Home Blog Page 4669

યૂએઈમાં BCCIના મેડિકલ ઓફિસરને જ કોરોના થયો

દુબઈઃ UAEમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમના સભ્યનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એમ બોર્ડનાં સૂત્રોએ માહિતી આપી હતી. UAEમાં પહોંચ્યાના થોડાક દિવસો પછી 13 સભ્યોના કોવિડ-19ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. વળી, બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીના બે સભ્યોનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ પણ આવ્યો છે.

BCCIની મેડિકલ ટીમના એક સિનિયર સભ્યનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એમ સૂત્રોએ ખાતરીપૂર્વક જણાવ્યું છે.  તેઓ સિનિયર મેડિકલ ઓફિસર છે, એટલે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે તેઓ કોઈની પણ સાથે સંપર્કમાં નથી આવ્યા અને સંભવતઃ UAEની તેમની યાત્રા દરમ્યાન આ ચેપ લાગ્યો હોવાની આશંકા છે. તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે અને આશા છે કે તેમનો આગામી ટેસ્ટ કરવામાં આવે ત્યાં સુધી તેઓ સ્વસ્થ થઈ ચૂક્યા હશે. બીજી બાજુ, બેંગલુરુમાં NCAના બે સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

29 ઓગસ્ટે  BCCIએ પુષ્ટિ કરી હતી કે બે ખેલાડીઓ સહિત 13 કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટિંગ પોઝિટિવ છે. જોકે બોર્ડે આ ખેલાડીઓ કઈ ટીમના છે એ નહોતું જણાવ્યું.  ખેલાડીઓ અને કર્મચારીઓની ઓળખ પણ સામે નથી આવી.

આ બે ખેલાડીઓ અને 13 કર્મચારીઓની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. IPLની મેડિકલ ટીમ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી છે, એમ બોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું હતું.

પહેલી સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સના CEO કેસી વિશ્વનાથને પુષ્ટિ કરી હતી કે તેમના ત્યાં હવે કોઈ કોરોનાગ્રસ્ત નથી. તેમણે એ પણ કહ્યું હતું કે અગાઉ જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમના 14 દિવસના ક્વોરોન્ટાઇન સમયગાળો પૂરો થયા પછી પણ ફરી એક વાર કોરોન ટેસ્ટ કરવામાં આવશે.

CEOએ કહ્યું હતું કે હાલ કોઈ નવો કેસ કેસ નથી નોંધાયો અને જે લોકોનો પહેલાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમના સિવાય બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

IPL 2020 ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં ત્રણ જગ્યાએ –દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાવાની છે. IPL 2020ની ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલી વાર મંગળવારે રમાવાની છે. દરેક મેચ બપોરે અને સાંજે સામાન્ય કરતાં અડધો કલાક વહેલા રમાશે.

Chitralekha Gujarati – September 14, 2020

PDF Version Password for PDF- cg140920

ખુશી મેળવવા મનનું ધ્યાન જરૂરી

(બી.કે. શિવાની)

જ્યારે આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે જાણે કોઈ બીજાની વાત કરવાના છીએ. પરંતુ જયારે આપણા પોતાના જીવનની સંબંધિત વાત હોય ત્યારે આપણે રસપૂર્વક સાંભળીએ છીએ. જીવનમાં મોટાભાગની બધી ચીજ વસ્તુઓ જેવી કે ધન, સાધન, સંપતિ, જમીન, મકાન, પરિવાર, માન-મોભો, ઉંચો હોદ્દો, પ્રતિષ્ઠા હોવા છતાં પણ ઘણી વાર એવું અનુભવીએ છીએ કે આપણે ખુશ નથી. હવે આપણે એવાં તારણ ઉપર પહોંચીએ છીએ કે, આપણે બધાનું ધ્યાન તો રાખીએ છીએ પરંતુ હું પોતે જે છું – આત્મા તેનું ધ્યાન આપણે રાખી શકતા નથી. આત્માનું ધ્યાન કેવી રીતે રાખી શકાય?

તો ચાલો, તેની સાથે જોડાયેલ કેટલીક સારી-સારી વાતોની ચર્ચા આપણે કરીએ.

આપણે આપણાં પોતાના શરીરનું કેટલું બધું ધ્યાન રાખીએ છીએ? આરામદાયક જિંદગી, સારું-સારું જમવાનું, સારા બ્રાન્ડેડ, નવી આધુનિક ઢબના કપડાં પહેરવા, બાળકોને સારામાં સારી રીતે ઉછેરવા, કાર પણ વાતાનુકૂલિત હોવી જોઈએ.. આમ, આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી પાસે તમામ આધુનિક અને અદ્યતન સાધન-સામગ્રી હોવી જ જોઈએ. કોઈ અસુવિધા કે ખામી ન હોવી જોઈએ. પરંતુ આપણે મન વિશે ભૂલી જ જઈએ છીએ. કદાચ મનનું ધ્યાન રાખવાનું આપણને આવડતુંય નથી.

દરેક વ્યક્તિ પોતાની જાતને પૂછે કે હું ખુશ કેટલો રહું છું? મારા મનની સ્થિતિ કેવી છે? કોઈપણ વ્યક્તિ સચોટ રીતે નહીં બતાવી શકે કે પોતાની ખુશીનો ઇન્ડેક્સ (આંક) કેટલો છે? પરંતુ બધા તરફથી એક સર્વ સામાન્ય જવાબ મળે છે કે, જેટલી ખુશી જીવનમાં મળવી જોઈએ તેટલી ખુશી તો મળતી જ નથી. દરેક વ્યક્તિએ પોતાની જાતને જોઈ, ચેક કરવાની હોય છે. કારણ કે બની શકે કે હું તમને કહું કે તમે ખુશ લાગતા નથી. પણ અંદરથી તમે બહુ જ ખુશ-મિજાજમાં હોઈ પણ શકો. જે મને તમારા બાહ્ર્ય દેખાવ પરથી ખ્યાલ ન પણ આવે.

ખુશી એ કોઈ બીજા કોઈ વ્યક્તિ દ્વારા મળનાર પ્રમાણપત્ર નથી. આ એક એવી બાબત છે કે જેને માત્ર ને માત્ર તમે જ જાણી શકો છો અને અનુભવી શકો છો કે તમે અંદરથી કેટલા ખુશખુશાલ છો. ઘણીવાર એવું પણ બને છે કે, જ્યારે તમે એક સંચાલકના સ્થાને હો ત્યારે તમારે તમારો ચહેરો હસતો રાખવો પડે છે. બહારથી સુંદર દેખાવ રાખવો પડે છે કે શક્તિશાળી બનીને કૃત્રિમ રીતે હસતાં પણ રહેવું પડે છે.

તમે અંદરથી ઘણાં દુઃખી કે અશાંત હો, પરંતુ તમારે તમારા ચહેરા ઉપર હંમેશા ખુશી રાખવી કરવી પડે છે. પ્રેમથી બધાનું સ્વાગત કરવું પડે છે પરંતુ કોઈક વાર એવું પણ બની શકે કે આજે તમે અંદરથી ખુશ નથી, નારાજ છો, મૂડ નથી. આવું બનતું હોય છે કે નથી? હા, આવું પણ બની શકે છે.

આજે તમે તમારી આંતરિક શક્તિ કરતા પણ ઘણું વધારે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો છતાં પણ તમને આનંદ મળતો નથી. પછી આપણે અંદરથી મનોમન એમ કહીએ છીએ કે બીજા લોકો મારા કામથી કે મારાથી ખુશ નથી. પણ તમે પોતે જ આનંદમાં નથી તો તમારા દ્વારા કરેલા કામમાં પણ તે આનંદ ઝલકાશે નહીં.

માનો કે, આજે તમે બાળકો માટે ખૂબ જ પ્રેમથી તેમને ભાવતી વાનગી (પીત્ઝા) બનાવી. તમે એવું સમજીને પીત્ઝા બનાવ્યા કે આજે તો બાળકોને મારા બનાવેલા પીત્ઝા ખૂબ ભાવશે. બાળકોએ તે ખાધા, પરંતુ તેમને સારા ન લાગ્યા. તમે તો બહુ જ ખુશીથી બનાવેલા. પરંતુ તેઓ પીઝા ખાઈને જેટલા આનંદિત કે ખુશ થવા જોઈએ તેટલા ના થયા. તો તેમને જોઇને તમે દુઃખી થઇ ગયા. પછી તમને આવેશ કે ગુસ્સો આવવો શરૂ થઈ ગયો. આ પરિસ્થિતિમાં આધ્યાત્મિક પાસું  જોઈએ તો એમ કહી શકાય કે, તમે તે પીત્ઝા ખુશ થઈને નહોતા બનાવ્યા.

 

તમે મનોમન એમ વિચારતા હતાં કે બાળકો પીત્ઝા ખાઈ ખુશ થશે અને બાળકો ખુશ થશે એટલે મને આનંદ થશે. આમ આ બાબતમાં આપણે મનમાં એક દ્રશ્ય તૈયાર કરવાનું શરૂ કરીએ કે એકાદ કલાક પછી આવું થશે. હું પીત્ઝા બનાવીશ. બાળકો પાસે લઈને જઈશ. બાળકો પીત્ઝા જોઈ ખુબ ખુશ થઈ ગયા છે. ખૂબ હોંશે-હોંશે પ્રેમથી જમી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈ મને ખૂબ આનંદ થાય છે. આ જ તો મનની શક્તિ છે. જેને આપણે જાદુના ચિરાગની જેમ વાપરવાની છે. જે પરિસ્થિતિ હજી આવી નથી, તેને આપણે પહેલેથી જ બુદ્ધિ દ્વારા જોવાનું શરૂ કરી દઈએ. હજી તો પીત્ઝા બન્યા પણ નથી. પરંતુ હું જે દ્રશ્ય મનમાં ઉત્પન્ન કરું છું તે દ્રશ્ય મને આનંદ અને ખુશી આપવાનું શરૂ કરી દે છે. સાથે-સાથે આપણું મન તે માટે તૈયાર પણ થઈ રહ્યું છે કે, આ રીતે બાળકો ખુશ થશે. તેઓને ખુશ જોઈને હું પણ ખુશ થઈશ.

પરંતુ ધારો કે જે વાસ્તવિક ઘટના બની તે માટે આપણે તૈયાર કરેલ દ્રશ્ય સાથે સામ્યતા ધરાવતી નથી. ઉદાહરણ રૂપે – પીત્ઝા ખાવાથી બાળકો ખુશ ના થયા તો તેનું પરિણામ કેવું આવશે? આપણા મનમાં નિરાશા અને દુઃખની લાગણીઓ શરૂ થઈ જાય છે. આપણે આપણા મનને પહેલેથી જ તૈયાર કર્યું હતું ને! મનની એટલી તૈયારી હતી કે બાળકોને પીત્ઝા સારા લાગશે. તેઓ પીઝાના અને મારા બનાવવાના પણ વખાણ કરશે. તેઓ ખુશ થશે અને હું પણ ખુશ થઈશ. આ રીતે આપણે મનની ખુશી માટે પુરી રૂપરેખા તૈયાર કરી. જે માટે જરૂરી બાબત એ હતી કે બાળકો ખુશ થશે, પરિણામે હું ખુશ થઈશ. પણ જ્યારે આખી ઘટના જ બદલાઈ ગઈ તો પરિણામ તો તેની જાતે જ બદલાઈ જશે. મનનું આ પ્રોગ્રામિંગ આપણે પીત્ઝા બનાવતી વખતે કર્યું હતું. પીત્ઝા તો હું બનાવી રહી છું. મન તો ફક્ત દ્રશ્ય ઉત્પન્ન કરી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં આપણે એ રીતે વિચારવું જોઈએ કે હું હંમેશા આનંદમાં છું. પીત્ઝા બનાવતી વખતે પણ આનંદમાં છું અને બાળકોને ખવડાવતી વખતે પણ ખૂબ ખુશ છું. ખુબ જ પ્રેમથી તેમને પીત્ઝા પીરસી રહી છું. જો બાળકોને પીત્ઝા પસંદ ના આવ્યા તો તે તેઓની પસંદગી તથા સ્વાદનો પ્રશ્ન છે. આનંદ કે ખુશીનો નહીં. પરંતુ જો આપણે બંને બાબતોને ભેગી કરી દઈશું તો આપણું અભિમાન જ આપણને દુઃખી કરશે. પ્રશ્ન સ્વાદનો છે. બની શકે કે બાળકોને તે પસંદ ન આવે.

પરંતુ મેં તરત જ પ્રતિક્રિયા કરી દીધી કે, મેં આટલી બધી મહેનતથી તમારા માટે પીત્ઝા બનાવ્યા અને તમને તે ગમ્યાં નહિ? ભાવ્યા નહિ? તે સમયે પીત્ઝા તો એક બાજુ રહી જશે, પરંતુ જે મનદુઃખનું દૃશ્ય ઊભું થશે તે કેવું વિચિત્ર હશે? જરા વિચારો તો ખરા! આપણે કોઈ પણ કાર્યની શરૂઆત આનંદ અને ખુશી મેળવવાના હેતુથી કરેલ. પરંતુ અહી આખી વાત જ બદલાઈ ગઇ. આપણે દિવસ દરમિયાન મનમાં જે કોઈ વિચારો કરીએ છીએ તે વિચારો ઉપર જ આગળ પરિણામ આધારિત હોય છે. અત્યારે આપણે મનમાં એવા વિચાર કરીએ છીએ કે, આમ થશે તો હું ખુશ થઈશ. તેઓ મારી સાથે સારી રીતે વાત કરશે તો હું ખુશ થઈશ. ફોન આવશે તો હું ખુશ થઈશ…

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મેં મારા પતિ માટે આ કામ કર્યું. મારી મમ્મી માટે આવું કામ કર્યું.  મારા બાળકો માટે આટલું બધું કામ કર્યું વગેરે વગેરે… શું એનાથી તમને ખુશી મળી? ઘણીવાર ખુશીની પ્રાપ્તિ માટે આપણે ઘણો ત્યાગ કરવો પડે છે. હું આવું કરીશ કે આમ કામ કરીશ તો તમે ખુશ થશો. તમે ખુશ થશો તો હું ખુશ થઈશ. આ સમીકરણ બરાબર છે કે? તમે ખુશ થશો તો હું ખુશ થઈશ? પરંતુ ધારો કે સામેવાળી વ્યક્તિ ખુશ ન થઈ તો? તો શું તમારા આનંદ કે ખુશીનો આધાર બીજા વ્યક્તિની ખુશી છે? તે ખુશ તો જ તમે ખુશ? તો આ તો એવું બન્યું કે ચાવીવાળા રમકડાંની જેમ જેટલી ચાવી ભરો તેટલાં તે રમકડાં ચાલે, જયારે ચાવી પૂરી થઇ જાય ત્યારે ફરીથી ચાવી ભરવી પડે.

આપણે આપણા મૂડ, આનંદની ચાવી બીજાના હાથમાં આપી દઈએ છીએ. તે વ્યક્તિ જો કોઈ પોતાની વાતમાં-ચિંતામાં ડૂબેલી હોય તો તે મને પણ ચિંતા, દુઃખ-દર્દ અને તણાવના જ વાઇબ્રેશન આપશે. તેથી આપણે આનંદના બદલે ચિંતા, તનાવમાં આવી જઈશું. મારા પડોશી બેન થોડા સમય પછી તેમનાં પતિદેવનો જન્મ દિવસ આવતો હોય તેમને ભેટ આપવા એક સુંદર શર્ટ ખરીદી લાવ્યા. જયારે ખરીદી કરવા જવાનું હતું ત્યારે તેમની પાસે વાહન ન હતું. બે બસ બદલીને ખૂબ મહેનત કરી સારી દુકાનમાંથી શર્ટ લાવ્યા. પરંતુ તે શર્ટ તેમના પતિદેવને પસંદ ન આવ્યું. તેમણે કહ્યું કે, આ શર્ટ તો હવેથી હું રોજ રાત્રે પહેરીને સૂઈ જઈશ. આ સાંભળીને શર્ટ તો બાજુમાં રહી ગયું, પણ પત્નિને બહુ જ ખરાબ લાગ્યું. હવે તમે સમજી ગયા હશો કે, ત્યાર બાદ શું થયું હશે? જો બીજા લોકો ખુશ થશે તો હું ખુશ થઈશ! આ રીતે મનનું પ્રોગ્રામિંગ કરવાથી આપણાં આનંદ અને ખુશીનો આધાર અન્ય લોકો બની જાય છે. આપણો આનંદ તેમનાં આધારે રાખવાની એક પ્રકારની ટેવ થઈ જાય છે.

તમારી નજીકના કોઈ સગાં-સબંધી બીમાર હોય કે દુ:ખી હોય તેવા સંજોગોમાં તમે તેમનું ધ્યાન  ત્યારે જ રાખી શકશો જયારે તમે અંદરથી સ્વસ્થ અને આનંદમાં હશો. આ કોઈ સ્વાર્થની વાત નથી. આનો મૂળમંત્ર તો એ છે કે, જો તમે માનસિક રીતે સ્વસ્થ અને આનંદિત રહેશો તો જ અન્યની સાર-સંભાળ રાખી શકશો. માનો કે સવારે તમે બહુ જ સારા મૂડમાં હતાં. પરંતુ ઘરમાં બીજાનો મૂડ બરોબર ન હોવાથી તમે ચિંતા અને ટેન્શનમાં આવી અશાંત થઈ ગયા. તમે આ તમામ દોષ બીજાને આપો છો કે, તમને તો ગમતું જ નથી કે હું ખુશ રહું. તમે મારી સાથે એવી રીતે વાત કરી કે, મારો મૂડ જ ખરાબ થઈ ગયો. બીજાનો મૂડ બરાબર નથી તે તેમના મનની સ્થિતિ છે. પરંતુ હું મારા મન ઉપર નિયંત્રણ ન રાખી શકું? મારા મનને ખુશ અને આનંદિત રાખવું તે મારી પ્રથમ જવાબદારી છે અને તે ફક્ત મારા જ હાથમાં છે.

વધુ આવતા લેખમાં…

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર 2019 દ્વારા સમ્માનિત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનના કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ અને લોકપ્રિય વક્તા છે.)

૪ સપ્ટેમ્બર ૨૦૨૦

૪ સપ્ટેમ્બર ૨૦૨૦

પંચાંગ: 04/09/2020

રાજકોટમાં ત્રણ દિવસમાં 76 દર્દીના કોરોનાથી મોત થતાં લોકોમાં ફફડાટ

રાજકોટઃ શહેરમાં કોરોના રોગચાળો વકર્યો છે એમ કહી શકાય, કેમ કે કોરોનાને કારણે મોતની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જેથી રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 181 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં છે, પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે.

મોતની સંખ્યા દોઢ ગણી

ગઈ કાલે શહેરમાં  મોતની સંખ્યા દોઢ ગણી થઈ ગઈ હતી, છેલ્લા 24 કલાકમાં 32નાં મોત થયાં હતાં. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ સરેરાશ 20 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. એક મહિના પહેલાં દર ચાર કલાકે એકનું મોત થતું હતું. હવે છેલ્લા પાંચ દિવસમાં રોજ એક કલાકે એક દર્દીનું કોરોનાને કારણે મોત થઈ રહ્યું છે.

 જયંતિ રવિ અધિકારીઓને ઠમઠોર્યા

અગ્ર સચિવ જયંતિ રવિએ હોસ્પિટલમાં 108ના સ્ટાફને જોઈને અધિકારીઓને ખખડાવ્યા હતા.. રાજકોટમાં આવ્યા બાદ જયંતિ રવિએ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કોરોના કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં 76નાં મોત

1 સપ્ટેમ્બર- 17નાં મોત
2 સપ્ટેમ્બર- 32નાં મોત
3 સપ્ટેમ્બર-27નાં મોત

 

એકસાથે 32 લોકોના મોત

ગઈ કાલે રાજકોટમાં એકસાથે 32 લોકોના મોત થતાં આરોગ્ય સચિવની હાજરીમાં હોસ્પિટલમાં મૃતદેહોની કતાર લાગી હતી. આ મૃતદેહો અંતિમક્રિયા માટે લઈ જવાતાં પહેલાં કેટલાક મૃતદેહો 12 કલાક સુધી પડ્યા રહ્યા હતા. સ્મશાનમાં મૃતકોની અંતિમક્રિયા માટે લાઇન હતી.

જયંતિ રવિના આદેશ બાદ તંત્ર દોડતું થયું

રાજકોટમાં ખાનગી કોરોના હોસ્પિટલો દ્વારા બેફામ ચાર્જ વસૂલાતો હોવાની અને હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાની વ્યાપક ફરિયાદો થતાં આરોગ્ય સચિવ જયંતિ રવિના આદેશ બાદ કલેક્ટર તંત્ર દોડતું થયું હતું. જિલ્લા કલેક્ટર કચેરીમાં કોરોના કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમમાં ફોન કરવાથી લોકોને કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને સારવાર, ખર્ચ સહિતની તમામ માહિતી આપવામાં આવશે. કંટ્રોલ રૂમમાં 24 કલાક માટે 18 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

છ-છ વ્યક્તિની ટીમ રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલ રૂમમાં ફરજ બજાવશે

ત્રણ પાળીમાં છ-છ વ્યક્તિની ટીમ રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલ રૂમમાં ફરજ બજાવશે અને દર કલાકે શહેરની 16 ખાનગી અને 3 સરકારી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેનું અપડેટ જાહેર કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ કઈ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા ઈચ્છે છે તેની સચોટ માહિતી આપવામાં આવશે.

 

 

 

મોલ ખોલ્યા તો મંદિરો કેમ નહીં? રાજ ઠાકરેનો મહારાષ્ટ્ર સરકારને સવાલ

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મુદ્દે મહાવિકાસ આઘાડી સરકારના ઉદાસીન વલણ સામે વાંધો ઉઠાવ્યો છે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કડક ભાષામાં પત્ર મોકલ્યો છે.

રાજ ઠાકરેએ એમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેને મોકલેલા પત્રમાં એ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે કે કોરોના વાઈરસને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને તબક્કાવાર ઉઠાવી લઈ આર્થિક તથા સામાજિક પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે આદરેલી અનલોક પ્રક્રિયા અંતર્ગત શોપિંગ મોલ્સ ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો મંદિરોને શા માટે ખોલવા દેવામાં આવતા નથી.

રાજ ઠાકરેએ કહ્યું છે કે મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે રાજ્ય સરકાર શું ઊંઘી રહી છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી સામે આંખ આડા કાન કરી રહી છે?

રાજ ઠાકરેએ એવી માગણી સાથે ચેતવણી ઉચ્ચારી છે કે મહારાષ્ટ્રમાં તમામ મંદિરોને ફરી ખુલ્લા મૂકવા જ પડશે, નહીં તો લોકો નિયંત્રણોનો અનાદર કરીને એમના ભગવાનના દર્શન કરવા માટે મંદિરોમાં કૂચ કરી જશે.

ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા મજલીસ ઈત્તેહાદુલ-એ-મુસ્લીમીન પાર્ટીના સંસદસભ્ય ઈમ્તિયાઝ જલીલ અને વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે પણ રાજ્યમાં ધાર્મિક સ્થળોને ફરી ખુલ્લા મૂકવામાં નહીં આવે તો આંદોલન કરવાની અલગ અલગ રીતે ધમકી આપી છે.

રાજ ઠાકરેએ એવો નિર્દેશ કર્યો છે કે અનલોક 1,2,3ની પ્રક્રિયામાં ઘણા નિયમોને હળવા બનાવવામાં આવ્યા છે. શોપિંગ મોલ્સને ફરી શરૂ કરાયા છે અને જાહેર સ્થળોએ, સાર્વજનિક કાર્યક્રમોમાં નિયમોના પાલન સાથે 100ની સંખ્યા સુધી લોકોને એકત્ર થવાની પરવાનગી આપવામાં આવી છે. તો પછી આપણા હિન્દુ શ્રદ્ધાળુઓને શા માટે એમના ભગવાનથી દૂર રાખવામાં આવી રહ્યાં છે. મંદિરો ફરી ખોલવામાં આટલી જડતા શા માટે રાખવામાં આવે છે? મંદિરોને અમુક નિયમો સાથે ફરી ખુલ્લા મૂકી શકાય.

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તમામ ધાર્મિક સ્થળોને બંધ કરી દેવાનો જ્યારે સરકારે નિર્ણય લીધો હતો ત્યારે મહારાષ્ટ્રની જનતાએ એને પૂરા હૃદયથી ટેકો આપ્યો હતો. તે ઉપરાંત જન્માષ્ટમી, ગણેશોત્સવ સહિત તમામ મોટા તહેવારો-ઉત્સવોની ઉજવણીમાં પણ લોકોએ અત્યંત સંયમ જાળવ્યો અને નિયમોનું પાલન કર્યું. મંદિરોને ફરી ખુલ્લા મૂકવાનો પ્રશ્ન માત્ર શ્રદ્ધાળુઓની અવરજવરનો નથી, પરંતુ પવિત્રતાને લગતો છે, કારણ કે પૂજારીઓ ત્યાં પૂજા કરે છે, મંદિરની બહારની દુકાનો પૂજાનો સામાન વેચે છે, તેથી આ એક લઘુ ઉદ્યોગ ક્ષેત્ર છે, પરંતુ સરકાર આ બધા લોકોની આજીવિકાને ગણતરીમાં લેતી નથી.

અમિતાભે ખરીદી મર્સિડીઝ-બેન્ઝ S-Class: જાણો, એના ફીચર્સ વિશે

મુંબઈઃ અમિતાભ બચ્ચનને બોલિવુડના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને કારોનો બહુ શોખ છે. આમ તો તેમના ગેરેજમાં કેટલીય કારો છે, પણ હાલમાં અમિતાભ બચ્ચને એક નવી કાર પોતાના કારોના કાફલામાં સામેલ કરી છે. બોલિવુડના શહેનશાહે એક મર્સિડીઝ-બેન્ઝ S Class ખરીદી છે. આ કાર હાલમાં જ ભારતમાં લોન્ચ થઈ છે.

અમિતાભની નવી મર્સિડિઝ બેન્ઝ S Class સફેદ કલરની અને તે 35Od વેરિયન્ટની છે. આ લક્ઝુરિયસ કારની કિંમત 1.38 કરોડ રૂપિયા છે.

 આ કારના ફીચર્સ ઘણાં આકર્ષક

મર્સિડિઝ બેન્ઝ S Class 35Odમાં 3.0 લિટર, ઇનલાઇન ત્ર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. એ એન્જિન 282 bhpની પાવર અને 600 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 9ની સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર છ સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં સક્ષમ છે. નવી S ક્લાસને V6 પેટ્રોલ એન્જિનમાં પણ રજૂ કરી છે. જે 362 bhpની પાવર અને 500 Nm ટોર્ક જનરેટ કરે છે. એની ટોપની સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે.

એન્જિન અને પાવરની વાત કરીએ તો મર્સિડિઝ બેન્ઝ S Classમાં 2925 ccનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 3400થી 4600 rpm પર 281.61 bhpની મહત્તમ પાવરની સાથે 1200થી 3200 rpm પર 600 NMની પિક ટોર્ક જનરેટ કરે છે. મર્સિડિઝ S Class દાયકાઓથી લક્ઝરી સેડાન કારમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ રહી છે અને કાર મેન્યુફેક્ચરર્સ હવે સત્તાવાર રીતે 2021 S-ક્લાસ (2021 S-ક્લાસ) કારને રજૂ કરવાના છે.

બચ્ચનનું કાર ક્લેક્શન

અમિતાભ બચ્ચન કારોના શોખીન વ્યક્તિ છે અને આ નવી મર્સિડિઝ બેન્ઝ S Class હવે તેમના કલેક્શનનો હિસ્સો બની ગઈ છે. બચ્ચનની પાસે કેટલીય લક્ઝુરિયસ કારો છે, જેમાં રોલ્સ રોયસ ફેન્ટમ, બેન્ટલે કોન્ટિનેન્ટલ GT, મર્સિડિઝ બેન્ઝ SL500, રેન્જ રોવર વોગ, પોર્શ સેન્ડ ક્રૂઝર, હવે નવી મર્સિડિઝ S Class છે. હજી ગયા વર્ષે અમિતાભ બચ્ચને પોતાના ગેરેજમાં એક અન્ય મર્સિડિઝ બેન્ઝ V ક્લાસને સામેલ કરી છે. એ હાલમાં દેશમાં સૌથી લક્ઝરી MPVમાંની એક છે અને કંપની એ કારને 71.10 લાખ રૂપિયામાં (એક્સ-શો રૂમ-ઇન્ડિયા)ની કિંમતે વેચી રહી છે.

રાજકારણમાં પ્રવેશવાનો હાલને તબક્કે વિચાર નથીઃ સોનૂ સૂદ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદે ચોખવટ કરી છે કે હાલને તબક્કે રાજકારણમાં પ્રવેશવાનો એનો કોઈ વિચાર નથી, કારણ કે અભિનેતા તરીકે એણે હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.

એક મુલાકાતમાં સોનૂએ કહ્યું કે રાજકારણમાં જોડાવાની મને છેલ્લા 10 વર્ષથી ઓફર મળે છે. ઘણા લોકોએ મને કહ્યું કે તું નેતા તરીકે બહુ સફળ થઈશ. પરંતુ મારે એક્ટર તરીકે હજી ઘણું કરવાનું બાકી છે, જે હું કરવા માગું છું. રાજકારણમાં તો કોઈ વ્યક્તિ ગમે ત્યારે પ્રવેશે છે, પરંતુ હું એવો નથી કે જે એક સાથે બે હોડીમાં સવાર થવાનો પ્રયત્ન કરે.

સોનૂએ વધુમાં કહ્યું કે જ્યારે પણ હું રાજકારણમાં પ્રવેશ કરીશ ત્યારે પૂરેપૂરી મહેનત કરીશ. હું ધ્યાન રાખીશ કે કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા ન રહે. હું એમની સમસ્યાઓનું નિવારણ કરી દઈશ. હું એ માટે સમય પણ આપીશ, પરંતુ હાલને તબક્કે એ માટે તૈયાર નથી. મારે શું કરવું જોઈએ એ કોઈ વ્યક્તિ કે કોઈ રાજકીય પાર્ટીએ મને કહેવાની જરૂર નથી. મારો નિર્ણય હું જાતે જ લઈશ.

સોનૂ સૂદ બોલીવૂડ ફિલ્મોમાં ખલનાયક તરીકે વધારે જાણીતો થયો છે. પરંતુ વાસ્તવિક જીવનમાં એણે કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉન વખતે અટવાઈ ગયેલા ઘણા પરપ્રાંતીય કામદારો-મજૂરોને એમના વતન પહોંચાડવા માટે વાહન તથા સાધનોની વ્યવસ્થા કરી આપી હતી.

સોશિયલ મિડિયા પર ક્રિકેટરની બહેનની હોટ તસવીરો…

ભારત વતી વન-ડે અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં અને આઈપીએલ સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમતા મધ્યમ ઝડપી બોલર દીપક ચાહરની 29 વર્ષીય બહેન માલતી ઈન્સ્ટાગ્રામ પર એની હોટ તસવીરોને કારણે જાણીતી થઈ છે. માલતી મોડેલ, અભિનેત્રી, સોફ્ટવેર એન્જિનીયર છે, 2014માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધાની સેકન્ડ રનર-અપ અને મિસ ફોટોજનિક એવોર્ડવિજેતા છે.

ભાઈ દીપક સાથે માલતી… આગ્રાનિવાસી દીપક ચાહર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સમાં હેટ-ટ્રિક લેનાર ભારતનો પહેલો બોલર છે.
આઈપીએલ સ્પર્ધા વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચો વખતે ઘણી વાર કેમેરો દર્શકોમાં ફરતો માલતી પર સ્થિર થતો ત્યારે ઘણાય વિચારતા કે આ સુંદર છોકરી કોણ છે. બાદમાં ખબર પડી હતી કે આ મિસ્ટ્રી ગર્લ દીપક ચાહરની બહેન છે. માલતીનો બીજો એક ભાઈ રાહુલ ચાહર પણ ક્રિકેટર છે અને એ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમે છે.ગઈ 15મી ઓગસ્ટે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી એ જ દિવસે માલતીએ ઈન્સ્ટાગ્રામ પર ધોની સાથે પોતાની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તારા વિના ભારતીય ક્રિકેટ ક્યારેય પહેલા જેવું નહીં રહે. ભાઈ દીપક અને ધોની સાથે માલતી

ભાઈ દીપક સાથે માલતી