ ડ્રાઈવ પર સેવ થાય છે, પણ આ બેકઅપ ફાઈલ વોટ્સએપના એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્શનથી પ્રોટેક્ટેડ નથી હોતી. નવા સિક્યોરિટી ફીચરથી વોટ્સએપ આ ખામીને દૂર કરવા માગે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ ક્લાઉડ પર બેકઅપ લેતા પહેલા ચેટ હિસ્ટ્રીને ઈનક્રિપ્ટ કરી શકશે. એન્ડ્રોઈડ માટે ફેસ આઈડી સપોર્ટ
એન્ડ્રોઈડ ડિવાઈસ માટે વોટ્સએપ અત્યારે ફિંગરપ્રિન્ટ લોક સપોર્ટની સાથે આવે છે. જેના મારફતે યુઝર તેમના વોટ્સએપને ફોનના ફિંગરપ્રિન્ટ મારફતે લોક કરી શકે છે. હવે કંપની એન્ડ્રોઈડ માટે નવા સિક્યોરિટી ફીચર ફેસ અનલોકનું ટેસ્ટિંગ કરી રહી છે. આઈઓએસ યુઝર્સ માટે તો કંપનીએ ગયા વર્ષે જ આ ફિચરને લોન્ચ કરી દીધું હતું.
નવી દિલ્હી: રવિવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં હારી ગઈ. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 85 રનથી ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંદાજે 90 હજાર દર્શકો વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલ આ મેચમાં કંગારું ટીમ શરુઆતથી જ મજબૂત પકડ જમાવી લીધી હતી. ટી-20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી પોતાને નામ કર્યા પછી કંગારુ ટીમ પર ઈનામનો પણ વરસાદ થયો, જોકે, ભારતીય ટીમ પણ આ મામલે કંઈ પાછળ નથી.
5મી વખત વર્લ્ડ ટી-20 ચેમ્પિયન બનનારી ઓસ્ટ્રેલિયાન ટીમે વર્લ્ડ કપની ટ્રોફીની સાથે મોટી ઈનામની રકમ પણ મેળવી છે. આઈસીસીએ વિજેતા ટીમને 10 લાખ ડોલર (અંદાજે 7.40 કરોડ રૂપિયા) ઈનામમાં આપ્યું છે. વર્લ્ડ કપની ગઈ એડિશન (2018માં) સરખામણી કરવામાં આવે તો આ વખતે આ 320 ટકા વધારે છે. ગયા વર્ષો ઓક્ટોબરમાં મળેલી એક બેઠકમાં આઈસીસીએ મહિલા ક્રિકેટના વધતા જતા વર્ચસ્વને લઈને ઈનામની રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.
ઓસ્ટ્રેલિયાએ એક મિલિયન ડોલરની રકમ તેમના નામે કરી છે તો રનરઅપ રહેલી ભારતીય મહિલા ટીમે 5 લાખ ડોલરની રકમ ઈનામમાં મેળવી છે. આ ટી-20 વર્લ્ડ કપમાં ઉપવિજેતા રહેલી ટીમ ઈન્ડિયા 2017ના વર્લ્ડ કપ (વન ડે) માં પણ ઉપવિજેતા રહી હતી.
કોરોના વાયરસના ભય સાથે હોળી રમવી કે પછી ઘરમાં શાંતિથી હોળી ગીત ગાવા એ દ્વિધાનો વિષય છે. છતાં પણ તહેવાર મનાવવાનું મન થાય તો સાત્વિક હોળી જરૂર રમી શકાય. સર્વ પ્રથમ તો હોલિકા દહન વિષે વાત કરીએ. જે સુકાઈ ગયેલી ડાળીઓ અને પાંદડાઓ આ ઋતુમાં પડી ગયા હોય તેનું ગાયના છાણા સાથે દહન કરવામાં આવે છે. જે હવાના શુદ્ધીકારણમાં મદદરૂપ થાય છે. ગાયનું ઘી અને હોમાત્મક દ્રવ્યો આમાં મદદ કરે છે. ઋતુ બદલાતા મચ્છર નો ઉપદ્રવ ઉભો થયો હોય તે પણ ઓછો થાય છે. વળી કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુ સાથે ભુંજાયેલા કોપરાનો પ્રસાદ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી રોગ આવવાની સંભાવના ઘટે છે. હોળીની સામે ઉભા રહેવાથી શેક થાય છે જે વાયરસને મારીનાખે છે. પણ હા, ઢગલાબંધ કપૂર હોળીમાં દહન કરવાની વાત આપણા શાસ્ત્રોમાં નથી અને એ વૈજ્ઞાનિક પણ નથી. તે નુકશાન કરે છે.
હવે વાત કરીએ ધુળેટીની. એકબીજાની સાવ પાસે જઈને પાણીથી હોળી રમવાની પ્રથા આપણે ત્યાં ન હતી. તેથીજ પિચકારીની શોધ થઇ હતી.કેસુડાના રંગની પવિત્રતાથી રેઇન ડાન્સ સુધીના સફરમાં આપણે મૂળભૂત સિદ્ધાંતો ભૂલી તો નથી ગયા ને? આનંદ અને મજામાં ફેર છે. આ હોળી પર કઈ રાશી વાળી વ્યક્તિએ કયા રંગ વાપરવા જોઈએ તે જાણીએ.
મેષ: ચંદન અને કંકુ થી હોળી રમવાથી કે તેનું તિલક કરવાથી તમને સકારાત્મકતા મળે. કોઈનું મન ન દુખાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. વડીલને ભેટ આપવી.
દિલ્હીમાં સિટિ બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી માટેની યોજના આમ આદમી પાર્ટીની સરકારે જાહેર કરી તેનો ઘણો ફાયદો ચૂંટણીમાં થયો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને કામકાજ કરતી નિમ્મ મધ્યમ વર્ગની સ્ત્રીઓને સુવિધા સાથે બચત પણ થઈ. મહિને 1000થી 1500 રૂપિયાની બચત સિટિ બસની ટિકિટમાં થાય. મહિને 8થી 10 હજાર કમાતી સ્ત્રી માટે સીધી 10 ટકાની બચત થઈ જાય.
દુનિયાના ઘણા દેશોમાં જાહેર પરિવહનની સુવિધા આ રીતે આપવામાં આવે છે. છુટક ટિકિટના બદલે આખો દિવસ ગમે ત્યાં ફરવાની ટિકિટ, અઠવાડિયાનો પાસ, માસિક પાસ, વિદ્યાર્થીઓને પાસ, અઠવાડિયામાં રવિવારે મફત મુસાફરી એવી યોજનાઓ હોય છે. પરંતુ લક્ઝમબર્ગે આ બધાથી આગળ વધીને શહેરમાં બસ, ટ્રામ, મેટ્રો બધામાં મુસાફરી સાવ મફત કરી નાખી છે. માત્ર શહેરમાં નહિ સમગ્ર દેશમાં બધી જ જાહેર મુસાફરી લક્ઝમબર્ગે મફત કરી નાખી છે. માત્ર મહિલા કે વિદ્યાર્થીઓ માટે નહિ, માત્ર સિનિયર સિટિઝન માટે કે દેશના નાગરિકો માટે જ નહિ. વિદેશીઓ માટે પણ લક્ઝમબર્ગે મુસાફરી મફત કરી નાખી છે.
જોકે લક્ઝમબર્ગને દેશ કહીએ ત્યારે યાદ રાખવાનું કે તે એક સિટિ-સ્ટેટ જેવો, આપણા ભાવનગર કરતાંય નાનો દેશ છે. 2586 ચોરસકિમીના વિસ્તારમાં ફેલાયેલા લક્ઝમબર્ગની વસતિ માત્ર સવા છ લાખ છે. પહેલી માર્ચથી બધા જ લોકો માટે મફત મુસાફરીનો અમલ શરૂ થઈ ગયો છે. ફક્ત ફર્સ્ટ ક્લાસ માટે અલગથી ટિકિટ રાખવામાં આવી છે, તે સિવાય મફતમાં હરો અને ફરો. સ્વિસ બેન્કો જેટલો નહિ, પણ સારો એવો કારોબાર લક્ઝમબર્ગની બેન્કો કરે છે. તેમાંથી સારી કમાણી થાય છે. યુરોપના લોકો અહીં બેન્કિંગના કામકાજ માટે આવે ત્યારે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવી હોય તો ટિકિટ લઈ શકે, નહિતો તેમને પણ મફત મુસાફરી. સાચી કમાણી આ ખાતાધારકોમાંથી જ થઈ રહી છે! વસતિ ઓછી હોવાથી માથાદીઠ આવક જ 75 લાખ રૂપિયા છે, એટલે આમ તો સૌ પોતપોતાની કાર લઈને ફરી શકે, પરંતુ માત્ર પૈસા ખાતર નહિ, પર્યાવરણ ખાતર પણ આ નિર્ણય લેવાયો છે.
નાનો દેશ હોવાથી સમગ્ર દેશમાં મફતમાં મુસાફરીની વ્યવસ્થા કરવા પાછળ વર્ષે 4.10 કરોડ યુરો એટલે કે 340 કરોડથી થોડો વધુ ખર્ચ થશે. આટલી ખોટ ભારતમાં એક શહેરમાં ભોગવવી પડે.
લક્ઝમબર્ગના વડા પ્રધાને આ પગલું પર્યાવરણ માટે અને રાષ્ટ્રની છાપ સારી પડે તે માટે જ તેવું જ કહ્યું છે. યુરોપમાં આવા પ્રયોગો થયા છે, પણ તેનાથી બહુ ફરક હજી દેખાયો નથી. દાખલા તરીકે ઇસ્ટોનિયાના પાટનગર ટેલ્લિનમાં પાંચ વર્ષથી બસ અને ટ્રામને ફ્રી કરી દેવાયા છે, પણ તે પછીય કારની સંખ્યા ઓછી થઈ નથી. તેનું કારણ એ છે કે અમુક સંજોગોમાં માત્ર જાહેર પરિવહન પર આધાર રાખવો મુશ્કેલ હોય છે. ભારતમાં યુવાને નોકરી મળે કે તરત મોટર સાયકલ લેવી પડે છે, જેથી ઓફિસે પહોંચવાનું મોડું ના થાય. સિટિ બસનો ઉપયોગ ગૃહિણી, સેલ્સમેન, કામદાર અને સિનિયર સિટિઝન વધારે કરે છે, જેઓ ગંતવ્ય સાથે પહોંચવામાં કલાક મોડું કરે તો ચાલે. પરવડતું ના હોવા છતાં પોતાનું વાહન રાખવું પડે, કેમ કે નિયમિત અને સમયસર સિટિબસ મળશે તેની ખાતરી હોતી નથી. મુંબઈમાં દર ત્રણ મિનિટે અવશ્ય ટ્રેન મળી જાય છે તેથી લાખો લોકો મુસાફરી કરે છે અને દિલ્હીમાં મેટ્રો સિવાય દૂર જવાનો વિકલ્પ નથી તેથી ઉપયોગ થાય છે.
લક્ઝમબર્ગના પરિવહન પ્રધાનનું કહેવું છે કે તેમણે આ બાબત વિચારી છે અને દર ત્રણ મિનિટે બસ અથવા ટ્રામ મળે તેવી વ્યવસ્થા કરાશે. સરકારને પૈસાની બહુ ચિંતા નથી, લોકો ખાનગી વાહનો ઓછા વાપરે, શહેરના રસ્તા પર ઓછી ભીડ થાય અને પ્રદૂષણ ઓછું થાય તેનું લક્ષ્ય છે. તેથી ઝડપી, નિયમિત, સુવિધાજનક સિટિબસ જોઈએ.
લક્ઝમબર્ગમાં બીજી એક સમસ્યા છે અને તે છે ટ્રાફિકની. પોતાની વસતિ સવા છ લાખ છે, પણ જર્મની, ફ્રાન્સ અને બેલ્ઝિયમના બે લાખ લોકો નોકરી કરવા માટે લક્ઝમબર્ગ આવે છે. તે લોકો પોતાની કાર લઈને આવે, તેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. તેથી વિદેશથી આવનારા લોકો માટે પણ પરિવહન ફ્રી કરવામાં આવ્યું છે. વિદેશથી આવનારા ટિકિટ લઈને લક્ઝમબર્ગ પહોંચે તે પછી તેમણે ચિંતા નહિ કરવાની, ફ્રીમાં શહેરમાં કોઈ પણ જગ્યાએ ફરી શકે.
માત્ર ફ્રી હોવાને કારણે નહિ, પણ સુવિધાયુક્ત અને સમયસરની હોવાને કારણે લોકો આ સેવા વાપરે તે લક્ષ્યાંક રખાયું છે. તેથી લક્ઝમબર્ગની સિટિબસ, ટ્રામ અને મેટ્રોને ચકાચક કરવાનું કામ ચાલી રહ્યું છે. મોટું બજેટ ફાળવીને નિયમિત બસ મળે તેવું આયોજન થઈ રહ્યું છે. ખાલીખમ હોય તો પણ બસ દોડતી રહે તેવું આયોજન થાય તો જ લોકો પોતાનું વાહન છોડીને ઘરની બહાર નીકળે કે વિદેશથી આવનારા લોકો વાહન વિના આવે.
લક્ઝમબર્ગમાં અત્યારે ત્રણ પક્ષોની બનેલી સંયુક્ત સરકાર છે. તેમાં એક લિબરલ છે, એક સોશ્યલિસ્ટ છે અને ગ્રીન પાર્ટી છે. ગ્રીન પાર્ટી પર્યાવરણ ખાતર અને સોશ્યલિસ્ટ પાર્ટી નાગરિકોના કલ્યાણના હેતુથી આવી યોજના માટે તૈયાર હોય ત્યારે લિબરલ પાર્ટીના નેતાઓ સમગ્ર યોજના પ્રેક્ટિકલ લાગવાથી તૈયાર થયા છે. સરકારનું મૂડીરોકાણ બે તૃતિયાંશ જાહેર પરિવહનની સુવિધા માટે અને એક તૃતિયાંશ રસ્તાને ટનાટન રાખવા માટે કરવામાં આવશે. 2018માં જ સવા ચારસો કરોડ રૂપિયા જાહેર પરિવહન માટે ફાળવી દેવાયા હતા. દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે અને આવતા વર્ષે એક હજાર કરોડ રૂપિયા તેની પાછળ વપરાશે.
ભારતમાં આપણે મેટ્રો બનાવવી હોય તો દસ હજાર કરોડ રૂપિયાથી શરૂઆત કરવી પડે. તે પછીય તેનો પૂરતો ઉપયોગ ભાગ્યે જ થાય છે, કેમ કે અહીં આયોજન વિના આડેધડ કામ એ જ રીત છે. ભારતમાં જાહેર પરિવહનની યોજના ઉલટાની સફળ થઈ શકે, કેમ કે મુંબઈની જેમ નિયમિત ટ્રેન કે બસ મળતી હોય તો લાખો મુસાફરો મળી રહે. સાવ મફતના બદલે ઓછી કિંમતે પાસ હોય તો પણ લાખો લોકો ઉપયોગ કરે, પણ ભારતના એકેય શહેરમાં તમારા ટાઇમટેબલ પ્રમાણે જાહેર પરિવહન હોય તેવું શક્ય બન્યું નથી. દિલ્હીમાં મેટ્રોનું મોટું જાળું બન્યું છે, પણ તેમાંય તમારે એક સ્ટેશનેથી બીજે સ્ટેશને જવાનું હોય તો જ ઉપયોગી. બીજા સ્ટેશને ઉતરીને વળી રીક્ષા કરવી જ પડે. મેટ્રોથી સિટિબસ મળશે તેવી વાતો માત્ર વાતો જ છે.
લક્ઝમબર્ગમાં હજીય ટ્રામ ચાલે છે. તેમાં મુંબઈમાં દાયકાઓ પહેલાં હતું તે રીતે ઉપર વાયર લાગેલા હોય. લક્ઝમબર્ગનું પ્લાનિંગ છે કે ઇલેક્ટ્રિક વાહનની ટેક્નોલોજી આગળ વધી રહી છે ત્યારે તેનો લાભ લેવો. ટ્રામને પણ ઇલેક્ટ્રિક બનાવાશે અને બેટરીથી ચલાવાશે. એ જ રીતે ઝડપી મુસાફરી માટે એક્સપ્રેસ બસો અલગથી દોડશે. 2030 સુધીમાં બધી જ બસો અને ટ્રામ ઇલેક્ટ્રિક જ હશે, તેથી ધૂમાડાનું નામોનિશાન લક્ઝમબર્ગમાં નહિ હોય.
એક્સપ્રેસ ટ્રામ પણ બનાવાની યોજના તૈયાર છે. બીજા દેશોમાંથી લક્ઝમબર્ગમાં કામ કરવા આવનારા લોકોએ સરહદ પાસે જ પોતાની કાર પાર્ક કરી દેવાની. ત્યાંથી તેમણે એક્સપ્રેસ ટ્રામ મળશે, તેમાં મફતમાં પોતાની ઓફિસ સુધી પહોંચી શકશે. સાંજે સમયસર પરત ત્યાં ટ્રામ પહોંચાડી દેશે. પાંચ જ વર્ષમાં ટ્રામ સ્ટેશનોની બહાર કાર પાર્કની ક્ષમતા બમણી કરી દેવાશે, જેથી કાર પાર્ક કરીને બહુ ચાલવું ના પડે. કાર લઇને ફરનારાની સંખ્યા 61 ટકાની છે, તે ઘટાડીને 48 કરવાનું લક્ષ્યાંક રખાયું છે. માથાદીઠ સારી આવક હોવાથી સૌ પાસે કાર હોય છે, પણ તેમને કાર છોડીને સિટિ બસમાં ફરવા માટે પ્રોત્સાહિત કરાશે. તે માટે બસને સ્વચ્છ, ચકચકિત અને આરામદાયક બનાવાશે.
આના પરથી એવું વિચારવાની જરૂર નથી કે ભારતમાં પણ મફતમાં મુસાફરી શક્ય બનશે. ભારતમાં કશું પણ મફતમાં આપો ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવનારા વધી જાય છે. ગુજરાતમાં જો એસટીમાં લગેજ વધારે લઈ જવાની અને મફતમાં લઈ જવાની છુટ આપવામાં આવે તો તેનો સૌથી વધુ ફાયદો કુરિયર કંપનીવાળા ઉઠાવે. તેમની ભીડ એટલી વધી જાય કે કુટુંબ અને સામાન સાથે પ્રવાસ કરનારા નાગરિકોની પરેશાની ઉલટાની વધી જાય. ટ્રેનની બહાર બારી પર દૂધના કેન લટકતા આપણે જોયા છે. ટ્રેનની સસ્તી મુસાફરીનો ફાયદો વેપારીઓ વધારે ઉઠાવે છે અને નાગરિકોને હેરાન કરે છે.
આમ છતાં જાહેર પરિવહન માટે ભારતના દરેક દેશે વધારે ને વધારે ગંભીરતાથી વિચારવું પડશે. મુંબઈ, દિલ્હી, બેંગાલુરુની ટ્રાફિક સમસ્યાની ચર્ચામાંથી હવે અમદાવાદ, સુરત, રાજકોટની ટ્રાફિકની સમસ્યા રોજેરોજ ચર્ચવી પડે તે દિવસ આવી ગયો છે. હોળી પછી વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, પોરબંદર, હિંમતનગર, પાલનપુર, ગાંધીધામ, ભૂજમાં ટ્રાફિકની હેરાનગતિની ચર્ચા પાનના ગલ્લે કરવાની થશે. કે તમે એની ચર્ચા કરવા જ લાગ્યા છો? આવી બાબતમાં અમેય બહુ પાછળ છીએ અને સરકાર તો હજી ઊંઘે જ છે, ખરું કે નહિ? આ લેખને શેર કરો, કમેન્ટ કરો અને સરકારને જગાડો, મહાપાલિકાની ચૂંટણી માથે જ છે – નગરસેવકો પાસે પ્રતિજ્ઞા લેવરાવો કે જાહેર પરિવહન માટે જ સૌથી જોરદાર કામ કરશે.