Home Blog Page 4472

ઉત્તરાયણઃ અમદાવાદીઓએ માણી ઊંધિયું, ફાફડા-જલેબીની મજા…

ઉત્તરાયણ અને પતંગોત્સવ પર્વની 14 જાન્યુઆરી, મંગળવારે અમદાવાદમાં ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી છે. તહેવારની પરંપરા અનુસાર શહેરમાં લોકોએ ઘર-ઘરમાં તેમજ ઠેરઠેર જાહેર માર્ગો પર ઊંધિયું, ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા, તલના લાડુના સ્વાદિષ્ટ નાસ્તાની તેમજ શેરડી, બોર, જામફળની મજા માણી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)




















ટપાલમાં ઝેરી રસાયણોવાળા કવર મળ્યાઃ સાધ્વી પ્રજ્ઞાની પોલીસમાં ફરિયાદ

ભોપાલ – ભારતીય જનતા પાર્ટીના વિવાદાસ્પદ સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગઈ કાલે રાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને એવો આક્ષેપ કર્યો છે કે એમને ટપાલ દ્વારા અમુક કવર મળ્યા છે જેમાં ઝેરી રસાયણો હતા.

પોલીસે સાધ્વી પ્રજ્ઞાનાં નિવાસસ્થાનમાંથી એવા 3-4 એન્વેલપ્સ કબજામાં લીધા છે. એ કવરમાં ઉર્દૂમાં લખેલા પત્રો પણ છે.

ભોપાલના નાયબ ઈન્સ્પેક્ટર જનરલ ઈર્શાદ વલીએ કહ્યું કે, અમને સાધ્વી પ્રજ્ઞા તરફથી ફરિયાદ મળી હતી કે એમને ટપાલમાં એવા કવર મળ્યા છે જેમાં કોઈક હાનિકારક રસાયણો છે. અમે આ પ્રકરણમાં એફઆઈઆર નોંધીને તપાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે વિશે સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં કમેન્ટ કરીને મોટો વિવાદ જગાવ્યો હતો.

પોલીસે જણાવ્યું છે કે સાધ્વી પ્રજ્ઞાના ઘરમાંથી મેળવાયેલા કવર્સમાંના રસાયણોની ફોરેન્સિક તપાસ કરાયા બાદ જ વધુ વિગત જાણવા મળશે.

દરમિયાન, કથિતપણે પ્રજ્ઞા ઠાકુરનું સરનામું લખેલા એક બ્રાઉન કવરની તસવીર સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ કરવામાં આવી છે અને એની સાથે એવો સંદેશ રખાયો છે કે આમાં અમુક ઝેરી રસાયણ હોય છે જે જાન લઈ શકે છે.

ભોપાલના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઉમેશ તિવારીએ કહ્યું કે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ક્રિમિનલ ધમકી તથા કોઈને હાનિ પહોંચાડવા અંગેનો આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.

ટ્રાઈએ પેઈડ ચેનલોના દરમાં કર્યો ઘટાડો: ટીવી જોવું ખરેખર સસ્તુ થશે?

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ કેબલ ટીવી અને ડીટીએચ યૂઝર્સને નવા વર્ષની ભેટ આપી છે. ટ્રાઈએ પેઈડ ચેનલો માટેના મહત્તમ દરને 19થી ઘટાડીને 12 રુપિયા કરી દીધા છે. હવે આ જાહેરાત પછી સર્વિસ પ્રોવાઈડર કોઈ પણ ચેનલ માટે વધુમાં વધુ 12 રુપિયા જ પ્રતિ મહિના લેખે ભાડું વસૂલી શકશે. સર્વિસ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવી રહેલા ચેનલ બુકેમાં કોઈપણ ચેનલને ત્યારે જ સામેલ કરવામાં આવશે જ્યારે તેમની કિંમત 12 રુપિયા કે તેનાથી ઓછી હશે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ જાહેર થયેલા સમાચાર મુજબ 1 માર્ચથી ગ્રાહકોને 130 રુપિયામાં 100 ફ્રી ચેનલ્સના બદલે 200 ફ્રી ટૂ એર ચેનલ્સો દેખાડવામાં આવશે.

ટ્રાઈની નવા કેબલ ટીવી અને ડીટીએચ ટેરિફને 1 માર્ચ 2020થી લાગુ કરવામાં આવશે. આ નવી ટેરિફ વ્યવસ્થામાં ગ્રાહકોને 130 રુપિયા(ટેક્સ વગર)માં 200 ફ્રી ટૂ એર ટીવી ચેનલો ઓફર કરવામાં આવશે. પહેલા આ પેકેજમાં 100 ફ્રી ટૂ એર ચેનલ્સ ઓફર કરવામાં આવતી હતી. આજે કરેલી નવી જાહેરાતમાં ટ્રાઈએ 12 રુપિયાથી વધુની કિંમત વાળી ચેનલો બુકે લિસ્ટથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે. આ ચેનલોને ગ્રાહક સ્ટેન્ડ અલોન તરીકે સબ્સક્રાઈબ કરી શકશે. ટ્રાઈએ આના માટે કેબલ અને ડીટીએચ ઓપરેટર્સને 15 જાન્યુઆરી સુધી વેબસાઈટ પર જાણકારી મૂકવા પણ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાઈએ ગયા વર્ષે જ કેબલ ટીવી અને ડીટીએચ માટે નવી ટેરિફ વ્યવસ્થા લાગુ કરી હતી, જેમાં દર્શકો માત્ર એ જ ચેનલોનું ભાડું ચૂકવશે જે ચેનલો એ જોવા માગે છે.

હિમાલયને ભાવેણાઓ ઘરઆંગણે અનુભવી શકશે

ભાવનગર:  ફોટો જર્નાલિઝમ અને માઉન્ટેઈનરીંગ એટલે કે પત્રકારત્વની તસવીરી કલા અને પર્વતારોહણના સમન્વયરૂપ અનોખું ફોટો એક્ઝિબિશન ‘હિમાલય’ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની સહાયથી ભાવનગર ખાતે યોજાશે. જેમાં પર્વતારોહક જિજ્ઞેષ ઠાકરે 15 વર્ષ દરમ્યાન હિમાલયના શિખરો પર કરેલા પરિભ્રમણની તસવીરો પ્રદર્શનમાં નિહાળી શકાશે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, લડાખમાં પર્વતારોહણ દરમ્યાન પ્રાપ્ત થયેલા ત્યાંના લોકજીવન, ધર્મ, કૃષિ, શિક્ષણ, સંસ્કૃતિ સહિતના વિષયો પરના ફોટોગ્રાફ પસંદગી પામ્યા છે.

માર્ચના પ્રથમ અઠવાડિયામાં સરદારનગર ખાતે ખોડિદાસ પરમાર આર્ટ ગેલેરીમાં વરિષ્ઠ તસવીરકાર અમૂલભાઈ પરમારના હસ્તે એક્ઝિબિશન ખુલ્લુ મુકવા આયોજન હાથ ધરાયું છે.

જિજ્ઞેશ ઠાકર પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે અને જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, ઈગ્નોમાં ફેકલ્ટી તરીકે સેવા આપી રહ્યા છે અને તેમણે પોતાના શિખર આરોહણ દરમ્યાન તસવીરી કળા અજમાવી છે. જે ‘હિમાલય’ને ભાવનગરવાસીઓ ઘરઆંગણે અનુભવી શકશે.

રાશિ ભવિષ્ય 14/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય,


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી,


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.

ઓસ્કર-2020: ભારતીય-અમેરિકન દસ્તાવેજી નિર્માતાઓને નામાંકન મળ્યું

લોસ એન્જેલીસ – 92મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર એવોર્ડ્સ) કાર્યક્રમ આવતી 9 ફેબ્રુઆરીએ સાંજે (ભારતીય સમય મુજબ 10 ફેબ્રુઆરીએ સવારે) યોજવામાં આવશે.

આ વખતના એવોર્ડ્સ માટે વિવિધ કેટેગરી માટે નામાંકનોની આજે જાહેરાત કરવામાં આવી છે.

ગયા વર્ષની જેમ આ વખતનો કાર્યક્રમ પણ સંચાલક-વિહોણો રહેશે. ગયા વર્ષે કોમેડિયન અને અભિનેતા કેવીન હાર્ટને સંચાલક તરીકે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે એક વિવાદમાં સપડાતા એને ખસી જવું પડ્યું હતું.

આ વખતના એવોર્ડ્સમાં દસ્તાવેજી ફિલ્મ ટૂંકા વિષયની કેટેગરીમાં ભારતીય-અમેરિકન નિર્માતાઓની ફિલ્મને નામાંકન મળ્યું છે. આ નિર્માતાઓ છે – સ્મૃતિ મુન્ધ્રા અને સમી ખાન. એમની ફિલ્મ ‘સેન્ટ લૂઈસ સુપરમેન’ને નામાંકન મળ્યું છે.

આ દસ્તાવેજી ફિલ્મ 33-મિનિટની છે અને તે બ્રુસ ફ્રાન્ક્સ જુનિયરની સામાજિક કાર્યકર્તામાંથી લોકપ્રતિનિધિ બનવા સુધીની સફર પર આધારિત છે.

‘સેન્ટ લૂઈસ સુપરમેન’નો મુકાબલો 4 ફિલ્મો સામે છેઃ ‘ઈન ધ એબ્સન્સ’, ‘લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વોરઝોન’, ‘લાઈફ ઓવરટેક્સ મી’ અને ‘વોક રન ચા-ચા’.

આ સમાચાર વહેતા થતાં જ બોલીવૂડમાંથી ઘણા નિર્માતાઓ તથા જાણીતી હસ્તીઓએ સ્મૃતિ મુન્ધ્રાને ટ્વીટ દ્વારા અભિનંદન આપ્યા છે. આ હસ્તીઓમાં નિર્માતા અનુરાગ કશ્યપનો સમાવેશ થાય છે.

આ વખતે બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં 9 ફિલ્મો છેઃ

ફોર્ડ વી ફેરારી

ધ આઈરીશમેન

જોજો રેબિટ

જોકર

લિટલ વીમેન

મેરેજ સ્ટોરી

1917

વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ

પેરાસાઈટ

બેસ્ટ અભિનેતા માટે નામાંકન મેળવનાર છેઃ

એન્ટોનિયો બેન્ડરસ (પેઈન એન્ડ ગ્લોરી)

લિયોનાર્ડો ડિકેપ્રિયો (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ)

એડમ ડ્રાઈવર (મેરેજ સ્ટોરી)

જોક્વિન ફીનિક્સ (જોકર)

જોનાથન પ્રાઈસ (ધ ટૂ પોપ્સ)

બેસ્ટ અભિનેત્રી માટે નામાંકન મેળવનાર છેઃ

સિન્થીયા એરીવો (હેરીએટ)

સ્કારલેટ જોહાન્સન (મેરેજ સ્ટોરી)

સાઈઓર્સ રોનેન (લિટલ વીમેન)

ચાર્લીઝ થેરોન (બોમ્બશેલ)

રેને ઝેલ્વેગર (જ્યુડી)

ઉત્તરાયણની અંતિમ ઘડીની ખરીદી

આવતીકાલે ઉત્તરાયણ ઉજવવા અમદાવાદ ઉત્સાહભેર તૈયાર થઈ ગયું છે ને બજારો પતંગપ્રેમીઓથી ઊભરાયા છે.

મકરસંક્રાન્તિના આ પર્વ માટે ગુજરાતમાં તો અઠવાડિયાથી જ ખરીદીનો દૌર શરૂ થઈ જતો હોય છે, જેની ઝાંખી ઉતરાણની આગલી રાતે જોવા મળી હતી.

પતંગના આ તહેવારમાં પતંગોના વિવિધ રંગો અને આકારોની પણ રમજટ જામે છે ને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા રસિયાઓ ભારે ખર્ચ કરી અવનવા પતંગો ખરીદે છે.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)

સ્ટેચ્યુ ઓફ યુનિટીને SCO એ ગણાવી 8મી અજાયબી

અમદાવાદ:  ગુજરાતની અને દેશની ઓળખાણ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝશને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી જાહેર કરી છે. જેને લઇ ભારત અને ગુજરાતની ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. વિદેશ પ્રધાન એસ.જયશંકર ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. ત્યારે હવે શાંઘાઇ કોર્પોરેશન સભ્ય દેશોમાં પ્રચાર કરશે.

મોદી સરકારના કેબિનેટ મંત્રી અને ગાંધીનગરના સાંસદ એસ.જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે તેવી એક જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી.

ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળતા હવે વધારે પ્રસિદ્ધિ મળશે. ટાઇમ મેગેઝિન દ્વારા 2019ના વિશ્વના મહાન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને મુંબઇના સોહો હાઉસને સ્થાન મળ્યું છે.

182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી છે. ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ  સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે.