Home Blog Page 2844

‘જરા હટકે જરા બચકે’ ફિલ્મના મ્યુઝિક લોન્ચ પ્રસંગે વિકી, સારાએ લગાવ્યાં ઠૂમકા

વિકી કૌશલ અને સારા અલી ખાનને રોમેન્ટિક જોડી તરીકે ચમકાવતી હિન્દી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નાં ગીતોનું મ્યૂઝિક આલ્બમ અને બીજું ટ્રેલર 24 મે, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રચાર પ્રસંગે વિકી અને સારા પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને એમની ફિલ્મનાં ગીતોની ધૂન પર સ્ટેજ પર નાચ્યાં પણ હતાં.

‘જરા હટકે જરા બચકે’ ફિલ્મ આવતી બીજી જૂનથી થિયેટરોમાં રિલીઝ થનાર છે.

 

(તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જાહેરઃ 64.62 ટકા વિદ્યાર્થીઓ પાસ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB )નું 10માનું પરિણામ જાહેર થયું છે, જે 64.62 ટકા આવ્યું છે. 14 માર્ચથી 28 માર્ચ સુધી આયોજિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમનાં પરિણામ જોઈ શકે છે.  સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું 76.45 ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 40.75 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામન નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા આવ્યું છે. સૌથી વધુ 100 પરિણામ ધરાવતી સ્કૂલોની સંખેયા 272 છે, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 1094 છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63573 00971 પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના 9.56 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.  રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 958 કેન્દ્રોમાં લેવામાં આવી હતી.

  6111 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ

ગ્રેડ મુજબ આંકડા પર નજર કરીએ તો 6111 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 44,480 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 86,611 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,27,652 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,39,248 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 67,373 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ, 3412 વિદ્યાર્થીઓને D જ્યારે 6 વિદ્યાર્થીને E-1 ગ્રેડ આવ્યો છે.

રાજ્યમાં ધોરણ 10માની પરીક્ષા આપનાર 9. 56 લાખ વિદ્યાર્થીઓમાં 7. 41 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ, 11,000 ખાનગી વિદ્યાર્થીઓ, 5000 ખાનગી રિપિટર વિદ્યાર્થીઓ, 1. 65 લાખ રિપિટર વિદ્યાર્થીઓ, 33,000 આઇસોલેટેડ વિદ્યાર્થીઓ અને 4000 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ગુજરાત બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.

 

 

 

નવી સંસદના ઉદઘાટનનો બઙિષ્કારઃ PM મોદીએ વિપક્ષને આડે હાથ લીધો

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ સંસદ ભવનના ઉદઘાટનનો બહિષ્કાર કરવાના વિરોધ પક્ષોના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો. વડા પ્રધાન જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા- ત્રણ દિવસની યાત્રા પૂરી કર્યા બાદ દિલ્હી પહોંચ્યા હતા. ભાજપાધ્યક્ષ અને અન્ય નેતાઓ સહિત સેંકડો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

 હાલ સિડનીમાં કાર્યક્રમમાં વડા પ્રધાનને સાંભળવા માટે 20,000થી વધુ લોકો તેમને ઊમટી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન પણ એ સમારોહમાં હાજર હતા. ત્યાં વિપક્ષ અને સત્તા પક્ષના સાંસદ હતા, એ બધાએ એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોરોના રોગચાળો જ્યારે પિક પર હતો, ત્યારે વિદેશમાં કોવિડ વેક્સિનની નિકાસ કરવા માટે કેન્દ્ર પર સવાલ ઉઠાવવા બદલ વડા પ્રધાને વિપક્ષને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું હતું કે સંકટના સમયે વિપક્ષે પૂછ્યું હતું કે મોદી વિશ્વને રસી કેમ આપી રહ્યા છે? આ બુદ્ધની ભૂમિ છે, આ ગાંધીની ભૂમિ છે. આપણે આપણા દુશ્મની પણ ચિંતા કરીએ છીએ. આપણે કરુણાસભર લોકો છીએ.

વડા પ્રધાન મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાના છે. વિરોધ પક્ષોનો તર્ક છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપિતને હસ્તે કરવામાં આવવું જોઈએ.  વિરોધ પક્ષોએ એનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. 20 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહના બહિષ્કારનું એલાન કર્યું છે.ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. સંસદ જે દિવસે રાષ્ટ્રને સમર્પિત થશે. એ દિવસે તામિલનાડુથી આવેલા વિદ્યાનો દ્વારા સેંગોલ વડા પ્રધાનને આપવામાં આવશે,. એ પછી એ સંસદમાં કાયમી સ્થાપિત થશે.

 

 

 

 

કોરાનાના 535 નવા કેસો, છનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 535 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે પાંચ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,88,426 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,854 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,50,404 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 953 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 6168એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,09,695 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.98 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,02,872 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1596 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુંબઈ ઈન્ડિયન્સનો નવો બુમરાહઃ આકાશ મધવાલે લખનઉ ટીમને 81-રનથી પછાડી

ચેન્નાઈઃ ઉત્તરાખંડના રૂડકીનો રહેવાસી અને મધ્યમ ઝડપી બોલર આકાશ મધવાલ આ પહેલી જ વાર આઈપીએલ સ્પર્ધામાં રમી રહ્યો છે અને એણે ગઈ કાલે સનસનાટીભર્યો બોલિંગ દેખાવ કરીને તેની ટીમને ‘એલિમિનેટર’ મુકાબલામાં જિતાડીને ‘ક્વાલિફાયર-2’ મેચ-તબક્કામાં પહોંચાડી દીધી છે. ગઈ કાલે અહીંના ચિન્નાસ્વામી (ચેપોક) મેદાન પર રમાઈ ગયેલી આઈપીએલ-2023 (સીઝન-16)ની ‘એલિમિનેટર’ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનના તોતિંગ માર્જિનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 182 રન કર્યા હતા. તેના જવાબમાં લખનઉ ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મુંબઈ ટીમની આ જીતનો શ્રેય જાય છે આકાશ મધવાલને જેણે 3.3 ઓવરમાં માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેમજ દીપક હુડાને રનઆઉટ કરવામાં ભૂમિકા ભજવી હતી. મધવાલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ‘ક્વાલિફાયર-2’ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ ટીમ સામે આવતીકાલે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં થશે. ગુજરાત ટીમ આ પહેલાં ‘ક્વાલિફાયર-1’ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. આવતીકાલે મુંબઈ-ગુજરાતમાંથી જે ટીમ જીતશે તે 28 મેના રવિવારે મોદી સ્ટેડિયમમાં જ રમાનાર ફાઈનલ મેચમાં ચેન્નાઈ ટીમ સામે ટકરાશે.

મેચ બાદ એવોર્ડ સ્વીકારતી વખતે મધવાલે કહ્યું હતું કે, ‘હું નેટ્સમાં ઘણી જ પ્રેક્ટિસ કરતો રહ્યો છું અને મારી તક આવે એની રાહ જોઉં છું. હું તો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું અને ક્રિકેટ મારો શોખ છે. આઈપીએલમાં રમવાની તક મળે એની હું 2018ની સાલથી રાહ જોતો હતો. હું આગામી મેચોમાં પણ સારો દેખાવ કરવાની આશા રાખું છું અને મારી ટીમ વિજેતા બને એવું ઈચ્છું છું. 6ઠ્ઠા ક્રમે રમવા આવેલા લખનઉ ટીમના વિકેટકીપર નિકોલસ પૂરનની વિકેટ મારે મન સૌથી વધારે આનંદ અપાવનારી હતી.’ (74 રનના સ્કોર પર પૂરન પહેલા જ બોલ પર આઉટ થયો હતો. મધવાલના બોલમાં એ વિકેટકીપર ઈશાન કિશનને કેચ દઈ બેઠો હતો.)

મુંબઈ ટીમનું બોલિંગ આક્રમણ તેના ઝંઝાવાતી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ગેરહાજરીને કારણે નબળું પડી ગયું હતું, પણ મધવાલે તેની ખોટ વર્તાવા દીધી નથી. એણે ધીમે ધીમે પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. આઈપીએલ સ્પર્ધાના પ્લેઓફ્સ ચરણના ઈતિહાસમાં કોઈ બોલરનો આ સર્વશ્રેષ્ઠ દેખાવ બન્યો છે. તદુપરાંત, સમગ્ર ટુર્નામેન્ટમાં મધવાલનો પાંચ-વિકેટનો બોલિંગ દેખાવ સૌથી ઈકોનોમિકલ બન્યો છે.

ટૂંકો સ્કોરઃ મુંબઈ ઈન્ડિયન્સ – 20 ઓવરમાં 8 વિકેટે 182 (ઈશાન કિશન 15, રોહિત શર્મા 11, કેમરન ગ્રીન 41, સૂર્યકુમાર યાદવ 33, તિલક વર્મા 26, ટીમ ડેવિડ 13, નેહલ વાઢેરા 23. નાવીન-ઉલ-હક 38 રનમાં 4 વિકેટ).

લખનઉ સુપર જાયન્ટ્સ – 16.3 ઓવરમાં 101 (માર્કસ સ્ટોઈનિસ 40, દીપક હુડા 15, કેપ્ટન કૃણાલ પંડ્યા 8. આકાશ મધવાલ પાંચ રનમાં પાંચ વિકેટ.)

‘રોક N રોલ’ સંગીત-શૈલીનાં ‘રાણી’, અમેરિકન ગાયિકા ટીના ટર્નર (83)નું અવસાન

ઝુરીક (સ્વિટ્ઝરલેન્ડ): અમેરિકાનાં દંતકથાસમાન ગાયિકા અને જેમને લોકપ્રિય સંગીત-શૈલી ‘રોક ‘એન’ રોલનાં રાણી’ તરીકે ઓળખવામાં આવ્યાં છે તે ટીના ટર્નરનું ગઈ કાલે ઝુરીક નજીકના કઝનેસ્ત નગરમાં એમનાં નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 83 વર્ષનાં હતાં. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં. એવું કહેવાય છે કે 2016માં એમને આંતરડાના કેન્સરનું નિદાન થયું હતું અને 2017માં એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

1939ની 26 નવેમ્બરે અમેરિકાના ટેનેસી રાજ્યના નટબસ શહેરમાં જન્મેલાં ટીના ટર્નરે સગીર વયે જ સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. 1960ના દાયકામાં ‘પ્રાઉડ મેરી એન્ડ રીવર ડીપ’, ‘માઉન્ટેન હાઈ’ જેવા ગીતોથી તેઓ લોકપ્રિય બન્યાં હતાં. એમનાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું. પતિથી છૂટાછેડા લીધા બાદ એમણે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને ‘વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઈટ’, ‘પ્રાઈવેટ ડેન્સર’, ‘ધી બેસ્ટ’ સહિત બીજાં અનેક હિટ ગીતો ગાયાં હતાં. એમનાં ગીતોની રેકોર્ડ્સનું ત્યારે અમેરિકા ઉપરાંત અનેક દેશોમાં ધૂમ વેચાણ થયું હતું. ટીના ટર્નરે 8 ગ્રેમી એવોર્ડ્સ જીત્યાં હતાં. 1991માં એમને ‘રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમ’માં સામેલ કરીને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, ગાયક મિક જેગર, ડાયના રોસ જેવી નામાંકિત હસ્તીઓ તેમજ ટોચના સંગીતકારોએ ટીના ટર્નરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.

સુવિચાર – ૨૫ મે, ૨૦૨૩

સુવિચાર – ૨૫ મે, ૨૦૨૩

૨૫ મે, ૨૦૨૩

૨૫ મે, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 25/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

વાણીઃ આ લોકની સંજીવની…

વર્ષો પહેલાં ક્યાંક વાંચેલું કે કોઈના વ્યક્તિત્વનું માપ કાઢવું હોય તો એ વ્યક્તિ પોતાનાથી ઊતરતી કક્ષાની વ્યક્તિ સાથે કેવો વહેવાર કરે છે એ જોવું. આ જ નિયમ કૌટુંબિક જીવનના સુખને પણ લાગુ પડે છે. પરિવારમાં પરસ્પર સંબંધો મહત્વના હોય છે.

-અને સંબંધો સાચવવાની ચાવી છે વાણી અને વર્તન. ખાસ તો વાણી.

એક દષ્ટાંત છેઃ નગરમાંથી રાજાની સવારી નીકળતી હતી. સવારી મારગમાં એક અંધજન બેઠો હતો. તરત  સિપાઈ દોડીને એની પાસે ગયોઃ “એય આંધળા, રસ્તા વચ્ચે શું બેઠો છે? રાજાની સવારી આવે છે. ભાન નથી પડતી? ઊઠ, નહીંતર ફટકારીશ”.

અંધજન કહે, “સિપાઈ સાહેબ, રાજા આવે એટલે તરત ઊઠી જઈશ.”

થોડી વાર થઈ ને વ્યવસ્થા ચકાસવા દીવાન નીકળ્યા. એમણે આંધળાને જોઈને કહ્યું, “અંધજન, ઊઠો. રાજાની સવારી આવે છે.”

અંધ કહે: “દીવાનજી, બસ ઊઠું જ છું.”

ત્યાં તો રાજા ખુદ આવી ચડ્યાઃ “સુરદાસજી. કેમ અહીં બેઠા છો?”

અંધજને બે હાથ જોડ્યાઃ “આપનું સ્વાગત છે રાજન્… કહો, શી આજ્ઞા છે?”

આ આખી ઘટના ત્યાં ઊભા રહીને નિહાળનાર એક નગરવાસીને આશ્ચર્ય થયું- અંધજને ત્રણેયને ઓળખી કેવી રીતે લીધા? એણે સવાલ કર્યો તો અંધજને કહ્યું કે “વાણીના આધારે.”

ખરેખર, વ્યક્તિની વાણી જ તેનો પરિચય આપી દે છે, વાણી પરથી તેનું વ્યક્તિત્વ બહાર આવે છે. વાણીનું માધુર્ય આપમેળે જ આવશે અને તેની સારી જ અસર થાય, પરંતુ ભાવના જ જો સારી ન હોય તો ગમે તેટલો પ્રયત્ન કરીએ, શબ્દોની ઝાકઝમાળ કરી ગોઠવીને બોલવાનો પ્રયત્ન કરીએ તો પણ તેની કંઈ જ અસર થતી નથી અને ઘણી વાર વાત વધારે પડતી વણસી પણ જતી હોય છે.

વાણીને વ્યવસ્થિત અને વિવેકપૂર્ણ વાપરીએ તો સંબંધો કે વ્યવહાર સુધરી જતા હોય છે અને વણવિચારે જેમ-તેમ વાપરીએ તો સુધરેલા સંબંધો કે વ્યવહારો બગડી જતા હોય છે. આપણે જ્યારે કોઈને કંઈક કહેતા હોઈએ ત્યારે આપણી ભાવના કેવી છે એ અગત્યનું છે. જો આપણી ભાવના શુદ્ધ અને પવિત્ર હશે.

પેલી ઐતિહાસિક શિકાગો ધર્મ પરિષદમાં વિવિધ વક્તા લેડીઝ ઍન્ડ જેન્ટલમેનથી પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કરતા હતા. છેલ્લે વિવેકાનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે તેમણે માય ડિયર બ્રધર્સ ઍન્ડ સિસ્ટર્સ એવું પ્રેમાળ સંબોધન કર્યું તેનાથી જાણે ચમત્કાર થયો. શ્રોતાનાં હૃદય ઝૂમી ઊઠ્યાં. બીજાં પ્રવચન કરતાં આ એક સંબોધને જ સભા જીતી લીધી. અન્ય પ્રવચનકારો પણ સંબોધન કરતા જ હતા પરંતુ સ્વામી વિવેકાનંદની વાણીની થોડી જ મીઠાશે સંપૂર્ણ સભા જીતી લીધી.

એક વાર બુદ્ધિજીવીઓમાં પ્રશ્ન પુછાયો કે, “શરીરનું શ્રેષ્ઠ અંગ કયું છે?’ સચોટ જવાબ મળ્યોઃ ‘જીભ, કારણ કે એનામાં મડદાને બેઠાં કરવાની તાકાત છે.”

અને કનિષ્ઠ અંગ કયું? એ પણ જીભ, કારણ કે તેમાં જીવતાંને મડદા બનાવી દેવાની તાકાત છે.’

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ માટે લખાયું છે કે (એમની) “વાણી અમૃતથી ભરી મધુ સમી, સંજીવની લોકમાં”… એમની વાણી એટલી મધુર અને પ્રિય હતી કે તેઓના સંપર્કમાં જે કોઈ આવે એ એમના દીવાના જ થઈ જતા. ગોંડલમાં યોગીજી મહારાજ જ્યારે મંદિરની ટપાલ આપવા ટપાલી આવતા ત્યારે તેને પ્રેમથી “ટપાલી સાહેબ” કહીને સંબોધતા.

હા, વાણીની એ તાકાત છે કે જો નમ્રતાથી વાપરવામાં આવે તો તેમાં અપાર શક્તિ છુપાયેલી હોય છે અને સામે પક્ષે જો વ્યવસ્થિત વાણી ન વાપરી હોય તો નુકસાનની નોબત પણ વાગી જાય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)