Home Blog Page 2116

પંચાંગ 27/01/2024

ગુલકંદ – ૨૭ જાન્યુઆરી, ૨૦૨૪

ગુલકંદ – ૨૭ જાન્યુઆરી, ૨૦૨૪

૨૭ જાન્યુઆરી, ૨૦૨૪

૨૭ જાન્યુઆરી, ૨૦૨૪

તમારો એક મત ગુજરાતને ગૌરવ અપાવી શકે…

ગાંધીનગરઃ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વે આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું હતું, જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. પ્રજાસત્તાક દિને પરેડમાં કચ્છના ધોરડોની પણ ઝાંખી જોવા મળી હતી અને કચ્છની સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવામાં આવી હતી. વાચક મિત્રો, આપણે સૌએ ગુજરાતના ટેબ્લોને વિજયી બનાવવાનો છે. તમારો એક મત ગુજરાતને ગૌરવ અપાવી શકે… 

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એક વાર વિજેતા બનાવો…

વાચક મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો: ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગત વર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરો અને ગુજરાતના ટેબ્લોને  વિજેતા બનાવવામાં સહયોગ આપો. પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ સહ આભાર.

આ રીતે કરી શકો છો આપ વોટિંગ :

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

  • https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/
  • ત્યાર બાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
  • નીચે લીલા બટનમાં Log in to Participate છે, દબાવો
  • ત્યાર બાદ તમારા મોબાઇલ નંબર/ઇ-મેલ આઈડી લખો
  • જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
  • આ OTP લખતા થોડી વારમાં જ તમારો વોટ ગુજરાતને રજિસ્ટર થઈ જશે.
  • જો SMS થી વોટિંગ કરવા માગતા હો તો નીચેની પદ્ધતિનો અમલ કરો :

SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice Number Send to 77382 99899

વોટિંગ લિંક 27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલ્લી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને  વિજેતા બનાવો.

 

 

 

 

 

 

 

ભારતની 175 રનની લીડઃ જાડેજા 81, અક્ષર 35 રને નોટઆઉટ

હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધીમાં ટીમ ઇન્ડિયાએ મેચમાં બેટિંગ કરીને બોર્ડ પર સાત વિકેટે 421 રન બનાવ્યા છે, જેની સાથે ભારતે 175 રનની લીડ મેળવી લીધી છે. આ દરમિયાન રવીન્દ્ર જાડેજા 81 અને અક્ષર પટેલ 35 ક્રીઝ પર છે.

ટીમ ઇન્ડિયા વતી જાડેજાએ 155 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા છે. આ સિવાય તેનો સાથ આપી રહેલા અક્ષર પટેલે 62 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવી નોટ આઉટ રહ્યો છે. બંનેએ આઠમી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.

આ પહેલાં ભારત તરફથી ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે 123 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનિંગ કરવા આવેલ યશસ્વી જયસ્વાલ પણ બીજા દિવસે 74 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 80 રન બનાવીને આઉટ થયો હતો.

આ પહેલાં ભારતે બેટિંગ કરતાં બીજા દિવસની શરૂઆત 119/1 રનથી કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલના રૂપમાં ભારતને બીજા દિવસનો પહેલો ફટકો લાગ્યો હતો. ત્યાર પછી ભારતને બીજા દિવસનો બીજો અને ઈનિંગનો ત્રીજો ફટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો, જે 35મી ઓવરમાં 23 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી જેને રેહાન અહેમદે 53મી ઓવરમાં અય્યરની વિકેટ સાથે તોડી હતી.

ત્યાર બાદ રાહુલે રવીન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી, જે 65મી ઓવરમાં કેએલ રાહુલની વિકેટ સાથે પૂરી થઈ હતી.

 

 

 

 

જ્ઞાનવાપી મસ્જિદ સર્વે રિપોર્ટ પર મુસ્લિમોમાં ગુસ્સો

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો અહેવાલ આવ્યા પછી નમાજ અદા કરવા મોટી સંખ્યામાં મુસ્લિમો પહોંચ્યા હતા. મસ્જિદમાંથી નીકળ્યા પછી અંજુમન ઇન્તેજામિયા કમિટીના સંયુક્ત સેક્રેટરીને સાથી નમાજીઓને બોલવાથી અટકાવ્યા હતા. આ નમાજીઓએ પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરી હતી. આ નમાજીઓએ મિડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે મિડિયાને ચોર અને દલાલ કહ્યા હતા.

એક નમાજીએ કહ્યું હતું કે ASIના રિપોર્ટને અમે નથી માનતા. અમે 1991 પૂજા અધિનિયમને માનીશું અને એ આધારે નિર્ણય થવો જોઈએ. કેસ ફાઇલ કરવો જ ખોટું હતું. જ્ઞાનવાપી મસ્જિદના કોમ્પ્લેક્સ અંગે પુરાતત્વ ખાતાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ મસ્જિદ નીચે પણ અસલમાં એક હિંદુ મંદિર હતું. આ ઈમારતમાં ગુંજબ મસ્જિદનું છે પરંતુ તેની દીવાલોનો ઘણો ભાગ મંદિરોનો છે.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવાયું છે કે અહીં અગાઉથી જે સ્ટ્રક્ચર હતું તેને 17મી સદીમાં તોડી પાડવામાં આવ્યું હતું. હાલનું માળખું બનાવવામાં આવ્યું તે અગાઉ ત્યાં એક મંદિર હતું. અત્યાર સુધી ASIનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હતો. હવે વારાણસીની જિલ્લા કોર્ટે બંને અરજકર્તાઓને જ્ઞાનવાપી મસ્જિદ અંગે ASIનો સર્વે સોંપવાનો નિર્ણય લીધો છે.ASIએ રિપોર્ટમાં નોંધ્યું છે કે મસ્જિદમાંથી અરેબિક પર્શિયન ભાષામાં લખાયેલું કોતરકામ મળી આવ્યું છે. તેમાં જણાવાયું છે કે ઔરંગઝેબના શાસનના 20મા વર્ષમાં મસ્જિદ બની હતી. તેથી અગાઉ અહીં જે માળખું હતું તે 17મી સદીમાં તોડવામાં આવ્યું હોય તેવી શક્યતા છે.

 

 

 

 

 

 

 

 

 

કેનેડાની જેમ પાકિસ્તાને લગાવ્યા ભારત પર ગંભીર આરોપ

નવી દિલ્હીઃ કેનેડા અને અમેરિકા પછી પાકિસ્તાને પણ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર પાકિસ્તાની  નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે બે પાકિસ્તાની નાગરિકોની હત્યાને મામલે હત્યારાઓ અને ભારતીય એજન્ટ્સની વચ્ચે સંબંધોના પુરાવા મળ્યા છે.

અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપ મુખ્ય પ્રવક્તા વેદાંત પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કેનેડા અને અમેરિકા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર વિદેશી ધરતી પર હત્યાનો આરોપ લગાવ્યો છએ. આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. જોકે આ વિશે મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી. આવામાં પાકિસ્તાન અને ભારત સરકારને આ વિશે વધુ કહેવા દઈશ.

પાકિસ્તાનના વિદેશ સચિવ મોહમ્મદ સાઇરસ સજ્જાદ કાઝીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતીય જન્ટ્સે પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાની નાગરિક શાહિદ લતીફની હત્યા કરી છે. અમારી પાસે પૂરતા પુરાવા છે.

જોકે પાકિસ્તાનના આરોપો પર પલટવાર કરતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે પાકિસ્તાનનો આ જૂઠ ફેલાવવાનો પેંતરો છે અને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો પ્રકાર છે. પાકિસ્તાન આંતકવાદ, સંગઠિત ગુનાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો છે. ભારત અને કેટલાય અન્ય દેશોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે એ આતંકવાદ અને હિંસાનો શિકાર થશે.

 

 

 

 

 

 

 

 

બિહારમાં ભાજપ-JDUના ગઠબંધનની શક્યતા, 28એ શપથગ્રહણ

નવી દિલ્હીઃ બિહારના રાજકારણનો પારો ગરમ છે. RJD સાથે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે નીતીશકુમાર ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર નીતીશકુમાર NDAની સાથે સરકાર બનાવે એવી શક્યતા છે. તેઓ 28 જાન્યુઆરીએ નવમી વાર મુખ્ય મંત્રી પદના શપથ લેશે. તેમની સાથે ભાજપના બે ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનશે, જેમાં તેમની સાથે સુશીલ મોદી ડેપ્યુટી CM  બનાવવામાં આવે એવી શક્યતા છે. હાલના સમયે વિધાનસભા બંઘ નહીં કરવામાં આવે અને ચૂંટણી નહીં થાય. આમે બિહારમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે.

JDUએ પાર્ટીના બધા વિધાનસભ્યોને તરત પટના આવવાના નિર્દેશ આપ્યા છે. JDUએ પાર્ટીના બધા કાર્યક્રમો પણ રદ કરી દીધા છે.ભાજપના તમામ નેતાઓ દિલ્હી હાઇ કમાન્ડની સાથે બેઠકો યોઝી રહ્યા છે. NDAના સહયોગી પક્ષો સાથે વાતચીત પણ થઈ રહી છે. સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે. તેઓ  15 જુલાઈ, 2017થી 15 નવેમ્બર,2020 સુધી બિહારમાં ડેપ્યુટી CM રહ્યા છે. ત્યારે નીતીશકુમાર CM હતા.

સુશીલ મોદીએ નિવેદન કર્યું હતું કે જરૂર પડ્યે દરવાજા ખૂલી શકે છે. કંઈ કહી નહીં શકાય, કંઈ પણ થઈ શકે છે અને નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. તેમના નિવેદન સંકેત આપી રહ્યા છે કે બિહારમાં ફરી એક વાર JDU-RJD સરકાર પડી શકે છે, પણ મુખ્ય મંત્રી નીતીશકુમાર મુખ્ય મંત્રી હશે. અટકળો ચાલી રહી છે કે નીતીશકુમાર ભાજપ સાથે મળીને ફરીથી સરકાર બનાવી શકે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આપણો સમાજ એ મુંબઈના દિલની ધડકન છેઃ ફડનવીસ

મુંબઈઃ ગેટવે ઓફ ઇન્ડિયાને 100 વર્ષ પૂરાં થવા પર મહારાષ્ટ્ર સરકારના ટુરિઝમ વિભાગ અને મુંબઈ ફેસ્ટિવલ કમિટી દ્વારા મુંબઈ ફેસ્ટિવલ-2024નું આયોજન 25 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ અંતર્ગત સાંજે છ કલાકથી રાત્રે 10 કલાક સુધી ગેટવે ઓફ ઇન્ડિયા પર મુંબઈ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેલિબ્રિટિઝ પણ મુંબઈકરો સાથે જોડાયા હતા.

મુંબઈ વોક-2024 વિરાસતની સાથે શહેરની સાથે પણ સંબંધ ગાઢ કરે છે. મુંબઈ વોક એકતાનું પ્રતીક છે, કેમ કે દૈનિક મુંબઈકરોની સાથે મશહૂર હસ્તીઓ પણ સાથે-સાથે ચાલે છે અને મુંબઈની સમાવેશી સ્પિરિટને દર્શાવે છે. જોકે મુંબઈ ફેસ્ટિવલ-2024 મુંબઈ વોકના માધ્યમથી શહેરીજનો-મુંબઈકર પર પ્રકાશ ફેંકે છે. આ કાર્યક્રમમાં મુંબઈવાસીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેમણે મુંબઈના ઘડતરમાં ફાળો આપ્યો છે, જેમની અજાણી વાર્તાઓને શોધવાની યાત્રા શરૂ કરી છે.

મુંબઈ વોક થકી ગુમનામ નાયકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પ્રત્યેકને કાર્યક્રમમાં સારી રીતે સન્માનવામાં આવ્યા હતા. એમાં સન્માનિત થનારા ઇન્ડિયન આર્મીના અધિકારીઓ, ભારતીય નેવીના અધિકારીઓ, મુંબઈ ટ્રાફિક પોલીસ અધિકારીઓ, ટેક્સી ડ્રાઇવરો, રિક્ષા ડ્રાઇવરો, મુંબઈના ડબ્બાવાળા, રેલવેના લોકોમોટિવ પાઇલટ્સ, ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય લોકો સામેલ હતા.

મુંબઈ વોક્સ મુંબઈ ભૂતકાળને જીવંત કરવાના રૂપે ઊભરી છે, જેણે એ વ્યક્તિઓ પર પ્રકાશ ફેંક્યો હતો, જેમની દ્રઢતા, હિંમત અને નિઃસ્વાર્થ યોગદાને શહેરના આત્માને ઝીણવટથી ઢાળ્યો છે.  આ વોકમાં ભાગ લેતા સહભાગીઓની વય અને પૃષ્ઠભૂમિ ભલે અલગ-અલગ હોય, પણ તેઓ ગુમનામ હીરોનું સન્માન કરવા એકજુટ થયા છે, એ મુંબઈનું ગૌરવ છે. આ કાર્યક્રમમાં મુંબઈકરોએ શહેરની સંસ્કૃતિ અને વિરાસતની સાથે ગાઢ સંબંધને ઉજાગર કર્યો છે અને એ દ્વારા મુંબઈના ગૌરવશાળી અતીતમાં નોંધપાત્ર યોગદાન આપનારા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

મુંબઈના આ ગુમનામ નાયકોને સન્માનિત કરતાં રાજ્યના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે મુંબઈનું સ્પિરિટ ક્યારે કથળ્યું નથી, ક્યારેય થાકતું નથી અને ક્યારેય ડરતું નથી. આ શહેરમાં લોકો સપનાં લઈને આવે છે અને મુંબઈ એ સપનાંને હકીકતમાં ફેરવી કાઢે છે. દરેક વ્યક્તિની સામૂહિક પ્રગતિનું ઉદાહરણ મુંબઈ ફેસ્ટિવલ દ્વારા મુંબઈ વોક જેવી પહેલ છે, જે શહેરને કંઈક ખાસ બનાવે છે. આવો, સાથે મળીને સૌના પ્રયાસોના માધ્યમથી આપણે મુંબઈને એક નવો આકાર આપીએ અને અદ્વિતીય ઓળખ બનાવીએ. આપણો સમાજ એ મુંબઈના હ્દયના ધબકારા છે, એમ તેમણે કહ્યું હતું.

આ ઇવેન્ટમાં રોહિત શેટ્ટી, શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, અમૃતા ફડનવીસ, પંકજ ત્રિપાઠી. કપિલ શર્મા, કબીર બેદી, વિવેક ઓબેરોય સહિત અને સેલિબ્રિટીઝે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ટુરિઝમ મંત્રી ગિરિશ મહાજન,  સ્કૂલ ઓફ એજ્યકેશન અને મરાઠી ભાષાના મંત્રી દીપક કેસરકર અને સ્કિલ, એમપ્લોયમેન્ટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પણ મુંબઈ વોકમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં પંકજ ત્રિપાઠી, અમૃતા ફડનવીસ, રિકી કેજ અને અન્ય પ્રતિભાશાળી કાલકારો દ્વારા અસાધારણ કૌશલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા.

મુંબઈ વોકનો અનુભવનો અનુભવ મુંબઈના આઇકોનિક રસ્તાઓ કરતાં ક્યાંય વધુ યાદગાર હતો. એ ગુમનામ હીરો પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધાંજલિની અભિવ્યક્તિ હતી, જેણે મુંબઈને સપનાંનું શહેર બનાવ્યું છે.

 (ફોટો- દીપક ધુરી)

 

 

જાણો, કોણ છે વલસાડના પદ્મશ્રી ડો. યઝદી ઇટાલિયા?

સુરતઃ કેન્દ્ર સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર વલસાડના ડો. યઝદી ઇટાલિયાને મેડિકલ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. કોણ છે? આ પારસી ડોક્ટર અને શું છે એમની કામગીરી એ સાઉથ ગુજરાત અને દેશ માટે જાણવું જરૂરી છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી સમીપ ચીખલીમાં પારસી પરિવારમાં જન્મેલા ડો. યઝદી ઇટાલિયા (Ph.D.) ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (I.Sc.) મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુવાદક વૈજ્ઞાનિક છે. ડો. ઇટાલિયાએ ગુજરાત સરકાર માટે ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ (SCACP) વિકસાવ્યો હતો. ડો. ઇટાલિયાએ 1978માં વલસાડમાં ગુજરાતના પ્રથમ સિકલ સેલ ડિસીઝ (SCD) દર્દીનું નિદાન કર્યું. બાદમાં થોડા જ સમયમાં તેમને સમજાયું કે આ દર્દ વિવિધ આદિવાસી વિસ્તારમાં સામાન્ય છે. તેમના પ્રથમ બે દર્દીઓ કાઉન્સેલિંગ અને નિયમિત ફોલો-અપને કારણે અનુક્રમે 76 અને 80 વર્ષનું દીર્ઘ જીવન જીવી શક્યા. આ વિસ્તારમાં એમણે વિનામૂલ્યે સ્ક્રીનિંગ શરૂ કર્યું. એ ચિત્રલેખાને કહે છે, ‘મારું દ્રઢપણે માનવું હતું કે આ વંચિત, ગરીબ અને અશિક્ષિત લોકો પોતાના પૈસા ખર્ચીને ક્યારેય કોઈ લેબોરેટરીમાં પોતાના લોહીની તપાસ માટે જશે નહીં અને ડૉક્ટરો દ્વારા નિદાન અને ખોટી સારવાર કરવામાં આવશે, એથી સરકારે આ જવાબદારી ઉપાડવી જોઈએ.’

ડૉ. ઇટાલિયાએ આદિવાસીઓના આરોગ્ય મુદ્દા વિશે જાગૃતિ લાવવા માટે ખૂબ મહેનત કરી છે. 1984માં આદિવાસી સમુદાયની સેવા કરવા માટે વલસાડ રક્તદાન કેન્દ્ર (VRK) નામે NGO શરૂ કર્યું. અહીં એક જ છત નીચે SCD સાથે બાળજન્મના નિદાન, કાઉન્સેલિંગ, સારવાર અને નિવારણ માટે ભારતનું પ્રથમ કોમ્પ્રિહેન્સિવ સિકલ સેલ ક્લિનિક શરૂ કર્યું.  તમામ સેવાઓ જેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનનો સમાવેશ થાય એ બધું જ વિનામૂલ્યે.1988માં, ICMR સાથે મળીને આદિવાસી પરિવારોનો સર્વે કર્યો અને સિકલ જનીનની 15 ટકા ઘટનાઓ મળી. આ પુરાવાને આધારે એમણે જિલ્લા અને રાજ્ય સરકારના આરોગ્ય અધિકારીઓ સાથે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરવા હિમાયત કરી.

1991માં એમને SCA પર ટૂંકી ફેલોશિપ માટે અમેરિકાની વેક ફોરેસ્ટ યુનિવર્સિટીમાં બોમેન ગ્રે સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ પૂર્ણ કર્યા પછી સીડીસી, એટલાન્ટામાં થોડા દિવસો વિતાવ્યા અને વિવિધ રાજ્યોમાં સિકલ સેલ સોસાયટીઓ વિશે જાણવા માટે અમેરિકાનાં 11 રાજ્યોની મુલાકાત લીધી.

ભારત આવ્યા પછી ડો. ઇટાલિયાએ ઉપલબ્ધ સંસાધનો સાથે અને ભારતીય પરિસ્થિતિઓ અનુસાર SCA પ્રોગ્રામ સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો. એમણે શરૂ કરેલી પદ્ધતિઓ સામાન્ય રીતે સરળ, અસરકારક અને કરકસરયુક્ત ટેક્નિક હતી, જે મર્યાદિત સંસાધનો સાથે પણ ખૂબ જ ઉપયોગી છે.

ભારતની આદિમ જનજાતિઓમાં વારસાગત અને આયર્નની ઊણપની એનિમિયા પરના બહુકેન્દ્રીય પ્રોજેક્ટ અને પ્રાદેશિક સ્તરે પરમાણુ (Molecular) સ્તરની પ્રયોગશાળાઓ સ્થાપવા માટેના જય વિજ્ઞાન પ્રોજેક્ટમાં એમણે NIIH-મુંબઈ, NIRTH-જબલપુર, RMRC-ભુવનેશ્વર, SCIC-રાયપુર અને અન્ય NGO સાથે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કામ કર્યું.

ડૉ. ઇટાલિયાએ આશા કાર્યકરો સહિત આરોગ્ય કર્મચારીઓ માટે અસંખ્ય CMEનું સંચાલન કર્યું.  તમામ આદિવાસી સગર્ભા બહેનોની તપાસ શરૂ કરી. 2012માં, ભારતમાં પ્રથમ વખત, ICMRના ભારત-યુએસ સહયોગી પ્રોજેક્ટ હેઠળ, વલસાડમાં હીલ પ્રિક ડ્રાય બ્લડ સેમ્પલ દ્વારા નવજાત શિશુની તપાસની સ્થાપના કરી. હાલમાં ડો. ઇટાલિયા વલસાડ જિલ્લામાં SCD અને થેલેસેમિયા સાથેના નવા જન્મોને રોકવા માટે સાર્વત્રિક પ્રસૂતિ પહેલાંની તપાસ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

એ SCA માટે તાજેતરમાં રજૂ કરાયેલ પોઇન્ટ-ઓફ-કેર ટેસ્ટ કીટની અસરકારકતા નક્કી કરવા માટે ICMR પ્રોજેક્ટના સહ-તપાસકર્તા પણ હતા.ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ હોવાના નાતે એમનું સૂત્ર છે- “વિજ્ઞાનને આદિવાસી સમુદાયના ઘર સુધી લાવવું”. એ ગ્રામીણ PHC સ્તરથી આધુનિક મોલેક્યુલર સ્તર PND તક્નિકો સુધીની સરળ નિદાન પ્રક્રિયાઓ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. ડો. ઇટાલિયા ગુજરાતના અને આડકતરી રીતે NHM હેઠળ આધુનિક સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના આર્કિટેક્ટ છે. ડો. ઇટાલિયા 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયાને દૂર કરવાના મિશન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં MOHFW, MOTA અને CAFPDની વિવિધ સમિતિઓના સભ્ય પણ છે.

અરવિંદ ગોંડલિયા (સુરત)