Home Blog Page 2139

IND vs AFG : અફઘાનિસ્તાન સામે ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ભારત અને અફઘાનિસ્તાનની ટીમો ત્રીજી T20 મેચ માટે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે આવી ગઈ છે. ભારતે નવા વર્ષની શરૂઆત વિજય સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ જાળવી રાખી છે. હવે ત્રીજી ટી20માં ભારતીય ટીમ ક્લીન સ્વીપની આશા સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં રોહિત શર્મા ત્રણ ફેરફારો સાથે મેદાનમાં ઉતરી રહ્યો છે. સંજુ સેમસનને ત્રીજી ટી20માં રમવાની તક મળી છે. રોહિત શર્માએ ટોસ દરમિયાન જણાવ્યું કે તેણે ટીમમાં 3 ફેરફાર કર્યા છે. સંજુ સેમસન, કુલદીપ યાદવ અને અવેશ ખાનને રમવાની તક મળી છે.


અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહેમદ મલિક.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

બેહાલ વિમાન સેવાઃ પ્રતિ વર્ષ 8000 ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘરેલુ વિમાન બજાર છે, પણ ભારતીય એરલાઇન્સ હાલના દિવસોમાં સવાલોના ઘેરામાં છે. હાલમાં ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટે એક યાત્રીને થપ્પડ મારી દીધી હતી, કેમ કે ફ્લાઇટ ધુમ્મસને કારણે 13 કલાકથી રનવે પર ઊભી હતી.

દેશમાં ફ્લાઇટથી પ્રવાસ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્ષ 2023માં ભારતમાં 15.2 કરોડથી વધુ પેસેન્જરોએ હવાઇ યાત્રા કરી હતી. નવેમ્બરમાં નવ ટકાનો વધારો થયો હતો અને મહિનામાં 1.27 કરોડ લોકોએ હવાઇ યાત્રા કરી હતી. વર્ષ 2023-24માં 37.1 કરોડ પ્રવાસીઓ અને 2024-25માં 41.2 કરોડ પ્રવાસીઓ હવાઈ યાત્રા કરે એવી શક્યતા છે. જોકે કેટલાય પ્રવાસીઓ એરલાઇન કંપનીઓની સર્વિસથી સંતુષ્ટ નથી. વધુ પ્રવાસી ભાડાં, ફ્લાઇટ રદ થવી, વિલંબ, માલસામાન ગુમાવવો કે તૂટવો, ફ્લાઇટ્સમાં ખાવાનું મોઘું અને કર્મચારીઓની ખરાબ વર્તણૂક જેવી ફરિયાદો થઈ રહી છે.

લોકલ સર્કલ્સએ હવાઇ યાત્રીઓનો અનુભવ જાણવા માટે એક સર્વે કર્યો હતો, જેમાં 284 જિલ્લાઓના 25,000થી વધુ યાત્રીઓએ સર્વેમાં ભાગ લીધો હતો.

આ સર્વેમાં 78 ટકા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી તેમને એક કે વધુ વખત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બાકીના 22 ટકા કહ્યું હતું કે તેમને કોઈ સમસ્યા નથી થઈ. જોકે 10માંથી આઠ જણે કહ્યું હતું કે તેમને મુશ્કેલી થઈ હતી. ઉડ્ડયન રાજ્ય મંત્રી ડો. વી. કે. સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2017 પછી અત્યાર સુધી 56,607 શેડ્યુલ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. એ કારણે યાત્રીઓને રૂ. 31.83 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આમ દર વર્ષે આશરે 8000 ફ્લાઇટ્સ રદ થાય છે.

 

 

 

 

 

 

મોતિયાના ઓપરેશનમાં બેદરકારીઃ હાઇકોર્ટનો વળતર ચૂકવવાનો આદેશ

અમદાવાદઃ અમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. સમાચારોના અહેવાલને આધારે ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. આ સુઓમોટો સાતમી ફેબ્રુઆરીએ ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. હાઇકોર્ટે આ મામલે નોંધ્યું કે અમદાવાદના વિરમગામની માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીથી કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. આ ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. લોકોએ જ્યાં ઓપરેશન કરાવ્યું હતું તે રામાનંદ હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે. ઓપરેશન દરમિયાન સુવિધામાં ખામી હતી કે મેડિકલ ઇક્વિપમેન્ટની સારસંભાળ રાખવામાં આવી નહોતી કે પછી આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા? આ મામલે હજુ સુધી મેડિકલ કર્મચારી સામે પોલીસમાં ફરિયાદ થઈ નથી. કોર્ટે કહ્યું કે આ મામલે પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ કેસ 7મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.

બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો મગાવતા આરોગ્ય તંત્ર કામે લાગ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરની તબીબી ટીમને માંડલ રવાના કરવામાં આવી હતી. આ માટે જવાબદાર દવા, ઇન્જેક્શન કે સારવાર કરનાર સ્ટાફને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, આજે અમદાવાદ એમ એન્ડ જે આઇ હોસ્પિટલની ખુદ આરોગ્ય મંત્રીએ મુલાકાત લઇને વ્યવસ્થાની જાત તપાસ કરી હતી અને રિફર કરાયેલા દર્દીઓની સારવારની જાતે સંભાળ લીધી હતી.

અમદાવાદના વિરમગામની હોસ્પિટલ પર મોતિયાના ઓપરેશનમાં બેદરકારી કર્યાનો આરોપ લાગ્યો છે. 10 જાન્યુઆરીએ 25 દર્દીઓનું શ્રી રામાનંદ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશનના બે દિવસ બાદ 23 દર્દીઓને આંખે દેખાતું બંધ થયાની ફરિયાદ થઈ છે.

 

 

 

‘અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન’ પર સેમિનારનું આયોજન

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટનું 10થી 12 જાન્યુઆરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગીદારોમાંની એક ભાગીદાર EU ચેમ્બર કાઉન્સિલે ભાગ લીધો હતો. આ શિખર સંમેલનમાં દેશ-વિદેશની કંપનીઓએ ભાગ લીધો હતો.

EU ચેમ્બરે યુરોપિયન કંપનીઓને સમિટમા ભાગ લેવા પ્રોત્સાહિત કરી હતી અને આ કંપનીઓને ગુજરાતના વિઝન અને સંભવિત તકો વિશેથી માહિતગાર કરી હતી. ચેમ્બરે આ સમિટના બીજા દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ ‘અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન’ શીર્ષક સાથે સેમિનારનું આયોજન કર્યું હતું.

આ સેમિનારમાં  ડિરેક્ટર ડો. રેણુ શોમે મહેંમાનોનું સ્વાગત કર્યું હતું અને ઓર્ગેનાઇઝેનની કામગીરીની અને ભારત અને યુરોપની કંપનીઓને કનેક્ટ કરવામાં ચેમ્બરની ભૂમિકા વિશે માહિતી આપી હતી. આ સેમિનારમાં ભારતમાં સ્લોવેનિયાનાં એમ્બેસેડર શ્રીમતી મતેજા વોડેબ ઘોષે ભારત અને સ્લોવેનિયા વચ્ચેના સંબંધો પર અને બંને વચ્ચેની ભાગીદારી વિશેની માહિતી આપી હતી. યુરોપિયન યુનિયન માટે ભારત એક મોટું બજાર છે એમ સમજાવતાં તેમણે વિવિધ સેક્ટરો જેવાં કે રોબોટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટક, સપ્લાય ચેઇન, ઓટોમોબાઇલ કોમ્પોનન્ટ્સ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે સહયોગ સાધવા અને આ ક્ષેત્રે રહેલી તકો વિશે માહિતી આપી હતી. તેમણે ભારતની મહેમાનગીરીની પણ પ્રશંસા કરી હતી.

આ સેમિનારમાં ન્યુક્લિયોન રિસર્ચ પ્રા. લિ.ના ચેરમેન રોબિન બેનરજીએ પણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વના વિકાસમાં EUની અને ભારતના વિકાસમાં ગુજરાતની સમાંતર ભૂમિકા સમજાવી હતી. આ સાથે લિસેગા ઇન્ડિયા પ્રા. લિ.ના MD અમિતાભ આનંદે ગુજરાતની સિંગલ વિન્ડો સિસ્ટમને બિરદાવી હતી, કેમ કે એનાથી તેમની કંપનીએ નવ મહિનાની અંદર કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ સેમિનારના અંતે એક ઉપયોગી સવાલ-જવાબના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા-વિચારણાને પ્રોત્સાહન મળે.

 

 

 

 

પંજાબી સ્ટ્રીટ ફુડ ‘શર્લે’

ઠંડીના દિવસોમાં નવા બટેટા આવે છે. ખાસ નાના બટેટાથી બનતું જાલંધર, પંજાબનું સ્ટ્રીટ ફુડ ‘શર્લે’ અથવા ‘શર્લા’ ઠંડીના દિવસો દરમ્યાન જ ત્યાં વેચાતું હોય છે, જે ઘણું જ સ્વાસ્થ્યવર્ધક છે. આ ‘શર્લે’ ઘરે બનાવો, તો તેમાં મેથી તેમજ પાલકની ભાજી ઉમેરીને લીલી ભાજી બાળકોને આ નાસ્તા દ્વારા આપી શકાય છે!

સામગ્રીઃ

  • દમ આલૂ (નાની સાઈઝના) 1 કિલો
  • મૂળા 2
  • લીલાં મરચાં 4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • જીરુ ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ધોઈને સમારેલી 2 કપ
  • પાલક ધોઈને સમારેલી 1 કપ
  • લીલી મેથીના પાન ધોઈને સમારેલાં 1 કપ
  • ચણાનો લોટ 2½ કપ
  • મરચાં પાઉડર 1 ટે.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટે.સ્પૂન
  • હળદર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટે.સ્પૂન
  • જીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન

રીતઃ દમ આલૂને 3-4 પાણીએથી સરખી રીતે ધોઈને કપડાંથી લૂછી લો. છાલ કાઢવાની જરૂર નથી. કૂકરમાં આલૂ મૂકી તેમાં ½ થી 1 કપ પાણી ઉમેરીને કૂકરનું ઢાંકણ ઢાંકી દો. ફક્ત 1 સીટી થવા દો.

મૂળાને ધોઈને છોલીને ખમણી લો. મધ્યમ અથવા મોટી છીણીથી ખમણી લો.

ચટણી બનાવવા માટેઃ કોથમીર, લીલાં મરચાં, આદુનો ટુકડો, લીંબુનો રસ, જીરુ, મીઠું સ્વાદ મુજબ તેમજ ચપટી ખાંડ મેળવીને લીલી ચટણી બનાવી લો.

કૂકરમાંથી વરાળ નીકળી ગયા બાદ બટેટાને એક મોટા તાસ અથવા બીજા કોઈ પહોળાં વાટકામાં કાઢી લો. બટેટા ગરમ હોય ત્યારે જ આ વાનગી બનાવવાની હોય છે. એટલે એમાં ઉમેરવાની અન્ય સામગ્રી અગાઉથી જ તૈયાર કરી રાખવી.

બાફેલાં બટેટામાં મોટા બટેટા હોય તો તેના 2-3 કટકા કરી લો. હવે એક તવેથા અથવા ચપટા તળિયાવાળી વાટકીથી ઉપરથી હળવે હળવે દાબીને થોડાં ચપટાં કરીને, મોટા તાસમાં એકસરખા ફેલાવી દો. તેમાં થોડો ચણાનો લોટ, બધા સૂકા મસાલા, લીલાં મરચાં સમારેલાં, ખમણેલું આદુ, સમારેલી મેથી-પાલકની ભાજી, કોથમીર, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ, જીરુ વગેરે મેળવી લો તેમાં 1 કપ જેવું પાણી ઉમેરી દો. ચણાનો લોટ થોડો થોડો નાખતાં જાઓ અને થોડુંક પાણી નાખીને મિશ્રણ મેળવતાં જાઓ. આ બધા બટેટા પર ચણાના લોટનું કોટીંગ થયું હોય તે રીતે લાગી જવું જોઈએ.

એક નોન-સ્ટીક પેનનું તળિયું ઢંકાય એટલું તેલ તેમાં ઉમેરીને ગરમ કરવા મૂકો. એક ચમચા વડે થોડું મિશ્રણ લઈ તેને પેનમાં ગરમ થયેલા તેલમાં પુરીને જેમ ગોળાકાર આકારમાં ફેલાવીને મૂકો. તવેથા વડે ઉપરથી થોડું દાબીને ચપટી પેટીસ જેવું બનાવી લો અને શેલો ફ્રાઈ કરી લો. આ વાનગીને કાચી-પાકી શેલો ફ્રાઈ કર્યા બાદ, પીરસતી વખતે ડીપ ફ્રાઈ કરીને પણ પીરસી શકાય છે.

શર્લે ટીક્કી પીરસતી વખતે એક પ્લેટમાં મૂકી, તેની ઉપર ખમણેલો મૂળો નાખી ઉપર તીખી તેમજ ગળી ચટણી પીરસવી. આ ટીક્કી બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે.

 

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડોઃ રૂ. ચાર લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ શેરબજારની તેજી પર બે દિવસથી બ્રેક લાગી ગઈ છે. ખરાબ ગ્લોબલ સંકેતો અને નબળાં પરિણામોને લીધે સ્થાનિક શેરબજારોમાં ભારે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. HDFC બેન્કે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બે ટકા તૂટીને બંધ થયા હતા. નિફ્ટીના 50માંથી 41 શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી અને સેન્સેક્સના 30માંથી 24 શેરોમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી બેન્કમાં 22 મહિનાની ઇન્ટ્રા-ડે ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો થયો હતો.અમેરિકી ફેડ ટૂંક સમયમાં વ્યાજદરોમાં કાપ કરવાની શક્યતા હતી, પણ હવે ફેડના કેટલાક સભ્યોએ એ વાતનો સંકેત આપ્યા હતા કે વ્યાજદરોમાં કાપ કરવાની કોઈ જલદી નથી.

નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ઘટાડામાં HDFC બેન્કનું આશરે 50 ટકા યોગદાન રહ્યું હતું. બેન્કનું માર્કેટ કેપ રૂ. એક લાખ કરોડ સુધી ઘટી ચૂક્યું હતું. આ સિવાય BSE પર લિસ્ટેડ કંપની કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. આ સાથે વોલેટિલિટી ઇન્ડેક્સ 11 ટકા વધ્યો હતો. BSE સેન્સેક્સ 1628 પોઇન્ટ તૂટીને 17,501ના સ્તરે બંધ આવ્યો હતો અને નિફ્ટી 460 પોઇન્ટ તૂટીને 21,572ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં 2061 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે મિડકેપ 516 પોઇન્ટ તૂટીને 47,152ના મથાળે બંધ રહ્યો હતો.

 

 

 

 

 

 

ગુજરાત સરકારે વન નેશન, વન ચલણ ઇ-ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો

ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ ઇ-ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ઈ-ચલાન એપ લોન્ચ કરીને ‘વન નેશન, વન ચલણ’ પ્રોજેક્ટનો આરંભ થયો છે. તેમાં સ્થળ પર દંડ ભરી ન શકતા વાહનચાલકો ઓનલાઈન રકમ ભરી શકશે. તેમજ 90 દિવસમાં દંડ ન ભરનારનો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઇર્ન્ફ્મેટીક્સ સેન્ટરના સહયોગથી વન નેશન, વન ચલણ- ઇચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફ્કિ પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફ્કિનુ નિયમોનું ઉલ્લંઘન કરનારને એપ્લિકેશન મારફ્તે દંડ ફ્ટકારશે. ઉપરાંત ભારતના કોઇ પણ રાજ્યની ગાડી કોઇ પણ જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો પોલીસ ઇ-ચલણ આપશે. ત્યારે વાહનચાલકને ઇ-ચલણ મળ્યાના 90 દિવસમાં દંડ નહિ ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરશે.

દેશભરમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકારે NIC ના સહયોગથી વન નેશન, વન ચલણ ઇ-ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનના અમલથી વાહનો ચાલકોએ ટ્રાફ્કિ નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઈ ચલણ આપવામાં આવશે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફ્કિ પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફ્કિના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે. જેમાં વાહનચાલકને મોબાઇલમાં મેસેજ પણ મળશે.

વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. વાહન ચાલકોને ઈ ચલણ મળ્યાના 90 દિવસમાં તેને ભરી દેવુ પડશે, જો આ સમયગાળામા ઈ ચલણ ન ભરાય તો તે ચલણ 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધી દંડ ભરવામા નહી આવે તો બાદમાં તે ચલણ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે-તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા કરશે.

ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત મામલે કિંજલ દવેને રૂ.1 લાખનો દંડ ભરવા આદેશ

ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત ગાતા કિંજલ દવે ભરાઇ છે. જેમાં રૂ.1 લાખનો દંડ ભરવો પડશે. તેમાં કોર્ટના પ્રતિબંધ છતાં ચાર-ચાર બંગડી ગાયું એટલે કિંજલ દવેને એક લાખનો દંડ થયો છે. લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં આ ગીત ગાવાની મનાઈ કરેલી છે. તેમજ ગીતના કોપીરાઈટ વિવાદ વચ્ચે ઓસ્ટ્રેલિયા, કેનેડા, USમાં 20-25 વખત ગાયું હતું. સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ થશે. ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટ વિવાદમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેને આ ગીત કોઇપણ રીતે લાઇવ, પબ્લીક ડોમેઇન કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે અગાઉ સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો હોવા છતાં આ વખતની નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઇવ પરફોર્મન્સ અને યુ ટયુબ તેમ જ પબ્લીક ડોમેઇનમાં ગાતા તેની વિરૂધ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ રેડ રીબન એન્ટરટેઇમેન્ટ પ્રા.લિ તરફ્થી કોર્ટમાં અરજી કરાઇ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફ્ટકાર્યો છે.

સીટી સિવિલ જજ ભાવેશ કે.અવાશીયાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ કિંજલ દવેના આ કૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવ્યું હતુ અને તેને એક લાખ રૂપિયાનો દંડ સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા ફરમાન કર્યું હતું. જો સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા પણ કોર્ટે હુકમમાં ઠરાવ્યું હતું. રેડ રીબન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ તરફ્થી સિવિલ પ્રોસીજર કોડ-1908ની કલમ-151ની રૂલ-39(2-એ) અન્વયે અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઇ કોપીરાઇટ હક્કો ધરાવે છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ તેમના આ અધિકાર પર તરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ ગીત બજારમાં ફરતુ કર્યું છે.

આ કેસમાં ગત તા.1-10-2022ના રોજ સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોઇપણ પ્લેટફોર્મ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સિવિલ કોર્ટના આ હુકમ છતાં કિંજલ દવેએ અદાલતના હુકમની ધરાર અવગણના કરી આ વખતની નવરાત્રિમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં લાઇવ પરફોર્મન્સ, યુ ટયુબ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત ગાઇને કોર્ટનો તિરસ્કાર કર્યો છે. પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે, સિવિલ કોર્ટના હુકમ સામે કિંજલ દવે હાઇકોર્ટમાં પણ ગયા હતા પરંતુ હાઇકોર્ટે સિવિલ કોર્ટના હુકમમાં કાઇ દરમ્યાનગીરી કરી નથી, તેથી સિવિલ કોર્ટનો હુકમ આજે પણ અસ્તિત્વમાં છે. ખુદ કિંજલ દવેએ તેની ઉલટતપાસમાં કબૂલ્યું છે કે, તેણે 2023ની નવરાત્રિમાં આ ગીત 20થી 25 વખત ગાયુ છે. તેથી તેમને દંડ ભરવો પડશે.

ગુજરાતમાં શિક્ષણ બોર્ડે ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો

ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. જેમાં PMના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના કારણે શાળાની પરીક્ષા એક દિવસ મોડી શરૂ થશે. તેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. જેમાં 29ના બદલે 30 જાન્યુઆરીથી શરૂ થશે. પરીક્ષા 7ના બદલે 8 ફોબ્રુઆરીએ પૂર્ણ થશે. વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.9થી 12ની શાળાકીય પરીક્ષાઓના કાર્યક્રમમાં થોડો ફેરફાર કર્યો છે. ધોરણ. 9થી 12ની શાળાકીય પરીક્ષા 29મી જાન્યુઆરીથી શરૂ થવાની હતી. પરંતુ આજ દિવસે પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેથી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, શાળાકીય પરીક્ષાઓ હવે 29 જાન્યુઆરીના બદલે તા.30 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે 7 ફોબ્રુઆરીના બદલે 8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની પ્રિલીમ અને દ્વિતીય શાળાકીય પરીક્ષા તા.29 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પરીક્ષાઓ તા.7 ફોબ્રુઆરીના રોજ પૂર્ણ થવાની હતી. કેલેન્ડરના હિસાબે શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. બીજી તરફ દર વર્ષે યોજાતો વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ 29મી જાન્યુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ નિહાળતાં હોય છે. પ્રસારણ માટે સ્કૂલોમાં આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમનો દિવસ અને પરીક્ષા શરૂ થવાનો દિવસ એક જ હોવાથી મુશ્કેલી ઉભી થઈ હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પરીક્ષાઓ શરૂ થવામાં એક દિવસ પાછી ઠેલવાનો નિર્ણય લેવાયો છે. બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે, શાળાકીય પરીક્ષા હવે તા.30 જાન્યુઆરીથી શરૂ થશે અને તા.8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ કરવાની રહેશે.

મણિપુરમાં ઉગ્રવાદીઓનો હુમલો, એક જવાન શહીદ

મણિપુરના તેંગનોપલ જિલ્લાના મોરેહ શહેરમાં બુધવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કર્યો. જેમાં રાજ્યના એક પોલીસ કર્મચારીનું મોત થયું. પોલીસે આ માહિતી આપી હતી. મૃતકની ઓળખ વાંગખેમ સોમરજીત તરીકે થઈ છે, જે મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો સાથે જોડાયેલ IRB કર્મચારી છે. પોલીસે જણાવ્યું કે સોમરજીત ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના માલોમનો રહેવાસી હતો.

કુકી આતંકવાદીઓ સાથે ગોળીબાર

પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બુધવારે સવારે મોરેહ શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ શંકાસ્પદ કુકી આતંકવાદીઓ સાથે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ SBI મોરેહ નજીક એક સુરક્ષા ચોકી પર બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો, સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. આતંકવાદીઓએ અસ્થાયી કમાન્ડો પોસ્ટ પર પણ આરપીજી શેલ છોડ્યા હતા, જેનાથી નજીકમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનોને નુકસાન થયું હતું.

મણિપુર સરકારે કર્ફ્યુ લાદ્યો

સરહદી શહેરમાં એક પોલીસ અધિકારીની હત્યાના સંબંધમાં રાજ્ય દળોએ બે શકમંદોની ધરપકડ કર્યાના 48 કલાક પછી શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા ચોકી પર ગોળીબાર કર્યો, પોલીસે જણાવ્યું હતું. અગાઉ, તેંગનોપલના મહેસૂલ અધિકારક્ષેત્રમાં શાંતિના સંભવિત ભંગ, જાહેર શાંતિમાં ખલેલ અને માનવ જીવન અને સંપત્તિ માટે ગંભીર જોખમના ઇનપુટ્સને પગલે, મણિપુર સરકારે 16 જાન્યુઆરીના રોજ સવારે 12 વાગ્યાથી સંપૂર્ણ કર્ફ્યુ લાદ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ તેંગનોપલના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કર્ફ્યુ, જો કે, કાયદો અને વ્યવસ્થા લાગુ કરવા અને આવશ્યક સેવાઓની જાળવણીમાં રોકાયેલી સરકારી એજન્સીઓને લાગુ પડશે નહીં.