બેંગલુરુઃ આચારસંહિતા લાગુ થવા છતાં કર્ણાટક વિધાનસભાની વિધાનસભાની ચૂંટણીમાં ધૂમ પૈસા વહેવડાવવામાં આવી રહ્યા છે. જોકે ચૂંટણી પંચ બધા ઉમેદવારો પર કડક નજર રાખી રહ્યું છે અને દરોડા પાડી રહ્યું છે. આવકવેરા વિભાગે કોંગ્રેસના ઉમેદવારના ભાઈના મૈસુર સ્થિત ઘરે દરોડા પાડીને રોકડા રૂ. એક કરોડ જપ્ત કર્યા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આંબા ઝાડ પર એક બોક્સમાં છુપાવીને રૂ. એક કરોડ રાખવામાં આવ્યા હતા. IT અધિકારીઓએ મૈસુરમાં સુબ્રમણ્યમ રાયના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાં ઝાડ પર બોક્સ રાખવામાં આવ્યા હતા, ત્યાંથી નાણાં જપ્ત કરવામાં આવ્યાં હતાં.
સુબ્રમણ્યમ રાય પુત્તુર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ઉમેદવાર અશોક કુમાર રાયના ભાઈ છે. આ કાર્યવાહીનો વિડિયો પણ સામે આવ્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુબ્રમણ્યમ રાય આંબાના ઝાડ પર બોક્સમાં પૈસા છુપાવીને રાખ્યા હતા.
સોશિયલ મિડિયા પર સામે આવેલા એક વિડિયોમાં IT અધિકારીઓ આંબા ઝાડ પર રાખેલા એક બોક્સ વિશે પૂછપરછ કરતા જોઈ શકાય છે. જ્યારે આ બોક્સ ખોલવામાં આવ્યાં, ત્યારે એમાં નોટો નીકળી હતી, જે કુલ રૂ. એક કરોડ હતા. જે ઝાડ પરથી રૂ. એક કરોડ જપ્ત થયા છે એ ઘણું વિશાળ ઝાડ છે.
જે ઝાડ પરથી રૂ. એક કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા, એ ઝાડ તેમના બગીચાની વચ્ચોવચ લાગ્યું હતું. જે પુત્તુરથી સુબ્રમણ્યમ રાયના ભાઈ અશોક રાય ચૂંટણી લડી રહ્યા છે, તેઓ દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલું છે.
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયએ વિશ્વમાં ઓળખ બનાવી છે. હાલમાં જ્યારે ગંગુબાઈ કાઠિયાવાડીની અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે સફેદ પોશાકમાં મેટ ગાલામાં ડેબ્યુ કર્યો હતો. એ લુકમાં તેને ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી હતી. એક તરફ નેટજન્સે આલિયાના લુકને સુરક્ષિત કહ્યો હતો, જ્યારે બીજી તરફ ફેન્સે તેને પ્રિન્સેસ કહી હતી. હવે એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં હોલીવૂડ અભિનેતા આલિયાને ઐશ્વર્યા રાય સમજી બેઠો હતો.
ન્યુ યોર્કમાં સોમવારે રાત્રે મેટ ગાલા 2023નું આયોજન કરવામાં આવ્યું હતું અને આલિયાએ પોતાના લુકથી બોલીવૂડને ગૌરવ અપાવ્યું હતું. ગાલામાં તેની સાથે બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા પણ સામેલ થઈ હતી, જે પતિ અને ગાયક નિક જોનાસ સાથે આવી હતી.
જ્યારે એક્ટ્રેસે ડિઝાઇનર સેલિબ્રિટી ડિઝાઇનર પ્રબલ ગુરંગની સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો. જોકે વાઇરલ વિડિયોમાં આલિયાને લોકો ઐશ્વર્યા રાય બચ્ચન સમજી બેઠા હતા. એ વિડિયોમાં પેપ્સે ઐશ્વર્યા લુક હિયર, પ્લીઝ… કહેતા જોઈ શકાય છે. જોક ભૂલ શરમજનક હતી, પણ આલિયાએ એની અસર ખુદ પર પડવા નહોતી દીધી. એક્ટ્રેસે કેમેરા તરફ શાલિનતાથી જોયું અને ઇવેન્ટમાં જતાં સ્મિત કર્યું હતું.
આલિયાએ સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ્સમાંની એકમાં ડેબ્યુના ફોટો શેર કર્યા હતા અને ઉલ્લેખ કર્યો હતો કે તેને વિશ્વ સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ અનુભવ થાય છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે હું હંમેશાં પ્રતિષ્ઠિત ચેનલ બ્રાઇડ્સથી આકર્ષિત રહી છું.
મુંબઈઃ વાડિયા ગ્રુપની એરલાઈન ગો ફર્સ્ટએ નાદારીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોતે એની નાણાકીય જવાબદારીઓ પરિપૂર્ણ કરવા અસમર્થ હોવાને કારણે તેણે નાદારી માટેની પીટિશન નોંધાવી દીધી છે. એરલાઈને તેના કાફલાના 50 વિમાનોને વિમાનસેવામાંથી હટાવી લીધા છે. આ માટે તેણે પ્રેટ એન્ડ વ્હિટની કંપનીના એન્જિન્સને જવાબદાર ગણાવ્યા છે, જે ખરાબ છે. એરલાઈને ગઈ 1 મેથી 25 વિમાનને ગ્રાઉન્ડેડ કરી દીધા છે, જે તેના એરબસ વિમાનોના કાફલાનો 50 ટકા હિસ્સો થાય છે. ગો ફર્સ્ટે 3-5 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કર્યાની જાહેરાત કર્યા બાદ દેશના એવિએશન ક્ષેત્રની નિયામક સંસ્થા ડીજીસીએ તરફથી એને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
નાદારી પ્રક્રિયા શું છે?
નાદારી એક એવી કાનૂની પ્રક્રિયા છે જે દ્વારા કોઈ કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ થઈ જાય ત્યારે લેણદારો તરફથી રક્ષણની વિનંતી કરે છે. ગો ફર્સ્ટે તેના 50 ટકા વિમાનો ગ્રાઉન્ડેડ કરાવાથી એની પર આવી પડેલી નાણાકીય ભીંસને લીધે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં નાદારી નોંધાવી છે. આ સાથે એરલાઈન તેના લેણદારો પાસેથી રક્ષણ મેળવી શકશે અને પોતાને માથે ચડી ગયેલું દેવું ચૂકવવા માટે નવું માળખું તૈયાર કરી શકશે. એનસીએલટી હવે શું પગલું ભરે છે તે જોવાનું રહ્યું.
ટિકિટ ખરીદનારાઓ શું પગલું ભરી શકે?
વિમાનસેવા રોકી દેવાની ગો ફર્સ્ટે ઓચિંતી જાહેરાત કરી દીધી છે. એને કારણે એડવાન્સમાં ટિકિટો બુક કરાવનાર ગ્રાહકો કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ગો ફર્સ્ટને ફ્લાઈટ્સ રદ કરતાં 55,000થી 60,000 જેટલા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડશે. નિયામક ડીજીસીએના નિયમો અનુસાર, જો કોઈ એરલાઈન કોઈ પણ ફ્લાઈટ રદ કરે તો એના પેસેન્જરો રીફંડ માગવાને હકદાર બને છે. આમાં પેસેન્જરો પાસે બે વિકલ્પ હોય છે. એક તો જેમણે એરલાઈનની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી હોય તેઓ વેબસાઈટ પરથી એરલાઈન પાસે સીધું જ રીફંડ માગી શકે છે. અથવા જેમણે ટ્રાવેલ એગ્રીગેટર્સ મારફત ટિકિટ ખરીદી હોય તેમને રીફંડની રકમ ત્યારે મળશે જ્યારે પહેલાં એ રકમ એગ્રીગેટરના એકાઉન્ટમાં જમા થાય. ગ્રાહકો એમના રીફંડ માટે ટ્રાવેલ એગ્રીગેટરનો ઓનલાઈન સંપર્ક કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતના ટોચના પહેલવાન વિનેશ ફોગાટે મંગળવારે કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર પર એક સમિતિ બનાવીને મામલાને દબાવવાનો આરોપ લગાવવામાં આવ્યો અને દાવો કરવામાં આવ્યો છે શક્તિશાળી લોકોની સામે ઊભા રહેવું મુશ્કેલ છે. પહેલવો ગયા મહિનાની 23 એપ્રિલથી ભારતીય કુસ્તી મંહાસંઘના અધ્યક્ષ બ્રિજશરણ સિંહ પર ખેલાડીઓએ યૌન ઉત્પીડનના આરોપમાં કાર્યવાહી કરવાની માગને લઈને દેખાવો કરી રહ્યા છે.
દિલ્હી પોલીસે સાત મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડનના આરોપોને લઈને બે પ્રાથમિક રિપોર્ટ નોંધાવ્યા છે. દેખાવો કરી રહેલા પહેલવાનોના મહાસંઘના અધ્યક્ષની સામે FIR નોંધવાના આદેશ આપ્યા પછી સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. ફોગાટે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે આવા શખસની વિરુદ્ધ ઊભા રહેવું બહુ મુશ્કેલ છે, જે એટલા લાંબા સમયથી પોતાની તાકાત અને પદનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે પહેલવાનોએ પહેલી વાર જંતરમંતર પર વિરોધ શરૂ કરતાં પહેલાં એક અધિકારી સાથે મુલાકાત કરી હતી, પણ કોઈ કાર્યવાહી નહોતી થઈ. તેમણે એક સમિતિ બનાવીને મામલાને નહીં ઉઠાવવા અને દબાવવા માટે ઠાકુરની ટીકા કરી હતી. ફોગાટે આરોપ લગાવ્યો હતો કે સ્પોર્ટ્સપ્રદાન સાથે વાત કર્યા પછી અમે અમારો વિરોધ ખતમ કર્યો હતો અને બધા એથ્લીટો અને તેમના યૌન ઉત્પીડન વિશે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ત્યે તેમણે સમિતિ બનાવીને મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી. પહેલવાનોનો વિરોઝ એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે.
બદરીનાથઃ બદરીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ પેટીએમ ક્યુઆર કોડ પર સ્પષ્ટતા કરી છે. દેશના મુખ્ય મંદિરોમાં શ્રદ્ધાળુ અને તીર્થયાત્રીઓને ડિજિટલ દાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, આ ક્રમકમાં શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની વર્ષ 2017માં બોર્ડની બેઠકમાં કેદારનાથ ધામમાં એ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પેટીએમની સાથે કરારનો એક ભાગ છે, એમ સમિતિના મિડિયા પ્રભારી ડોક્ટર હરીશ ગૌડે જણાવ્યું હતું.
વર્ષ 2018માં બંને પક્ષોની વચ્ચે કરાર થયો હતો, ત્યારથી સતત પેટીએમ દ્વારા શ્રી કેદારનાથ ધામમાં ક્યુઆર કોડનાં નાનાં સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે. પેટીએમ તરફથી હાલની યાત્રામાં પણ કેદારનાથ સિવાય બદરીનાથ ધામમાં મોટા કદના કેટલાંય સાઇન બોર્ડ લગાવવામાં આવ્યાં છે, પરંતુ પેટીએમ તરફથી ક્યુઆર કોડનાં બોર્ડ લગાવવા માટે પહેલાં BKTCના અધિકારીઓએ લેખિત કે મૌખિક કોઈ પણ પ્રકારનાં બોર્ડ લગાવવા અથવા એ કદના, સ્થાન વગેરે વિશે કોઈ માહિતી નહોતી આપવામાં આવી.
BKTCના અધિકારીઓના ધ્યાનમાં એને તત્કાળ દૂર કરવામાં આવ્યાં હતાં. BKTCએ પ્રકરણની પોતાના સ્તરે પણ તપાસ કરી અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીની આશંકાને પગલે પોલીસને લેખિતમાં ફરિયાદ દાખલ કરી હતી. BKTCની આંતરિક તપાસ અને પોલીસમાં ફરિયાદ પછી પેટીએમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મંદિર વહીવટી તંત્રમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. પેટીએમ દ્વારા કરવામાં આવેલી ચૂક પર BKTCના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કંપનીના અધિકારીઓ સમક્ષ કડક નારાજગી વ્યક્ત કરી હતી અને એને ગેરજવાબદાર વલણ બતાવ્યું હતું. આ બાબજે પેટીએમના અધિકારીઓ દ્વારા ભૂલ સ્વીકારવામાં આવી હતી અને ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પેટીએમ દ્વારા સમિતિને દાન સ્વરૂપે રૂ. 67 લાખ પ્રાપ્ત થયું હતું.
બાળપણ અમદાવાદ તળિયાની પોળમાં. તેઓ 11 મહિનાના હતાં, તેમને સરસ તૈયાર કરીને આંગણામાં સુવાડેલા, ઝવેરચંદ મેઘાણી આવ્યા. જોઈને કહે: “આ કોણ ફૂલ સૂતું છે!” તેઓ આઠ ભાઈ-બહેનો, બધાં મિત્રોની જેમ રહે. ઘરમાં ધમધમતું વાતાવરણ. કાકા ક્રાંતિકારી. બાળપણમાં થોડી ગરીબી પણ ખરી. દાદી 28 વર્ષે વિધવા થયાં હતાં.
રોજ સાંજે પિતા યશવંતભાઈ ક્લાસ લેવા જૂના પ્રેમાભાઈ હોલમાં જાય. છ વર્ષની નીલા જોડે થાય. જયશંકર સુંદરીના દિગ્દર્શન હેઠળ થતાં નાટકના રિહર્સલ જુએ. જોતાં-જોતાં કેટલું બધું શીખી ગઈ! બીજા ધોરણમાં હતી અને જીવરામ જોશીના હાથે તેને નાટકમાં ઈનામ મળ્યું! વિદ્યાનગર શાળામાં સુંદર નાટક ભજવ્યું: “માફ કરજો, આ નાટક નહીં ભજવાય!” પછી “મોરપીંછ” નામની નૃત્ય-નાટિકા કરી. “શસ્ત્ર-પરિત્યાગ” નાટક માટે પણ ઈનામો મેળવેલાં. “કાશીનાથ” “રાયગઢ જયારે જાગે છે” જેવાં ઘણાં એકાંકી અને ત્રિઅંકી (જશવંત ઠાકર સાથે) નાટકોમાં ભાગ લીધો અને ઈનામો મેળવ્યાં. સાહિત્યકારો, નાટ્યકારો ઘરે આવે, એટલે તેનો વારસો તેમને બાળપણથી મળેલો.
એચ. કે. આર્ટસ કોલેજમાં ફિલોસોફી(તત્વજ્ઞાન) અને સંસ્કૃત વિષય લઈને BA કર્યું. ત્યાં તેઓ પોતાના ભાવિ-પતિ જયંતભાઈ જોશીને મળ્યાં. માતાને ચિંતા હતી કે નીલા નવા વાતાવરણમાં કેવી રીતે સેટ થશે? પણ સાસુ-સસરાનું ઘણું પ્રોત્સાહન મળ્યું અને જીવન નીખરતું રહ્યું. આગળ ભણ્યાં. MA તથા “જ્ઞાનદેવ” ઉપર PhD કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
રસોઈનો શોખ ઘણો. એકવાર રા.વિ.પાઠક અને હીરાબેન ઘરે આવેલાં. તેઓ નીલાબહેનને વહાલથી ‘ડેબકી’ કહે! નીલાબહેનનો વાંચનનો શોખ જોઈને હીરાબેન ઘણીવાર કહે: ‘તું રસોડું છોડ!” સવારના કામકાજ અને વાંચન બાદ બપોરે જમીને આરામ કરે. જયંતભાઈને પુસ્તકો વાંચીને સંભળાવે. ‘અભિરુચિ’ અને ‘વિશ્વા’ જેવાં સાહિત્ય ગ્રુપોમાં ભાગ લે. દિવસનો મોટા ભાગનો સમય પુસ્તકો, વાંચન અને સાહિત્યની આસપાસ પસાર થાય!
શોખના વિષયો :
સ્ટેજ-નાટકો, રેડિયો-નાટકો, વાંચન, લેખન તથા કાવ્ય-પઠન તેમના શોખ! તેમના દીકરાઓની પ્રોફેશનલ કેરિયરમાં નીલાબહેનના શોખો ઊભરી રહ્યા છે! સ્ત્રી-સહજ રસોઈનો શોખ પણ ખરો.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
બીપીની વધઘટ રહે છે. બ્રેસ્ટ-કેન્સરના તકલીફવાળા તબક્કામાંથી પણ પસાર થયાં. જ્ઞાનદેવે બળ આપ્યું એટલે ઝઝૂમી શક્યાં તેવું તેઓ માને છે. બંને પગના ઓપરેશન કરાવ્યાં છે. એકંદરે તબિયત સારી છે.
યાદગાર પ્રસંગ:
નીલાબહેનને વાચવાનું બહુ ગમે. છાપા વાંચે, પુસ્તકો વાંચે. વાંચવા બેસે ત્યારે ઘણાં બધાં પુસ્તકો સાથે લઈને બેસે. એકવાર ઉમાશંકરભાઈ ઓચિંતા ઘરે આવ્યા. સોફા ઉપર ઘણાં પુસ્તકો પડેલાં. નીલાબહેન ઝડપથી પુસ્તકો ભેગાં કરી ગોઠવવા માંડ્યાં. ઉમાશંકરભાઈ તેમને રોકીને કહે: “જેમ છે એમ જ રહેવા દે! હવે આવાં દ્રશ્યો માંડ દેખાય છે!”
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી ઓછી વાપરે છે. whatsappનો ઉપયોગ કરી દેશ-પરદેશ રહેતાં બાળકો સાથે વાતચીત અને કોમ્યુનિકેશન કરી લે છે. ટેકનોલોજી માટે ઘણાં પોઝિટિવ છે. આગળ વધવું હોય તો ટેકનોલોજીની સહાય તો લેવી જ રહી તેવું માને છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
માણસો તો બધે સરખા જ હોય! પણ જે બદલાવ આવ્યો છે તેના કરતાં ઘણો મોટો બદલાવ આવવાનો બાકી છે! સમાજના છેલ્લા તબક્કા સુધી શિક્ષણ પહોંચશે અને કામવાળા તથા સ્વીપરની છોકરીઓ ભણશે પછી જે જુવાળ સમાજમાં આવશે તે ઘણો મોટો હશે. તેને માટે આપણે તૈયાર રહેવું પડશે! સમાજમાં માનવ-ધર્મ અને સમાનતા પ્રસરે તેવી આશા!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ઘરનાં અને કુટુંબનાં બાળકો અને યુવાનો સાથે તો સારા સંપર્કમાં છે જ, પણ સાહિત્ય પરિષદમાં અને લાઇબ્રેરીમાં નિયમિત જતાં હોવાથી ત્યાં પણ યુવાનોના ટચમાં છે. પૌત્રી સુંદર કવિતાઓ લખે છે. પૌત્રને ફાઈન-આર્ટસનો શોખ છે.
સંદેશો :
વડીલોને ખાસ કહેવાનું કે બાળકોને મનગમતું કામ કરવા દો! તેમને જે બનવું છે તે બનવા દો! તમારી અધૂરી ઈચ્છાઓ બાળકો પર લાદશો નહીં.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3720 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 20 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,56,716 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,584 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,84,955 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6398 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 40,177એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.10 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.71 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,50,735 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.69 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,71,072 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2459 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
બાડમેરઃ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સીમા સુરક્ષા દળના જવાનોએ ગઈ કાલે બે પાકિસ્તાની ઘૂસણખોરને સરહદ નજીક ઠાર કર્યા હતા. બંને મૃત ઘૂસણખોરની તલાશી લેતાં આશરે ત્રણ કિલોગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો.
રાજસ્થાન રાજ્ય પશ્ચિમ ભાગમાં પાકિસ્તાન સાથે લગભગ 1,036 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. આ સરહદેથી ભારતમાં માદક પદાર્થો ઘૂસાડવાનું ષડયંત્ર ચાલતું હોવાની બાતમી મળતાં સુરક્ષા જવાનો સતર્ક થઈ ગયા હતા.
મુંબઈઃ પડોશના થાણે શહેરમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની હતી. ઘોડબંદર રોડ પર ગાયમુખ વિસ્તારમાં આજે સવારે લગભગ 5.45 વાગ્યાના સુમારે એક ઓટો-રીક્ષા એક ડિવાઈડર સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી હતી. તેને કારણે રીક્ષામાં પ્રવાસ કરતી એક મહિલા સળગી ગઈ હતી અને ભડથૂં થઈ ગઈ હતી. રીક્ષાચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.
તે મહિલાની ઓળખ તત્કાળ જાણી શકાઈ નહોતી. રીક્ષા થાણે શહેરથી ભાયંદર તરફ જતી હતી ત્યારે ડ્રાઈવર રીક્ષા પરનો અંકુશ ખોઈ બેઠો હતો અને તે ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી. એને કારણે તરત જ રીક્ષામાં આગ લાગી હતી. ડ્રાઈવરનું નામ રાજેશ કુમાર છે અને 45 વર્ષનો છે.
રીક્ષા બળીને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ કરાતા સ્થાનિક અગ્નિ શામક દળના જવાનો અને રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જવાનો ત્યાં દોડી ગયા હતા. ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સારવાર ચાલી રહી છે. મહિલાનાં મૃતદેહને પોસ્ટ-મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.